Home » પાકિસ્તાન-રશિયાની નવી ધરી, કાશ્મીર ને આપણું બોદું તંત્ર

પાકિસ્તાન-રશિયાની નવી ધરી, કાશ્મીર ને આપણું બોદું તંત્ર

by Jaywant Pandya

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૮/૦૯/૨૦૧૬ના રોજ આ લેખ પ્રસિદ્ધ થયો.)
પાકિસ્તાન અને રશિયા આ વર્ષમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ કરવાના છે તેવા સમાચાર આવતા ખળભળાટ મચી ગયો છે. ભારત અને અમેરિકા વચ્ચે હવે માત્ર વેપારી સંબંધો ન રહેતાં સૈન્ય સંબંધો થઈ જતાં સત્તાની ધરી પર એક સમયે અમેરિકાની સામે રહેલું રશિયા (ભાંગ્યું તોય ભરૂચ કહેવતની જેમ) ફરીથી સોવિયેત સંઘ તરીકે જે રૂઆબ હતો તે પ્રાપ્ત કરવા પ્રયાસ કરતું હોય તો તે પાકિસ્તાનને પોતાના પડખામાં લે તેનાથી આંતરરાષ્ટ્રીય પ્રવાહોના જાણકારોને કોઈ નવાઈ લાગી નથી. અલબત્ત, હકીકત એ છે કે દેશના રાજકારણમાં આપણે જેમ અનુભવ કરતા આવ્યા છીએ કે ૧૯૮૯માં કૉંગ્રેસ સામે લડીને સત્તા પ્રાપ્ત કરનાર જનતા દળનું એક ફાડિયું જનતા દળ (એસ) એ જ કૉંગ્રેસના ટેકાથી ૧૯૯૬માં સત્તા પ્રાપ્ત કરે છે, તેવું જ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ છે. કોઈ પણ બે દેશો એકબીજાના કાયમી દુશ્મન કે દોસ્ત હોતા નથી.

સ્વતંત્રતા પછી ભલે નહેરુજીએ ભારતને અમેરિકા કે સોવિયેત સંઘ બંનેથી અળગા રાખીને પોતાનો એક અલગ ચોકો ઊભો કરવા પ્રશંસનીય પ્રયાસ કર્યો હોય પરંતુ નહેરુજી પોતેય સામ્યવાદી વિચારસરણીથી પ્રભાવિત હતા અને તેમના પછી આવેલા તમામ વડા પ્રધાનોએ સોવિયેત સંઘના નાના ભાઈ તરીકેની ભૂમિકા ચાલુ રાખી હતી. નરસિંહરાવના સમયથી થોડું બદલાયું પરંતુ અટલ બિહારી વાજપેયી સરકાર વખતે પોખરણ પરીક્ષણો થયાં અને એમાં અમેરિકા તથા તેના સાથી દેશોએ આર્થિક પ્રતિબંધો મૂકી દીધાં. ભારતને તેનાથી કોઈ ફેર પડ્યો નહીં. (એફડીઆઈ પર નિર્ભરતાની વાતો કરતા આર્થિક વિશેષજ્ઞો, યુપીએ સરકાર અને મોદી સરકારે આ વાત નોંધવા જેવી છે.) તે પછી અમેરિકાને લાગ્યું કે ભારતનું બજાર ગુમાવવા જેવું નથી. તેથી તેના વિદેશ પ્રધાન સ્ટ્રૉબ તાલબોટ્ટે વિદેશ પ્રધાન જશવંતસિંહ સાથે સાત દેશોમાં ૧૦ સ્થાન પર ૧૪ રાઉન્ડ મંત્રણા કરી! તાલબોટ્ટે પોતાના પુસ્તક ‘એન્ગેજિંગ ઇન્ડિયા: ડિપ્લોમસી, ડેમોક્રસી એન્ડ ધ બૉમ્બ’માં પાકિસ્તાનના તત્સમયના વડા પ્રધાન નવાઝ શરીફ અત્યંત ચાપલૂસ હતા તેમ લખ્યું છે. અટલજી વાતચીતમાં વચ્ચે લાં…બો પૉઝ લેતા તે ટેવની ટીકા કરી છે તો સાથે આઈ. કે. ગુજરાલ પોતાને જ સંભળાય તેમ બોલતા તેમ પણ લખ્યું છે પરંતુ જશવંતસિંહની ભરપૂર પ્રશંસા કરી છે. જશવંતસિંહે પોતાના દેશના હિતને આગળ વધાર્યું તેથી તેમના માટે પોતાને માન છે તેમ તાલબોટ્ટે લખ્યું છે. કહેવાનો અર્થ એ કે તે પછી અમેરિકા સાથે ભારતના ગાઢ સંબંધ ઉત્તરોત્તર બનતા ગયા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં તે સંબંધો સૈન્ય માહિતીની લેતી-દેતી, પોતાના સ્થળોનો સૈન્ય કાર્ય માટે ઉપયોગ કરવાની અનુમતિ સુધી આગળ વધી ગયા. મોદી અને ઓબામા છેલ્લાં બે વર્ષમાં આઠ વાર એકબીજાને મળી ચૂક્યા છે અને તેમની વચ્ચે માત્ર બે દેશના સંબંધો પૂરતા સંબંધો નથી રહ્યા, પરંતુ તેઓ મિત્રો બની ચૂક્યા છે.

અમેરિકાને પાકિસ્તાનની ગરજ હવે રહી નથી. તેણે પાકિસ્તાનને અપાતી સહાયમાં કાપ પણ મૂક્યો છે. અગાઉ સોવિયેત સંઘને કાબૂમાં રાખવા માટે તે પાકિસ્તાનનો ઉપયોગ કરતું હતું અને તેનાથી સોવિયેત સંઘના સાથી ભારતને પણ નિયંત્રણમાં રાખી શકાતું હતું. આથી જ વિવિધ ત્રાસવાદી સંગઠનો ઊભાં થયાં. અમેરિકાને સિરિયા વગેરે દેશોમાં ત્રાસવાદી સંગઠનોનો હજુ ખપ છે પરંતુ ભારત બાબતે નહીં કારણકે હવે ભારતનો મોદીના રૂપમાં મજબૂત અવાજ રજૂ થવા લાગ્યો છે. આ સાથે એ પણ સમજવું રહ્યું કે પાકિસ્તાનની ચીન સાથે વધતી જતી મૈત્રીના સંદર્ભમા પણ અમેરિકાને ભારતનો ખપ વધુ છે. કારણકે ચીન અમેરિકાને હટાવીને સુપર પાવર બની જાય તે અમેરિકાને પાલવે નહીં. તાજેતરમાં જી-૨૦ શિખર પરિષદ ચીનમાં યોજાઈ ત્યારે ચીને ઓબામાના આગમન વખતે લાલ જાજમ ન બિછાવી તેમજ ઓબામા સાથે આવેલા અમેરિકાના પત્રકારોને પણ હડધૂત કર્યા. ચીનના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું, “આ અમારો દેશ છે.” અમેરિકાના એરપૉર્ટ પર કોઈ પણ દેશના મોટા નેતા કે અધિકારીને કપડાં ઉતરાવીને તપાસ કરાય છે તે તેની સુરક્ષાની દૃષ્ટિએ યોગ્ય હશે પણ બીજા બધા દેશોને તો તે અપમાન જ લાગે ને. પરમાણુ ક્લબ- એનએસજીમાં પણ અમેરિકાની અપીલ છતાં ચીને ધરાર ભારતને ઘૂસવા ન દીધું. અમેરિકાના પ્રભુત્વવાળા સંયુક્ત રાષ્ટ્રોની ટ્રિબ્યુનલે ચીન દક્ષિણ ચીન સમુદ્ર પર કબજો કરવાનો પ્રયાસ કરે છે તે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે તેવો ચૂકાદો આપ્યો તે ચીને માનવા ના પાડી દીધી છે. ટૂંકમાં, આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ધરીઓ રચાઈ રહી છે તે પાકું.

પણ સાથે ભારતને કાશ્મીરમાં કનડગત ચાલુ છે. આ કનડગત પાછળ પાકિસ્તાન છે તેમ બાળ મંદિરમાં ભણતું છોકરું પણ જાણે છે પરંતુ મોદી સહિત એકેય વડા પ્રધાન ખોંખારીને જાહેરમાં નામ દઈને આ વાત બોલી શકતા નથી. મોદી જી-૨૦ સમિટમાં ગયા ત્યારે બોલ્યા કે દક્ષિણ એશિયાનો એક દેશ આંતકીઓનો એજન્ટ છે. અરે! છપ્પની છાતી ધરાવવાનો દાવો કરતા હો તો બેધડક કહો ને પાકિસ્તાન ત્રાસવાદ ફેલાવ છે. એક દેશ એમ શું બોલવાનું? મચ્છર જેવડું પાકિસ્તાન ભારતનું નામ દઈને કાશ્મીરમાં સેનાના અત્યાચારોની વાત કરે છે ત્યારે આપણા નેતાઓ હજુ નામ દેવામાં એ રીતે લાજે છે જાણે નવી વહુને પતિનું નામ બોલવામાં લાજ આવતી ન હોય!

જનતાના વેરાની રકમનો મોટો હિસ્સો કાશ્મીરને ભારત સાથે જોડાયેલું રાખવામાં ખર્ચાઈ રહ્યો છે. મહામૂલા જવાનો આ લડતમાં હોમાઈ રહ્યા છે. બીજી તરફ, કાશ્મીરને સ્વતંત્ર કરવાના કે તેને પાકિસ્તાનમાં ભેળવવાના દીવાસ્વપ્ન જોતાં પાકિસ્તાની પીઠ્ઠુ અલગતાવાદીઓને મારા-તમારા પૈસે વિદેશ ફરવા જવા મળે છે, સુરક્ષા મળે છે, અને તબીબી સારવાર પણ આપણા ખર્ચે કરે છે અને આ બધી સુવિધાઓ, પોતે જ એક માત્ર ‘રાષ્ટ્રવાદી’ હોવાનો દાવો કરતી મોદી સરકાર પણ બે વર્ષથી ચાલુ રાખે છે! વળી, શબરીમાલાથી લઈને હિન્દુ દીકરીને પૈતૃક સંપત્તિમાં સમાન અધિકાર સુધીના પ્રશ્ને ચુકાદો આપતા સર્વોચ્ચ ન્યાયાલયને અલગતાવાદી નેતાઓ અલગતાવાદી નથી લાગતા! તે કહે છે કે તેમને અલગતાવાદી નહીં, હુર્રિયતના નેતાઓ કહો!

પ્રશ્ન એ છે કે કાશ્મીરની ગૂંચ ઉકેલવી કઈ રીતે? બલુચિસ્તાનના રૂપમાં પાકિસ્તાનનો વધુ એક ટુકડો કરવો એ એક ઉપાય ચોક્કસ હોઈ શકે અને તેનાથી નરેન્દ્ર મોદીને ઈન્દિરા ગાંધી જેવી પ્રશંસા પણ મળતી રહેશે પરંતુ સાથે એ વિચારવું રહ્યું કે ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ટુકડા કર્યા અને બાંગ્લાદેશની રચના કરી તેનાથી શું વળ્યું? આપણો વધુ એક દુશ્મન ઊભો થયો. પાકિસ્તાનની આઈએસઆઈએ તો બાંગ્લાદેશનો ઉપયોગ પણ ભારતની વિરુદ્ધ ત્રાસવાદ, નકલી નોટો ફેલાવવા વગેરે માટે કર્યો. ભારતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો પ્રશ્ન કાયમ માટે ઘર કરી ગયો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર પાકિસ્તાન જેટલો જ અથવા તે કરતાં કદાચ વધુ અત્યાચાર-નરસંહાર થાય છે. મંદિરો તોડાય છે. જોકે બલુચિસ્તાનની ભૂગોળ અલગ છે. તે ભારતની સરહદે નથી. તે અફઘાનિસ્તાન અને ઈરાનની સરહદે છે. મોદી અફઘાનિસ્તાનને મદદ કરીને, ઈરાન સાથે દોસ્તી કરીને પાકિસ્તાનને ઘેરી રહ્યા છે. મોદી પાકિસ્તાનના દુશ્મન અફઘાનિસ્તાનને કે ચીનના દુશ્મન વિયેતનામને મદદ કરે તેનાથી કૉંગ્રેસના પીઠ્ઠુ જેવા મિડિયાને પેટમાં દુ:ખે છે અને તેને આ રાજદ્વારી સહાય ‘ખેરાત’ લાગે છે! જ્યારે સોનિયા ગાંધી (એટલે કે સત્તાવાર રીતે મનમોહનસિંહ) સત્તામાં હોય ત્યારે ભારત વર્ષ ૨૦૧૧માં અફઘાનિસ્તાનને ૫૦ કરોડ ડૉલરની સહાય આપે ત્યારે આ કૉંગ્રેસ સ્પૉન્સર્ડ મિડિયાને ‘ખેરાત’ લાગતી નહોતી. ત્યારે શું ઘરના છોકરાને લોટ બરાબર મળી રહેતો હતો અને અત્યારે જ પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો?

કાશ્મીરના પ્રશ્નના મૂળમાં પાકિસ્તાનનો અને એટલે કટ્ટર સુન્ની મુસ્લિમોનો ભારત પ્રત્યે દ્વેષ છે. કાશ્મીરના પ્રશ્નને ઉકેલવાની એક ચાવી આંતરરાષ્ટ્રીય સંબંધોના એક પેચીદા કેસ સ્ટડીમાં પણ રહેલી છે. તેની વાત આવતા અંકે.

(ક્રમશ:)

(ભાગ-૨ વાંચવા અહીં ક્લિક કરો: બ્રિટન-અમેરિકાના દાખલા પરથી ભારત-પાકિસ્તાન ન શીખી શકે?)

You may also like

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.