Home » નોટબંધીથી બચત તો વધશે પણ ઈન્દિરાવાળી નહીં થાય ને?

નોટબંધીથી બચત તો વધશે પણ ઈન્દિરાવાળી નહીં થાય ને?

by Jaywant Pandya

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૧/૧૨/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.)

કેટલીક આપત્તિઓ આશીર્વાદ લઈને આવતી હોય છે. દા.ત. જ્યારે ભાવનગરમાં ઉપરાઉપરી ભૂકંપ વર્ષ ૨૦૦૦ના સપ્ટેમ્બર મહિનામાં આવતા હતા ત્યારે બધા ફૂટપાથ પર સૂવા લાગેલા. પરિણામે ઘણાને ફૂટપાથ પર સૂવાનો અર્થ સમજાયેલો. તો, સામાજિક રીતે પણ એકબીજાની નજીક આવેલા. આ જ રીતે રમખાણોમાં પણ સામસામે લડતા તે બંને સમુદાયોમાં ઐક્ય આવેલું. કેટલાક તો પોતાને હિન્દુ ન ગણતા લોકો પણ રમખાણોથી બચવા હિન્દુઓની સાથે આવવા લાગેલા. જોકે આનો અર્થ આપત્તિ કે રમખાણો થવા જોઈએ તેવો બિલકુલ ન કરતા. પણ આપત્તિ તેની સાથે ઈચ્છનીય કે અનિચ્છનીય ઉપપેદાશો લાવે છે તેની આ વાત છે.

નોટબંધી અથવા વિમુદ્રાકરણ આપત્તિ નથી, કાળાં નાણાંને દૂર કરવાનો સારો નિર્ણય છે, પરંતુ એ વાત તો બિલકુલ સાચી કે તેના કારણે લોકોને પોતાનાં જ નાણાં મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. આ મુશ્કેલી પણ કેટલાક છૂપા આશીર્વાદ લઈને આવી છે. દા.ત. સાદાઈથી લગ્ન થઈ શકે છે એ રોકડની અછતે પૂરવાર કર્યું. એવું નથી કે સાદાઈથી બિલકુલ લગ્નો થતાં જ નહોતાં, પરંતુ જેમ રસ્તા વચ્ચે ખાડો પડ્યો હોય તો કેટલાક લોકો એ ખાડા માટે મ્યુનિસિપાલિટીને ફરિયાદ કરે છે અને એ ખાડો પૂરાઈ જાય તેની તકેદારી લે છે, કેટલાક લોકો એ ખાડો તારવીને નીકળી જાય છે તો કેટલાક લોકો ખાડા માટે મ્યુનિસિપાલિટીને ગાળો દે છે અને તે રસ્તેથી પાછા ફરે છે, એ રીતે આ નોટબંધીના કારણે જેમનાં લગ્ન નોટબંધી પછી તાત્કાલિક હતાં તેમને મુશ્કેલી તો પડી જ પરંતુ તેમણે ખાડો તારવીને નીકળી જવાનું પસંદ કર્યું.

બિહારના કટિહાર જિલ્લાના મનસાહી પ્રખંડમાં એક યુગલે માત્ર ૧,૧૦૦ રૂપિયામાં લગ્ન કર્યા. ગરીઘાટ ગામના નિવાસી યોગેન્દ્ર સહનીએ તેમની દીકરી સરસ્વતીકુમારીનાં લગ્ન તેના જ ગામના મુન્શી સહનીના દીકરા રાજા કુમાર સાથે નક્કી કર્યા હતા. બધા પિતાની જેમ તેમણે પણ ધામધૂમથી લગ્ન કરવાનું વિચારેલું. પરંતુ નોટબંધીના કારણે તેમણે સાદાઈથી લગ્ન કરવાનું નક્કી કર્યું. આ લગ્ન પંડિત વગર. માત્ર અગ્નિને સાક્ષી માનીને થયાં. આવેલા મહેમાનોને માત્ર ચા-પાણી અને લાડુ અપાયાં! જાનૈયાઓએ પણ કોઈ જાતની કચકચ કે ટીકા વગર આ રીતે લગ્નને સ્વીકારી લીધા. યોગેન્દ્ર મુજબ, દીકરીનાં લગ્ન માટે રૂ. ૩૫૦ની સાડી, જમાઈ માટે રૂ. ૪૦૦નું કાપડ, મહેમાનો માટે રૂ. ૧૫૦ના લાડુ અને રૂ.૨૦૦માં ચાની વ્યવસ્થા કરાઈ. આમ, કુલ રૂ.૧,૧૦૦માં લગ્ન સંપન્ન થયાં.

બિહારના આ પરિવારનાં લગ્ન રૂ. ૧,૧૦૦માં થયા તો સુરતની દક્ષા પરમારે તેના પિતા, પતિ અને સાસરિયાઓને સમજાવીને માત્ર રૂ. ૫૦૦માં પોતાનાં લગ્ન કર્યાં! આ બંને પરિવાર પાસે આર્થિક સગવડતા હતી જ. દક્ષાના પિતા રાજા પરમાર એક સ્થાનિક વીજ કંપનીમાં ટૅક્નિશિયન છે અને તેના પતિ કમ્પ્યૂટર એન્જિનિયર. દિવાળી પહેલાં બંને પરિવારોએ નક્કી કર્યું હતું કે દેવદિવાળી પછી ધામધૂમથી લગ્ન કરવાં. પણ નોટબંધીના કારણે રોકડની તકલીફ ઊભી થઈ. એક રસ્તો હતો કે લગ્ન મોકૂફ રાખવા અને બીજો વિકલ્પ હતો કે એકદમ સાદાઈથી લગ્ન કરી લેવાં. તેમણે બીજો વિકલ્પ અપનાવ્યો.

શરૂઆતમાં રાજા પરમારે લગ્ન મોકૂફ રાખવા વિચાર્યું પરંતુ તેમની ૨૨ વર્ષની દીકરી દક્ષા પરમારે તેનાં માતાપિતા, તેના પતિ અને તેના સાસરિયાઓને સાદાઈથી લગ્ન કરવા સમજાવ્યા. દક્ષાએ કહેલું, “જ્યારે મોદીજી ચાય પે ચર્ચા દ્વારા આખા દેશમાં પહોંચી શકે તો અમે ચાય પે શાદી કેમ ન કરી શકીએ?” દક્ષાના પરિવાર તરફથી ૫૦ જણા અને ભરત મારુના પરિવાર તરફથી ૧૫૦ જણા લગ્નમાં ઉપસ્થિત રહ્યા અને લગ્નમાં શરબત, સૂપ, ચાઈનીઝ, પંજાબી વગેરે વાનગીઓ, મીઠાઈયુક્ત જમણવાર પીરસવાના બદલે માત્ર ચા અને પાણી જ રાખ્યાં! માત્ર ૫૦૦ રૂપિયામાં સારું કામ પતી ગયું.

જોકે ઉમાશંકરના લગ્નમાં તો એક પૈસાનો ખર્ચ ન થયો! મધ્ય પ્રદેશના બેતુલ જિલ્લાના માંડાઈ ગામના નિવાસી ઉમાશંકરનાં લગ્ન ૧૫ નવેમ્બરે થવાનાં હતાં. રોકડની અછતના કારણે લગ્ન મોકૂફ રાખવી પડે તેવી સ્થિતિ હતી. તેમને ખબર પડી કે બેતુલના બાલાજીપુરમ્ મંદિરમાં નિ:શુલ્ક લગ્ન કરાવે છે. તેણે અને તેની ભાવિ પત્ની સાધના પાટીલે પાંચ ડિસેમ્બરે આ મંદિરમાં લગ્ન કરી લીધાં. મંદિરમાં લગ્નવિધિ શાસ્ત્રોક્ત રીતે નિ:શુલ્ક થઈ. એટલું જ નહીં, મંદિરના વહીવટકર્તાઓએ લગ્નમાં હાજર લોકોને જમાડ્યા પણ ખરા. (અને ‘પીકે’ જેવી ફિલ્મમાં મંદિરનો વિરોધ થાય છે! પણ મંદિર માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર જ નથી હોતું, આ રીતે સમાજસેવા પણ કરતું હોય છે.)

અત્યારે ઘણાના મોઢે સાંભળવા મળે છે કે આપણા જ નાણાં અને આપણને પૂરતા વાપરવા નથી મળતાં. ઓછાં નાણાં આપવાના નિર્ણયનો બચાવ નથી પણ એવો તર્ક અપાય છે કે કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા સરકાર જાણી જોઈને રોકડની તંગી સર્જી રહી છે. અહીં મને એક જૂની વાત યાદ આવે છે.. હું પહેલાં ભાવનગરના ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં કામ કરતો. ત્યાં બૉનસની પ્રથા અનોખી હતી. સામાન્ય રીતે બૉનસ દિવાળી પર આપવામાં આવતું હોય છે. પરંતુ જે અણસમજુ (તેમના માટે નિમ્ન વર્ગ શબ્દ વાપરવો અયોગ્ય છે) કર્મચારી હોય, તેઓ આ નાણાં હાથમાં આવતાં જ વાપરી નાખે. આથી બૉનસ ત્રણ કટકે- ત્રણ ટુકડામાં આપવામાં આવતું. એક દિવાળી પર, બીજું ધૂળેટી પર અને ત્રીજું જન્માષ્ટમી પર. અહીં કોઈ ફરિયાદ પણ કરી શકે કે અમારું જ હકનું બૉનસ અને તે અમને દિવાળી પર ન મળે? અમારી દિવાળી બગડે છે. પરંતુ ત્રણ તહેવારો પર બૉનસના ત્રણ હિસ્સા મળે તો માત્ર દિવાળી જ નહીં, બીજા બે તહેવાર પણ સચવાઈ જાય તેવો સારો ઉદ્દેશ હતો. તેથી ‘સૌરાષ્ટ્ર સમાચાર’ના પત્રકારથી લઈને કમ્પૉઝ- પ્રૉડક્શન વગેરે દરેક વિભાગના કર્મચારીએ આ નિર્ણયને ખુશીથી સ્વીકારી-અપનાવી લીધો હતો.

નોટબંધીની બીજી એક સારી સાઇડ ઇફેક્ટ એ છે કે લોકો ફરીથી પોતાના નાણાંને સમજીવિચારીને કરકસરપૂર્વક ખર્ચ કરવા લાગ્યા છે. નેતાઓની વાત નથી. જનાર્દન રેડ્ડી કે નીતિન ગડકરી જેવાઓએ પોતાની દીકરીનાં લગ્ન સાદાઈથી કરીને ઉદાહરણ બેસાડવા જોઈતાં હતાં, પરંતુ તેઓ ચૂકી ગયા. ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના ૨૧મા શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે કે યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેત્તરો જન: સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે. શ્રેષ્ઠ પુરુષ જે પ્રમાણે આચરણ કરે છે તે પ્રમાણે લોકો પણ તેવું આચરણ કરે છે. અહીં શ્રેષ્ઠ એટલે ઊંચા સ્થાનો પર બેસેલા. સેલિબ્રિટી- વીઆઈપીઓ. વિવિધ ક્ષેત્રના આગેવાનો. પણ રેડ્ડી-ગડકરીને કોઈ રીતે શ્રેષ્ઠ ન કહી શકાય. પરંતુ એ વાત તો છે જ કે લોકો સામાન્ય રીતે આગેવાનોનું અનુસરણ કરતા હોય છે અને આપણે ત્યાં લગ્ન ભવ્ય અને ભપકાદાર કરીને દેખાડો કરવાની ફેશન આવી ગઈ હતી. ગડકરી વગેરેને તો પોસાય પરંતુ તેની દેખાદેખીમાં મધ્યમ વર્ગ પણ તેમાં ખેંચાતો ચાલ્યો ગયો હતો. અને માત્ર લગ્ન જ શું કામ, એ સિવાય પણ બિનજરૂરી ખર્ચા વધી ગયા હતા.

મૉલમાં પણ કરિયાણું લેવા જતી વખતે ૧,૫૦૦માં ત્રણ શર્ટ અથવા બે સાડી પર એક સાડી ફ્રી જેવી સ્કીમના લીધે બિનજરૂરી ખરીદી થઈ જતી. અમદાવાદ જેવા અમદાવાદમાં પણ પહેલાં એક-એક રૂપિયા માટે રકઝક થતી પરંતુ છેલ્લાં દસેક વર્ષથી જાણે નાણાંનું મૂલ્ય, તેને કસીને-સમજીને વાપરવાનું ભૂલાઈ ગયું હતું. બાળકોને પણ નાણાંની કિંમત સમજાવવવી મુશ્કેલ બની હતી. ટીવી પર કાર્ટૂન કે અન્ય ચેનલો પર બાળકોને નિશાન બનાવીને ખાસ જાહેરખબર આપવામાં આવે છે. જેમ કે સ્ટિકર માટે થઈને દૂધ પાવડર કે બિસ્કિટનું પેકેટ ખરીદવા બાળક જિદ કરે. પછી તે બિસ્કિટ ખાય પણ નહીં તેવું બને પરંતુ તેને તો પેલું ડોરેમોનના ચિત્રવાળું સ્ટિકર કે ટેટૂ જોઈતું હોય.

બાળક તો ચાલો માનીએ કે ન સમજે, પણ માતાપિતા પોતાના સંતાનને કોઈ અભાવ ન રહે તે માટે કિશોર અવસ્થા કે યુવાન અવસ્થાના સંતાનને પણ બિનજરૂરી ખર્ચ કરવાની છૂટ આપવા લાગ્યાં હતાં. નોટબંધીના કારણે આ સ્થિતિમાં ઘણો સુધાર આવ્યો છે. એક ગુજરાતી સામયિકનું કાર્ટૂન બહુ સચોટ છે. એ કાર્ટૂનમાં લાંબી લાઇનમાં ઊભા રહેલા ભાઈ પાછળવાળા ભાઈને કહે છે, “મારા બાબાને સાથે લાવ્યો છું જેથી પૈસાની કિંમત તેને સમજાય.”

આમ, આ નિર્ણયના કારણે બિનજરૂરી ખર્ચા અટકશે. લોકોનાં નાણાં બૅન્કમાં રહેશે તો બચત વધશે. સેવિંગ્સ એકાઉન્ટમાં ભલે ચાર ટકા તો ચાર ટકા, વ્યાજ તો મળશે. ઘરમાં રહેશે તો એ પણ નહીં મળે, બીજું ચોરી થવાનો ડર અને આવો નોટબંધીનો અચાનક નિર્ણય થશે તો કાં તો લાઇનમાં ઊભા રહી નોટ જમા કરાવવી પડશે, નહીં તો નોટ રદ્દી થઈ જશે.

સામે પક્ષે બૅન્કો લોકોનાં નાણાંથી પહેલાં કરતાં મજબૂત બની છે. આના લીધે હવે તેના માટે લૉન આપવી વધુ સરળ બનશે. ઉદ્યોગપતિઓને લૉન મળશે તો એ જોખમ તો છે જ કે વિજય માલ્યાની જેમ નાદાર થઈ શકે અને લોકોનાં નાણાં સ્વાહા થઈ જાય. કે પછી માધવપુરા બૅન્ક જેવું કૌભાંડ પણ થાય તેવો ડર પણ રહે. બની શકે કે ઘણી બધી રીતે ઈન્દિરા ગાંધીની રાહ પર ચાલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી એવો લોકપ્રિય (પૉપ્યૂલર) નિર્ણય લે કે બૅન્કોને ગરીબોને- ખેડૂતોને લૉન આપવા ફરજ પાડે. અને તેમાં ખેડૂતોના નામે બીજા કોઈ લૉન લઈ જાય અને તે લૉન પાછી જ ન આવે કેમ કે નિર્ણય સારો હોય તોય તેનો અમલ કરનાર બદમાશી કરે તો? અત્યારે કેટલીક બૅન્કોમાં પાછલા બારણેથી રોકડ લાગતા-વળગતાઓને અપાય જ છે ને. ઈન્દિરા ગાંધીના સમયમાં આવું થયું હતું. ઈન્દિરાજીએ બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યા પછી બૅન્કોને ફરજ પાડેલી કે તે ખેડૂતોને રાહત દરે લૉન આપે. તે પછી આવેલી જનતા સરકારમાં નાણા પ્રધાન મધુ દંડવતેએ એક પગલું આગળ વધીને એ લૉનો માફ કરેલી.

પ્રભુને પ્રાર્થના કે મોદીજી ઈન્દિરાવાળી ન કરે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment