Home » પત્રકારોનો ‘ટાઇમ્સ’ : આપ આયે બહાર આઈ

પત્રકારોનો ‘ટાઇમ્સ’ : આપ આયે બહાર આઈ

by Jaywant Pandya

પત્રકારોની આ મૌસમ છે. દસ વર્ષે આવી છે. આમ તો, લોકસભા કે વિધાનસભાની પેટા ચૂંટણી આવે તેમ ૨૦૦૭માં અડધી મૌસમ આવેલી જ્યારે ‘અમદાવાદ મિરર’, ‘ટીવી ૯’, ‘ગુજરાતી ઇકોનોમિક ટાઇમ્સ’, ગુજરાતી ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ વગેરે શરૂ થયાં અને ‘અભિયાન’ મુંબઈથી અમદાવાદ ખસેડાયું. પણ ૨૦૦૩માં “દિવ્ય ભાસ્કર” આવ્યું ત્યારે જેવો માહોલ હતો તેવો જ કંઈક અત્યારે “ટાઇમ્સ ઓફ ઇન્ડિયા”નું ગુજરાતીમાં અખબાર આવવાથી થઈ રહ્યો છે.
પત્રકારો પોતે ઘણી વાર શોષણ વિશે લખતા હોય છે, પરંતુ તેઓ પોતે જ શોષિત હોય છે. (એના વિશે લખેલી પંક્તિઓ: દુનિયા બદલવા નીકળ્યા’તા, પત્રકારો પોતે જ બદલાઈ ગયા….jaywantpandya.wordpress.com/2013/05/07/%E0%AA%A6%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA/) પત્રકારોમાં મૂળ તો સંગઠનનો અભાવ પહેલેથી રહ્યો છે. મોટા ભાગે (આઇ રિપિટ, મોટા ભાગે, બધા નહીં) પત્રકારો દેડકા જેવા છે. એકબીજાના ટાંટિયા ખેંચે. મેનેજમેન્ટની ચાપલૂસી કરે. અને પત્રકારો જ શા માટે? કોલમિસ્ટો, ટ્રાન્સલેટરોમાં પણ આવું જ છે. ઓછા પૈસે કામ કરવા તૈયાર થઈ જશે. કેટલાક પ્રોફેસરો તો માત્ર નામ છપાય તે માટે મફત અથવા તો ચણામમરાના ભાવે અનુવાદો કે કોલમો/પુસ્તકો લખતા હોય છે! આટલી મોંઘવારી વધી પણ પત્રકારોના પગારમાં છેલ્લા ઘણા સમયથી નોંધપાત્ર વધારો નહોતો થતો. હવે “ટાઇમ્સ ઓફ ઇન્ડિયા” આવવાથી જે વધારો મળે છે તે આમ જોઈએ તો માત્ર ખોટ સરભર થવા જેવું જ છે. વિચાર કરોને, અમદાવાદમાં છેલ્લાં દસ વર્ષમાં ઘરભાડાં -રીક્ષા ભાડાં કે બસ ભાડાં કેટલા વધ્યાં? પેટ્રોલ-ડીઝલના ભાવ કેટલા વધ્યા? તેના પગલે શાકભાજીના ભાવ, દૂધ, કઠોળ, ખાંડ, ચોખાના ભાવ કેટલા વધ્યા? સ્કૂલની ફી કેટલી વધી?કપડાં પગરખાંથી માંડીને બધી ચીજો બમણી કે ચાર ગણી મોંઘી થઈ છે. (આમાં ઘરનું ઘર લેવાની તો વાત જ નથી આવતી).

પત્રકારોને ન્યૂઝથી અપડેટ રહેવું પડે. તે માટે ઇન્ટરનેટ જોઈએ, કમ્પ્યૂટર જોઈએ, મોબાઇલ જોઈએ. ટીવી ચેનલો જોઈએ. ચેનલો જોવા સેટ ટોપ બોક્સ ફરજિયાત થઈ ગયું. (જોકે તેની સામે પત્રકારોએ ઓછું લખ્યું છે.) પણ પત્રકારોના પગાર વાજબી રીતે વધારવા પણ કેટલી મથામણ! ક્યારેક તો થાય કે એનાં કરતાં તો કડિયાદાડિયા, કેશકર્તનકારો કે ચાવાળાને સારું કે પેટ્રોલ કે ખાંડના ભાવ વધે એટલે ફટ દઈને પોતાના ભાવ વધારી નાખે. કરુણતા કે વિચિત્રતા તો એ છે કે લોકોના હક માટે લખતા પત્રકારને પોતાને નોકરી બદલવી હોય તો સાત તારીખે પગાર થઈ જાય તેની રાહ જોવી પડે (કારણકે નહીં તો  પગાર અટકાવી દેવામાં આવે.)
ખેર, આપણે રોદણાં નથી રોવા. આપણે તો હસવું છે. આનંદ કરવો છે. ગીત ગાવાંથી મોટો આનંદ કયો હોય? એમાંય પત્રકારોની આજની પરિસ્થિતિને અનુરૂપ ગીતો મળે તો? મળે શું કામ, મળી ગયાં છે…તો આવો આનંદ કરીએ…

(૧) છેલ્લા કેટલાય સમયથી બધા વિકલ્પની રાહમાં હતા. પણ વિકલ્પ ક્યાં હતો? ઇન મીન ને સાડે તીન…જેવો ઘાટ હતો. વળી, ૨૦૦૮માં મંદી આવી ને બિઝનેસ સ્ટાન્ડર્ડનું ગુજરાતી અખબાર બંધ થયું તે પગલે તો બેકારી આવી ગઈ હતી. કેટલાય પત્રકારો બેકાર થઈ ગયા હતા. પત્રકારો માટે જાણે એ પાનખર હતી. હવે વસંત આવી છે, જેને હિન્દીમાં ‘બહાર’ કહે છે. આ પરિસ્થિતિમાં આ ગીત કેટલું બંધ બેસે છે?

‘સારે ઝમાને પે, મૌસમ સુહાને પે
ઇસ દિલ દીવાને પે, વિરાની સી થી છાયી
આપ આયે બહાર આઈ હો ઓ ઓ’

(૨) હવે મોટા ભાગે પત્રકારોને નવી નોકરી માટે અખબારની કચેરી કરતાં બહાર કોઈ ખાણી પીણીના સ્થળે બોલાવાય છે. ત્યાં પત્રકાર પોતે અને સામે તંત્રી કે તેના પ્રતિનિધિ હોય છે. બીજું કોઈ હોતું નથી. બંને જણાને જો સોદો (સોદો શબ્દ જાણી જોઈને વાપર્યો છે. કારણકે જે વ્યક્તિ નોકરીએ રાખવા બેઠી છે તેને સામેવાળાનો પગાર ખબર હોય છે અને તે શાકબકાલું લેતા હોય તેમ સોદો કરે છે, જ્યારે નોકરી મેળવવા ગયેલો પત્રકાર પોતાનો પગાર વધારીને જ કહે છે અને જે અપેક્ષિત પગાર પણ વધારે કહે છે, પછી મકાન ખરીદતા હોય તેમ એકબીજા ઘટે- વધે. એ સોદો ન થયો તો શું થયું?)  થઈ જાય તો, આ ગીત ગવાતું હોય છે:

‘તૂ મુઝે કુબૂલ, મૈં તુઝે કુબૂલ,
ઇસ બાત કા ગવાહ ખુદા, ખુદા ગવાહ’

(૩) જે. પી. દત્તાની એક ફિલ્મ હતી – ‘બટવારા’. તેનું એક ગીત આ પરિપ્રેક્ષ્યમાં જુઓ:
પત્રકાર નવા વિકલ્પની રાહમાં હોય ત્યારે
‘તેરે વાસ્તે રે સજના નૈન મેરે જાગે રે જાગે’

વિકલ્પ મળી જાય પછી જૂની નોકરીને-જૂના બોસને
‘તૂ મેરા કૌન લાગે’

અને પછી ‘કાલિયા’નું આ ગીત :
‘કૌન કિસી કો બાંધ સકા, સૈયાદ તો એક દીવાના હૈ
તોડ કે પીંજરા એક ના એક દિન પંછી તો ઉડ જાના હૈ’

‘ભાભી’નું આ ગીત આ પણ ગાઈ શકાય:
‘ચલ ઉડ જા રે પંછી કે અબ યે દેસ હુઆ બૈગાના’

અને નવી નોકરી માટે :
ફિલ્મ ‘દિલવાલા’ ‘સાતોં જનમ મેં તેરે મૈં સાથ રહૂંગા યાર’

(૪) નવી નોકરી મળે એટલે ઉત્સાહ બહુ હોય અને ત્યારે ‘ચાલબાઝ’નું આ ગીત સાંભરે:
‘અરર મુઝ કો સંભાલો મૈં ચલા, રોક સકો તો રોક લો ઓ સાલો મૈં ચલા’

ત્યારે જૂની નોકરીનું મેનેજમેન્ટ આગળની પંક્તિ ગાય:
‘કહાં ચલાં (અભિવ્યક્તિની સ્વતંત્રતા, અસલ ગીતમાં કહાં ચલી તૂં છે) તૂ, લૌટ કે આ જા’

પણ ઘણી વાર નવી નોકરીમાં પાંસરું નય પડે અને થોડી વારમાં જ છોડી દેવું પડે ત્યારે આ જ ગીતની આગળની પંક્તિ કામમાં આવે:
‘અરર ગડબડ હો ગઈ, છુટ્ટી હો ગઈ.’

(૫) નવું અખબાર શરૂ થતું હોય એટલે મોટાં માથાંને (પત્રકારોમાં બોલાતી ભાષામાં) તોડવા પડે. ત્યારે નવું મેનેજમેન્ટ ‘નસીબ’ ફિલ્મનું આ ગીત ગાય:
‘ચલ ચલ મેરે ભાઈ, તેરે હાથ જોડતા હૂં, હાથ જોડતા હૂં, તેરે પાંવ પડતા હૂં’

ઘણી વાર આવા સમયે જૂનું મેનેજમેન્ટ પણ તેનાં મોટાં માથાંને આ જ રીતે ન જવા માટે હાથ પગ જોડે ત્યારે પેલો પત્રકાર આ ગીતની કડી ગાય કે:

‘અરે ટેક્સીવાલેને ભી ના બૈઠાયા (તુમને મેરા પગાર ના બઢાયા), ડમડમવાલે ને (એડિટરને) ચાબુક દિખાયા’

આવા સમયે જૂનું મેનેજમેન્ટ કેટલી હદે સમાધાન કરવા તૈયાર થઈ જાય. જુઓ આ પંક્તિ :
‘અપની પીઠ પર તુમ્હે બિઠાકર, ઘોડા બન કર લે મૈં દોડતા હૂં…ચલ ચલ મેરે ભાઈ”

પણ આ ખેંચતાણમાં નવા અખબાર કે ચેનલના તંત્રી કે અધિકારી કહે:
‘રૂક જાના નહીં, તૂ કહીં હાર કે, કાંટો પે ચલ કે મિલેંગે સાયે બહાર કે’

અથવા ‘નમક હલાલ’નું આ ગીત પણ યાદ આવે તો ગાઈ શકે:
‘રાત બાકી, બાત બાકી, હોના હૈ જો, હો જાને દો
સોચો ના, દેખો તો, દેખો હાં, જાને જાં મુઝે પ્યાર સે’

(૬) ઘણા હતભાગી પણ હોય છે. નવું અખબાર કે ચેનલ આવતી હોય તેના કારણે સ્વાભાવિક છે કે નવી જગ્યાએ નહીં તો જે જૂના અખબારો છે કે ચેનલો છે તેમાં અવકાશ કે જગ્યા ઊભી થવાની જ, પણ તેઓ તેનો લાભ લઈ શકતા નથી અને જે લોકો તેનો લાભ લે છે તેને જોઈને દુઃખી થાય છે. તેમના માટે ‘હરિયાલી ઔર રાસ્તા’નું આ ગીત:

લાખોં તારેં આસમાન મેં, એક મગર ઢૂંઢે ના મિલા
દેખ કે દુનિયા (બીજા પત્રકારો) કી દિવાલી, દિલ મેરા ચૂપચાપ જલા

આવા કમનસીબ પત્રકારના ખુશનસીબ સાથીઓ નવી નોકરી મેળવી લે (અને ચા પીવાની કંપની ન રહે) ત્યારે તેઓ ‘બરસાત’નું આ ગીત ગાય:
છોડ ગયે બાલમ, મુઝે હાય અકેલા છોડ ગયે

(૭) પણ પત્રકારોમાં, મેં અગાઉ કહ્યું તેમ કટ્ટર સ્પર્ધા હોય છે. એટલે જ નવું અખબાર કે નવી ચેનલ લોંચ થવાની હોય ત્યારે બધાની નજર તેના પર મંડાઈ જાય, પણ બહુ ઓછા કબૂલે કે અમે લંગર નાખી દીધાં છે. એટલે તેઓ મનમાં એકબીજા માટે ‘કાલિયા’નું આ ગીત ગણગણે:
‘જહાં તેરી યે નઝર હૈ, મેરી જાં મુઝે ખબર હૈ
બચ ના સકા કોઈ આયે કિતને, લંબે હૈ મેરે હાથ ઈતને’

(૮) ઘણા પત્રકારો ખૂબ જ કન્ફ્યૂઝ્ડ હોય છે. એમની ગાડીને સ્ટાર્ટ કરવા ધક્કા મારવા પડતા હોય છે. આવા પત્રકારોને તેમના સાથીદારો કહેતા હોય છે કે આ તક આવી છે તો ઝડપી લે, કાલે આ તક નહીં મળે:

‘આજ કા યે દિન કલ બન જાયે કા કલ, પીછે મૂડ કે ના દેખ પ્યારે આગે ચલ’

(૯) ફિલ્મી દુનિયાના હીરો કે હિરોઇનના કેટલાક જવાબોના અર્થ બીજા નીકળતા હોય છે, જેમ કે કોઈ નવરો હીરો બેઠો હોય તો એમ કહેશે કે મુઝે અચ્છી સ્ક્રિપ્ટ કી તલાશ હૈ, હીરો હિરોઇન વચ્ચે ચક્કર હોય તો કહેશે કે હમ તો સિર્ફ અચ્છે ફ્રેન્ડ હૈ….

એમ પત્રકારોનાય આવાં વિધાનો હોય છે:
– મને નવી ઓફર સારી મળી એટલે મેં સ્વીકારી લીધી…

(મોટાભાગે સામેથી ઓફર બોફર કંઈ હોતી નથી…પાર્ટીએ પોતે જ  કોન્ટેક્ટ કર્યો હોય છે…ગોઠવાઈ જાય એટલે પછી આવું કહેશે)
– મને સાહેબે સમજાવ્યો કે તારે કંઈ જવાનું નથી એટલે પછી મેં (નવી નોકરીને) ના પાડી દીધી…

(સાહેબ કંઈ સમજાવતા હોતા નથી, પણ આ તો શું..ટંગડી ઊંચી રાખવા….હકીકતે નવી નોકરી માટે પગાર-હોદ્દોમાં મેળ ન પડ્યો હોય એટલે…પાર્ટી આવું કહે)
– મનેય ઓફર હતી…મને ૧૧ લાખનું પેકેજ આપતા હતા.(આ ૧૧ લાખનું પેકેજ ઈ.સ. ૨૦૧૩નો ભાવ છે…) પણ હું તો આ ચેનલ કે અખબારને જ વફાદાર એટલે મેં ના પાડી.

(ના બા કાંઈ પાડી ન હોય…૧૧ લાખનું પેકેજ આપતા હોય તો કયો કાકો ના પાડે? આ તો શું કે પોતાનો ભાવ વધારવા માટે આવી વાત વહેતી મૂકે…નવી નોકરીમાં જોઈતો પગાર ન મળે એટલે જૂની નોકરીમાં પોતાનો ભાવ વધારી આપે તે માટે ગતકડું…)

-ઓફર તો સારી હતી, પણ આ ઉંમરે હવે કૂદકા ક્યાં મારવા?

(પાર્ટી એમ નથી કહેતી કે જ્યાં છે ત્યાં તેને સુરક્ષા લાગે છે અને એ જ પદ્ધતિએ કામ કરવાનું ફાવી ગયું છે. નવી જગ્યાએ નવી ટેક્નોલોજીમાં કામ કરવાની કે વધુ કલાકો કામ કરવાની દાનત-ત્રેવડ નથી.)
-હું તમને એક્સક્લુઝિવ સ્ટોરીઓ આપીશ. દસ બાર કલાક કામ કરીશ…

(નવી નોકરી મેળવવા આવા વાયદા કરનાર પત્રકારો વિશે નવા અખબાર કે ચેનલના તંત્રીને પણ ખબર જ હોય છે કે એની કઈ એક્સક્લુઝિવ સ્ટોરીઓ છે…એકાદ ગાંધી આશ્રમની સ્ટોરી હોય અથવા તો દર્પણ એકેડેમીની હોય અથવા તો પછી ઓર્ગેનિક ખેતીની હોય કે પછી ફલાણા ડીજીપીએ મોદી વિરુદ્ધ આવો બળાપો વ્યક્ત કર્યો હતો…ટૂંકમાં તેણે અગાઉની નોકરીની શરૂઆતમાં જે એક્સક્લુઝિવ સ્ટોરીઓ આપી હોય તે જ હોય…અને દસ બાર કલાક કામ કરીશ તેવું કહેતી વખતે તો તે એટલું જ બાકી રાખે છે કે કહેશો તો તમારા ઘરમાં આવીને કચરાપોતું પણ કરી જઈશ.)

 

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

3 comments

umesh shah 12/09/2013 - 3:36 PM

nice one ..sharp observation..keep it up..

Reply
jaywantpandya 12/09/2013 - 3:39 PM

Thanks.

Reply
Gunvant Rajyaguru 12/09/2013 - 7:21 PM

Very good..!!

Reply

Leave a Comment