Home » મમતાનું ગુંડારાજ: ઐસા પોરિબોર્તન? નોઈ ચોલબે!

મમતાનું ગુંડારાજ: ઐસા પોરિબોર્તન? નોઈ ચોલબે!

by Jaywant Pandya

સબ હેડિંગ: એક સમયે જે ભૂમિ ક્રાંતિકારીઓ, સાહિત્યકારો અને કલાકારોની હતી તે ભૂમિ ગરીબીની ઓળખ, નક્સલવાદીઓની ઓળખ બનીને રહી ગઈ. તેનાથી છૂટકારો મેળવવા માટે જનતાએ મમતા બેનર્જીને શાસનમાં આણ્યાં પરંતુ જનતાને ક્યાં ખબર હતી કે ડાબેરીઓ સામે લડતાંલડતાં મમતા પણ આત્યંતિક ડાબેરી (અલ્ટ્રા લૅફ્ટ) જેવાં બની ગયાં છે. તેઓ પણ ડાબેરીઓની જ રીતરસમ રાજ કરવા માટે અપનાવશે!

(દિ.૨૫/૦૫/૧૯ના સાધના સાપ્તાહિકમાં પ્રકાશિત લેખ)

પોરિબોર્તન.

મમતા બેનર્જી આ સૂત્ર સાથે જ્યારે વર્ષ ૨૦૧૧માં સિંહાસન પર આરૂઢ થયાં ત્યારે હતું કે પશ્ચિમ બંગાળમાં ૩૪ વર્ષના ડાબેરી શાસનથી- તેમની રીતભાતથી હવે જનતાને પોરિબોર્તન મળશે. પરંતુ મમતા એ ડાબેરી શાસકોનું વરવું પુનરાવર્તન સાબિત થયાં છે. કઈ રીતે?

મમતા બેનર્જીના શાસનમાં કૌભાંડોએ માઝા મૂકી છે. શારદા, નારદ અને રૉઝ વેલી કૌભાંડોમાં રેલો છેક મમતા બેનર્જી સુધી પહોંચી રહ્યો છે. શારદા કૌભાંડમાં તેના રમતગમત અને પરિવહન પ્રધાન મદન મિત્રની ૧૨ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ ધરપકડ થઈ હતી. આ સિવાય આ કૌભાંડમાં પક્ષના બીજા બે લોકો પણ જેલમાં છે. રોઝ વેલી કૌભાંડમાં પક્ષના લોકસભાના નેતા સુદીપ બંદોપાધ્યાય અને બીજા એક સાંસદ તાપસ પૌલની ધરપકડ થઈ છે. આ ઉપરાંત પશ્ચિમ મિદનાપોર જિલ્લામાં ચંદ્રકોનામાં ૧૨,૫૦૦ એકર જમીનમાં ફિલ્મ સિટી પાછળ રહેલા પ્રયાગ ગ્રૂપના પિતા-પુત્ર વાસુદેવ (બાસુદેબ-બંગાળમાં વનો બ બોલાય છે) બાગચી અને અવિક બાગચીની સીબીઆઈએ વર્ષ ૨૦૧૭માં ધરપકડ કરી હતી. એમ ગણગણાટ છે કે આ કૌભાંડનો રેલો પણ શાસક પક્ષના નેતાઓ સુધી પહોંચે છે.

૩૧ માર્ચ ૨૦૧૬ના રોજ કોલકાતમાં બની રહેલો વિવેકાનંદ રૉડ ફ્લાયઑવર તૂટી પડતાં ૨૭ લોકોનાં મૃત્યુ થયાં હતાં. એવો આક્ષેપ છે કે બાંધકામમાં ઉતરતી ગુણવત્તાની સામગ્રી વપરાઈ હતી જે તૃણમૂલના નેતાઓએ સપ્લાય કરી હતી.

પશ્ચિમ બંગાળની આર્થિક પરિસ્થિતિ પણ મમતાના શાસનમાં ખાસ સુધરી નથી. વર્ષ ૨૦૧૮ના આંકડા મુજબ, દેવાની દૃષ્ટિએ પશ્ચિમ બંગાળ સમગ્ર ભારતમાં ત્રીજા ક્રમે છે. વર્ષ ૨૦૧૮માં તેનું દેવુ રૂ. ૩,૬૪,૦૧૯ કરોડ હતું જે વધીને વર્ષ ૨૦૧૯માં રૂ. ૩,૯૪,૮૩૨ કરોડ થવા સંભવ છે. ધંધા-ઉદ્યોગની રીતે પશ્ચિમ બંગાળની પરિસ્થિતિ ખાસ સુધરી નથી. ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ ધંધા-ઉદ્યોગને આકર્ષવા વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું તેને અનુસરીને મમતા બેનર્જીએ પણ વર્ષ ૨૦૧૫થી બંગાળ ગ્લૉબલ બિઝનેસ સમિટ શરૂ કરી છે. મમતાએ પહેલી મુદ્દતના અંતમાં આ કામ શરૂ કર્યું જે પહેલાં વર્ષથી જ કરવા જેવું હતું.

જોકે અહીં ધંધા-ઉદ્યોગો કેટલા ફૂલીફાલી શકે તે કહેવું મુશ્કેલ છે કારણકે પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓના સમયથી ગરીબો તરફી નીતિના નામે ધંધા-ઉદ્યોગોથી સૂગ રાખી ગરીબોને રોજગારવિહીન રાખવામાં આવ્યા. મમતા બેનર્જીની કારકિર્દીને બળ પણ સિંગૂર અને નંદીગ્રામ આંદોલનોમાંથી મળ્યું હતું. નંદીગ્રામમાં ડાબેરી સરકાર સ્પેશિયલ ઇકૉનૉમિક ઝૉન બનાવવા માગતી હતી. તો સિંગૂરમાં ટાટા નેનોનો પ્રૉજેક્ટ આવવાનો હતો. મમતાએ તેનો વિરોધ કર્યો અને મમતાને પશ્ચિમ બંગાળમાં તેના બે વર્ષ પછી રાજ્યમાં સરકાર રચવા મળી, તો નરેન્દ્ર મોદીએ તરત રતન તાતાને એસએમએસ કરી આમંત્રણ આપી દીધું. મોદીને આ ચેષ્ટા અને તે પછી સતત વિકાસના આધારે દેશમાં સરકાર રચવા મળી!

સિંગૂર આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અને પછી મમતા બેનર્જી સરકારમાં પ્રધાન બનનાર રવીન્દ્રનાથ ભટ્ટાચાર્યએ તો આક્ષેપ કર્યો છે કે તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરો ખંડણી ઉઘરાવે છે અને મુખ્ય પ્રધાન મમતાને આ વાતની ખબર છે! શાળામાં નોકરી મેળવવી હોય કે બીજું કોઈ કામ કઢાવવું હોય, તૃણમૂલના કાર્યકરોને હપ્તો પહોંચાડવો જરૂરી બની જાય છે. કૉંગ્રેસ ભલે મમતાને સમર્થન આપતી હોય પરંતુ ઉપરોક્ત આક્ષેપનું સમર્થન કૉંગ્રેસના વડા પ્રદીપ ભટ્ટાચાર્યએ પણ કર્યું છે.

સેક્યુલર-લિબરલ મિડિયાએ પશ્ચિમ બંગાળમાં ડાબેરી કે મમતાના શાસનમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનું જે રીતે હનન થાય છે તેની કોઈ વાત મોટા ઉપાડે કરી જ નથી. કૉંગ્રેસની યુવા પાંખે ટ્વિટર પર એક મીમ મૂક્યું હતું જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશી પ્રમુખો સાથે ઊભા છે. જર્મનીનાં પ્રમુખ એન્જેલા મેર્કેલ મિમનો સાચો ઉચ્ચાર ન આવડવા બદલ મોદીને ‘તૂ જા કે ચાય બેચ’ આવું કહે છે! આ કક્ષાનું મિમ બનાવ્યું છતાં મોદી સરકારે કોઈ પગલાં નથી લીધાં, પરંતુ મેટ ગાલા સમારોહમાં પ્રિયંકા ચોપરા જેવા ચિત્રમાં મમતા બેનર્જીને દર્શાવવા બદલ ભાજપનાં પ્રિયંકા શર્માની ધરપકડ કરી હતી. મમતા બેનર્જી પોતાને સુપ્રીમ કૉર્ટથી પણ કેટલાં ઉપર માને છે તેનું ઉદાહરણ એ છે કે સુપ્રીમના આદેશ છતાં પ્રિયંકા શર્માને તાત્કાલિક જેલમાંથી મુક્ત કર્યાં નહોતાં. આથી સુપ્રીમ કૉર્ટે મમતા સરકારને ઠપકો પણ આપ્યો હતો.

જોકે આ પહેલી વાર નથી કે સુપ્રીમ કે હાઇ કૉર્ટે મમતા સરકારને ઠપકો આપ્યો હોય. ‘ભવિષ્યોત્તર ભૂત’ નામની ફિલ્મ પોતાની સરકાર પર રાજકીય કટાક્ષ કરતી હોવાથી મમતાએ થિયેટરોમાંથી તેને ઉતારી લેવા આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ ન્યાયાલયે આ માટે મમતા સરકારની આકરી ટીકા કરી હતી અને રૂ. ૨૦ લાખનો દંડ ફટકાર્યો હતો. મમતાએ સચિવાલયમાં પત્રકારોના પ્રવેશને પણ પહેલા માળ સુધી મર્યાદિત કરી દીધો હતો. સરકાર સંચાલિત પુસ્તકાલયોમાં અંગ્રેજી અને બંગાળી દૈનિકો પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ ગુજરાતમાં પબજી પર બાન મૂકાય કે પદ્માવત પર પ્રતિબંધ મૂકાય તેની ટીકા કરનારો સેક્યુલર-લિબરલ વર્ગ મમતાના મુદ્દે મોઢું સિવી લે છે. જૂનાગઢમાં એક પત્રકારને પોલીસનો માર પડે તેની વાજબી ટીકા કરનારો સેક્યુલર પત્રકાર સમુદાય એ મુદ્દે ચૂપ છે કે પશ્ચિમ બંગાળમાં મમતા અને રાજ્યપાલ એમ. કે. નારાયણની હાજરીમાં પોલીસે પત્રકારોને ઢોર માર માર્યો હતો. મમતા સરકાર અગાઉ કોલકાતાના પાર્ક સ્ટ્રીટ બળાત્કાર કેસ પર બનેલી ફિલ્મ ‘તીન કન્યા’ પર પ્રતિબંધ મૂકી ચૂકી છે. તો વરિષ્ઠ આઈપીએસ અધિકારી નઝરુલ ઈસ્લામે તેમના ‘મુસલમાનદેર કી કરનીય’ (મુસલમાન શું કરે) પુસ્તકમાં મમતા સરકારમાં મુસલમાનોની ખરાબ હાલતની ટીકા કરતાં આ પુસ્તક પર પણ મમતાએ પ્રતિબંધ મૂક્યો હતો.

જોકે ભાજપનો આક્ષેપ ઉલટો છે. તેના કહેવા પ્રમાણે, મમતા બેનર્જી મુસ્લિમોની વધુ પડતી આળપંપાળ કરી રહ્યા છે. કટ્ટર મુસ્લિમોને ખુશ કરવા માટે દુર્ગા પૂજા પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. મમતાએ વર્ષ ૨૦૧૩માં રાજ્યમાં સાહિત્યકાર સલમાન રશ્દીના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મમતા બેનર્જીનો કાફલો નીકળ્યો ત્યારે કેટલાક લોકોએ ‘જય શ્રી રામ’નો જય ઘોષ કર્યો તો મમતા બેનર્જીએ કાફલો રોકાવી રામભક્તોને ઠપકો આપ્યો હતો! જેએનયુ પછી પશ્ચિમ બંગાળની જાદવપુર યુનિવર્સિટીમાં પણ કાશ્મીર અને નાગાલેન્ડની આઝાદીનો સૂત્રોચ્ચાર થયો હતો!

જો મમતા બેનર્જી સરકાર સુપ્રીમ કૉર્ટના આદેશને પણ ઘોળીને પી જતાં હોય તો સીબીઆઈ જેવી સંસ્થાની વાત જ ક્યાં રહી? શારદા કૌભાંડમાં કોલકાતા પોલીસ વડા રાજીવકુમારની પૂછપરછ કરવા સીબીઆઈની ટીમ કોલકાતા પહોંચી ત્યારે પોલીસે સીબીઆઈના અધિકારીઓની એ રીતે ધરપકડ કરી, જાણે રીઢા ગુનેગાર ન હોય! અને પછી મમતા પોતે અનિશ્ચિત મુદ્દત્ત માટે ધરણા પર બેસી ગયા.

વિરોધીઓને ઉગતા જ ડામી દેવાની રીત ડાબેરીઓ પાસેથી શીખીને મમતા બેનર્જી અને તેમના પક્ષના કાર્યકર્તાઓ ડાબેરી, ભાજપ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓ પર તેને અજમાવી રહ્યા છે. બરાબર એક વર્ષ પહેલાં મે માસમાં ભાજપના ૧૮ વર્ષના જ એક દલિત કાર્યકર ત્રિલોચન મહતોની કરપીણ હત્યા કરી દેવામાં આવી. પુરુલિયા જિલ્લાના બલરામપુરમાં ચૂંટણીમાં સ્થાનિક સંસ્થાઓમાં ભાજપ વિજયી થયો તેનું આ રીતે વેર વાળ્યું હતું! તેને જાહેરમાં એક વૃક્ષ પર ફાંસી આપી દેવાઈ હતી જેથી લોકોમાં ડર બેસી જાય. ઘટનાસ્થળે એક નોંધ મૂકાઈ હતી કે ’૧૮ વર્ષની ઉંમરે, તું ભાજપનું રાજકારણ કરી રહ્યો છે…’ આ તો એક જ ઉદાહરણ છે. ભાજપ પ્રમુખ અમિત શાહનો આક્ષેપ છે કે ભાજપના ૮૦ કાર્યકર્તાઓની પશ્ચિમ બંગાળમાં હત્યા કરી દેવાઈ છે! ગયા વર્ષે પશ્ચિમ બંગાળમાં યોજાયેલી પંચાયતોની ચૂંટણીમાં ૧૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ વખતની હિંસામાં માત્ર ભાજપના કાર્યકરો-નેતાઓ જ નહીં, સીપીએમના નેતા મોહમ્મદ સલીમની કાર પર પણ હુમલો કરાયો હતો. એટલું જ નહીં, વર્ષ ૨૦૧૩માં ડાબેરી યુનિયનોએ હડતાળ પાડી ત્યારે નોકરી પર ન આવનાર પંચાયતના એક કર્મચારીનો કાન તૃણમૂલના ગુંડાઓએ કાપી નાખ્યો હતો! મમતા જાણે પોતાનું અલગ રજવાડું ચલાવતા હોય તેમ પશ્ચિમ બંગાળમાં આયુષમાન ભારત જેવી કેન્દ્રીય યોજનાઓ પણ લાગુ કરાઈ નથી.

 મમતા બેનર્જીએ એ સમજવું જોઈએ કે જે જનતા ડાબેરીઓને ઉખાડીને ફેંકી શકે છે તે મમતા બેનર્જીની સરકારને પણ સિંહાસન પરથી ઉતારી શકે છે.

You may also like

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.