Home » પ્રાઇમ ટાઇમ રિપીટ કરી શકાય?

પ્રાઇમ ટાઇમ રિપીટ કરી શકાય?

by Jaywant Pandya

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શુક્રવારની પૂર્તિમાં ‘ટેલિટોક’ કૉલમમાં આ  લેખ તા. ૧૧/૯/૧૫ના રોજ પ્રસિદ્ધ થયો.)

સામાન્ય રીતે ભારતીય ટેલિવિઝન પર પ્રાઇમ ટાઇમ ૮ વાગ્યાથી ચાલુ થઈને ૧૧ વાગ્યા સુધી ચાલે છે. આ સમય દરમિયાન સિરિયલોના નવા હપ્તા દર્શાવાય છે. ચેનલોને લાગે કે જે સિરિયલો વધુ સારી ચાલી શકે તેમ છે, તેવી સિરિયલોને આ સમયગાળા દરમિયાન દર્શાવાય છે. પરંતુ આ સમયગાળા દરમિયાન આવતી પોતાની મનગમતી સિરિયલ જોઈ ન શકે તેવા લોકોએ શું કરવાનું? ઋષિ-મુનિઓની જેમ મોહમાયા ત્યાગી દેવાની? એક કરતાં વધુ હપ્તા જો ચુકાઈ જવાય તો પછી લોકો એ સિરિયલ જોવાનું જ બંધ કરી દે. આ તો ટીવી ચેનલ માટે ખોટની વાત પુરવાર થાય. તેમને દર્શક ગુમાવવો પોસાય નહીં.

આજે ભાગદોડનો જમાનો છે. દરેક જણ કમાવા માટે દોડે છે. કમાઈને પાછું મનોરંજન પણ મેળવવું છે. પણ દરેક વ્યક્તિ એવી સદભાગી નથી હોતી કે સવારે ૧૦થી ૬ની જ નોકરી હોય. અનેક લોકો પાળી (શિફ્ટ)માં કામ કરતા હોય છે. વળી, મુંબઈ જેવું શહેર હોય કે હવે તો અમદાવાદમાં, પણ ઘણી વાર રાત્રે ૧૦ કે ૧૧ વાગે પહોંચતા હોય તેવું બને છે. તો ઘણા પુરુષોને આ સમય દરમિયાન સમાચાર જોવા હોય છે. આના કારણે ઘણી વાર રાત્રે ૮થી ૧૧ વાગ્યાના સ્લોટમાં આવતી સિરિયલો ચુકી જવાય છે. આના માટે કોઈ ઉપાય?

ઉપાય છે અને નથી પણ.

કઈ રીતે? આવો સમજીએ. મોટા ભાગની જીઇસી એટલે કે સામાન્ય મનોરંજન આપતી ચેનલો (સબ, સોની, ઝી, સ્ટાર પ્લસ, લાઇફ ઓકે, કલર્સ, એન્ડ ટીવી, બિગ મેજિક વગેરે) ચોવીસ કલાકની હોય છે. હવે ચેનલને ચોવીસ કલાક ચલાવવી હોય તો બધી સિરિયલોના નવા હપ્તા દર્શાવવા મોંઘા પડે. એટલે મુખ્યત્વે સાંજે પાંચથી રાતના ૧૧ વાગ્યા સુધી સિરિયલોના નવા હપ્તા દર્શાવાય અને બાકીના સમયમાં આ સિરિયલોનું પુનઃપ્રસારણ કરાય છે. એટલે આ ઉપાય તો થયો કે જે લોકો રાતના આઠથી અગિયાર વાગ્યા સુધીમાં સિરિયલની ગાડી ચુકી ગયા હોય તેઓ આ પુનઃપ્રસારણ જ્યારે થાય ત્યારે ગાડી પાછી પકડી લે.

જ્યારે કલર્સ ચેનલની શરૂઆત થઈ ત્યારે તેના ઘણા કાર્યક્રમો નિશ્ચિત સમયે રિપીટ થતા હતા. થોડા મહિનાથી એન્ડ ટીવી નવી નવી શરૂ થઈ છે તો તેના બેચાર કાર્યક્રમો આખો દિવસ રિપીટ થયા કરે છે. એક ઉદાહરણ. એન્ડ ટીવી પર ‘ભાભીજી ઘર પે હૈ’ સિરિયલ ખૂબ જ લોકપ્રિય છે. સબ ટીવી પર ‘એફઆઈઆર’ બનાવનાર કંપની એડિટ-૨ની આ સિરિયલ છે. તેના નિર્દેશક પણ ‘એફઆઈઆર’વાળા જ છે- શશાંક બાલી. તેમાં મુખ્ય ચાર પાત્રો- વિભૂતિ (આસીફ શેખ), અનિતા (સૌમ્યા ટંડન), તિવારી (રોહિતાશ ગૌડ), અંગૂરી (શિલ્પા શિંદે)નાં પાત્રો તો જોરદાર છે જ, પરંતુ સાથે હવાલદાર (યોગેશ ત્રિપાઠી), વિભૂતિની માતા (મંજુ શર્મા), તિવારીની માતા (સોમા રાઠોડ), પંડિત (શેખર શુક્લ), પાગલ સક્સેના (સાનંદ વર્મા) તેમજ મૂંગા રિક્ષાવાળો પેલુ (અક્ષય પાટીલ)નું પાત્ર પણ અદ્ભુત છે. આ પેલુ એટલે કે અક્ષય પાટીલ તો પાછો આ સિરિયલનો સહાયક નિર્દેશક પણ છે. આ સિરિયલનો મૂળ સમય રાતના ૧૦.૩૦નો છે. પરંતુ તેનું પુનઃપ્રસારણ રાતના ૧૧.૩૦ વાગે થાય છે. આમ તમે રાતના ૧૦.૩૦ વાગે ન જોઈ શક્યા હોય તો રાતના ૧૧.૩૦ વાગે તમે જોઈ શકો.

માનો કે રાતના પણ નથી જોઈ શક્યા તો સવારના ૮.૩૦ વાગે તમે જોઈ શકો છો. અરે, તમે સવારના ૮.૩૦ વાગે પ્રાતઃવિધિ કે પૂજાપાઠમાં હો તો સવારના ૯.૩૦ વાગે જોઈ શકો છો. માનો કે સ્ત્રીઓને પણ આ સિરિયલ ગમે છે (કેમ કે મોટા ભાગે પુરુષોને તે વધુ પસંદ પડે છે) તો તેઓ સાંજના ૬.૩૦ વાગે જોઈ શકે છે!

બોલો! એક જ સિરિયલનું કેટલી વાર પુનઃપ્રસારણ! પરંતુ માનો કે ચેનલ આટલી બધી  વાર પુનઃપ્રસારણ કરી ન શકે તો બે વાર નિશ્ચિત સમયે તો ફરી દર્શાવી જ શકે. સબ ટીવી પર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સામાન્ય રીતે ગુજરાતીઓની ફેવરિટ સિરિયલ છે. (અન્ય ભાષીઓને પણ આ સિરિયલ ગમે જ છે.) આ સિરિયલ મુંબઈ સ્થિત પાત્રોવાળી છે. અને મુંબઈના ગુજરાતી લોકોને પસંદ પડે તેવી ઘણી બાબતો તેમાં હોય છે. પરંતુ મુંબઈના લોકો રાતના ૮.૩૦ વાગે કંઈ આ સિરિયલ જોઈ ન શકે. નોકરી-ધંધા પરથી આવતા રાતના ૯ કે ૧૦ તો વાગી જ જાય. એટલે આ સિરિયલ ઘણા સમયથી રાતના નિશ્ચિત સમયે ફરીથી દેખાડાય છે. અને તે સમય છે ૧૧ વાગ્યાનો. એટલે જે લોકો રાતના ૮.૩૦ વાગે નથી જોઈ શકતા તેઓ રાતના ૧૧ વાગે ફરીથી જોઈ શકે છે.

મને યાદ છે, વર્ષો પહેલાં ઝી ટીવી નવું નવું હતું ત્યારે તેની સિરિયલોની જાહેરખબર વખતે તેમાં એવું બોલાતું હતું કે ‘હમ પાંચ’ ભારતમાં ૮ વાગે અને યુએઇમાં આટલા વાગે. ચતુર દર્શકો યુએઇના સમયને ભારતના સમયમાં રૂપાંતરિત કરી એ સમયે ચુકી ગયેલો હપ્તો જોઈ લેતા.

અગાઉ એક એવો ટ્રેન્ડ પણ ચાલ્યો હતો કે સોમથી શુક્રવારમાં ‘તારક મહેતા…’ના જે હપ્તા દેખાડાયા હોય તેને શનિવારે સળંગ ફરીથી દર્શાવવા. આના કારણે શનિવારની રજામાં લોકો આખા અઠવાડિયાના હપ્તા જોઈ શકતા હતા. (જોકે આનો લાભ માત્ર સરકારી કર્મચારીઓ, સ્ત્રીઓ અને શાળામાં ભણતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને જ મળે.)

જોકે એન્ડ ટીવી, કલર્સ અને સબ ટીવી જેવી બધી ચેનલો નથી, જેની ફેવરિટ સિરિયલોના પુનઃપ્રસારણના સમય એકધારા જળવાય. સબ ટીવીમાંય ‘તારક મહેતા’ના પુનઃપ્રસારણનો સમય (રાતના ૧૧વાળો) જ એકધારો જળવાઈ રહ્યો છે. બાકીની સિરિયલોના સમય બદલાતા રહે છે. બીજા દિવસે સવારથી લઈ સાંજ સુધી જે કાર્યક્રમો દર્શાવાય છે તેમાં પણ કોઈ એકધારો સમય નથી હોતો કે આ સિરિયલ આટલા વાગે જ ફરીથી બીજા દિવસે બતાવાશે. સ્ટાર પ્લસની વાત કરીએ તો તેના પર ‘તેરે શહેર મેં’ સિરિયલ આવે છે. તેમાં જોકે અત્યારે એવો ધડમાથા વગરનો વળાંક અપાયો છે કે માનવામાં ન આવે. તેમાં શરૂઆતમાં એવું દર્શાવાયું હતું કે સ્નેહા માથુર (ગૌતમી ગાડગીલ)ની દીકરી અમાયા પેરિસમાં ભણતી હતી. અને અન્ય છોકરીઓ મુંબઈ રહેતી હતી. સ્નેહાના પતિએ દેવું કરીને આપઘાત કરી લીધો છે. હવે તે લોકો બનારસમાં રહેવા આવ્યા છે. હવે બનારસમાં એક માથાભારે સ્ત્રીને માથુર પરિવાર સાથે વાંકુ પડતાં તે બ્લેકમેઇલિંગ કરે છે અને રચિતાના બદલે અમાયાનાં લગ્ન તેના દીકરા રામા સાથે કરાવે છે. તે વારેવારે સ્નેહાનું સત્ય બહાર પાડી દેવાની ધમકી આપે છે. અમાયા આ ધમકી સામે ઝૂકી જઈ રામા સાથે લગ્ન કરી લે છે. પેરિસમાં ભણેલી કોઈ છોકરી અત્યારે આ રીતે બ્લેકમેઇલિંગને વશ થઈ જાય? શું તે તેની માતાને કે બહેનોને કે નાનાને વાત ન કરી શકે? શું તે પેલી માથાભારે સ્ત્રીનું વિડિયો રેકોર્ડિંગ ન કરી શકે? શું તે પોલીસમાં ફરિયાદ ન કરી શકે?

ઠીક છે. હવે આ સિરિયલ પહેલાં ૧૦ વાગે આવતી હતી. પણ ૩૧ ઑગસ્ટથી ‘સુમિત સંભાલ લેગા’ને ૧૦ વાગ્યાના સમયથી શરૂ કરાઈ એટલે ‘તેરે શહેર મેં’ને ખસેડીને રાતના ૧૦.૩૦ના સમયે લઈ જવાઈ. ‘તેરે શહેર મેં’ રાતના જોવાનું ચુકી ગયેલી સ્ત્રીઓ સવારના ૧૧.૩૦ વાગે રિપીટ ટેલિકાસ્ટમાં જોઈ શકતી હતી, પરંતુ હવે તેને સવારના ૬.૩૦ વાગે જ દર્શાવાય છે. બોલો, સવારના ૬.૩૦ વાગે કોણ જોઈ શકવાનું હતું?

ચાલો, પુનઃપ્રસારણ છોડો. આ જમાનો ઇન્ટરનેટનો છે. લોકોએ ખાંખાખોળા કરીને શોધી કાઢ્યું છે કે જે તે સિરિયલના હપ્તા રાતના ૧૧ વાગ્યા પછી કેટલીક વેબસાઇટ પર મૂકી દેવામાં આવે છે. એમ તો યૂ ટ્યૂબ પર પણ હપ્તા મૂકાય છે, પરંતુ તે હપ્તા તે જ દિવસે રાતે નથી મૂકાતા અને વળી આ હપ્તા જે-તે ચેનલ તરફથી સત્તાવાર રીતે મૂકાય છે અને તેમાં કેટલોક ભાગ એડિટ કરી દેવાય છે. પણ ઇન્ટરનેટ પર તકલીફ એ છે કે જે વેબસાઇટો પર મૂકાય છે, તે વેબસાઇટ કમાણી કરવા માટે જાહેરખબર દર્શાવે છે. આ જાહેરખબરો ઘણી વાર અશ્લીલ અથવા ગેમ્બલિંગ (જુગાર)ની હોય છે. ઇન્ટરનેટથી પાકા માહિતગાર લોકો ન હોય તેવા લોકો ભળતી લિંક પર ક્લિક કરીને માલવેર, સ્પાયવેર, એડવેર કે એવા નુકસાન કરે તેવા સૉફ્ટવેરને ડાઉનલોડ કરી દે તેવું પણ બને. ઉપરાંત આ વેબસાઇટો પર એક જ હપ્તાની ત્રણ ચાર લિંક આપવામાં આવી હોય છે. તેમાંથી ક્યારેક અમુક લિંક તો ક્યારેક બધી લિંક કામ કરતી નથી હોતી. માનો કે બધું સમુસૂતરું પાર ઉતરી જાય અને તમે ઇન્ટરનેટ પર હપ્તા જોઈ શકો છો, તો વળી, પ્રશ્ન એ આવે કે ઇન્ટરનેટ પર હપ્તા જોવાના કારણે ડેટા તો વપરાવાનો જ. તેના પૈસાનું શું? કેબલ/સેટ ટોપ બૉક્સના પૈસાય ભરવાના ને ઇન્ટરનેટ પર સિરિયલ જોઈને તેના ડેટાવપરાશ માટેય પૈસા આપવાના?

અમને લાગે છે કે ચેનલોએ જ આનો ઉપાય કરવો જોઈએ. આનાથી તેમને લાભ છે જ. કઈ રીતે? જુઓ, ચેનલો ચોવીસ કલાક કાર્યક્રમો આપવા પ્રાઇમ ટાઇમની સિરિયલોનું પુનઃ પ્રસારણ તો કરે જ છે. પરંતુ તે તેના પુનઃ પ્રસારણના સમયની જાહેરાત વગર આમ કરે છે. આથી દર્શકોએ નવરાશ મળે ત્યારે ટીવી શરૂ કરીને જોવું પડે કે કઈ સિરિયલ કેટલા વાગે પુનઃ પ્રસારિત કરાય છે. હવે ચેનલો તેમની ઘણી સિરિયલોનું માર્કેટિંગ તો કરે જ છે. સિરિયલમાં આવનારા વળાંકની જાહેરખબરો તો દર્શાવે જ છે. તે સાથે તે સિરિયલનો પ્રાઇમ ટાઇમવાળો સમય પણ કહેવાય છે. દા.ત. ‘તારક મહેતા..’ની જાહેરખબરમાં દર્શાવાશે કે ઈસ જન્માષ્ટમી પે ટપુ સેના ક્યા ધમાલ કરતી હૈ…દેખિયે રાત ૮.૩૦ બજે. હવે જો આ મુખ્ય સમયની સાથે જ તેના પુનઃપ્રસારણના સમય પણ બોલવામાં અને દેખાડવામાં આવે તો દર્શકો નવરા પડે ત્યારે ટીવી ચાલુ કરીને પુનઃપ્રસારણનો સમય શોધવાની માથાકૂટમાંથી બચી જાય. આનાથી ચેનલોવાળાને એ લાભ થાય કે તેમની સિરિયલોના દર્શકો તૂટતા બચે. (અને એ રીતે તે સિરિયલોમાં આવતી જાહેરખબર પણ દર્શકો જુએ.) બીજી બાજુ દર્શકોને પણ લાભ થાય કે જો તેઓ મુખ્ય સમયમાં જોવાનું ચૂકી ગયા હો તો પુનઃપ્રસારણના નિશ્ચિત સમયે તે જોઈ શકે. આમાં, ક્રમ પણ એ પ્રાઇમ ટાઇમવાળો જ રાખવાનો. દા.ત. સ્ટાર પ્લસ પર રાતે આઠ વાગે ‘તૂ મેરા હીરો’ આવે છે. તે પછી ‘બદ્તમીઝ દિલ’, તે પછી ‘દિયા ઔર બાતી હમ’, તે પછી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’, તે પછી ‘સુમિત સબ સંભાલ લેગા’, અને તે પછી ‘તેરે શહેર મેં’ આવે છે. તો આ બધી સિરિયલોનું પુનઃ પ્રસારણ આ જ ક્રમમાં એટલે કે પહેલાં ‘તૂ મેરા હીરો’ પછી ‘બદ્તમીઝ દિલ’ એ રીતે એક નિશ્ચિત સમયે કરવામાં આવે તો દર્શકો આપોઆપ સમય પણ યાદ રાખી શકે. આમ ચેનલ પોતાનું સ્થાન સ્પર્ધામાં મજબૂત રાખી શકે. તેની સિરયલોની ટીઆરપી પણ જળવાઈ રહે.

આમ, જો ચેનલોવાળા પ્રાઇમ ટાઇમની સિરિયલોનું રિપીટ ટેલિકાસ્ટ એક નિશ્ચિત સમયે કરે તો સરવાળે તેમના લાભમાં જ છે.

 

You may also like

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.