Home » ફૂટબોલ જગત: તેરા ક્યા હોગા, બ્લેટ્ટર?

ફૂટબોલ જગત: તેરા ક્યા હોગા, બ્લેટ્ટર?

by Jaywant Pandya

ફૂટબોલ જગત અત્યારે સૌથી મોટા કૌભાંડથી હચમચી ગયું છે. ૨૭મેએ સવારે ઝ્યુરિચમાં સ્વિસ પોલીસ એક ફાઇવ સ્ટાર હોટલ પર ત્રાટકી. આ હોટલમાં ફૂટબોલની સંસ્થા ફિફાની વાર્ષિક બેઠક ચાલી રહી હતી. પોલીસે પાંચ અધિકારીઓની ધરપકડ કરી. આના કલાકો પછી ન્યૂ યોર્કમાં ન્યાય વિભાગે ૧૪ લોકો સામે ૪૭ આરોપો મૂક્યા. આ ૧૪માં ફિફાનાં મોટાં માથાં, સ્પોર્ટ્સ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ, અને બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશનના માલિકનો સમાવેશ થતો હતો. તેમની સામેના આરોપમાં કૌભાંડ, વાયર ફ્રોડ અને કાળાં નાણાંને ધોળાં કરવા (મની લૉન્ડરિંગ)નો સમાવેશ થતો હતો.

ન્યાય વિભાગના આરોપો ફિફા અને સ્પોર્ટ્સ માર્કેટિંગ ગ્રૂપ તેમજ બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશનો વચ્ચે વિશ્વ કપ અને અન્ય સોસર ટુર્નામેન્ટોના ટેલિવિઝન પ્રસારણ હકો અંગે હતા. આરોપીઓ ખાસ (એક્ઝક્લુઝિવ) ટેલિવિઝન કૉન્ટ્રાક્ટ દેવા માટે માર્કેટિંગ પેઢીઓ પાસેથી લાંચ મેળવતા હતા. અને કુલ લાંચનો સરવાળો ૧૫ કરોડ ડોલરથી વધુ થવા જાય છે. આમાં માત્ર આજની વાત નથી. ૧૯૯૧થી આ બધું ચાલ્યું આવે છે. એમ સમજોને કે બે પેઢીના અધિકારીઓએ આ બધો ભ્રષ્ટાચાર કર્યો છે. ન્યૂ યોર્કમાં થયેલો આ કેસ તો માત્ર ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં થયેલા ભ્રષ્ટાચારને લગતો છે. એમ તો, વર્ષ ૨૦૧૦માં પણ ફિફાએ ૨૦૨૨નો વિશ્વકપ કતારને આપ્યો હતો ત્યારે મત ખરીદવાના અહેવાલો બહાર આવ્યા જ હતા. પરંતુ ન્યૂ યોર્કમાં થયેલા કેસમાં તેની તપાસ થવાની નથી.

જેમ મોટા ભાગના કિસ્સાઓમાં થાય છે તેમ ફિફાએ પણ પ્રશ્નના મૂળમાં જવાના બદલે કેટલાકને બલિના બકરા બનાવીને તેમને સસ્પેન્ડ કરી દીધા. જેમના પર આરોપો છે તેમાં ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં સોસર ચલાવતી સંસ્થાઓ કોન્કાકાફ (સીઓએનસીએસીએએફ) અને કોન્મેબોલ (સીઓએનએમઇબીઓએલ) છે. ઝ્યુરિચમાં જેમની ધરપકડ કરાઈ તેમાં કેમેન ટાપુઓ, ત્રિનિદાદ અને ટોબેગો, નિકારગુઆ, કોસ્ટા રિકા, ઉરુગ્વે અને વેનેઝુએલાના લોકોનો સમાવેશ થાય છે.

ન્યૂ યોર્ક ન્યાય વિભાગને કરેલી ગિલ્ટ પ્લીયા (અપરાધ સ્વીકારતી અરજી)માં અન્ય ચાર લોકો અને બે કૉર્પોરેટે સ્વીકારી લીધું છે કે પોતે આરોપી છે. તેમાં ફિફાના પૂર્વ અધિકારી ચાર્લ્સ બ્લેઝર તેમજ બ્રાઝિલિયન સ્પોર્ટ્સ માર્કેટિંગ કૉંગ્લોમેરેટના માલિક અને સ્થાપક જોસ હવિલ્લાનો સમાવેશ થાય છે. હવિલ્લા તો તેની અરજીના ભાગ રૂપે ૧૫ કરોડ ડોલર જતા કરવા તૈયાર છે. એ બતાવે છે કે આ લોકો જેલ જવા માગતા નથી.

આ કેસમાં ફિફાના મોટાં માથાંના નામ ભલે હોય, પણ એક મોટી માછલી તેમ છતાં જાળમાંથી છટકી ગઈ છે અને તેનું નામ છે, સેપ્પ બ્લેટ્ટર, ફિફાના પ્રમુખ!

અને નવાઈની વાત તો એ છે કે આ બ્લેટર ૨૯મી મેએ ફરી ફિફાના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે! જોસેફ સેપ બ્લેટ્ટર ૧૯૯૮થી ફિફાના પ્રમુખનું પદ બથાવીને બેઠા છે. એમાં ના નહીં કે તેમના નેતૃત્વમાં ફૂટબોલની વિશ્વભરમાં લોકપ્રિયતા વધી છે. કલ્પના કરતાં પણ વધુ આર્થિક સફળતા પણ મેળવી છે. તેઓ પ્રમુખ તરીકે કેવી રીતે ચૂંટાયા તે સવાલ છે પણ તેનો જવાબ સમજવો અઘરો નથી. હકીકતે તો બ્લેટ્ટરે અમેરિકા, બ્રિટન જેવી મહાસત્તાઓની સામે પડીને આ જીત મેળવી છે. તેમણે વિકસિત દેશો કરતાં વિકાસશીલ દેશોનો ટેકો મેળવીને ફરી સત્તા પ્રાપ્ત કરી છે.

ફિફામાં ૨૦૯ દેશો (ઓહ! એટલા બધા દેશો છે. આપણે તો દસથી વીસ દેશો વિશેના સમાચારો જ વાંચતા-સાંભળતા આવ્યા છીએ! સત્તાવાર રીતે તો કુલ ૧૯૫ દેશો છે, પરંતુ ઓલિમ્પિક્સ અને ફિફામાં એવા દેશોને પણ સમાવાયા છે જેમને જરૂરી નથી કે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ તરીકે માન્યતાપ્રાપ્ત હોય, જેમ કે, ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડ અલગ-અલગ ટીમ તરીકે ભાગ લે છે, પરંતુ તેઓ છે તો એક જ દેશ યુકેના ભાગો.) સભ્યો છે અને દરેક દેશને એક મત પ્રમુખને અને કારોબારી સમિતિને ચૂંટવા માટે મળે છે. બ્લેટ્ટરે આ જ ગણિતને સમજીને તેનો ફાયદો ઉઠાવ્યો છે અને બીજાં ચાર વર્ષ માટે પ્રમુખનું પદ મેળવી લીધું છે. તેમના જ નાક નીચે નવ અધિકારીઓ જેમાં બે તો તેમના સીધા સબઓર્ડિનેટ છે, તેમણે આટલું મોટું કૌભાંડ કર્યું તેનાથી તેમને કોઈ ફરક પડ્યો નથી. (શ્રીનિવાસન યાદ આવે છે ને? સુપ્રીમ કોર્ટે કેટલી બધી વાર ફટકાર લગાવી તો પણ બીસીસીઆઈના પ્રમુખનું પદ છોડતા જ નહોતા) આ ધરપકડ પછી યુરોપ અને ઉત્તર અમેરિકા બ્લેટ્ટરને પ્રમુખપદેથી હાંકી કાઢવા માગતા હતા, પણ કાબા બ્લેટ્ટરે આ મહાસત્તાઓને પણ ભૂ પીવડાવી દીધું.

શુક્રવારે ફિફાની સભામાં સ્ટેજ પર મોટામોટા પડદાઓ લાગેલા હતા. નિયમિત સમયગાળે તેમાં બ્લેટ્ટરના સારાં કાર્યોના વિડિયો દેખાડાતા હતા. તેમાંના એક વિડિયોમાં આફ્રિકાના ખેલાડીઓ દરિયાકાંઠે ફૂટબોલ રમતા હોય છે. વિડિયોમાં અવાજ કહેતો હતો, “અમે સોસરને સર્વત્ર ઉત્તેજન આપીએ છીએ.”

અમાજુ પિનિક જેવા અનેક લોકો બ્લેટ્ટરના પક્ષે હતા. અમાજુ પિનિક એટલે નાઇજીરિયાના સોસર ફેડરેશનના વડા. તેઓ ૧૯૯૯થી બ્લેટ્ટરના મિત્ર છે. ૧૯૯૯માં બ્લેટ્ટર નાઇજીરિયાની મુલાકાત લીધી હતી. તે વખતે તેમણે પિનિકને પણ સાથે રાખ્યા હતા. બ્લેટ્ટરે તેમને ગાજર લટકાવ્યું હતું કે તેઓ આફ્રિકા માટે ઘણું કરવા માગે છે. ફિફામાં નાના દેશોનું પણ ઘણું મહત્ત્વ છે. બ્લેટ્ટરની આ વાતથી પિનિક અને તેમના જેવા અનેક દેશોના લોકો પ્રભાવિત થઈ ગયા છે.

સિએરા લિઓનના સોસર ફેડરેશનના વડાં ઈશા જોનસેને સભામાં ઊભાં થઈને બ્લેટ્ટરનો આભાર માન્યો. કારણ? જ્યારે સિએરા લિઓનમાં ઇબોલા વાઇરસનો આતંક ફાટી નીકળ્યો હતો ત્યારે બ્લેટ્ટરે મદદના પ્રતીક રૂપે ૫૦,૦૦૦ ડોલરની મદદ કરી હતી અને ઇબોલા સામેની લડતમાં સિએરા લિઓનને મળેલું આ સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય દાન હતું.

બ્લેટ્ટરે પણ આ ગરીબ દેશોના સોસર ફેડરેશનોનાં દિલ જીતવા નાના વિકાસ પ્રૉજેક્ટોનો ઉપયોગ કર્યો. તેઓ ફિફાની તિજોરીમાં પણ વધારો કરતા રહ્યા. વર્ષ ૨૦૧૧થી ૨૦૧૪ વચ્ચે ફિફાની કુલ આવક ૫.૭ અબજ ડોલર થઈ ગઈ. તેમણે વિકાસશીળ દેશોમાં સ્ટેડિયમો બંધાવવામાં સહયોગ આપ્યો અને ત્યાંની લિગોને મદદ કરી. તેમના નેતૃત્વમાં પહેલી વાર ફૂટબોલ વિશ્વ કપ ઇ. સ. ૨૦૧૦માં દક્ષિણ આફ્રિકામાં રમાયો.

ફિફાના ૨૦૯ સભ્ય દેશોમાં ત્રીજા ભાગના દેશો વિકસિત દુનિયાના છે. તેમના તરફથી બ્લેટ્ટરની કોઈ આવી પ્રશંસા સાંભળવા મળી નહોતી. શુક્રવારે (૨૯ મે) સાંજે જ્યારે મતદાન પૂરું થયું ત્યારે કેમેરા સામે સભામાંથી નીકળતા પશ્ચિમી દેશોના પ્રતિનિધિઓનાં મોઢાં પર નિરાશા સ્પષ્ટ ઝળકતી હતી. તેમાંના અનેકે તો ટિપ્પણી કરવા પણ ઈનકાર કરી દીધો. ડેનમાર્કના જેસ્પર મોલર ક્રિસ્ટેન્સેન જેવા કેટલાકે વાત કરવાની તૈયારી દર્શાવી. ક્રિસ્ટેન્સેને બ્લેટ્ટરની જીતથી નિરાશા વ્યક્ત કરી. સાથે એ પણ કહ્યું કે આ અંત નથી. જો પુરાવા મળશે તો અમે શિસ્તકારી પગલાં લઈ શકીએ છીએ.

સાઇપ્રસના સોસર ફેડરેશનના હતાશ પ્રમુખ કોસ્ટાસ કૌત્સોકૌમ્નીસ કહે છે કે અત્યાર સુધી તો બ્લેટ્ટર સામે કોઈ પુરાવા મળ્યા નથી. ઇએસપીએન મેગેઝિનના વરિષ્ઠ લેખક-પત્રકાર બ્રેટ ફોરેસ્ટ સોસરની દુનિયામાં ભ્રષ્ટાચારની તપાસ વર્ષોથી કરતા રહ્યા છે. તેમને બ્લેટ્ટરની જીતથી આશ્ચર્ય લાગ્યું નથી. અનેક પત્રકારો દાયકાઓથી બ્લેટ્ટરની કાળી બાજુ શોધવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી કોઈને કંઈ મળ્યું નથી. એનો અર્થ એ થયો કે બ્લેટ્ટર મોટા ઉસ્તાદ છે.

જોકે ફોરેસ્ટ સ્વીકારે છે કે બ્લેટ્ટરના નેતૃત્વમાં ઘણું સારું કામ થયું છે. હા, આ પ્રોજેક્ટ માટેના નાણાં પૈકી થોડોક જ ભાગ સાચા ઠેકાણે જાય છે તે પણ સ્વીકારવું રહ્યું. બાકીનાં નાણાં આ દેશોના ભ્રષ્ટ અધિકારીઓને મળી જાય છે અને તેથી તેઓ ફિફાના પ્રમુખને વફાદાર રહે છે.

ફિફાનું માળખું સમજીઓ તો એક રીતે આ સુંદર અને શુદ્ધ લોકશાહી છે. ટોગો જેવા નાનકડા દેશને પણ મત આપવાની એ જ સત્તા છે જે જર્મનીને મળેલી છે. પરંતુ આ તેની નબળાઈ પણ બની ગઈ છે. આના કારણે ફિફાના આગેવાનો નાના-નાના ફેડરેશનોની તરફેણ કરતા રહે છે કારણકે તેઓ જાણે છે કે આ ફેડરેશનો તેમના ટેકામાં ઊભા રહેશે. અને પોતાનું પદ ટકી રહેશે.

શુક્રવારની સભામાં અંતિમ ટીપ્પણીમાં બ્લેટ્ટરે સંકેત આપી દીધો કે આવું ચાલતું રહેવાનું! તેમણે આટલા મોટા ભ્રષ્ટાચાર કૌભાંડનો સીધો ઉલ્લેખ જ ન કર્યો! અને તેને માત્ર તોફાન તરીકે ગણાવ્યું! આ તોફાન કુદરતી અને અસ્થાયી છે તેમ કહ્યું. તેમણે ઓશિયનિયાના પ્રતિનિધિઓને ફિફાની શાસક સમિતિઓમાં વધુ બેઠકો આપવાનું વચન આપી દીધું. આ ઓશિયનિયા એટલે ફિજી જેવા પ્રશાંત મહાસાગરના ટાપુઓ.

અને જ્યાં સુધી બ્લેટ્ટર વિકાસશીલ દેશોને તેમની પાછળ ટેકામાં રાખવા માટે તેમની તરફેણ કર્યા કરે છે ત્યાં સુધી સમૃદ્ધ રાષ્ટ્રો તેમના નેતૃત્વને પછાડવા ભૂજ્યો પાપડ પણ ભાંગી શકે તેમ નથી. ૭૯ વર્ષના બ્લેટ્ટર આપણા ખંધા રાજકારણી જેવા જ છે. તેમને હજુ સત્તાનો મોહ છૂટતો નથી. તેઓ પોતાની વાત પર વિશ્વસ્ત છે. તેમણે શેખી મારતા હોય તેમ પોતાના પ્રવચનમાં કહ્યું: “સમય શું છે? સમય તો અનંત છે. આપણે તેને કાપીએ છીએ. જેમ જેમ કોઈ ઘરડો થાય છે તેમ તેમ સમય વધુ ઝડપથી જાય છે. સમય ટૂંકો થતો જાય છે. આમ, હું તમારી સાથે છું અને હું તમારી સાથે જ રહેવાનો છું.” તેમની વાત પર મોટા ભાગના શ્રોતાઓએ તાળી પાડી તે બતાવે છે કે તેમને કેટલો બધો ટેકો છે.

તો યુરોપીયન સોસર ફેડરેશનો પાસે હવે કયા રસ્તા બચ્યા છે? એક રસ્તો તો એ છે કે તેઓ ફિફામાંથી અલગ થઈ જાય. તેનો બહિષ્કાર કરે. ડેન્માર્કના ક્રિસ્ટેન્સેન કહે છે કે તેવું તાત્કાલિક તો નહીં થાય. ૫૪ દેશો બહિષ્કાર કરવા ક્યારેય સંમત નહીં થાય. આ ૫૪ દેશોનું એક સંગઠન છે- યુરોપીયન ફૂટબોલ એસોસિએશન- જે યુઇએફએ તરીકે જાણીતું છે. તેની બેઠક બર્લિનમાં મળી રહી છે. તેમાં બ્લેટ્ટર સામેના વિકલ્પો તપાસાશે.

તેમની પાસે બીજો રસ્તો એ પણ છે કે તેઓ રાહ જુએ કે ફિફાના ધરપકડ કરાયેલા અધિકારીઓ બ્લેટ્ટર સામે નિવેદન આપે.  જો આમ થાય તો બ્લેટ્ટર સામે શિસ્તકારી પગલાં લઈ શકાય. અમેરિકાના ન્યૂ યોર્કના પૂર્વીય જિલ્લાના કાર્યકારી એટર્નીએ વચન આપ્યું છે કે જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ વધુ આરોપો લાગશે. આમ, જે તપાસ ચાલી રહી છે તેમાંથી જે આરોપો બહાર આવશે તેની સામે આવનારા મહિનાઓમાં ફિફા અને તેના પ્રમુખે ઝીંક ઝીલવાની છે. અમેરિકાની સાથે કામ કરતાં સ્વિસ અધિકારીઓએ એક અલગ તપાસ આદરી છે કે ફિફાએ કઈ રીતે રશિયા અન કતારને આગામી બે વિશ્વ કપ સ્પર્ધાના અધિકારો આપી દીધા.

હવે જોવાનું એ છે કે અમેરિકા કે સ્વિત્ઝર્લેન્ડ પોતાની તપાસમાં બ્લેટ્ટર સામે કોઈ પુરાવા લાવીને તેમના પર સીધી કાર્યવાહી કરી શકે છે કે પછી તેમને બદનામ કરીને તેમની પાસે રાજીનામું અપાવી શકે છે કે કેમ. આમ, બ્લેટ્ટર ભલે શુક્રવારે ફિફાનું પ્રમુખપદ ટકાવવામાં સફળ રહ્યા હોય, તેઓ ચાર વર્ષની મુદ્દત પૂરી કરશે કે કેમ તેમાં શંકા છે. પશ્ચિમી દેશો એક વાર કોઈની પાછળ પડી જાય પછી તેને છોડતા નથી.

(નોંધ: આ લખ્યા પછી બ્લેટ્ટરે રાજીનામું આપી દીધું હતું.)

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં ‘વર્લ્ડ વ્યૂ’ કૉલમમાં તા. ૩/૬/૧૫ના રોજ આ લેખ છપાયો)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment