Home » પાકિસ્તાનમાં લઘુમતીનો પ્રશ્ન પાકિસ્તાની પત્રકારની કલમે

પાકિસ્તાનમાં લઘુમતીનો પ્રશ્ન પાકિસ્તાની પત્રકારની કલમે

by Jaywant Pandya

પાકિસ્તાન ઇસ્લામ ધર્મના આધારે રચાયું હતું તે વાત અજાણી નથી, પણ તેના સ્થાપક મોહમ્મદ અલી ઝીણા (ઘણા ગુજરાતીમાં તેના અંગ્રેજી સ્પેલિંગના આધારે જિન્નાહ લખે છે તે ખોટું છે, ઝીણા ગુજરાતી હતા અને તે મુજબ, ઝીણા જ લખવું જોઈએ) આ દેશને બિનસાંપ્રદાયિક અને તેમાં રહેનારાઓના પંથનું સન્માન કરનારો બનાવવા માગતા હતા. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ (આ પણ વાંચો: લાલકૃષ્ણ આડવાણી, જશવંતસિંહ, સંઘ અને કંધાર પ્રકરણ : ભૂલ કોની હતી?) આ બાબતની યાદ પાકિસ્તાનમાં જઈને અપાવી તો તેમના જ સહયોગી સંગઠનોએ આ બાબતે ગોકીરો મચાવી દીધો અને આડવાણીને ગદ્દારનો ખિતાબ પણ આપી દીધો હતો! આના કારણે આડવાણીને પાકિસ્તાને ઝીર્ણોદ્ધાર કરેલા એક હિન્દુ મંદિર- કટાસરાજ મંદિરનું ઉદ્ઘાટન કરાવવા બોલાવ્યા હતા તે બાબત ભૂલાઈ ગઈ. (વાંચો : મુંબઈ પરના ત્રાસવાદી હુમલાઃ પત્રકારધર્મ, નાગરિકધર્મ, રાજધર્મ) પણ જો કોઈ પાકિસ્તાની પત્રકાર જ આ બાબતની યાદ અપાવે તો? શક્ય છે કે તેમનેય કદાચ પાકિસ્તાનમાં ગદ્દારનું બિરુદ મળ્યું હશે (એ બાબત જાણવા નથી મળી.) વાત તાહિર મેહદીની છે. ‘ડોન’ અખબારના આ પત્રકારની ગુજરાતની મુલાકાત વિશેની નોંધ વાંચ્યા પછી વાંચો, તેઓ પાકિસ્તાનમાં લઘુમતીની હાલત વિશે શું કહે છે. (અલબત્ત, એ વાત અલગ છે કે પાકિસ્તાનના હિન્દુઓ જે ભાગીને ભારત આવ્યા હતા તેમના વિશે વાતો કરીને મત મેળવનારા નરેન્દ્ર મોદીએ સત્તામાં આવ્યા પછી તેમના માટે કંઈ કર્યું નહીં જેના કારણે તેઓ પાછા ફરી ગયા.)

લઘુમતી દિવસે કાયદ-એ-આઝમને જાહેર પત્ર

જનાબ,

તમે ૬૭ વર્ષ પહેલાં જે દેશ સ્થાપ્યો તેનો હું નાગરિક છું.

હું સમજું છું કે તમે એ જોવા જેટલું જીવ્યા નહીં કે તમે જે સ્થિતિમાં દેશને છોડી ગયા હતા તે પછી તમારા સ્વપ્નએ કેવો આકાર લીધો છે.

૬૭ વર્ષ ઘણો લાંબો સમય છે; પોતાના દેશની માગણીને જે બળે સફળ ચળવળમાં ફેરવી હતી તે મુખ્ય બળ તરીકે સેવા આપનાર પેઢીની આજે ત્રીજી પેઢી છે.

તે પછી ઘણા બધાં પાણી વહી ગયાં છે અને મારે તમને ઘણી બધી બાબતોથી વાકેફ કરવા છે, પરંતુ હું માત્ર એક જ પ્રશ્ન પૂછીશ.

તમે કયા પ્રકારનો દેશ બનાવવા માગતા હતા?

ભલે સીધો સાદો લાગે, પણ આ પ્રશ્ન મને રોજ સવારે થાય છે અને મને તેનાથી ખૂબ જ તકલીફ થાય છે અને મને લાગે છે કે મારા દેશવાસીઓને પણ આવું થતું હશે જ.

જનાબ, મહેરબાની કરીને મને સમજાવવા દો.

હું સરકારી શાળામાં ભણ્યો છું અને પાકિસ્તાન સ્ટડીઝ નામે ઓળખાતા ઇતિહાસના તમામ પાઠો સારી રીતે ભણ્યો છું. હું શીખ્યો છું કે આ દેશ (પાકિસ્તાન) મુસ્લિમોના નામે બન્યો છે કેમકે ઉપખંડના મુસ્લિમો હિન્દુઓ અને અન્ય બિનમુસ્લિમો સાથે રહેવા માગતા નહોતા.

તેઓ નવો દેશ બનાવવા માગતા હતા જે ઇસ્લામના સિદ્ધાંતો પર ચાલે. આ બાબતની ખાતરી આપવા હું તમારા અનેક પ્રવચનોમાંથી અનેક અવતરણો ટાંકી શકું છું અને મારા મોટા ભાગના મિત્રો પણ કહેશે કે આ સાચી વાત છે.

મુસ્લિમો માટેનો દેશ જે ઈસ્લામના સિદ્ધાંતો પર બન્યો છે તેનો અર્થ એ કે બિનમુસ્લિમોની દેશમાં કોઈ ભૂમિકા નહીં હોય અથવા તો હશે તો દ્વિતીય દરજ્જાની હશે. અને સમાજમાંય તેમની ભૂમિકા આવી જ હશે.

જનાબ, તદ્દન આવું જ થયું છે.

આપણે આમાંથી, આપણી પાક ઝમીન પરથી હિન્દુઓ અને શીખોને સફળતાપૂર્વક હાંકી કાઢી શક્યા છીએ. તમે જે ઝનૂનથી ઉકેલવા મથતા હતા તે ‘લઘુમતી સમસ્યા’ને ઉકેલવાનો આ શ્રેષ્ઠ રસ્તો સાબિત થયો છે. જોકે સિંધના કેટલાક લોકો હજુ પણ મક્કમ છે અને તેઓ તેમના પિતૃઓની ભૂમિમાંથી જવા ઈનકાર કરે છે. ઘણા ‘દેશભક્ત’ લોકો આના પર (તેમને હાંકી કાઢવા માટે) કામ કરી રહ્યા છીએ અને તેની સફળતાની ગાથા દર બીજા દિવસે સમાચારપત્રોમાં મથાળાં બને છે.

પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં ગણ્યાગાંઠ્યા શીખો જ બચ્યા છે, કેમ કે તેમને પણ સંપૂર્ણ રીતે જીતી લેવાયા છે. થોડા દિવસો પહેલાં જ (આ લેખ ૧૧ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ પ્રસિદ્ધ થયો હતો) પેશાવરમાં એક શીખ છોકરો જે પાકિસ્તાનની વિચારધારાને ખતરારૂપ હતો તેને મારી નખાયો છે. આ જ રીતે ગુજરાનવાલામાં એક એહમદી સ્ત્રી અને તેના બે પ્રપૌત્રો/પ્રપૌત્રીને આપણા પ્રગતિના રસ્તા પરથી થોડા સપ્તાહો પૂર્વે જ દૂર કરી દેવાયાં છે.

તમને આશ્ચર્ય થશે કે એહમદી મુસ્લિમો ઈસ્લામી રાષ્ટ્ર માટે કેવી રીતે ખતરો બની ગયા કેમ કે તમે તો તેમને સાથે રાખતા હતા અને એક એહમદીને તો તમે વિદેશ મંત્રી તરીકે પણ નિમ્યા હતા. મને તમને જણાવવા દો કે બાદમાં છેક ૧૯૭૪માં એવું ‘શોધી’ કઢાયું હતું કે એહમદી ફક્ત બિનમુસ્લિમો જ નથી પરંતુ તે પાકિસ્તાનની વિચારધારાને મોટા ખતરારૂપ છે. તે પછીની સરકારોએ આ દૂષણને અટકાવવા પૂરતાં પગલાં લીધાં છે અને સંપૂર્ણ સમાજે પણ સ્વૈચ્છિક રીતે કોઈ પણ અને તમામ ઉલ્લંઘનો સામે રક્ષણ માટેનું વલણ લીધું છે.

અને હા, ખ્રિસ્તીઓ વિશેની વાત કરીએ તો, તમને ખબર હશે કે કેટલાક એંગ્લો-ઇન્ડિયન આ પંથને અનુસરી રહ્યા છે, પરંતુ પાકિસ્તાનમાં તેમાંના મોટા ભાગના હવે દલિત ગણાય છે જેમણે દેવળોમાં પનાહ લીધી છે, આપણે તેમના વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી. તેઓ મોટા ભાગે નિમ્ન ગણાતાં કામો કરે છે. આ બાબતે આપણને સંતોષ નથી અને આપણે એ ખાતરી કરી રહ્યા છીએ કે ખ્રિસ્તીઓ સમાજની ઊંચી ગણાતી હરોળમાં ઘૂસ ન મારે. તેઓ તેમના માટે જે સૂચવાયું છે તે કરતાં આગળ ન વિચારે તે માટે ઘણા કાયદા અને સામાજિક નિયમો છે.

પાકિસ્તાન જે સિદ્ધ કરવા માટે હતું તે હવે મોટા ભાગે પ્રાપ્ત થઈ ગયું છે તે વાતથી મારા ઘણા દેશવાસીઓ સુખી છે.

જોકે કાર્યસૂચિ (ઍજન્ડા)માંની ઘણી બાબતો હજુ બાકી છે, જેમ કે વિવિધ પંથના લોકોને ઈસ્લામના શુદ્ધ રૂપમાં ધર્માંતરિત કરવા અને એ રીતે ખાતરી કરવી કે વધુ – સંયુક્ત રહેવાની વૃત્તિ-વાળો સમાજ બને. મને લાગે છે કે આ બાબત પણ ટૂંક સમયમાં સિદ્ધ થઈ જશે.

પરંતુ તે પછી હું ૧૧ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ પાકિસ્તાનની બંધારણ સભાના પ્રથમ સત્રને તમારું સંબોધન વાંચું છું, જે જોકે મારા પાકિસ્તાન સ્ટડીઝના અભ્યાસક્રમનો હિસ્સો નથી.

મને ખાતરી છે કે તમને પણ તે સારી રીતે અને સંપૂર્ણ યાદ હશે કેમ કે તે પાકિસ્તાનના બંધારણનો આધાર હોવાનું મનાતું હતું.

જનાબ, તમારું આ પ્રવચન તો મને ગૂંચવી દે છે.

તમે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પાકિસ્તાન દેશને તેના નાગરિકોના પંથ સાથે કોઈ લેવાદેવા નથી. શું તમને ખરેખર લાગતું હતું કે જે દેશ પંથ (ઈસ્લામ)ના નામે બન્યો છે તેમાં આ શક્ય બનશે? આવા દેશ માટે એ સ્વાભાવિક નથી કે તેના નાગરિકોના પંથ બાબતે ચિંતિત થવું અને તેના પર ધ્યાન રાખવું?

હું કેટલાક પશ્ચિમીકરણ થયેલા મિત્રોને જાણું છું જે માને છે કે પંથના આધારે દેશ બનાવવાનો વિચાર તમારો નહોતો. પણ તો પછી ઘણા અન્ય લોકો છે જે એવું સાબિત કરવા મજબૂત દલીલો કરે છે કે સમગ્ર ચળવળ (ઝીણાની પાકિસ્તાન માટેની ચળવળ) પંથ (ઇસ્લામ) માટેના ભારે ઝનૂનથી દોરવાયેલી હતી તો પછી એ સ્વાભાવિક છે કે તે પૂરી થાય એટલે પંથ લક્ષી દેશ જ બને.

કેટલાક અવિચારી તત્ત્વો એવું સમજાવવા પ્રયાસ કરે છે કે ૧૧ ઓગસ્ટનું તમારું પ્રવચન નકલી હતું જે માત્ર કેટલીક વિદેશી સત્તાઓને ખુશ કરવા માટે જ હતું. જોકે, તમે બાહોશ, પ્રમાણિક, ન્યાયી, સિદ્ધાંતવાદી અને ભારે નિષ્ઠાવાન હતા તે મને ખબર છે એટલે હું એવી કલ્પના કરી શકતો નથી કે તમે સગવડિયો ધર્મ અપનાવી શકો અને તે પણ નવા દેશની પ્રથમ સંસદના પ્રારંભની ઐતિહાસિક ક્ષણે.

આથી, જનાબ, એક કે બીજી થિયરીમાં માનવાના બદલે, મેં નક્કી કર્યું છે કે હું તમને સીધો જ પ્રશ્ન પૂછું. કયા પ્રકારનો દેશ તમે બનાવવા માગતા હતા?

શું મારે તમારા ૧૧ ઓગસ્ટના પ્રવચનને શબ્દશઃ તે જ ભાવાર્થમાં માનવું કે પછી અત્યાર સુધી આ (લઘુમતીના) મોરચે પાકિસ્તાને જે મેળવ્યું છે તેનાથી ખુશ થવું?

તાહિર મેહદી

૧૧ ઓગસ્ટ, ૨૦૧૪

તાહિર મેહદીનો આ લેખ વાંચીને પાકિસ્તાન વિશે બે પંક્તિ યાદ આવી જાય:

તમામ ઉમ્ર મુઝે ભી મિલા ન ઘર મેરા

કિસી નતીજે પે પહોંચા નહીં સફર મેરા

(મૂળ લેખ વાંચો: An open letter to Quaid-e-Azam, on Minorities Day

You may also like

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.