Home » મહિલા દિન નિમિત્તે : સ્ત્રી-પુરુષ સમાનતા શક્ય છે?

મહિલા દિન નિમિત્તે : સ્ત્રી-પુરુષ સમાનતા શક્ય છે?

by Jaywant Pandya

આજે મહિલા દિવસ છે. સમાચારપત્રોથી લઈને ટીવી ચેનલોમાં મહિલાઓની પૂર્તિથી લઈને સમાચારો પ્રગટ થયા છે અને થશે. હોટલોમાં કે સભાગૃહોમાં મોટા ચાંદલાવાળી, શિફોનની સાડીમાં સજ્જ સ્ત્રીઓ ભારેખમ વક્તવ્યો આપશે. સ્ત્રી પુરુષ સમાનતાની વાત કરશે. પુરુષો તેમને આગળ નથી આવવા દેતા તેની ફરિયાદ કરશે. જે અવધારણા (કન્સેપ્ટ)થી મહિલા દિવસ ઉજવાય છે તે અવધારણા અને તેનાં પરિણામો અંગે અમારે પણ કંઈક કહેવું છે.

સમાનતા શક્ય જ નથી!

પહેલી વાત. સ્ત્રી સમાનતાની વાતો થાય છે. સ્ત્રી પુરુષ સમોવડી બની તેવો શબ્દપ્રયોગ કરાય છે. અમને તો આની સામે જ વાંધો છે. ભાઈ, કુદરતે જ સમાનતા આપી નથી તો તમે ક્યાંથી સમાનતા લાવવાના? હકીકતે જુઓ તો કુદરતને જ સમાનતા મંજૂર નથી તેવું ક્યારેક લાગે છે (આના પર પાછી અલગથી બ્લોગપોસ્ટ થઈ શકે કારણકે આ વાત માત્ર સ્ત્રી-પુરુષના સંદર્ભમાં નથી.). તેવું જ હોત તો કુદરતે બધાં માણસોને એકસરખી ઊંચાઈવાળા, એકસરખા રંગરૂપવાળા, નાકનકશાવાળા બનાવ્યા હોત. અને પુરુષો અને સ્ત્રીઓ જેવો ભેદભાવ જ ન રાખ્યો હોત. કુદરતે સ્ત્રીને નાજુક બનાવી છે. પુરુષને સખ્ત. આ કુદરતનો ક્રમ છે. તો પછી સમાનતાની વાત શા માટે? અને સ્ત્રી પુરુષ સમોવડી એવો શબ્દપ્રયોગ શા માટે? સ્ત્રી સ્ત્રી છે. તેની સરખામણી પુરુષ સાથે શા માટે? સ્ત્રી પોતાની રીતે જ મહાન છે. તેને કોઈની સાથે સરખાવવાની જરૂર જ નથી.

પણ જો પુરુષ સમોવડી થવું જ હોય તો….?

પણ માનો કે કેટલીક સ્ત્રીઓની ઉશ્કેરણીથી મોટાભાગની સ્ત્રીઓ પુરુષ સમોવડી થવા માગે જ છે. તેમને એ જ કામો કરવાં છે જે પુરુષો કરે છે. તેમને કમાવું છે. રસોઈ નથી કરવી. સંજવારી નથી કાઢવી. પોતું કરવું નથી. બાળકોને ઉછેરવા નથી ગમતાં (જોકે બધી સ્ત્રીઓને આ લાગું નથી પડતું). તો?

ડાર્વિનનો સિદ્ધાંત માનીએ તો, પછી સ્વાભાવિક છે કે રસોઈ વગેરે કામો મૂકીને બહારનાં કામો કરવા સ્ત્રી નીકળી છે (અને નીકળી રહી છે) તે જોતાં ક્રમશઃ સ્ત્રીનું સ્ત્રીત્વ ધીમેધીમે ઓછું થતું જવાનું છે. સ્ત્રીમાં પુરુષો જેવી સખ્તાઈ, ઓછી સંવેદનશીલતા વગેરે આવતું જવાનું છે. આની અસર અંતઃસ્ત્રાવો (હોર્મોન) પર પણ પડવાની છે અને પરિણામે સ્ત્રી સહજ નાજુકતા, સ્ત્રી વિશેષ અંગો પર તેની અસર પડશે.

પુરુષ સમોવડી એટલે શું પુરુષો જે કરે તે કરવાનું?

પુરુષ સમોવડી થવા માટે સ્ત્રીઓ પુરુષો જે કરે તે બધાં કાર્યો કરવા, સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો, હાલી નીકળી છે. આજે સ્ત્રી ટ્રક ચલાવે છે, સ્કૂલ વાન ચલાવે છે, પ્લેન પણ ચલાવે છે. (અગાઉની બ્લોગપોસ્ટ આ સંદર્ભમાં વાંચો). એ તો ઠીક, પણ પુરુષોના સારા ગુણો કરતાં ખરાબ ગુણો વધુ અપનાવી રહી છે. કહેવાનો અર્થ એ કે, હવે સ્ત્રીઓ પણ પુરુષોની જેમ છૂટથી સિગારેટ પીવે છે, દારૂ પીએ છે, ગાળો બોલે છે અને લફરાં કરે છે. પુરુષોની જેમ શર્ટ પેન્ટ- શોર્ટ પહેરે છે. શર્ટનાં બટન ખુલ્લાં રાખે છે.

ખરેખર તો, સ્ત્રીઓએ પોતાના આદર્શ ઊંચા રાખવા જોઈએ. અને પુરુષો આમ કરે તો અમે પણ તેમ કેમ ન કરીએ તેવી સરખામણીથી બચવું જોઈએ.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

મહિલા દિન નિમિત્તે : સ્ત્રીઓની ફરિયાદો અને પુરુષના જવાબ! | Read, Think, Respond 08/03/2011 - 10:23 AM

[…] શા માટે મારો છો, બહેનો? હકીકતે, મેં અગાઉની બ્લોગપોસ્ટમાં લખ્યું છે તેમ કુદરતે સ્ત્રી […]

Reply

Leave a Comment