Home » મહિલા દિન નિમિત્તે : સ્ત્રીઓની ફરિયાદો અને પુરુષના જવાબ!

મહિલા દિન નિમિત્તે : સ્ત્રીઓની ફરિયાદો અને પુરુષના જવાબ!

by Jaywant Pandya

હમણાં એક મહિલા દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહેવાનું થયું (પુરુષ તરીકે હાજર રહેવા મળ્યું એ વળી સદ્ભાગ્ય! જોકે ત્યાં હાજર રહીને પુરુષો પરના ચાબખા જ ખાવાના હતા!) એમાં પુરુષો સામે જે જે ફરિયાદો થઈ તે તે નોંધતો ગયો છું. સાથે થોડા મારા મુદ્દા (સ્ત્રીઓને ફરિયાદોને લગતા, જે મેં ક્યાંક વાંચ્યા છે, થોડા ઘણા કુન્દનિકા કાપડિયાની ‘સાત પગલાં આકાશમાં’થી છે) પણ ઉમેર્યા છે, તેના જવાબો મારી દૃષ્ટિએ આપવાનો પ્રમાણિક પ્રયાસ કરી રહ્યો છું.

પુરુષ પ્રધાન સમાજ છે!

પુરુષ પ્રધાન સમાજ એવું લેબલ શા માટે મારો છો, બહેનો? હકીકતે, મેં અગાઉની બ્લોગપોસ્ટમાં લખ્યું છે તેમ કુદરતે સ્ત્રી પુરુષને અલગ રીતે ઘડ્યા છે, તો ઘડ્યા છે. તમારો વાંધો કુદરત સામે હોવો જોઈએ. કુદરતે શા માટે સ્ત્રીને જ માસિક ધર્મની પીડા આપી? શા માટે સ્ત્રીના પેટે જ બાળક અવતરે છે? શા માટે સ્ત્રીની છાતીમાંથી જ દૂધની ગંગા વહે છે? હવે કુદરતે એ રચના કરી છે તો સ્વીકારવી રહી. પણ, પુરુષપ્રધાન સમાજ કહેવાથી, ઈશારો એવો હોય કે પુરુષોનું જ ધાર્યું ચાલે છે, તો ખાંડ ખાવ છો. ઘરેઘરે અલગઅલગ પરિસ્થિતિ છે. અહીં વળી, ડાર્વિનનો સિદ્ધાંત લાગુ પડે છે.

આજથી નહીં, સેંકડો વર્ષોથી જોવાયું છે કે સ્ત્રી – પુરુષમાં જે બળુકું, તેનું જ ધાર્યું ચાલ્યું છે. સ્ત્રી- પુરુષ એટલે મારો અર્થ માત્ર પતિ-પત્ની જ નથી. ભાઈ- બહેન અને બહેન-બહેનની વાત પણ છે. માનો કે, બે કે ત્રણ બહેનો જ છે. તો? ત્યાં પણ સર્વોપરિતાની લડાઈ હશે જ ને. હકીકતે, સ્ત્રી-પુરુષના ઝઘડા હોય કે, હિન્દુ- મુસ્લિમના કે ભારત-પાકિસ્તાનના, સર્વોપરિતાની લડાઈના જ આ ઝઘડા છે. માનો કે, આ દુનિયામાં કોઈ હિન્દુ બચતો જ નથી, તો શું મુસ્લિમો સુખી થઈ જશે? પાકિસ્તાનમાં થાય છે તેમ તેમની વચ્ચે અંદરોઅંદર ઝઘડા નહીં થાય? આવો જ સવાલ હિન્દુઓ બાબતે હોઈ શકે, સ્ત્રીઓ બાબતે હોઈ શકે. વહુને કોઈ હેરાન કરે છે? પતિ કે સસરો? ના, સૌથી વધુ સાસુ. અને અત્યારના સંદર્ભમાં જોઈએ તો, સાસુને કોણ હેરાન કરે છે? વહુ જ. આવતાવેંત જ નોખા થવાની વાત. ‘તમારા (આપણા નહીં, કારણ એ સ્વીકાર આવતો જ નથી) મમ્મી તો બહુ કચકચ કરે છે’થી ઉશ્કેરણી ચાલુ થાય. પતિની તો બિચારાની વહાલી મમ્મી અને પત્ની ડાર્લિંગ વચ્ચે સેન્ડવિચ થઈ જાય.

સ્ત્રીને નાનપણથી જ કડક તાલીમ અપાય છે

હા, અને મારો નમ્ર અભિપ્રાય તો એવો છે કે પુરુષને પણ નાનપણથી કડક તાલીમ આપવી જોઈએ. સ્ત્રીને વિશેષ એટલા માટે કે તેને સાસરે જવાનું છે. અને સાસરે એડજસ્ટ થતાં શીખવાનું છે. અને વહુને જ શા માટે એડજસ્ટ થવાનું? કારણકે ગામ ન ફરે, ગાડું ફરે. ઘરના બધા લોકો એડજસ્ટ તો થશે, પણ થોડા થોડા, પણ વધુ તો વહુને એડજસ્ટ થવાનું છે. અને આજુબાજુ જોશો તો ઘણાં ઉદાહરણો મળશે જેમાં જૂની પેઢીની સ્ત્રીઓ સાસરે આવ્યા પછી તેના રૂપરંગમાં ઢળી ગઈ હોય અને તેમની વહુ પાસે એ જ નિયમોના પાલનની અપેક્ષા રાખતી હોય. કદાચ, એટલે જ જૂના જમાનામાં ૧૩-૧૪ વર્ષની ઉંમરે લગ્ન કરી નાખતા હતા જેથી સ્ત્રીને નાની ઉંમરે એડજસ્ટ થવાની ઓછી તકલીફ પડતી. આજે સમયસંજોગો બદલાયા છે. પરિણામે, ૩૦ વર્ષ અથવા તે પછીની ઉંમરે લગ્ન થાય છે. હવે આટલાં વર્ષો પિયરમાં રહ્યા હોય અને હવે તો લાડકોડથી, એટલે પછી સાસરે એડજસ્ટ થવામાં તકલીફ પડવાની જ.

શું માત્ર સ્ત્રીને જ ઘરનાં કામો કરવાનાં?

રસોઈથી માંડીને સંજવારી, પોતાં વગેરે કામો સ્ત્રીઓએ જ કેમ કરવાનાં? આવો પ્રશ્ન ઘણી સ્ત્રીઓને મૂંઝવતો હોય છે. જવાબ એ છે કે એક વ્યવસ્થા રચવામાં આવી હતી. બહુ શરૂઆતથી. પુરુષ સખ્ત હતો એટલે તેને બહારનાં કામો કરવાના રહેતા. જ્યારે સ્ત્રી ઘર સંભાળતી. ઘર સંભાળે એટલે ઘરનાં કામો પણ આવી જાય ને. પણ હવે સ્ત્રીને ઘરનાં કામો નથી ગમતા. તે પણ બહાર કમાવવા જવા લાગી છે. જૂની અને સરસ ગોઠવાયેલી વ્યવસ્થા તૂટી રહી છે. પરિણામે સંઘર્ષ થવાના. ક્યાંક સમાધાન પણ થતા હશે. પણ ટ્રાયલ એન્ડ એરર બેઝ પર ગોઠવાઈ રહેલી આ વ્યવસ્થામાં હજુ તો, જેમ, બેન્કમાં કમ્પ્યૂટર સિસ્ટમ દાખલ કરતી વખતે, મેન્યુઅલી અને કમ્પ્યૂટર દ્વારા એમ, બંને રીતે સિસ્ટમ ચાલુ રખાતી, તેમ સ્ત્રી નોકરીની સાથે હજુ ઘર પણ સંભાળે છે. જોકે ઘણાં ઘરોમાં પુરુષો અથવા તો કહો, કહ્યાગરા કંથ સ્ત્રીઓને પણ ઘર સંભાળવામાં, ભલે મોટી નહીં તો નાનીનાની મદદ તો કરે જ છે.

આ ને આ સિસ્ટમ ચાલુ રહી તો સંભવ છે, સબ ટીવી પર આવી રહેલી સિરિયલ ‘મિસિસ તેંદુલકર’ની જેમ, ભવિષ્યમાં પુરુષ ઘર સંભાળતો થઈ જાય. આમેય રોહિત બાલ, બોબી ડાર્લિંગ જેવા અપવાદોની વાત જવા દઈએ તો પણ, પુરુષ હવે પહેલાં જેવો સખ્ત નથી રહ્યો. તેનામાં સંવેદનશીલતા વધી છે. તેનેય હવે રડવું આવી જાય છે. તે પણ પોતાનું દુઃખ વ્યક્ત કરવા માગે છે. તે પણ વાતેવાતે ઢીલો પડી જાય છે. એટલે આ વ્યવસ્થાનું સમાધાન આવતાં હજુ કેટલાંક વર્ષો નીકળી જશે.

તો શું આ વ્યવસ્થા બરાબર હશે?

જ્યાં સુધી પુરુષો બાળકોને જન્મ આપતાં નહીં થાય ત્યાં સુધી, ના. સ્ત્રીઓને હજુય માસિકધર્મ આવે છે. તેના પેટે હજુય બાળકો જન્મે છે. મારી દૃષ્ટિએ, બાળકને સૌથી વધુ જરૂર માની હૂંફની, સ્પર્શની અને વ્હાલની હોય છે. પિતા વગર બાળકને હજુય કદાચ ચાલે, મા વગર નહીં. સૌથી પહેલી શિક્ષિકા મા છે. તે જ બાળકને સારો કે ખરાબ બનાવવામાં જવાબદાર બને છે. અને માટે જ, સ્ત્રી ઘરે બાળકોને ઉછેરે તો બાળકનો વધુ સારો ઉછેર થઈ શકે, તેવું મારું માનવું છે.

ગૃહિણી કહેતાં હાઉસવાઇફ હોવું શું ખરાબ છે? ઉતરતી કક્ષાનું છે?

જરા પણ નહીં. હું માનું છું કે વર્કિંગ વૂમન કરતાં હાઉસવાઇફ અનેક દરજ્જે મહાન છે! જોકે, આજે ઘણી સ્ત્રીઓ એવું માનતી થઈ ગઈ છે કે સ્ત્રીએ શું માત્ર ચાર દીવાલોની અંદર જ પૂરાઈને રહેવાનું? શું તેણે ‘ચુલ્લાચક્કી’ જ કરવાના? તેણે તેનું જીવન ગોંધાઈને રહેવાનું? તેણે તેની ઈચ્છાઓને દબાવી દેવાની?

આ બધી થોપાયેલી માન્યતાઓ છે. હકીકતે, વિદેશથી આયાત કરાયેલો આ મહિલા દિન આ રીતે, જેમ અન્ય બાબતોમાં વર્ગભેદ કરીને સંઘર્ષ કરાવે છે (દા.ત. હિન્દુ-મુસ્લિમ) તેમ જ પુરુષ-સ્ત્રીઓ વચ્ચે ઝઘડા અને સંઘર્ષનું એક કારણ બની રહ્યો છે. સ્ત્રીઓમાં એવી ખોટી માન્યતા થપી રહ્યો છે કે તે ઘરની બહાર નીકળે તો જ તે આઝાદ છે.

ઘરમાં રહીને સ્ત્રી બાળકને સાચવે, પુરુષ કમાવા જાય તેનાથી એક વ્યવસ્થા સચવાય છે. બાળક શાળાએથી ઘરે આવે તો તેને શાળાને લગતા કોઈ પ્રશ્નો, મૂંઝવણ કે સમસ્યા હોય, શાળામાં શિક્ષક વઢ્યા હોય, સહવિદ્યાર્થી સાથે ઝઘડો થયો હોય, શેરી, સોસાયટીમાં રમતી વખતે વાગે ત્યારે ઘરે માતા હોય તો બાળકને હૂંફ મળી રહે છે. બાળકને વાગે તો તરત હોસ્પિટલ માતા લઈ જઈ શકે છે. ઘરે માતા હોય તેથી બાળક ખોટા રસ્તે વળવાથી (મોટા ભાગે તો) બચે જ છે. ભણવાથી માંડીને રમવા સુધીનાં કાર્યોમાં માતાની સહભાગિતા (પાર્ટિસિપેશન) અને માર્ગદર્શન બંને મળી રહે છે. ઉગતું લોહી હોય તો ભૂખ લાગે તો માતા ગરમાગરમ નાસ્તો બનાવીને બાળકને આપી શકે છે. બાળકને તાવ આવ્યો હોય તો માતા બેઠાબેઠા કપાળે મીઠાનાં પાણીનાં પોતાં મૂકી શકે છે. (જોકે નવી પેઢીની માતાઓ તો કદાચ પેરાસિટામોલ જ જાણતી હશે, પોતાં મૂકવાની વાત નહીં). ઓછામાં ઓછું, મારા કિસ્સાની વાત કરું તો, મારી માતા હાઉસવાઇફ હતી તેથી મને તો હંમેશાં એક હૂંફ રહી છે. માર્ગદર્શન રહ્યું છે. અને મારી માતાની આંખોમાં પણ મેં ક્યારેય ફરિયાદ નથી જોઈ.

…અને જે સ્ત્રી વિશેષ લાયકાત ધરાવે છે – એમબીએ છે કે એન્જિનિયર છે કે એમસીએ છે અથવા તો એવો કોઈ ઉચ્ચ અભ્યાસ કરેલો છે અને પોતાના ક્ષેત્રમાં આગળ વધી શકે તેમ છે તે જરૂર નોકરી કરે. પરંતુ જેમનામાં આવી લાયકાત નથી તેવી સ્ત્રીઓ બહાર નોકરી કરવા જાય છે ત્યારે તેમને મળે છે તો મામૂલી – બે અઢી હજારની નોકરી. અને પછી ઘરમાં રાખે કામવાળા, બાળકોની સંભાળ રાખવાવાળા, રસોઈ કરનારા. પરિણામે તે નોકરી કરીને જેટલી આવક કમાતી હોય તેના કરતાં વધુ તો ઘરમાં કામવાળા, રસોઈયા, આયા વગેરે પાછળ ખર્ચ થઈ જાય! અને મેં એવા કિસ્સા જોયા છે જ્યાં પતિ મહિને લાખોની આવક અથવા તો અડધા લાખની આવક કમાતો હોય અને છતાં પત્નીને નોકરી કરવાના ધખારા હોય! એક સ્ત્રી મેં એવી જોઈ છે કે જે તેની દીકરીને રસોઈ શિખવાડવા નથી માગતી. કેમ? તો કહે, તેનું જીવન રસોડામાં જ થોડું પૂરું કરવાનું છે?

અરે, તમે ઘરે રસોઈ બનાવીને સારું, શુદ્ધ જમાડો, તો પતિ સાથે તમારું પેટેય સારું રહેશે. અન્ન તેવું મન. તે ન્યાયે બહારનું કે બહારના લોકોના હાથનું જમીને તમારું પેટ તો બગડે જ છે, સાથે તમારું મન પણ બગડે છે. તમે જેટલું ઘર ચોખ્ખું રાખવાના છો, તમે જેટલા સરસ રીતે, ઘસીને કપડાં ધોવાનાં છો તેટલાં સરસ કપડાં કામવાળાં ધોઈ શકશે? ઘર ચોખ્ખું રાખી શકશે? ના, કારણ તેમને એક ઘરે કામ કરવાનું નથી હોતું.

અને નોકરી કરવા જાવ ત્યારે બાવાના બેય બગડે છે. નથી ઘર સંભાળાતું, નથી નોકરીમાં ભલીવાર હોતી. (અપવાદોને બાદ કરતાં) કારણ તેમની નોકરી ટાઇમપાસ માટે જ હોય છે. નોકરી પ્રત્યે પ્રતિબદ્ધતા- સમર્પણ  હોતું નથી. થાય છે, પેલા જેવું. પુરુષો જેવી સમાનતા તરીકે નોકરી તો જોઈએ છે, પણ નોકરીમાં જ્યારે થાક લાગે- કંટાળો આવે કે અણગમતું કામ આવે ત્યારે સ્ત્રી સહજ લાભો લેવા છે. માથું દુઃખે છે, પેટમાં દુઃખે છે, સસરા બીમાર છે, દીકરાને તાવ આવ્યો છે તેવા (સાચા કે ખોટા) બહાનાં કરીને ઘરે ભાગવું છે અથવા ઓફિસમાં જ આરામ કરવો છે! જો સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતાની વાત હોય તો પછી પુરુષ જેવી પ્રતિબદ્ધતાથી કામ કરો ને. અહીં તો ઓફિસનું કામેય બગડે છે અને કામનું વાતાવરણ પણ. અને ઘર તો રખડી જ પડે છે.

સ્ત્રીની પ્રગતિ પુરુષો અટકાવે છે?

ના. સ્ત્રીને જ્યારે હૂંફ જોઈતી હોય છે ત્યારે તે અબળા બની જાય છે. તેની ફરિયાદ છે કે સ્ત્રીઓની પ્રગતિ પુરુષો સાંખી શકતા નથી. અહીં ફરી સર્વોપરિતાની વાત આવે છે. પહેલાં જ્યારે વર્કિંગ વૂમનનું ચલણ નહોતું ત્યારે પણ ઘરમાં સ્ત્રી જબરી હોય તો તેનું ચાલતું જ. મારા- તમારા દાદીમા, ભાભૂ, કાકી, મામી, માસી કે ફઈના કિસ્સામાં આવું તમે ક્યાંક ને ક્યાંક જોયું જ હશે. એટલે સ્ત્રીની પ્રગતિ પુરુષો સાંખી શકતા નથી તે વાત ખોટી છે અને એટલી જ ખોટી એ વાત છે કે સ્ત્રીઓને પ્રગતિ કરતાં પુરુષો અટકાવે છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, રઝિયા સુલતાન, દ્રૌપદી જેવા અનેક કિસ્સા આપણને ખબર છે. રૂઢિચુસ્તતાના સમયમાં આ સ્ત્રીઓએ પ્રગતિ કરી જ હતી ને.

સ્ત્રીને પ્રગતિ કરતાં જોઈને પુરુષનો અહં ઘવાય છે

અહં માત્ર પુરુષમાં જ છે? શું વહુ અને સાસુ વચ્ચે સંઘર્ષ જ નથી થતો? હા, તો પછી ત્યાં કયું પરિબળ વચ્ચે આવે છે? અહં, ઈર્ષા, અદેખાઈ…જો એક ઓફિસમાં માત્ર સ્ત્રીઓને જ રાખવામાં આવે તો ત્યાં શું શાંતિનું વાતાવરણ હશે? ત્યાં અહંનો ટકરાવ નહીં થાય? ના, આવું શક્ય જ નથી. કન્યાશાળાઓનાં ઉદાહરણો ઘણાને ખબર હશે કે તેમાં પણ તોફાની છોકરીઓ શાંત છોકરીને હેરાન કરતી હોય છે. છોકરીઓ ગાળો બોલતી હોય છે. ભાવનગરમાં માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ કે પછી મહિલા વિદ્યાલયમાં ભણેલી છોકરીઓને પૂછી જોજો.

સ્ત્રીઓ નોકરી કરશે તો શું વાતાવરણ સુધરી જશે?

ઉપર કહ્યું તેમ સ્ત્રી નોકરી કરવા જાય છે ત્યારે ઘર તો રઝળી પડે જ છે, ઓફિસમાં પણ ભલી વાર (મોટા ભાગે) નથી રહેતી. પછી આગળ વધવા માટે સાધ્ય હોય અને સત્તામાં હોય તેવા પુરુષને પટાવી સીડી બનાવવાના રસ્તા પણ અખ્ત્યાર થાય છે. અને ભ્રષ્ટાચાર હોય કે અન્ય ખોટાં કામો, તેમાં સ્ત્રીઓ પાછળ નથી! રાખી સાવંત, ડોલી બિન્દ્રા, કાશ્મીરા શાહ, બેન્ડિટ ક્વીન ફૂલન દેવી, માયાવતી, જયલલિતા વગેરે ઉદાહરણો છે જ. (ઇન્દિરા ગાંધી કે સોનિયા ગાંધીનાં ઉદાહરણો નહીં આપતા પ્લીઝ. ઇન્દિરા ગાંધીના સમયમાં ભ્રષ્ટાચાર કેટલો ફૂલ્યો ફાલ્યો હતો તે અજાણ્યું નથી. અને સોનિયા ગાંધીનું ઉદાહરણ તો નજર સામે જ છે. કેવું ‘આદર્શ’ શાસન તેઓ પૂરું પાડી રહ્યાં છે! (એ.) ‘રાજા’ને રાજા રહેવા દે છે. ખ્રિસ્તી પી. જે. થોમસની સામે કેસ હોવા છતાં તેમની નિમણૂંક ભ્રષ્ટાચારને ઉઘાડો પાડતી સંસ્થા સીવીસીના કમિશનર તરીકે થાય છે, સર્વોચ્ચમાં તેમનો બચાવ થાય છે અને પછી નાછુટકે જ તેમની વિદાય થાય છે.)

સ્ત્રીએ જ બંધન સ્વીકારવાનાં?

ઘરમાં હાઉસવાઇફ તરીકે રહેવાનું હોય કે પછી અંગ ઢાંકતાં કપડાં પહેરવાનાં હોય, આ બધાં બંધનો સ્ત્રીઓએ જ સ્વીકારવાના? આશીર્વાદ અપાય ત્યારે તેમને અખંડ સૌભાગ્યવતીના જ આશીર્વાદ શા માટે? પતિ જીવતો છે તેમ બતાવવા લાલ ચાંદલો શા માટે પત્ની કરે? મોળાકતથી લઈને વટ સાવિત્રીનાં વ્રતો કન્યાથી લઈને પત્ની તરીકે સ્ત્રી જ શા માટે કરે?

આવા તો કેટલાય સવાલો ‘સાત પગલાં આકાશમાં’ નવલકથામાં કુન્દનિકા કાપડિયાએ ઉઠાવ્યા છે (નામ ન ભૂલાતું હોય તો) વસુધાના માધ્યમથી.

મારા મતે, જવાબ એ છે કે બંધન માત્ર સ્ત્રીએ જ નથી સ્વીકારવાના. પુરુષે પણ સ્વીકારવાના છે. જો સ્ત્રીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ અપાતા હોય તો પુરુષ જ્યારે યજ્ઞ કે હવન કે કોઈ પૂજા કરે છે ત્યારે શું માત્ર તે જ સુખી રહે તેવા આશીર્વાદ તેને અપાય છે? પત્ની વગર કે સ્ત્રી વગર શું યજ્ઞ થઈ શકે છે? રામ યજ્ઞ કરતા હતા ત્યારે સીતા નહોતાં ત્યારે છેવટે સીતાની મૂર્તિ રખાઈ હતી. યજ્ઞ કરતી વખતે પત્ની ન હોય તો છેવટે, માતા દીકરાની સાથે બેસે છે. પુરુષ યજ્ઞ કરે ત્યારે સકળ કુટુંબના કલ્યાણાર્થે યજ્ઞ સંકલ્પ કરાવાય છે.

અંગ ઢાંકતાં કપડાં સ્ત્રીએ પહેરવાનાં છે તો પુરુષ પણ તેમાંથી બાકાત નથી. ઇનફેક્ટ, ઘણી જગ્યાએ મેં જોયું છે કે કોઈ પડોશી કે મહેમાન તરીકે સ્ત્રી આવે તો ગંજી પહેરેલો પુરુષ અંદર જઈને શર્ટ પહેરી આવે છે. મર્યાદા સ્ત્રીએ જાળવવાની છે તો પુરુષેય જાળવવાની જ છે.

અને મોળાકત વગેરે વ્રત તો એટલા માટે કે મોટા થઈને સાસરે જવાનું છે તો એડજસ્ટ થવામાં તકલીફ ન પડે, એ માટે. પુરુષને નાનપણથી રોવા દેવામાં નથી આવતો કારણકે તેને સખ્ત બનાવવાનો છે. તેને નાનપણથી કહેવાય છે કે મોટા થઈને તારે જ ઘર ચલાવવાનું છે. આમ, એક વ્યવસ્થા સહજ આ બધી બાબતો કહેવાય છે અને એ વ્યવસ્થા એટલે પુરુષ કમાય અને સ્ત્રી ઘર સંભાળે. જો આ વ્યવસ્થા બદલાશે તો ઘણું બધું બદલાશે.

પતિ- પત્ની બંને નોકરી કરશે તો ઘરે બાળકોના ઉછેરમાં તકલીફ પડશે. માંદે સાજે નોકરીમાંથી દોડીને કે રજા મૂકીને આવવું પડશે (એટલે પત્ની કે પતિનાં નોકરી કે ધંધાનાં કામો પણ રખડશે). ઘરમાં દાદાદાદી હોય તો તો ઠીક છે, નહીંતર આયાના ભરોસે કે પછી પ્લેગ્રૂપના કે ઘોડિયાઘર કે પછી ડે સ્કૂલના ભરોસે જેવા છોકરા ઉછરે તેવા ઉછેરવા દેવા પડશે. તેમના માનસિક પ્રોબ્લેમો હશે તો તેમને જવાબો માતા પાસેથી નહીં મળે, તેને માટે સાઇકિયાટ્રિસ્ટ પાસે લઈ જવા પડશે. તેઓ પોર્નોગ્રાફી, વિડિયોગેમ, સેક્સ કે પછી બીજા કોઈ ખરાબ રસ્તે વળતા હશે તો ધ્યાન રાખવાવાળું કોઈ નહીં હોય. એટલે ઘરમાં પણ ટેન્શન અને નોકરીમાં તો નોકરીનું ટેન્શન રહેવાનું જ. ટેન્શનનો વર્ગ (સ્ક્વેર) થશે. જોકે ભવિષ્યમાં આના પણ રસ્તા નીકળશે તેમ પોઝિટિવ થિન્કિંગ સાથે આ બ્લોગપોસ્ટને સમાપ્ત કરીએ.

(મહિલા દિન ઉજવવો ન જોઈએ તેમ કહેવાનો મારો જરા પણ આશય નથી, પણ જે અવધારણા (કન્સેપ્ટ) કે ખ્યાલથી ઉજવાય છે તે ખોટા છે તેમ કહેવાનો મારો હેતુ છે અને હા, આ પોસ્ટનો અર્થ એ નથી કે હું સ્ત્રીવિરોધી છું. એવા ખોટા લેબલ લગાવશો નહીં, પ્લીઝ.)

 

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

9 comments

અશોક મોઢવાડીયા 08/03/2011 - 12:26 PM

શ્રી જયવંતભાઇ, સૌ પ્રથમ આપને વંદન! ગેરસમજ ન કરશો, આ વંદન ગાડરીયાપ્રવાહથી ચીલો ચાતરી સમાજને, કડવું પણ સાચું દર્શન કરાવવાનો પત્રકારધર્મ નિભાવવા બદલ છે.

આપના આ અને આગળનાં લેખના ભાવાર્થ સાથે શતઃપ્રતિશતઃ સહમત. આપે જે વિશ્લેષણ કર્યું તેના પર વિશ્લેષણ કરવાનું તો અમારું ગજુ નહીં,પરંતુ આપે મારા મનોભાવોને શબ્દરૂપે વ્યક્ત કરી આપ્યા તેમ જ લાગ્યું. જો કે કોઇ અણસમજુ (કે વધુ સમજદાર !) બહેનને આ ન પણ ગમે, પરંતુ સ્ત્રી-પુરુષ સમાનતાનાં (અમુક લોકો દ્વારા સ્વહિતાર્થે જ) સમજાવાતા વિચારોમાં આ લેખ ગાબડું પાડે છે.

માત્ર શહેરોમાં કે પોતાના આંતરીક કોચલામાં ઘેરાઇ બેઠેલા કેટલાક ઝંડાધારીઓ વખતો વખત આવા સમાનતાના ઝંડાઓ લહેરાવી અને, અમારા દાદીમાનાં શબ્દોમાં કહું તો, ’બાયુને વંઠાવે છે !’ આપે સાચું જ કહ્યું; સ્ત્રી એ શા માટે પુરુષ સમોવડી થવું છે? આ તો સ્વયં પોતાનું અવમુલ્યન કરવાની વાત થઇ. મારી માતાએ મને ખુશી ખુશી ઉછેર્યો કે મારી પત્ની બાળકોને ખુશી ખુશી ઉછેરે છે તેમાં સમાનતાનાં ઝંડાધારીઓને શાનું પેટમાં દુખે? જેના માટે તમે સમાનતાનો ઝંડો લહેરાવો છો તેમને જ તો પહેલાં પુછો ! (સ્ત્રીઓ એટલે માત્ર અમુક લોકોએ માની લીધેલી સીમીતવર્ગની સ્ત્રીઓ જ નહીં, છેવાડેના વિસ્તારોમાં જીવતી, અને બહુમતીમાં રહેલી, સ્ત્રીઓ પણ ધ્યાને લેવી) કે તેઓ શું કુટુંબના કલ્યાણ અર્થે વ્રત-તપ કરવાની તેઓને હોંશ નથી થતી? આવા અગણિત કાર્યો છે જે સામાન્ય એવા જૈવિક પ્રાણી સ્ત્રીને “માતા”, “શક્તિ” “અન્નપૂર્ણા” બનાવે છે.

હવે વધુ નથી લખવું, સમયોચીત્ત અને ઉત્તમ લેખ. આભાર.

Reply
અશોક મોઢવાડીયા 08/03/2011 - 1:00 PM

(ઉપરના પ્રતિભાવમાં કશાક તકનિકી કારણે બે લીટી આવવાની રહી ગઇ જે અહીં ઉમેરું છું)
…..કે તેઓ શું માતૃત્વ ધારણ કરવામાં હિણપત અનુભવે છે? તેઓને પોતાના કુટૂંબને રાંધી અને ખવરાવવું એ કંટાળાજનક લાગે છે? કે તેઓ શું…….

Reply
Jaywant Pandya 19/10/2014 - 11:32 AM

અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર.

Reply
Chirag Badiyani 08/03/2011 - 3:41 PM

Khub j saras lekh. Samaj na atyarna kehvata modern ane gadariya pravah ne jordar lapdak. Abhinandan.

Reply
વિવેક દોશી 08/03/2011 - 5:02 PM

માફ કરશો કદાચ મારી સમજ શક્તિ ઓછી હશે,પણ લેખ ન ગમ્યો ખાસ કરીને પહેલા બે ફકરા

Reply
Jaywant Pandya 19/10/2014 - 11:31 AM

મારી આવડત હજુ ઓછી કહેવાય કે તમારા ગળે વાત ન ઉતરી શકી.

Reply
Mita Bhojak 08/03/2011 - 6:00 PM

જયવંતભાઇ સાચી વાત છે મહિલાદિન ઉજવવો જોઇએ પણ તેનો કન્સેપ્ટ સાચો હોવો જોઇએ. કુદરતે સ્ત્રી પુરુષના સર્જનમાં તફાવત એકબીજાના પૂરક માટે રાખ્યો છે. સ્ત્રીનું સ્ત્રીત્વ અને પુરુષનું પુરુષત્વ જળવાઇ રહેવું જોઇએ તેમાં બદલાવ લાવવાથી તો ઘણી બધી વિપરિતતા આવે. સ્ત્રી કુદરતી રીતે મહાન છે તેણે પુરુષસમોવડી થઇને શું કામ છે? સ્ત્રી એક શક્તિ તરીકે સર્જન પામી છે. હા, માત્ર સમાન દ્વારા ઘડાયેલા અમુક જડ રીતિરિવાજોથી દબાયેલી સ્ત્રી શક્તિને સમાન હક્કો મળવા જ જોઇએ.

Reply
Jaywant Pandya 19/10/2014 - 11:31 AM

મીતાબહેન, જવાબ મોડો આપવા બદલ દિલગીર છું. તમારી વાત એકદમ સાચી છે.

Reply

Leave a Comment