Home » બિલ ગેટ્સ લક્ષ્મીજીની પૂજા નથી કરતા તોય ધનિક છે?

બિલ ગેટ્સ લક્ષ્મીજીની પૂજા નથી કરતા તોય ધનિક છે?

by Jaywant Pandya

(મુંબઈ સમાચારની રવિ પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૬/૧૧/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.)
ગયા અઠવાડિયે દિવાળીના તહેવારો હતા. હિન્દુ તહેવારો પર હિન્દુ શ્રદ્ધાને ‘ઘા નહીં તો ઘસરકો’ લાગે તેવા સંદેશા ફરતા થઈ જતા હોય છે. (એ ક્યાંથી ઉદ્ભવે છે તે રહસ્ય છે.) આવો એક સંદેશો હતો: બિલ ગેટ્સ અને આઇનસ્ટાઇન ક્યાં લક્ષ્મીજીની કે સરસ્વતી માની પૂજા કરતા હતા? આનો કહેવાનો અર્થ એ કે હે ભારતના અને ભારત બહાર વસતા કરોડો બુદ્ધુ હિન્દુઓ! તમે દિવાળીના તહેવારોમાં લક્ષ્મીજીની અને સરસ્વતી માની પૂજા ન કરો.
જોકે હિન્દુ ધર્મ ઉદાર છે કે તેમાં આસ્તિક અને નાસ્તિક બંનેનો સમાવેશ થાય છે અને કોઈ એમ કહેતું હોય કે ભગવાનની પૂજા ન કરવી જોઈએ તો તેના મતને તેના પૂરતો આદર આપીએ. પરંતુ લક્ષ્મીજીની ઉપાસના કરવાના કારણે ભારતના લોકો ગરીબ છે તે વાત ખોટી છે. અને એ વાત પણ ખોટી છે કે બિલ ગેટ્સ ભગવાનમાં નથી માનતા અને તોય તે અત્યંત ધનિક છે.
‘રૉલિંગ સ્ટોન’ નામના એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં બિલ ગેટ્સે કહ્યું છે: “હું માનું છું કે ધર્મની નૈતિક પ્રણાલિઓ અત્યંત મહત્ત્વની છે. અમે અમારાં બાળકોને ધાર્મિક રીતે ઉછેર્યા છે. હું અને મિલિન્ડા જે ચર્ચમાં જઈએ છીએ તેમાં અમારાં બાળકો પણ જાય છે. હું નસીબદાર છું અને તેથી હું વિશ્વમાં અસમાનતા ઘટાડવાનો પ્રયાસ કરું છું. અને આ એક પ્રકારની ધાર્મિક માન્યતા છે. હું માનું છું કે તે ઓછામાં ઓછું નૈતિક માન્યતા (તો) છે (જ).”
પશ્ચિમી મિડિયાના પ્રચારમાં આવી જઈને તેનો અનુવાદ ઢસડતા કોલમિસ્ટો અને કેટલાક મિડિયાના લીધે આપણે એવું જ માની બેઠા છીએ કે બધું પશ્ચિમનું જ સારું (આનો અર્થ એવો પણ નથી કે પશ્ચિમનું બધું ખરાબ જ છે). પરિણામે આપણી સામે દાનવીર તરીકે બિલ ગેટ્સનું ચિત્ર જ આવે છે. હૉલિવૂડની ફિલ્મો જ આપણને સારી લાગે છે. વિજેતા તરીકે નેપોલિયનનું નામ આવે છે. ન્યાયી તરીકે જહાંગીરનું નામ આવે છે. સેક્યુલર તરીકે અકબરનું નામ આવે છે. ભારતનો વિકાસ અંગ્રેજોએ જ કર્યો તેવો વૈચારિક મારો સતત આપણા અચેતન મન પર કરાતો રહે છે. પરંતુ ભારતની જ વાત ન કરીએ અને માત્ર ગુજરાતની જ વાત કરીએ તોય નાનજી કાળીદાસ મહેતા, સી.યૂ.શાહ, શાંતિલાલ શાહ, દીપચંદ ગાર્ડી, કસ્તૂરભાઈ લાલભાઈ, મહેશ સવાણી જેવા કેટલાય નામી-અનામી ભામાશાઓ થઈ ગયા અથવા આજે પણ છે. આ બધા એવા દાનવીરો હતા અથવા છે જે બિલ ગેટ્સની જેમ સતત મિડિયામાં છવાઈ રહેતા નથી. પરિણામે તેમનું નામ આપણા મગજ પર ઝટ દઈને આવે નહીં.
આપણે વાત કરતા હતા લક્ષ્મી પૂજા અને તેના લીધે ધન પ્રાપ્તિની. જે લોકો ઉપર કહ્યા તેવા સંદેશા ફેલાવે છે તે કદાચ પાછા પૉઝિટિવ થિંકિંગમાં માનતા હશે. રોજ પોતાની ઑફિસના ડેસ્ક પર પ્રાપ્ત કરવાના લક્ષ્યને લખીને તેને નજર પડે તે રીતે સામે બૉર્ડ પર ટાંકણી મારીને રાખશે પરંતુ લક્ષ્મી પૂજામાં રોજ આજ્ઞાચક્ર પર સતત આવા લક્ષ્યની પર ધ્યાન કેન્દ્રિત કરવું અને તે સાથે વૈજ્ઞાનિક જેવા ઋષિ-મુનિઓએ સર્જેલા મંત્રોનું વિજ્ઞાન આપણને સમજાતું નથી. આપણે એ માનીએ છીએ કે પાણી એ વિદ્યુત પ્રવાહનું વાહક છે. આપણું શરીર પણ વિદ્યુત પ્રવાહનું વાહક છે. પરંતુ આપણે એ નથી માની શકતા કે ચોક્કસ શબ્દોના માત્રામેળ અને છંદમેળ દ્વારા ઋષિ-મુનિઓએ રચેલા મંત્રોને યોગ્ય વિધિ-યોગ્ય દિશામાં-યોગ્ય આસન પર-યોગ્ય સમયગાળા દરમિયાન બેસીને કરવાથી અભિમંત્રિત (પ્રૉસેસ્ડ) પાણીથી ફાયદો થઈ શકે છે. ભગવાન કંઈ સીધા ચમત્કાર કરી દે તેવું ન બને કે કોઈ આપણા ઘરે આવીને આપણને કારણ વગર લાખો રૂપિયા આપી જાય પરંતુ એ તો સ્વાનુભાવ છે કે યોગ્ય વિધિ-યોગ્ય દિશામાં-યોગ્ય આસન પર-યોગ્ય સમયગાળા દરમિયાન બેસીને મંત્રજાપ કરવાથી જે લક્ષ્ય સિદ્ધ કરવું હોય તે અંગેનો રસ્તો મનમાં જરૂર સૂજે.
અને રહી વાત ભારતીયો ગરીબ હોવાની તો ભારતનાં મંદિરોમાં જ અઢળક સોનુ પડેલું છે. કેરળના પદ્મનાભસ્વામી મંદિર પાસે અંદાજે ૧૦ હજાર અબજની સંપત્તિ છે. આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિર પાસે ૧૭ અબજની સંપત્તિ છે. શિર્ડીના સાઇબાબા મંદિરની વાર્ષિક આવક અંદાજે રૂ. ૩.૫ અબજ છે. જમ્મુના વૈષ્ણોદેવી મંદિરની રૂ. ૫ અબજની સંપત્તિ છે. મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર પાસે રૂ. ૧.૨૫ અબજનું ધન છે. અમૃતસરના સુવર્ણ મંદિરની સંપત્તિ જાહેર નથી પરંતુ મંદિર જ સુવર્ણનું બનેલું છે તે જ બતાવે છે કે મંદિર ધનિક જ હશે. મદુરાઈનું મીનાક્ષી મંદિર અંદાજે ૬૦ કરોડની સંપત્તિ ધરાવે છે. કેરળનું સબરીમાલા રૂ. ૧.૦૫ અબજની સંપત્તિનું સ્વામી છે. કેરળનું જ ગુરુવયુરપ્પન મંદિર રૂ. ૫૦ કરોડની સંપત્તિ ધરાવે છે. પુરીના જગન્નાથ મંદિર પાસે ૨૦૮ કિગ્રા જમીન અને ૨૫,૭૧૧ એકરની જમીન છે. ગુજરાતના સોમનાથ મંદિર પાસે અંદાજે ૧૦૯ કિગ્રા સોનુ છે.
દર ધનતેરસ-દિવાળી પર ગમે તેવી મંદી છતાં કેટલા કરોડ રૂપિયાનું સોનુ-ચાંદી ખરીદાય છે! આ વર્ષની જ વાત કરીએ તો આ ધનતેરસે ગયા વર્ષ કરતાં સોના વેચાણમાં ૪૦થી ૫૦ ટકા વધારો નોંધાયો છે! લક્ષ્મીજીની પૂજા કરતા મૂકેશ અંબાણી વિશ્વના ૩૬મા સૌથી ધનિક વ્યક્તિ તો છે જ. વર્ષ ૨૦૧૧ના આંકડા મુજબ માત્ર ૨૨ ટકા ગરીબી રેખાની નીચે જીવનારા લોકો છે. આ આંકડો કદાચ વધુ દેખાતો હશે કેમ કે ભારતની ‘ગરીબી’ને વેચીને વિદેશથી ફંડ મેળવતી અનેક એનજીઓ દ્વારા સ્પૂન ફીડિંગ કરાવાથી ટીવી-પ્રિન્ટ મિડિયામાં ગરીબી છવાયેલી રહે છે. (જોકે એનો અર્થ એ પણ નથી કે ગરીબી અને ગરીબીને લગતા સમાચારોને સ્થાન જ ન અપાય)
ભારતમાં ગરીબો નથી તેવું નથી. ગરીબોની સંખ્યા પણ નાની સૂની નથી પરંતુ ગરીબો ગરીબ જ રહે તેવી નીતિઓના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. કેટલાક ગરીબોને પણ ગરીબ રહેવામાં જ મજા આવતી હોય છે. ‘નાયક’ ફિલ્મમાં દેખાડાતી સ્થિતિ વાસ્તવમાં કેટલાક કિસ્સામાં સાચી હોઈ શકે છે. સરકારે આવાસ ફાળવ્યું હોય તોય તેને ભાડે આપીને પોતે ઝૂંપડામાં જ રહે. અરે! ભારતના તો ભીખારીઓ પણ ધનવાન છે! મુંબઈના ૪૯ વર્ષના ભરત જૈન નામના ભીખારી પાસે પરેલ જેવા પોશ વિસ્તારમાં અંદાજે ૭૦ લાખની કિંમતના બે ફ્લેટ અને એક દુકાન છે જે તેણે રૂ. ૧૦,૦૦૦ પ્રતિ માસના ભાડે આપી છે! મુંબઈનો ભીખારી સંભાજી કાળે વિરારમાં એક ફ્લેટ અને સોલાપુરમાં બે ઘર ધરાવે છે! કોલકાતામાં ૧૯૬૪થી ભીખ માગતી લક્ષ્મી દાસ નામની ભિખારણ પાસે તગડું બૅંક બેલેન્સ છે. કૃષ્ણકુમાર ગીતે નામનો મુંબઈનો ભીખારી દરરોજ અંદાજે રૂ. ૧,૫૦૦ જેટલું કમાઈ લે છે! પટનાની સર્વતિયા દેવી વીમાના વાર્ષિક પ્રીમિયમ પેટે રૂ. ૩૬,૦૦૦ ભરે છે. પટનાનો પપ્પુકુમાર નામનો ભીખારી બૅંકમાં સવા કરોડ રૂપિયાની મૂડી ધરાવે છે અને તેનો દીકરો અંગ્રેજી માધ્યમની શાળામાં ભણે છે. મુંબઈના માસુ નામના ભીખારી પાસે લગભગ રૂ. ૫૦ લાખની સંપત્તિ છે અને દિવસે ને દિવસે તેમાં વધારો થઈ રહ્યો છે.
સરેરાશ ભારતીય બચત કરવાની અને દર ધનતેરસે સોનુ ખરીદવાની એક સુટેવ ધરાવે છે. ગામડામાં રહેતા લોકો પણ સોના-ચાંદીની ખરીદી જરૂર કરે છે. અને એટલે જ તો વિશ્વની તમામ કંપનીઓની નજર ભારતીયોની બચત ખાલી કરવા પર છે. માત્ર કંપનીઓની જ શું કામ, સરકારની પણ છે અને એટલે તો સરકાર- ચાહે તે કૉંગ્રેસની હોય કે ભાજપની- લઘુ બચતના વ્યાજના દર નહીંવત્ જેવા રાખે છે. અને એનું કારણ એ છે કે મહત્ત્વની આર્થિક નીતિ આઈએમએફ કે વર્લ્ડ બૅંકના પ્રભાવમાં તૈયાર થાય છે. તેમાં કોઈ સ્વદેશી દૃષ્ટિકોણ નથી.
અને લક્ષ્મીજીને પૂજતા આ દેશની સંપત્તિને મોહમ્મદ ગઝનવીથી માંડીને અંગ્રેજો અને તે પછી રાજકારણીઓ એમ અનેક લૂટારાઓ લૂટી ગયા છતાં આ ભંડાર ખાલી નથી થયો. સ્વતંત્રતા પછી વિભાજન છતાં અને બીજી અનેક કુદરતી આપત્તિઓ છતાં તે ભંડાર સતત વધી રહ્યો છે અને હવે તેમાં ટૅક્નૉલૉજી, ઉદારીકરણ વગેરે અનેક સુવિધાના કારણે ભરતી આવી છે. ઑગસ્ટ ૨૦૧૬ના અહેવાલ મુજબ, ભારત વિશ્વમાં સૌથી સાતમો સંપત્તિવાન દેશ છે. સંપત્તિવાન દેશોની યાદીમાં ટોચે અમેરિકા છે પરંતુ જો દેવા (ડેબ્ટ પર કેપિટા)ની રીતે સરખામણી કરવામાં આવે તો સૌથી દેવાદાર દેશ પણ અમેરિકા છે. અમેરિકામાં ડેબ્ટ પર કેપિટા ૬૦,૩૪૦ અમેરિકી ડૉલર છે. ભારતમાં તે માત્ર ૪૬ અમેરિકી ડૉલર જ છે. અને જીડીપીની રીતે ગણતરી જે કરાઈ છે તે મુજબ, અમેરિકામાં જીડીપીના ૧૧૪ ટકા દેવું છે જ્યારે ભારતમાં તે માત્ર ૬ ટકા જ છે. જોકે ભારતમાં વ્યક્તિગત રીતે દેવામાં થઈ રહેલો વધારો ચિંતાજનક છે. જે રીતે આપણને છૂટથી લૉન લેવા ઘર-ઑફિસ (પહેલી વાર ઘર લેવું હોય તો વાંધો નથી પણ વધુ સંપત્તિના મોહમાં ઘર કે ઑફિસ માટે લૉન લેવી તે જોખમી છે), કાર, હૉમ એપ્લાયન્સીસ, મોબાઇલ વગેરેની કંપનીઓથી માંડીને બૅંકો લલચાવે છે અને લોકો પણ વગર વિચાર્યે દેવું કરી રહ્યા છે તે ચિંતાજનક છે. ચાર્વાક ભલે કહી ગયા હોય કે ‘ઋણ કૃત્વા ઘૃતં પિબેત’ પણ એ રીતે ઘી પીધા પછી જ્યારે દેવું ચૂકવવાનું આવે ત્યારે ઝાડા થઈ જાય અને છેવટે પરિવાર સાથે આત્મહત્યા કરવાના પણ વારા આવે છે તે સમજવું પણ જરૂરી છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

Sanjay Desai 10/11/2016 - 7:56 AM

“અમેરિકામાં જીડીપીના ૧૧૪ ટકા દેવું છે જ્યારે ભારતમાં તે માત્ર ૬ ટકા જ છે.” આ આંકડાઓમાં અમેરિકાનો આંકડો લગભગ બરાબર છે (૨૦૧૫ માં ૧૦૪% હતો) પરંતુ ભારતનો આંકડો ઘણો નીચો દર્શાવ્યો છે. મારી પાસે જે માહિતી છે એના હિસાબે ૨૦૧૪માં એ ૬૬% જેટલો હતો.
પરંતુ એકંદરે સરસ લેખ!

Reply
Jaywant Pandya 13/11/2016 - 9:44 PM

આભાર સંજયભાઈ.

Reply

Leave a Comment