Home » મેચ ફિક્સિંગ : કલ ભી, આજ ભી ઔર કલ ભી

મેચ ફિક્સિંગ : કલ ભી, આજ ભી ઔર કલ ભી

by Jaywant Pandya

વિનોદ કાંબલી ફરી વાર રડી પડ્યો! સ્ટાર ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેણે  જે વાતો કરી તેનાથી ફરી મેચ ફિક્સિંગનું ભૂત ધૂણ્યું છે.

વિનોદ કાંબલી ઘણો પ્રતિભાવાન બેટ્સમેન. વિનોદ કાંબલી અને સચીન તેંડુલકર બંનેએ શાળાકીય ક્રિકેટમાં રનોનો ઢગલો કરીને વિક્રમ કર્યો હતો અને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. બંનેનો ક્રિકેટમાં ઉદય પણ લગભગ સાથે જ થયો. ક્રિકેટઇતિહાસની મારી યાદશક્તિ મુજબ, જ્યારે સચીન લાંબો સ્કોર નહોતો કરી શકતો ત્યારે વિનોદ કાંબલી ટેસ્ટમેચમાં બેવડી સદી ફટકારી ચુક્યો હતો. પણ તેની રમતમાં સાતત્ય નહોતું.

વિનોદ કાંબલીએ સીધે સીધી વાત નથી કરી કે ૧૯૯૬ના વિશ્વકપની સેમી ફાઇનલ ફિક્સ થઈ હતી. પણ માધ્યમોએ આ વાત ઝિલી લીધી છે અને મારી વાત લખી લો, આમાં કંઈ થવાનું નથી. અઝહરુદ્દીનને શું થયું? તેના પર પ્રતિબંધ મૂકાયો. અજય જાડેજાને શું થયું? તેના પર પ્રતિબંધ મૂકાયો. બસ, એટલું જ. જનતાએ તો અઝહરને સાંસદ બનાવ્યો જ ને. અને એક સમાચાર ચેનલ પર બતાવ્યું છે તેમ, અઝહરનું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડના શરદ પવારના હસ્તે સન્માન કર્યું હતું!

મેચ ફિક્સિંગની વાત છે તો અત્યારે પણ મેચ ફિક્સ નથી થતી, તેમ માનવું ભૂલ ભરેલું છે. અત્યારે જ નહીં, વર્ષોથી આવું થાય છે. નહીં તો વિચાર કરો, ભારે પ્રભુત્વ સાથે વિશ્વકપ જીત્યા પછી તરત ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમનો ટેસ્ટમેચ, વન-ડે અને ૨૦-૨૦ મેચમાં સાવ ધબડકો થાય, ખરો? (એ તો આભાર માનો કે એ વખતે અણ્ણાનું આંદોલન ચાલતું હતું એટલે તેના સમાચારોમાં ભારતીય ટીમનો ધબડકો દબાઈ ગયો નહીંતર તો તેમને ભારત પાછા આવવાનું પણ ભારે પડી ગયું હોત) એ જ ઇંગ્લેન્ડ પાછું ભારત રમવા આવે એટલે તેનો સંપૂર્ણ પરાજય (વ્હાઇટ વોશ) થઈ જાય! વેસ્ટ ઇન્ડિઝ આવે એટલે તે પણ બે ટેસ્ટ શ્રેણી હારી જાય. છેલ્લાં પાંચેક વર્ષની શ્રેણીઓનાં પરિણામ જોશો તો ખ્યાલ આવી જશે, જાણે એવું નક્કી ન થયું હોય કે વિદેશમાં રમવા ગયા હોય ત્યારે શ્રેણી યજમાન ટીમ જીતે અને ભારતની ટીમ હારે. ઘરઆંગણે ભારતની ટીમ શ્રેણી જીતે અને વિદેશની ટીમ હારે. હા, એટલું ચોક્કસ કરાય છે કે પાંચ વન-ડે હોય તો પ્રેક્ષકોની ઉત્સુકતા અને રસ જળવાઈ રહે તે માટે બે વન-ડે ભારત જીતે અને બે વિદેશની ટીમ જીતે એવી ગોઠવણ થાય. એટલે છેલ્લી વન-ડે સુધી કોણ શ્રેણી જીતશે તેનો રસ ક્રિકેટપ્રેમીઓમાં જળવાઈ રહે…ફિલ્મોમાં ક્રિકેટની મેચ (અવ્વલ નંબર, લગાન) સાઇકલની રેસ (જો જિતા વો હી સિકંદર) કે અન્ય રમતોમાં બતાવે તેમ જ હવે મેદાન પરની રમતોમાં થવા લાગ્યું છે.

અને ક્રિકેટની રમતનું મોટું બજાર છે. હવે એ બજાર ભારતમાં વિકસી રહ્યું છે. એટલે ભારતીય ટીમને ઘણી મેચો જીતવા દેવાય છે. અન્ય રમતોમાં આવું બજાર વિકસતું નથી. ઘણી રમતો અને ઘણા કાર્યક્રમોમાં વિજેતા બજારની દૃષ્ટિએ જ નક્કી થતા હોય છે. જરા વિચાર કરી જોજો, વેનેઝુએલાની યુવતી મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સ કેમ થવા લાગી છે? ૯૦ના દાયકામાં સળંગ ભારતની યુવતીઓ જ મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ થવા લાગી હતી. તે પછી ભારતમાં સૌંદર્ય પ્રસાધનો સહિતનું બજાર વિકસી ગયું એટલે હવે તેને એ રીતે ભારતની ગરજ રહી નથી.

અને ફિક્સિંગની વાત કરીએ તો રાજકારણમાં પણ મોટા પાયે ફિક્સિંગ થાય છે. રાજ્યસભાની બેઠક હોય તો ત્રણ સાંસદ રાજ્યમાં શાસક પક્ષના અને એક સાંસદ વિપક્ષનો ચૂંટાય. રાજ્યમાં શાસક – વિપક્ષનું ફિક્સિંગ હોય જ છે. વિપક્ષના નેતાઓને લાભ મળતા બંધ થાય એટલે તે કોઈ મુદ્દે ગોકીરો મચાવે એટલે તેને શાસક પક્ષ લાભ આપી દે એટલે વિપક્ષના નેતાઓ ચૂપ થઈ જાય. કેન્દ્રમાં પણ આવું હોય છે. રાજ્ય – કેન્દ્રમાં કેટલીક સમિતિઓમાં વિપક્ષના માણસોને અધ્યક્ષ કે સભ્ય પદે ગોઠવી દેવાતા હોય છે. નહીંતર, ભ્રષ્ટાચાર હોય કે મોંઘવારી કે પાણીની- વીજળીની સમસ્યા, કેમ કોઈ મુદ્દે વિપક્ષો નક્કર રીતે રજૂઆત કરી તેનો ઉકેલ લાવવા શાસકોને મજબૂર કરી શકતા? વાત ક્રિકેટની હતી, પણ ફિક્સિંગ બધે જ છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

3 comments

PH Bharadia 20/11/2011 - 6:16 PM

અરે! મારા સાહેબ તમે આજે સાચી વાત કરી,આ ‘ફિક્સિંગ’ નું ભૂત તો કેટલાય વર્ષોથી
ચાલતું હશે પણ ત્યારે તે જમાનામાં આપણાં પત્રકારોને કંઈ ખબર પડતી નહીં હોય
એમ સમજવાનું,અને જો કદાચ તેઓને અણસારો હશે તોયે બાપલા તેમનાં મોઢાં
‘મુઠ્ઠી’ભર પૈસાથી ભરી દેવાતાં હશે કોને ખબર!! આ રોગ હવે રાજકારણ થી માંડીને
રમત-ગમત સુધી ફેલાયેલો છે,આમાં તમે કહ્યું તેમ કંઈ ફેરફાર થવાનો નથી,
આપણાં લોકોને આવું બધું પછી જતું હોય છે,બેચાર દિવસ ‘દેકારા’ અને ‘પડકારા’
કરે પાછા એવાના એવા!! ચામડીજ ગેંડા જેવી જાડી ત્યાં શું અસર થવાની!!

Reply
sherkhan 21/11/2011 - 9:32 PM

Perfect Talk, All political parties are same (BJP, Congress, Sonia Gandhi, Narendra Modi, Adavani) All are fixed.
They all wanted them to go ahead, thats it. Let ppl, Let india, Let gujarat, Let all states die.

Reply
» મેચ ફિક્સિંગ : કલ ભી, આજ ભી ઔર કલ ભી » GujaratiLinks.com 23/01/2012 - 11:18 AM

[…] રનોનો ઢગલો કરીને વિક્રમ કર્યો … Continue reading → Read, Think, […]

Reply

Leave a Comment