Home » નીતીશ- મોદી : ચલો એક બાર ફિર સે અજનબી બન જાયે…

નીતીશ- મોદી : ચલો એક બાર ફિર સે અજનબી બન જાયે…

by Jaywant Pandya

ભાજપ અને જનતા દળ (યૂ) વચ્ચે સત્તર- સત્તર વર્ષોથી મિત્રતાના સંબંધ હતા. જનતા દળ (યૂ) અથવા એમ કહો કે નીતીશકુમારને નરેન્દ્ર મોદીના હાથમાં ભાજપની સત્તા આવે અને તે કરતાંય ભવિષ્યમાં મોદી વડા પ્રધાનના ઉમેદવાર થાય તો તેમને એનડીએના ઉમેદવાર બતાવીને પ્રચાર કરવો પડે અને સત્તા આવે તો તેમની હકુમત નીચે રહેવું પડે તે મંજૂર નહોતું. જે નીતીશે કચ્છમાં આવીને નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા અને ભવિષ્ય ભાખ્યું હતું કે મોદી ભવિષ્યમાં રાષ્ટ્રીય રાજકારણમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવશે એ જ નીતીશને મોદી આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યા.

ગુજરાતમાં રમખાણો થયા તે પછી બિહારમાં ચૂંટણી પ્રચારમાં મોદીના આવવા પર નીતીશે પ્રતિબંધ મૂક્યો તો સામે મોદીએ એનડીએની રેલીમાં અચાનક સ્ટેજ પર નીતીશને ભેટી પડ્યા ને તસવીરો ખેંચાવી લીધી કે પછી પોતે જાય ત્યારે બિહારના પૂરની આફત માટે ગુજરાતે પાંચ કરોડની સહાય કરવી અને નીતીશ સાથે ભેટી પડતો ફોટા સાથે એ સહાયની જાહેરખબરો છપાવી.

આમ, ભાજપ-જનતા દળ (યૂ)ની મિત્રતા ચાલુ હતી, પરંતુ તેના બે નેતાઓ વચ્ચે મિત્રતા દુશ્મનાવટમાં પરિણમતી જતી હતી. છેવટે આ રવિવારે (૧૬ જૂને) એ મિત્રતા કે પછી પતિ-પત્નીના સંબંધોની જેમ આ સંબંધને જુઓ તો તે છૂટાછેડામાં પરિણમી. ભાજપ તરફથી જનતા દળ (યૂ) પર વિશ્વાસઘાતના આક્ષેપો થયા. તો જનતા દળ (યૂ) વાળાઓએ કહ્યું કે ભાજપના મંત્રીઓએ મંત્રીમંડળની બેઠકમાં આવવાનું જ બંધ કરી દીધું હતું. કંઈ રસ્તો જ નહોતો. નોબત તો એ આવી કે છેવટે આના વિરોધમાં ભાજપે બિહાર બંધનું એલાન આપ્યું અને જે અત્યાર સુધી ખભેખભા મેળવીને લડતા હતા તે બંને પક્ષના કાર્યકરો બાથંબાથી પર આવી ગયા.

વાત રાજકીય ભલે હોય, પણ બધાં ક્ષેત્રોમાં અને અંગત સંબંધોમાં લાગુ પડે છે. રાજકીય વાત એટલા માટે લીધી કે પ્રાસંગિક છે. બાકી, આવું તો વર્ષોથી થતું આવ્યું છે. મિત્રતા કે પતિ-પત્નીના સંબંધો નથી પોસાતા? ભાઈ-ભાઈ વચ્ચે નથી બનતું ને છૂટા પડવું છે? ભાઈ-બહેન કે બહેન-બહેન વચ્ચે કટુતા આવી ગઈ છે? ધંધામાં ભાગીદાર સાથે નથી બનતું? વિચારભેદ મનભેદની કક્ષાએ પહોંચી ગયા છે? તો વાંધો નહીં છૂટા પડી જાવ. પરંતુ છૂટા પડ્યા પછી વાતને એ કક્ષાએ ન લઈ જાવ કે પછી દુશ્મનાવટનો તબક્કો શરૂ થઈ જાય. પણ કેટલાક લોકો એવા હોય જ છે કે પછી વાતને વણસાવે જ છૂટકો કરે. છૂટા પડવા માટે સામેવાળાને જવાબદાર ગણાવીને તેના વિરુદ્ધ વાતો ફેલાવવાનું શરૂ કરે. બંનેના જે સામાન્ય સંબંધીઓ કે સગાવહાલા કે પછી મિત્રો હોય તે ખોટી સહાનુભૂતિ બતાવે કે પેલો/પેલી તારા વિરુદ્ધ આવું કહેતો/કહેતી હતો/હતી. આવામાં જો બીજો જણ કંઈ ન બોલે તો તેને ઉશ્કેરે કે તું મૂંગો રહીશ તો પેલો તને વધુ ને વધુ બદનામ કરશે. પરિણામે બીજો જણ પણ પોતાનો બચાવ કરવા લાગે અને પહેલી વ્યક્તિની વિરુદ્ધ બોલવા લાગે. આમાં પછી સાચીખોટી વાતો ફેલાવા લાગે. થાય એવું કે એ કડવાશભર્યા સંબંધો ઝેરીલા બની જાય.

આ વાતને જો વ્યાપક સ્વરૂપે જોઈએ તો હિન્દુ – મુસ્લિમોના સંબંધો કે સૌરાષ્ટ્રમાં કે પંજાબમાં જે કૌટુંબિક ઝઘડા જોવા મળે છે તેમાં આવું જ હતું. હિન્દુ અને મુસ્લિમ બંને પ્રજા મૂળ તો લાગણીશીલ છે. મિત્રતામાં જાન આપી દેતાંય વિચાર ન કરે. હજુ ગઈકાલે-૧૮ જૂને જ સમાચાર આવ્યા કે કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો માટે પૂજાની વ્યવસ્થા મુસ્લિમ બંધુઓએ કરી. હવે પંડિતોને કાશ્મીરમાંથી વિસ્થાપિત કરાયા તે જ પંડિતો માટે મુસ્લિમો આવી લાગણી બતાવે, મતલબ કે વિસ્થાપિત કરનારા મુસ્લિમો બીજા હતા, લાગણી બતાવનારા મુસ્લિમો એમાં નહોતા. મિત્રતા ઝેરીલી દુશ્મનાવટમાં પરિણમે તેનો દાખલો કાશ્મીરનો જ છે.

કાશ્મીર વિશે એક કથા એવી છે કે ત્યાં એક રૂપાળો ને કદ કાઠીએ મજબૂત, ઊંચો એવો બ્રાહ્મણ (પંડિત કહો તોય વાંધો નહીં) યુવાન હતો. ત્યાંના બાદશાહના મહેલ પાસેથી પસાર થતો હતો. ઝરૂખામાંથી શહેજાદીએ તેને જોયો. શહેજાદી તેના પર મોહી પડી. તેણે પેલા બ્રાહ્મણ યુવાન સાથે લગ્નની જિદ પકડી. પણ બાદશાહ ચુસ્ત મુસ્લિમ હતો. તેણે યુવાનને બોલાવીને કહ્યું, “મારી દીકરી તારી સાથે લગ્ન કરવાની જિદ કરે છે. મને કોઈ વાંધો પણ નથી પરંતુ મારી શરત એ છે કે તારે ઈસ્લામ કબૂલ કરવો પડશે. અને હા, એમાં ના પાડવાની કોઈ ગૂંજાયશ નથી. ના પાડીશ તો તારું અને તારા કુટુંબનું ધનોતપનોત નીકળી જશે.”

બાદશાહનો હુકમ કેમ ટાળી શકાય? યુવાને કંઈક વિચારીને પછી આગેવાન બ્રાહ્મણોને પૂછ્યું, “મારે લગ્ન કર્યા વગર કોઈ છૂટકો જ નથી, પરંતુ એક શરતે આપણો ધરમ બચે. હું લગ્ન કરી લઉં ને બાદશાહ બની જઉં પછી મને તમે પાછા હિન્દુ બનાવી દેજો.” આંધળી રૂઢિચુસ્તતાના શિકાર પેલા બ્રાહ્મણોએ ચોખ્ખી ના પાડી દીધી કે વટલાયેલાને અમે પાછા ધર્મમાં નથી લેતા. યુવાનને તો કોઈ છૂટકો જ નહોતો. તેણે ઈસ્લામ ધર્મ અંગીકાર કરીને શહેજાદી સાથે લગ્ન કરી લીધા. થોડા સમય પછી બાદશાહ પણ બન્યો. ફરીથી પેલા બ્રાહ્મણોને વિનવ્યા કે મને હિન્દુ ધર્મમાં પાછો લો. પરંતુ જડ બ્રાહ્મણોએ કોઈ વાત ન સાંભળી ને ટસના મસ ન થયા. કહે છે કે પછી એ યુવાન એટલો ધર્માંધ અને કટ્ટર મુસ્લિમ બન્યો કે તેણે હિન્દુઓની ભારે ખાનાખરાબી કરી.

કહેવાનો અર્થ એ કે પોતાના જ કટ્ટર વેરી બને તેવું ન કરવું. હકીકતે હિન્દુ- મુસ્લિમ હોય કે બીજા કોઈ સંબંધોની વાત હોય પરંતુ બે જણા વચ્ચે સારા સંબંધ ન રહે તે માટે હંમેશાં ત્રીજો જણ જ પ્રયત્નશીલ હોય છે. અને ક્યારેક સંબંધ તોડવો જ પડે તો એ રીતે તોડો કે પાછા ફરવાનો અવકાશ રહે. કેટલાક ફિલ્મ કલાકારોની એક વાત માનવી પડે કે તેઓ છૂટા પડે છે પછી એકબીજા સામે કડવાશ નથી રાખતા. આમિર ખાન અને રીના છૂટા પડ્યાં પછી એકબીજા સામે તેમણે ક્યારેય કોઈ વાત નથી કરી. નહોતું બનતું ને છૂટા પડ્યા છીએ, બસ. સૈફ અલી અને અમૃતા સિંહ વચ્ચે પણ આવું જ છે. આમિર ખાન તો તેના કાર્યક્રમોમાં રીનાને બોલાવે પણ છે અને રીના આવે પણ છે. આમ વર્ષો સાથે લાગણીથી જોડાઈને રહ્યાં હોય તેને કેમ ભૂલી શકાય? આજની યુવાન પેઢી, જેને વાતવાતમાં બ્રેક અપ થઈ જાય છે તેણે આમિર ખાનના દાખલામાંથી શીખવા જેવું છે. ‘તૂ નહીં તો ઔર સહી’નો વિચાર ભલે અપનાવો પણ એ જે ‘તૂ’ છે તેને તમારો કે તમારી દુશ્મન બનાવવા પ્રયાસ ન કરો.

ઘણા પ્રેમીઓ એવા ગાંડા અને એ કરતાંય વિકૃત હોય છે કે જો તેની પ્રેમિકા તેને નકારી દે તો તેના વિરુદ્ધ ફેસબુક પર વિકૃત પ્રોફાઇલ બનાવશે, ક્યાં તો એસિડના હુમલા કરશે કે પછી તેની હત્યા પણ કરી નાખશે?! આવા લોકોને ખરેખર પ્રેમી કહી શકાય? ખરો પ્રેમ હોય તો જેને ચાહતા હો તેને કુરૂપ કરવાનો કે તેની હત્યા કરવાનો કે તેને બદનામ કરવાનો વિચાર જ કેવી રીતે આવે? એનું ભલું વિચારવાનું હોય. એ સુખી થાય તેવી કામના કરવાની હોય. એવું જરૂરી નથી જ કે તમે જેને ચાહો તે તમને ચાહે. તો પછી આ ગાંડપણ શા માટે? સામે પક્ષે યુવતીએ કે યુવકે એ ધ્યાન પણ રાખવાની જરૂર છે કે તમારી મિત્રતા કે તમારી ચેષ્ટાઓ (ભેટી પડવું કે અન્ય કોઈ ચેષ્ટા)ના કારણે તમને કોઈ તમારો પ્રેમી કે પ્રેમિકા સમજી ન લે. વિજાતીય મિત્રતામાં પણ અમુક મર્યાદા તો હોવી જ જોઈએ. જોકે એનો અર્થ કોઈ એકતરફી પ્રેમીને કે પ્રેમિકાને વિકૃતિની હદે જવાની છૂટ નથી આપતો.

ખેર, મિત્રતા હોય કે રાજકીય સંબંધ, જ્યારે સંબંધ તૂટવાની અણીએ હોય ત્યારે વર્ષો જૂની ‘ગુમરાહ’ ફિલ્મના ગીતના શબ્દોને ધ્યાનમાં રાખવા:

ચલો એક બાર ફિર સે અજનબી બન જાયેં હમ દોનો

 ના મૈં તુમ સે કોઈ ઉમ્મીદ રખૂં દિલનવાઝી કી (કોઈ અપેક્ષા ન રાખવી)

ના તુમ મેરી તરફ દેખો ગલત અંદાઝ નઝરો સે (જેનો ખોટો અર્થ નીકળે તે રીતે ન જોવું, ચેષ્ટા ન કરવી)

ન મેરે દિલ કી ધડકન લડખડાયે મેરી બાતોં સે (હૃદયને કાબૂમાં રાખવું)

ના જાહિર હો તુમ્હારી કશ્મકશ કા રાઝ નઝરોં સે

 તારુફ રોગ હો જાયે તો ઉસકો ભૂલના બહેતર (સંબંધોને ભૂલી જાવ, ગઈ ગુજરી વિસરી જાવ)

તાલ્લુક બોજ બન જાયે તો ઉસકો તોડના અચ્છા (સંબંધ બોજ લાગતો હોય તો તોડી નાખો, પણ….)

વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન (સંબંધ કે કાર્ય જે લાંબો સમય ન થઈ શકે તેમ હોય તે)

ઉસે એક ખૂબસૂરત મોડ દે કર છોડના અચ્છા (એને હસતા હસતા, ભવિષ્યમાં મળો તો પાછા સારી રીતે મળી શકાય તેમ છોડી દો)

 રાજકીય મુદ્દા પર પાછા ફરીએ તો, જો ભાજપે  જનતા દળ (યૂ) સાથે કોઈ સંઘર્ષ વગર સંબંધ છોડી દીધો હોત તો વાંધો ન આવત. ભવિષ્યમાં સાથે આવવાના દરવાજા પણ ખુલ્લા રહેત. પરંતુ હવે એવું લાગે છે કે આ બંને પક્ષો ક્યારેય સાથે નહીં આવી શકે. જોકે આ રાજકારણ છે. અહીં કઈ પણ થઈ શકે.

ભાજપે આ બાબતે કોંગ્રેસ પાસેથી શીખવા જેવું છે. (આમ તો કોંગ્રેસનો વિરોધ કરતાં કરતાં તે કોંગ્રેસ જેવો જ થઈ ગયો છે.) કોંગ્રેસમાંથી અનેક લોકો છૂટા પડ્યા. પણ કોંગ્રેસે કોઈના પ્રત્યે કડવાશ નથી રાખી. જો એવું હોત તો કોંગ્રેસ અને તેમાંથી છૂટા પડેલા શરદ પવારના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી) વચ્ચે આટલા વર્ષોથી જોડાણ અને તેના કારણે સત્તા ન રહી હોત. જો એવું હોત તો કોંગ્રેસ અને તેમાંથી છૂટા પડેલાં મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે જોડાણ થઈને આટલા વર્ષો સત્તા ન રહી હોત અને કદાચ એ હદે પણ કહી શકાય કે તો મમતા પશ્ચિમ બંગાળમાં સત્તામાં પણ ન આવી શક્યાં હોત. જનતા દળ પણ બન્યું છે તો કોંગ્રેસમાંથી જ. વીપી સિંહ મૂળ તો કોંગ્રેસી જ હતા ને. પણ લાલુ-મુલાયમ, અજિતસિંહ વગેરે કોંગ્રેસ સાથે જઈ શકે છે, કારણ કડવાશ નથી.

ભાજપ સાથે એવું નથી બનતું. શંકરસિંહે બળવો કર્યો તો આત્મારામનું ધોતિયું ખેંચીને એ હદે પરિસ્થિતિ લાવી દીધી કે શંકરસિંહ ભાજપમાં પાછા જ ન ફરે. સુરેશ મહેતા કે કેશુભાઈ પટેલ સાથેય એવું જ થયું. ભૂતકાળમાં બલરાજ મધોક કે ગોવિંદાચાર્યના આવા જ હાલ કરાયેલા. આ એક કડવું સત્ય છે. હવે જનતા દળ (યૂ)થી છૂટા પડ્યા છે તો તેની સાથે એવું વર્તન કરાઈ રહ્યું છે કે બંને એકબીજાના કટ્ટર દુશ્મન બની જશે. કોઈ ભાજપ પ્રેમી કદાચ દલીલ કરી શકે કે કોંગ્રેસ અને શરદ પવાર કે કોંગ્રેસ ને મમતા તો સત્તા માટે સમાધાન કરે છે તો તેનો જવાબ એમ છે કે ભાજપને પણ સત્તા તો જોઈએ જ છે. સત્તાની સાઠમારી તો આ પક્ષમાં પણ છે જ. તો પછી સત્તા મળે તે માટે સંબંધોને સારા રાખીને જનતા દળ (યૂ)થી છૂટા પડ્યા હોત તો?

ફરી ફરીને એક જ વાત કરવી છે. રાજકારણ હોય કે મિત્રતા, પ્રેમ હોય કે દાંપત્યજીવન કે પછી વ્યવસાયમાં ભાગીદારી…ન બનતું હોય તો પહેલાં સમાધાન કરીને સંબંધ ટકાવવા પ્રયાસ કરવો. અને હા સમાધાન બંને પક્ષે હોય તે પણ જરૂરી છે. એક જ પક્ષે સમાધાન થતું આવશે તેવો સંબંધ લાંબો નહીં ટકે. આપણો સમાજ સહજીવનનો છે. અહીં પરોપજીવી (બીજા પર જીવતા હોય) પ્રકારનો સંબંધ બહુ લાંબો નહીં ચાલે. બે જણમાંથી એક જણ જતું કરે તો બીજાએ પણ જતું કરવું જોઈએ. જો લાંબો સમય સમાધાનથી પણ સંબંધ ટકે તેમ ન લાગતું હોય તો હસીખુશીથી છૂટા પડો પરંતુ બંને જણની લડાઈમાં ત્રીજો ફાવી જાય તેવો અવકાશ ન રાખો. ફરીને આ શબ્દો યાદ અપાવું :

વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન

ઉસે એક ખૂબસૂરત મોડ દે કર છોડના અચ્છા

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

Kaushik Bhatt 19/06/2013 - 4:22 PM

what is meaning of dilnawazi ki, yr urdu is also good.

Reply
jaywantpandya 20/06/2013 - 1:35 PM

દિલનવાઝી એટલે મારા ખ્યાલ પ્રમાણે, દિલદારી. નવાઝવું એટલે ખુશ થઈને આપવું. ખુશ થઈને દિલ આપવું. દિલ દઈ બેસવું.

Reply

Leave a Comment