Home » ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

by Jaywant Pandya

(ભાગ-૧૧)

શેખ અબ્દુલ્લાની તબિયત હવે નરમગરમ રહેવા લાગી હતી. જિંદગીનો બહુ ભરોસો નહોતો. તેમણે ૧૯૮૧માં ફારુક અબ્દુલ્લાને નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ બનાવીને પોતાના વારસદાર જાહેર કરી દીધા હતા. પરંતુ તેમના ઘરમાં જ ફારુક અબ્દુલ્લાના એક પ્રતિસ્પર્ધી હતા – ગુલામ મોહમ્મદ શાહ, જે શૈખના જમાઈ અને ફારુકના બનેવી થતા હતા.

શેખના અંતકાળ તેમજ ફારુકના રાજકીય કારકિર્દીના સમયમાં, જમ્મુ-કાશ્મીરમાં ઈસ્લામીકરણ કેટલું થયું અને અલગતાવાદીઓને કેટલો છૂટો દોર અપાયો તે તો આપણે ગયા હપ્તે જોયું પરંતુ ભ્રષ્ટાચાર પણ કેટલો ફૂલ્યોફાલ્યો હતો તે આજે જોઈએ.

૧૫ એપ્રિલ ૧૯૮૨ના ‘ઇન્ડિયા ટૂડે’ સામયિકે સ્ટોરી કરી હતી. તેમાં જણાવ્યા મુજબ, છેલ્લાં કેટલાંક વર્ષોથી (એટલે કે ૧૯૮૨ પહેલાંના કેટલાંક વર્ષોથી) જમ્મુ-કાશ્મીરનો એકેય ખૂણો એવો નહોતો જ્યાં ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓની વાત ન થતી હોય. શક્ય છે કે એમાંની કેટલીક અતિશયોક્તિવાળી હોય, પરંતુ તેમાં જે તત્ત્વ છે તે ઘણા અંશે વિશ્વસનીય છે. સરકાર અને એનસી (નેશનલ કૉન્ફરન્સ) પોતે જ કાયદો બની ગયા હતા. જમીનની ફાળવણી બાબતે તો ખાસ. દુકાનો, સિનેમાઓ અને રહેવાસી પ્લોટો કથિત રીતે પક્ષ તરફે સહાનુભૂતિ રાખનારાઓ, જેમને વિશેષ ગણવામાં આવતા હતા તેવા અને ઉચ્ચ પદે બેઠેલાઓના સગાંસંબંધીઓને મનફાવે તેમ ફાળવી દેવાતા હતા. દા.ત. સરકારે ઝેલમના કિનારે આવેલી મુખ્ય જમીનની ચાર કેનાલ નેશનલ કૉન્ફરન્સના નવા-ઇ-સુબહ-ટ્રસ્ટ (જે ઉર્દૂ અને અંગ્રેજી દૈનિક કાઢતું હતું)ને ફાળવી દેવાઈ. તેમાં પાંચ માળનું બિલ્ડિંગ જે રૂ. ૧ કરોડની કિંમતનું હતું તે બનાવવાનું હતું અને આ જમીન કયા ભાવે લીઝ પર અપાઈ હતી? ૯૦ વર્ષ માટે એક કેનાલ રૂ. ૧ના વાર્ષિક ભાડા પર અપાઈ હતી! આ ટ્રસ્ટના વડા હતા શૈખના જમાઈ જી. એમ. શાહ!

જમ્મુ-કાશ્મીરની હાઇ કોર્ટને તો જાણે ઘોળીને પી ગયા હતા. (અને ગુજરાતનાં રમખાણો વખતે કેસો ગુજરાત બહાર ચલાવવા આદેશો અપાયા હતા!) કાશ્મીરની હાઇ કોર્ટે એક પત્રકારની અરજીના આધારે આ બાંધકામ પર પ્રતિબંધ મૂક્યો તો પણ આદેશને અવગણીને બાંધકામ ચાલુ રખાયું. વાત તો એવી હતી કે મંત્રીમંડળનો ભાગ્યે જ કોઈ એવો મંત્રી હશે જેણે તેની મુદ્દતમાં જમ્મુ અથવા શ્રીનગરમાં મહેલ જેવું ઓછામાં ઓછું (આઇ રિપિટ, ઓછામાં ઓછું) એક ઘર નહીં બનાવ્યું હોય! એક પ્રધાનને મોડી ફાળવણી થઈ. તેને દક્ષિણ શ્રીનગરના રાવલપરામાં જમીન અપાઈ હતી. એટલે આ ભાઈએ શું કર્યું? બસ સ્ટેશન માટે ફાળવાયેલી જમીન પર કબજો જમાવી બે પ્લોટ બનાવી નાખ્યા.

દાલ સરોવરના કિનારે મહારાજા હરિસિંહના દીકરા ડૉ. કરણસિંહની ૯૦ એકરમાં ફેલાયેલી એક સંપત્તિ હતી – હરિ નિવાસ. રાજ્ય સરકારે તેમને આ સંપત્તિ સામાજિક કામો માટે આપી હતી. તે સંપત્તિ સાત વેપારી પરિવારોને ૩૦૦ રૂમની લક્ઝરી હોટલ બનાવવા આપી દેવાઈ! તેમાં જે ભાગીદારો હતા તેઓ નેશનલ કૉન્ફરન્સના ટેકેદારો હતા. તેમના પર આવકવેરા ખાતાના દરોડા પણ પડ્યા હતા. પણ આ દરોડા તો શૈખને દબાવવા માટે ઈન્દિરા ગાંધીના ઈશારે પડાયા હતા, કેમ કે, તે વખતે બંને વચ્ચે પાછો સંઘર્ષ ચાલતો હતો. આમ માનવાને કારણ એ હતું કે આ દરોડા પછી કોઈ કાર્યવાહી કરાઈ નહીં કે કોઈ સંપત્તિ ટાંચમાં ન લેવાઈ.

માત્ર જમાઈ જ નહીં, શૈખનો નાનો દીકરો પણ ઓછો નહોતો. એનું નામ તારીક. ૪૪ વર્ષનો તારીક રાજ્યના ટુરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશનનો ચૅરમેન હતો. તેણે કૉર્પોરેશનના સેંકડો કર્મચારીઓને રાતોરાત કાઢી મૂક્યા હતા. તારીકે પોતે આ આંકડો ૧૯૦નો કહેલો, પરંતુ હકીકતે તે ૫૦૦નો હતો તેમ સૂત્રોએ કહેલું. શ્રીનગરની કૉર્ટે આ છટણીને ગેરકાયદે, નિયમથી વિરુદ્ધ અને બિનઅસરકારક ઠેરવેલી. પરંતુ તારીક આ આદેશને ઘોળીને એ જ રીતે પી ગયેલા જેમ તેમણે તેમના વિરુદ્ધ કોર્ટે કાઢેલા અસંખ્ય સમન્સને પી ગયા હતા.

પરંતુ ૧૯૮૩માં ચૂંટણી આવવાની હતી. (કાશ્મીરમાં બીજી બધી બાબતોની જેમ, આ બાબતમાં પણ દેશનાં અન્ય રાજ્યોથી ઉલ્ટું છે. ત્યાં દર પાંચ વર્ષે નહીં, દર છ વર્ષે ચૂંટણી થાય છે.) એટલે શેખ અને ડૉ. ફારુક અબ્દુલ્લા જાગ્યા. તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરવાનો દેખાવ કર્યો. ફારુકે જાહેર કર્યું કે કોઈ ભ્રષ્ટાચારીને ફરી ટિકિટ નહીં મળે. શૈખ તેમના પુત્રને જીતાડવા માટે તમામ રીતે પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેઓ પોતાના જીવતા જીવ ફારુકને મુખ્યમંત્રી બનતો જોઈ શક્યા નહીં. ૮ સપ્ટેમ્બર, ૧૯૮૨ના રોજ તેમનું મૃત્યુ થયું. ગાંધીજી, નહેરુની જેમ શૈખને ભવ્ય વિદાઈ અપાઈ. પણ કાશ્મીરના માથે જે વ્યક્તિ પનોતી બનીને રહ્યો હતો અને કાશ્મીરને બરબાદ કરવામાં કોઈ કસર નહોતી છોડી તે પનોતીનો કોઈ અંત નહોતો આવ્યો. નેશનલ કૉન્ફરન્સમાં જેમ શૈખે પોતાના વારસદાર ફારુકને બનાવ્યા, તેમ આ પનોતીનો પણ વારસો પસાર કરતા ગયા, કેમ કે, ફારુકના સમયમાં ત્રાસવાદ ભયંકર રીતે માથું ઉંચકવાનો હતો અને અનેક બોમ્બધડાકા રોજબરોજની કહાણી બની જવાના હતા. કાશ્મીર ખીણમાંથી વ્યવસ્થિત અને ક્રૂર ષડયંત્ર હેઠળ કાશ્મીરી પંડિતોની હત્યા, લૂટ અને બળાત્કાર થવાના હતા તેમજ પંડિતોને કાશ્મીરમાંથી ખદેડવાના હતા.

શૈખના મૃત્યુ પછી સ્વાભાવિક જ ફારુકને મુખ્યપ્રધાન બનાવાયા. તેમને વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી અને રાજ્યના ગવર્નર બી. કે. નહેરુનો અંદર ખાને ટેકો હતો. દિલ્હીમાં બેઠેલા લોકોને ફારુક એ વખતે સીધાસાદા લાગતા હતા, જ્યારે તેમના બનેવી અને મુખ્ય દાવેદાર જી. એમ. શાહ હાર્ડલાઇનર હતા. આમ, ચૂંટણી સુધી એટલે કે એક વર્ષ માટે ફારુક અબ્દુલ્લા મુખ્ય પ્રધાન બન્યા. ચૂંટણીમાં શૈખના મૃત્યુના કારણે સ્વાભાવિક જ નેશનલ કૉન્ફરન્સને સહાનુભૂતિનો લાભ મળ્યો અને તેનો વિજય થયો અને ફારુક અબ્દુલ્લા મુખ્યપ્રધાન બન્યા, પરંતુ ફરી એક વર્ષ માટે જ. કેમ કે ૨ જુલાઈ, ૧૯૮૪ના રોજ ઈન્દિરા ગાંધીની સરકારના ઈશારે તેમને મુખ્યપ્રધાન પદેથી બરતરફ કરવાના હતા.

૧૯૮૩ની ચૂંટણી અગાઉ સૈયદ મીર કાસીમ (કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન) જેમણે ઈન્દિરા ગાંધીની ૧૯૮૦માં ફરી સત્તા પર આવ્યા પછીની બિનલોકશાહી રીતરસમોના કારણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું, તેમ છતાં તેઓ ઈન્દિરાની નજીક હતા. તેમણે ઈન્દિરાને અને ફારુકને કાશ્મીરની ચૂંટણી સાથે લડવા સમજાવ્યું. પરંતુ એ વખતે કૉંગ્રેસના પ્રમુખ હતા મુફ્તિ મોહમ્મદ સઈદ (જે આજે પીડીપીના મુખ્યપ્રધાન છે). તેમણે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી. કાસીમ તેમના પુસ્તક ‘માય લાઇફ એન્ડ ટાઇમ્સ’માં લખે છે કે “મેં ઈન્દિરાને સમજાવ્યું તો ઈન્દિરાએ કહ્યું કે મુફ્તિએ મારી મંજૂરી વગર આ જાહેરાત કરી નાખી છે.” (આવું બની શકે? ઈન્દિરાની મંજૂરી વગર દેશ આખામાં પત્તુંય ન હલતું હોય, એમાંય આ તો કટોકટી પછી વધારે જોરથી સત્તામાં આવ્યાં હતાં, તો મુફ્તિની શું હેસિયત?) છેવટે કાસીમના કહેવાથી, ફારુકને શ્રીનગરથી દિલ્હી લાવવા ખાસ વિમાન મોકલાયું! (આજે આવું નરેન્દ્ર મોદીએ કર્યું હોય તો કેટલાંય અઠવાડિયાં સુધી આ સમાચાર છાપાં અને ચેનલો પર ગાજે!) ફારુક અને ખાસ તો તેમનાં માતા બેગમ અબ્દુલ્લા કૉંગ્રેસ સાથે બેઠક વહેંચણી માટે સમાધાનના મૂડમાં નહોતા. તેમણે ત્યાં સુધી કહી દીધું કે કાશ્મીરમાં કૉંગ્રેસ ધોવાઈ જશે. બસ, આનાથી ઈન્દિરા ગાંધીનો અહંકાર ઘવાયો અને તેમણે ફારુકને પાઠ ભણાવવા નિર્ણય લઈ લીધો.

અને તેમણે જગમોહન દ્વારા આ બદલો લીધો. એ જ જગમોહન જે કાશ્મીરના રાજ્યપાલ હતા અને બીજી મુદ્દતમાં, કાશ્મીરમાં ત્રાસવાદે માથું ઉંચક્યું હતું ત્યારે પણ રાજ્યપાલ હતા. આ તરફ, ફારુક પણ તેમના પિતા શૈખના પગલે જ ચાલતા હતા. અહીં એક આડવાત કરવી એટલા માટે જરૂરી છે જેથી ફારુકના તેમના પિતા જેવા સ્વભાવની ખબર પડે. ફારુક ઈંગ્લેન્ડમાં ભણ્યા હતા. ફારુકે લગ્ન પણ લંડનની એક બ્રિટિશ મૂળની નર્સ મોલી સાથે કર્યાં છે. ફારુક દાક્તરીનું ભણતા હતા ત્યારે તેમને મોલી સાથે પ્રણય થઈ ગયો હતો. બંનેનાં લગ્ન ૬૦ના દાયકામાં થયા હતા અને લગ્ન પછી મોલી કાશ્મીર આવેલા. પરંતુ તેઓ ઘણા સમયથી તેમની દીકરી હિના સાથે લંડન જ રહે છે. હમણાં કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી વખતે (૨૦૧૪માં) ફારુક બીમાર પડેલા ત્યારે તેમને મોલીએ પોતાની કિડની આપીને જીવતદાન આપ્યું હતું. ફારુકની એક દીકરી કૉંગ્રેસના નેતા સ્વ. રાજેશ પાઇલોટના દીકરા સચીનને  પરણી છે. ફારુકના દીકરા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમરનો જન્મ પણ યુકેના એસેક્સમાં થયો છે.

તો, ફારુક અબ્દુલ્લા જ્યારે ઈંગ્લેન્ડમાં ભણતા હતા ત્યારે તેઓ જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના નેતાઓના પરિચયમાં આવ્યા હતા. તેમાં એક હતો અમાનુલ્લા ખાન. અમાનુલ્લા ખાનને ૧૯૭૧માં તેઓ મળેલા. તે પછી ફારુક ૧૯૭૩માં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં જઈને જેકેએલએફે યોજેલા એક કાર્યક્રમમાં કાશ્મીરને સ્વતંત્ર કરાવવાના શપથ લીધા હતા અને એટલું જ નહીં, ત્યાં હાજર અન્ય યુવાનોને પણ શપથ લેવડાવ્યા હતા. ૧૯૭૫માં જ્યારે શૈખ સત્તામાં ફરી આવેલા (ઈન્દિરાની કૃપાથી) ત્યારે એક સરઘસ કાઢવામાં આવેલું. તેમાં ફારુક, તેમની સાથે ઈંગ્લેન્ડથી આવેલા જેકેએલએફના સાથીઓ સાથે જોડાયા હતા અને ફારુકે નવું સૂત્ર આપેલું, “ચ્યોં દેશ, મ્યોં દેશ, કશૂર દેશ, કશૂર દેશ” અર્થાત્, તમારો અને મારો દેશ કાશ્મીર છે!

મુખ્યપ્રધાન બનતાં વેંત તેમણે ઈન્દિરા ગાંધી સામે બાથ ભીડવાનું ચાલુ કરી દીધું. તેમણે પહેલાં તો પોતાના જૂના સાથીઓને જ કાઢી મૂક્યા અને જાહેરસભામાં પોતાની નવી ટીમ જાહેર કરી અને લોકો પાસે તેની મંજૂરી માગી. લોકોએ હા પણ પાડી દીધી. તે પછી તેમણે જાહેર કર્યું કે તેઓ કાશ્મીરની પ્રતિષ્ઠા અને ગરીમાને ઉની આંચ નહીં આવવા દે અને તે માટે શક્તિશાળી ભારત સામે લડવું પડે તો પણ લડી લેશે. સત્તામાં આવ્યાના ત્રણ મહિનાની અંદર તેમણે કૉંગ્રેસ વિરોધી અને કેન્દ્ર સરકાર વિરોધી પક્ષો અને પરિબળો સાથે હાથ મિલાવ્યા. એ વખતે દેશમાં પાકિસ્તાનના ઈશારે શીખ ત્રાસવાદીઓની સમસ્યા ઉકળતી હતી. ‘કાશ્મીર: ઇટ્સ એબોરિજિન્સ એન્ડ એક્સોડસ’ પુસ્તકમાં કર્નલ તેજ કે ટિકૂ લખે છે, મુખ્યમંત્રી તરીકેની પોતાની પ્રથમ મુદ્દતમાં, ફારુકે ભાગીને આવતા શીખ ત્રાસવાદીઓને કાશ્મીરમાં સલામત આશ્રય આપવાનું શરૂ કર્યું હતું. કાશ્મીરની અંદર શીખ ત્રાસવાદીઓને તાલીમ અપાતી હતી. ફારુક સરકારના આ વલણથી શીખ ત્રાસવાદીઓના ટેકેદારોને હિંમત અને જુસ્સો મળ્યો. તેઓ રાજ્યમાં સરઘસો કાઢવા લાગ્યા, પ્રદર્શનો યોજવા લાગ્યાં.

૬ જૂન ૧૯૮૪ના રોજ જ્યારે અંતિમવાદી શીખ જર્નૈલસિંહ ભીંદરાનવાલેનું મૃત્યુ થયું એ વખતે ફારુક અબ્દુલ્લા તુલામુલ્લામાં ખીર ભવાની મંદિર ગયા જ્યાં કાશ્મીરી પંડિતો અષ્ટમીનો ઉત્સવ ઉજવી રહ્યા હતા. તેમણે તેમને શ્રીનગર પાછા જવા સલાહ આપી કારણકે પરિસ્થિતિ બેકાબૂ થવાની પૂરી શક્યતા હતી. પરંતુ તેમણે હનુમાન મંદિર તેમજ આસપાસના નિવાસોને બચાવવા કોઈ પગલાં ન લીધાં. રોષે ભરાયેલા શીખોએ તેમને લક્ષ્ય બનાવ્યાં અને ઘણું નુકસાન પહોંચી ગયું પછી પોલીસને મોકલાઈ.

આ તો હજુ શરૂઆત જ હતી. ફારુકના શાસનમાં હિન્દુઓ આગળ આનાથી પણ ખરાબ દિવસો આવવાના હતા…

(ક્રમશઃ)

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા. ૫/૭/૧૫ના રોજ આ લેખ છપાયો.)

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯ શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩ કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

You may also like

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.