Home » ….અને સાહેબને ભણાવ્યા વગર જ નીકળી જવું પડ્યું!

….અને સાહેબને ભણાવ્યા વગર જ નીકળી જવું પડ્યું!

by Jaywant Pandya

એક શાળાનો વર્ગખંડ હતો. તેમાં નવો તાસ (પિરિયડ, યૂ નો!) ચાલુ થવાનો હતો. છોકરાઓ તોફાન કરી રહ્યા હતા. છોકરીઓ શાંત હોવાની અપેક્ષા હોય છે, પણ તેય તોફાન કરી રહી હતી. ત્યાં શિક્ષક આવ્યા. શિક્ષકે કહ્યું : બાળકો, ચાલો આપણે ઇતિહાસ વિશે ભણીશું. ત્યાં એક નટખટ છોકરો ઊભો થયો. તેણે ટચલી આંગળી ઊંચી કરી. એટલે સાહેબે તેને પરવાનગી આપી કે જા જલદી જઈ આવ. સાહેબે થોડું ભણાવ્યું ત્યાં બીજા એક છોકરાએ અંગૂઠાનો ઈશારો મોં આગળ કર્યો. સાહેબ કહે જા, જલદી પાણી પી આવ. વળી, સાહેબ થોડું આગળ ભણાવે ત્યાં ત્રણ છોકરા ઊભા થયા. તેમણે બે આંગળી એક સાથે બતાવી. સાહેબ કહે, જાઓ જાઓ, જલદી જાવ, નહીં તો અહીં જ બગડશે. એટલામાં એક છોકરી ઊભી થઈ અને કહે, સાહેબ, આ જુઓને, પેલો મનુડો મારો ચોટલો ખેંચે છે. સાહેબે મનુને ડારો આપ્યો. મનુ કહે, પણ એ છોકરી મને ચીટલો ભરે છે. સાહેબ કહે, કેમ’લી? તો કહે,સાહેબ એણે મારો ચોટલો પહેલાં ખેંચ્યો એટલે મેં એને ચીટલો ભર્યો. મનુડો કહે, ના એવું નથી, એણે મને પહેલાં ચીટલો ભર્યો. એટલે મેં એનો ચોટલો ખેંચ્યો. બેય પોતાની વાત સાબિત કરવા એકબીજાની સાથે બોલવા લાગ્યા. એટલામાં બે છોકરા ચૂપચાપ વર્ગમાંથી નીકળી ગયા. ત્યાં વળી, એક જણે ઊભા થઈને કહ્યું : સાહેબ, આ રમલાએ મારી પેન્સિલ લઈ લીધી. રમેશ કહે : સાહેબ, કિશોર્યો ખોટો છે. આ પેન્સિલ તો મારી જ હતી. મેં એને આપી હતી, પણ એ પાછી જ આપતો નહોતો. એટલે મેં બળજબરીથી લઈ લીધી. એટલામાં એક છોકરી ઊભી થઈ અને કહે : સાહેબ, આ ચંપાડીએ મારી નોટમાં લીટા કર્યા. ચંપા કહે : આ રમાડી ખોટી ફરિયાદ કરે છે. તેણે પહેલાં મારી નોટમાં તારા અને ચાંદો ચિતરી દીધા હતા. સાહેબ મૂંઝાઈ ગયા. કોને કહેવું અને કોને ન કહેવું? તેમણે કહ્યું : બધા શાંત થઈને બેસી જાવ.

એટલામાં તાસ પૂરો થવાનો ઘંટ વાગી ગયો. સાહેબ ભણ્યા વિના નીકળી ગયા. છોકરાઓ અને છોકરીઓએ તાળી પાડી કે સાહેબને કેવા ભણાવ્યા વગર જ ભણાવી દીધા!

(નોંધ : લોકસભા અને રાજ્યસભા કે ગુજરાત-ઉત્તરપ્રદેશ જેવી રાજ્ય વિધાનસભામાં થતી કાર્યવાહીને આ વાર્તા સાથે બિલકુલ સંબંધ છે.)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

5 comments

પરાર્થે સમર્પણ 24/11/2011 - 2:37 PM

ભાઈ શ્રી

સરસ અવલોકન અને મુલ્યાંકન કર્યું છે.

આપના દેશના નેતાઓ પક્ષો અને લોકસભા રાજ્યસભા અને વિધાનસભામાં આવું જ ચાલે છે.

મારા વા’લા એક બીજા બહાને ઝઘડે છે અને કોઈ કામ થવા દેતા નથી.

Reply
PH Bharadia 24/11/2011 - 4:59 PM

આ તો તમે સાવ ભારતના દરેક સરકારી ખાતાની વાત પણ કહી દીધી!!
સરકારી ખાતાઓ અને અર્ધ-સરકારી કંપનીઓમાં આવુંજ ચાલે છે,તમે
અચકાતાં અચકાતાં ખાલી ગુજરાત,ઉત્તર પ્રદેશનીજ વાત કરી છે પણ
હકીકતમાં તો આખાય ભારતમાં આ ડીંગ ડીંગ આ તબક્કે પણ ચાલી
રહ્યું છે,સ્કૂલો,કોલેજોમાં પણ બહુ સારાવાટ નથી,બધુંજ ભડકે બળી રહ્યું છે
આ કદાચ નિરાશાવાદી સુર હશે,પણ સાચી હકીકતથી આપને બધાંને
ખબરજ છે,પણ કોઈ કંઈ ‘બળવો’નથી કરતું,’બધાંય ને પેટ છે’ આવી
વાહિયાત જૂની ચવાઈ ગયેલ એઠી વાતો થાય છે.
ગુરુઓ,મા’રાજો,કથાકારો,સંતોતો જાણે આ બળતામાં ઘી હોમાવા જેવી
સુફિયાણી વાતો કરીને લોકોના મનને શાંત પાળવાની વાતો કરતા
રહેતા હોય છે એમને તો લોકો રોજના રોટલાથી વધુ પકવાનો પીરસતા
હોય છે.ક્ષિતિજ અને ચારેય દિશા ધૂંધળી છે,માર્ગ મુશ્કેલ છે,પણ ભારતના
ડાહ્યા અને ઠરેલ લોકો ધીમે ડગે પોતાની મજલ કાપીનેજ રહેશે.
ભારતની ગરીબી તો કોઈ હિસાબે દુર થવાની નથી,કેમકે ભારતમાં
નાતજાતના વાડા એટલા છે અને તેનાં મૂળ ખુબજ ઊંડા છે,અને
રાજકારણીઓને તો ‘મત બેંક’માં જ રસ છે,તેઓ ઉલટાના કહેવાતાં
‘બિન ધાર્મિક’ રાજકારણના નામે પોતાની સત્તા કાયમ રહે અને પોતાનાં
કુટુંબ કબીલાનીજ રહે તેની દોડધામમાં દર પાંચ વર્ષ પુરા કરવાની
કોશિશમાં રહેતા હોય છે,લોકોનું કલ્યાણ તેઓ શું કરવાના હતા!!
ઘર કેમ ભરવાં અને સત્તાપર ચીટકી રહેવા સિવાય તેમને કોઈમાં
રસ નથી.

Reply
» ….અને સાહેબને ભણાવ્યા વગર જ નીકળી જવું પડ્યું! » GujaratiLinks.com 17/01/2012 - 3:18 AM

[…] કહ્યું : બાળકો, ચાલો આપણે ઇતિહાસ … Continue reading → Read, Think, […]

Reply
jignesh 09/02/2012 - 12:41 PM

ખરેખર ભાઈ ઈન્ટરનેટ પર આ વાંચવાની મજાજ કઈં ઓર છે.

Reply
Viral Trivedi 22/02/2012 - 5:59 PM

Strongly agree.

Reply

Leave a Comment