Home » …ફિર જુદા હો ગયે, દેખો ફિર મિલ ગયેં!

…ફિર જુદા હો ગયે, દેખો ફિર મિલ ગયેં!

by Jaywant Pandya

સંજય દત્તની પહેલી ફિલ્મ ‘રોકી’નું એક ગીત છે : હમ તુમ સે મિલે, ફિર જુદા હો ગયેં, દેખો ફિર મિલ ગયેં, અબ હોંગે જુદા…આ ગીત ઘણા મોટાં માથાંઓને લાગુ પડે છે. શાહરુખ-સલમાન-આમિર ખાન, અમિતાભ બચ્ચન-શત્રુઘ્નસિંહા ને જુઓ કે ભાજપ-શિવસેના, મુલાયમ-લાલુપ્રસાદ હોય કે કૉંગ્રેસ-અરવિંદ કેજરીવાલ. ચૂંટણી સમયે અથવા તો સમયના કોઈ તબક્કે આ લોકો અથવા આ પક્ષો અલગ-અલગ હોય છે, પણ પછી તેઓ એક થઈ જાય છે. ગયા જ રવિવારે આવું ‘વીરલ’ દૃશ્ય જોવા મળ્યું. એનો અણસાર તો જોકે અર્પિતાનાં લગ્ન વખતે જ આવી ગયો હતો…

‘આપ કી અદાલત’વાળા રજત શર્માના એક કાર્યક્રમમાં સ્ટેજ પર સલમાન-શાહરુખ-આમિર ખાન સ્ટેજ પર એક સાથે આવ્યા. લાંબા સમય પછી ત્રણેય સુપરસ્ટાર ખાનનું આવું જાહેર મિલન થયું. તેઓ એક થાય તે સારી જ વાત હોઈ શકે. પરંતુ તેમના ચાહકો વચ્ચે કટ્ટર દુશ્મનાવટ ઊભી થઈ ગઈ તેનું શું? સલમાન અને શાહરુખ વચ્ચે ઝઘડો થાય એટલે સલમાનના ચાહકો કદાચ શાહરુખને પણ પસંદ કરતાં હોય તેવું બને, પરંતુ ઝઘડા બાદ તેમના મનમાંથી શાહરુખ ઉતરી જાય તેવું બનવાની ૧૦૦ ટકા શક્યતા છે. કટ્ટર ચાહકો તો પછી શાહરુખની ફિલ્મ જોવાનું કે તેનો કોઈ કાર્યક્રમ હોય તો તે જોવાનું પણ બંધ કરી દે. હવે જ્યારે એ જ સલમાન અને શાહરુખ હાથ મિલાવી લે ત્યારે આ કલાકારો તો ફરી પાછા હતા એવા ને એવા થઈ જવાના, પરંતુ ચાહકોના મનમાં જે મજબૂત દીવાલ રચાઈ ગઈ તે કેમ કરીને તૂટે?

અમિતાભ અને શત્રુઘ્નસિંહાની વચ્ચે પણ આવી જ અભેદ્ય દીવાલ રચાઈ ગઈ હતી. બંને એકબીજાના હરીફ હતા, પણ અમિતાભનો જ્યારે સંઘર્ષ કાળ હતો ત્યારે શત્રુઘ્ન,અમિતાભ, અને મહેમૂદના નાના ભાઈ અનવર અલીની સારી દોસ્તી હતી. ત્રણેય જણા ડિસ્કોથેકમાં સાથે જતા. એ વખતે શત્રુ પ્રસ્થાપિત અભિનેતા હતા. અમિતાભના અતિ આગ્રહથી શત્રુએ મહેમૂદની ‘બોમ્બે ટૂ ગોવા’ સ્વીકારી. પરંતુ શત્રુના કહેવા પ્રમાણે, ધીમે ધીમે અમિતાભ સફળ થતા ગયા અને તેમને શત્રુ તેમની સાથે કામ કરે તે પસંદ નહોતું. એટલે ‘નસીબ’, ‘શાન’ વગેરે ફિલ્મોમાં શત્રુ કામ કરે તેવી ઈચ્છા અમિતાભની નહોતી. તેમની છેલ્લી ફિલ્મ સાથે હતી ‘કાલા પત્થર’. તે પછી તેમની વચ્ચે ‘દોસ્તાના’ તૂટી ગયો. શત્રુ ‘ફિલ્મફેર’ મેગેઝિનમાં સવાલોના રમૂજી ને વન લાઇનર જેવા જવાબો આપતા. તેમાં અમિતાભની ઠેકડી ઉડાડવાની તક જતી નહોતા કરતા. થોડા વખત પહેલાં બંને વચ્ચે ફરી જૂનો સેતુ સંધાયો. પરંતુ અભિષેકના લગ્નમાં મહેમાનોની યાદીમાંથી અમિતાભે શત્રુને કાપી નાખ્યા. શત્રુએ તેનો તો વિરોધ વ્યક્ત કર્યો જ, પણ સાથે આઈફા એવોર્ડમાં ‘ગુરુ’નું નામાંકન થયું તેનો પણ કટાક્ષ કર્યો કે ‘સબ કિસી કા બેટા હૈ, યા કિસી કી બહુ, યા કિસી કી બીવી’, જેની ચોખવટ અમિતાભે પોતાના બ્લોગ પર કરવી પડી. જોકે બહુ તાજેતરમાં શત્રુઘ્ન સિંહા ‘આપ કી અદાલત’માં આવ્યા ત્યારે તેમણે જૂની કડવાશ ભૂલી જઈ કહ્યું કે ક્યાંક એનો વાંક હશે, ક્યાંક મારો, હવે અમે બંને મિત્રો છીએ. એક ઇન્ટરવ્યૂમાં તો શત્રુએ અમિતાભને ભારતના રાષ્ટ્રપતિ જેવી ગરીમાવાળા કહી દીધા! હવે તેમના પોતપોતાના ચાહકો, જેમણે પોતાના દેવતા સમાન અભિનેતા માટે બીજા અભિનેતાને તડકે મૂકી દીધા હોય તેમણે શું કરવાનું?

અભિનેતાઓ કરતાંય ખતરનાક ચાહના પક્ષો પ્રત્યે હોય છે. ઘણાના મનમાં એક છાપ બેસી જાય તે આજીવન કાયમ રહે છે અને તેઓ એક જ પક્ષને મત આપતા રહે છે. તેના માટે પાનના ગલ્લે, ટીવીમાં ચર્ચા ચાલતી હોય તે દરમિયાન કે સાઇબર સ્પેસ પર જંગ ખેલાતો હોય તેમ તેઓ ઉગ્રતાપૂર્વક પોતાના માનીતા પક્ષ માટે ઉગ્ર ટીપ્પણીઓ કરતા હોય છે. (વેબસાઇટ પર ક્યારેક કોઈ લેખ કે સમાચારની નીચે મૂકાયેલી ટીપ્પણીઓ જોવી.) ઘણી વાર તો વાત મારામારી સુધી પહોંચી જાય છે. હવે આ પક્ષો જ્યારે તેનું વલણ ૧૮૦ ડિગ્રી ફેરવી નાખે અથવા ચૂંટણીમાં જેની સામે અનહદ આક્ષેપો કર્યા હોય તેની જ સાથે ચૂંટણી પછી ઘર માંડી દે તો ચાહકોના મનમાં કેટલો તીવ્રતમ આઘાત લાગે તે કલ્પના કરી છે?

ભાજપ હંમેશાં હિન્દુવાદી વાતો કરતો આવ્યો છે પરંતુ સત્તામાં આવ્યા પછી તે સેક્યુલર બની જાય છે. નરેન્દ્ર મોદી તો એમાં પાછા હિન્દુ હૃદય સમ્રાટ. ચૂંટણી પહેલાં સુધી તેમણે મુસ્લિમ ટોપી પહેરવાનો ઇનકાર કરી દીધો. રમખાણો માટે કદી માફી ન માગી. તેમના ચાહકોને થયું કે આ સાચો ભાયડો. ચૂંટણી જીતવા આવા કોઈ સેક્યુલર ગિમિક કરતો નથી તો ચૂંટણી પછી પણ નહીં કરે. પરંતુ તાજેતરમાં કાશ્મીરમાં એક રેલી દરમિયાન તેમણે ‘અલ્લાહતાલા’ શબ્દ વાપરી દીધો, તો બીજી બાજુ મોદી જેવી જ છબિ ધરાવતા અમિત શાહે પ. બંગાળમાં એક રેલી દરમિયાન મુસ્લિમોની અઝાન (પ્રાર્થના) વખતે તેમણે પોતાનું ભાષણ અટકાવી દીધું! ખલ્લાસ! જે ભાજપી સમર્થકો વારાણસીમાં અઝાન વખતે પોતાનું ભાષણ અટકાવી દેનાર અરવિંદ કેજરીવાલને સેક્યુલર કહીને લબડધક્કે લેતા હતા તેમનાં મોઢાં સિવાઈ ગયાં. તેઓ તમતમી ઉઠ્યા. મોદી સરકાર આધારકાર્ડ કે અન્ય બાબતે યૂ ટર્ન મારે તે ચાલે, પણ આવા યૂ ટર્ન કેવી રીતે સાંખી લે?

આવું જ કેજરીવાલ બાબતે થયું હતું. અરવિંદ કેજરીવાલનું સમગ્ર આંદોલન મૂળ તો કૉંગ્રેસના ભ્રષ્ટાચાર સામે હતું. આંદોલન દરમિયાન જોખી જોખીને કૉંગ્રેસને ગાળો દીધેલી. એટલે એક સમયે (જ્યારે નરેન્દ્ર મોદી ભાજપના મુખ્ય નેતા નહોતા બન્યા) સુપ્ત જેવી અવસ્થામાં રહેલા ભાજપના વિકલ્પે લોકો કેજરીવાલના ‘આપ’ને સ્વીકારતા થઈ ગયા હતા અને એટલે દિલ્હીમાં ‘આપ’ને ૨૮ બેઠકો આપી દીધી. પણ કેજરીવાલે એક યા બીજી રીતે (ભલે એમ કહે કે પોતાની શરતે) કૉંગ્રેસનું સમર્થન લીધું ને એ જ બાબતના કારણે કેજરીવાલ લોકોની નજરમાંથી ઉતરી ગયા. (લોકસભા ચૂંટણી પૂરતું તો એમ કહી શકાય, હવે જે કંઈ થાય તે).

એક સમયે કેજરીવાલની જેમ જ કૉંગ્રેસના વિકલ્પ તરીકે જનતા દળ ઊભરી આવ્યો હતો પરંતુ સત્તાકાંક્ષી નેતાઓએ આ પક્ષથી જુદા પડી પોતપોતાના અલગ-અલગ ચોકા રચ્યા. મુલાયમના પક્ષ સપાએ ઉત્તર પ્રદેશમાં સરકાર રચી તો લાલુપ્રસાદ યાદવના પક્ષ રાજદએ બિહારમાં. બંનેની દુશ્મનાવટ હમણાં સુધી બરાબર ચાલી હતી. લોકસભા ચૂંટણી પહેલાં મુઝફ્ફરનગરના રમખાણપીડિતોને લાલુ મળવા ગયા ત્યારે મુલાયમના પેટમાં દુખ્યું હતું અને તેમને કૉંગ્રેસના ચમચા કહી દીધા હતા, તો લાલુએ મુલાયમ પર પ્રહારો કર્યા હતા કે એ રમખાણપીડિતોની મદદ કરવાના બદલે સૈફઇ (એ નામના ગામ)માં મુલાયમ મનોરંજનના કાર્યક્રમો યોજે છે. એ જ મુલાયમ અને લાલુ હવે વેવાઈ બની ગયા છે! એટલું જ નહીં, તેઓ હવે તેમના પક્ષો વિલીન કરીને એક પક્ષ રચી, નરેન્દ્ર મોદીના અશ્વમેઘી ઘોડાને કાબૂમાં કરવા યોજના બનાવી રહ્યા છે. તેમની આ યોજનામાં નીતીશકુમાર પણ છે, જેમનો પક્ષ જનતા દળ (યૂ) લાલુપ્રસાદના જંગલરાજનો જબરદસ્ત વિરોધ કરીને સત્તામાં આવ્યો છે!

…તો મહારાષ્ટ્રમાં તો સાવ નજીકનો દાખલો છે… ભાજપ-શિવસેનાનો. બંને હિન્દુવાદી પક્ષો. બંને જૂના સાથીઓ. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં બેઠકો બાબતે સમજૂતી ન થઈ. ચૂંટણીમાં બંનેએ એકબીજા સામે ભારોભાર ઝેર ઓક્યું. શિવસેનાએ કહ્યું : મોદીના પિતાશ્રી આવ્યા હોત તો પણ લોકસભામાં મહારાષ્ટ્રમાં અમારા સમર્થન વગર જીતી શક્યા ન હોત. તેણે ભાજપને અફઝલખાનની સેના સાથે સરખાવ્યો, તો ભાજપે શિવસેનાને હપ્તા વસૂલ કરનાર પક્ષ ગણાવ્યો. આજે બંને સરકારમાં સાથે-સાથે છે! ચૂંટણી વખતે એમના સમર્થકોમાં કેવા તડાં પડી ગયેલાં! ભાજપના સમર્થકો શિવસેનાની અને શિવસેનાના સમર્થકો ભાજપની નિંદા કરતા. હવે તેના મનમાં શું વિતતી હશે?

સૌથી વધુ તો પીડા માતાપિતાના ઝઘડાઓના લીધે તેમનાં સંતાનોમાં થતી હોય છે. ઘણી વાર માતાના લીધે પિતા પ્રત્યે, તો ઘણી વાર પિતાના લીધે માતા પ્રત્યે સંતાનોના મનમાં ગ્રંથિ બંધાઈ જાય છે. માતાપિતા તો પછી બધું ભૂલીને પાછા એક થઈ જતા હોય છે, પણ સંતાનોના મનમાં જે ગ્રંથિ બંધાઈ તે આજીવન એમની એમ જ રહે છે.

(‘મુંબઈ સમાચાર’ દૈનિકની રવિ પૂર્તિ ‘ઉત્સવ’ની ‘સિક્કાની બીજી બાજુ’ કોલમમાં તા.૧૪/૧૨/૧૪ના રોજ લેખ છપાયો)

You may also like

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.