Home » દેશવિરોધી પ્રવૃત્તિ બાબતે અમેરિકા-ચીનમાંથી ધડો લો!

દેશવિરોધી પ્રવૃત્તિ બાબતે અમેરિકા-ચીનમાંથી ધડો લો!

by Jaywant Pandya

૯ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ દિલ્લીના વિશ્વ વિખ્યાત જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (જનવિ અથવા જેએનયુ)માં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ સામે કોઈને વાંધો ન હોઈ શકે. પરંતુ આ કાર્યક્રમ માટે પૉસ્ટર લાગ્યાં તેમાં વર્ષ ૨૦૦૧ના ડિસેમ્બરમાં સંસદ પર હુમલાના મુખ્ય સૂત્રધાર અફઝલ ગુરુને વર્ષ ૨૦૧૩ની ૯ ફેબ્રુઆરીએ જ ફાંસી અપાઈ હતી, તેથી આ દેશવિરોધી ત્રાસવાદીના મૃત્યુ દિવસને શહીદી દિવસ તરીકે મનાવવાનો કાર્યક્રમ હોવાનું લખાયું હતું!

આ ઉપરાંત તેમાં મકબૂલ ભટ્ટની શહીદીની પણ ઉજવણી હતી. આ મકબૂલ ભટ્ટ (અથવા બટ) કોણ હતો? જમ્મુ-કાશ્મીરનો સંભવત: પહેલો ત્રાસવાદી! જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવા માટે પાકિસ્તાન (અને એટલે અમેરિકા-બ્રિટન) તરફથી પૈસા, હથિયાર અને નૈતિક પ્રોત્સાહનના જોરે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રંટ નામની ત્રાસવાદી સંસ્થા રચાઈ હતી. આ સંસ્થાની શરૂઆત થઈ ત્યારનો નેતા હતો. ૧૪ સપ્ટેમ્બર ૧૯૬૬ના રોજ આ મકબૂલ ભટ્ટ અને અન્ય ત્રાસવાદીઓએ પોલીસ દળ જતું હતું ત્યારે તેના પર ઘાતક હુમલો કર્યો જેમાં સીઆઈડીની સ્થાનિક અપરાધ શાખા (એલ.સી.બી.)ના ઇન્સ્પેક્ટર અમરચંદ શહીદ થયા. મકબૂલ ભટ્ટની ધરપકડ કરાઈ અને તેને ફાંસીની સજા સંભળાવાઈ.

પરંતુ તે જેલ તોડીને ભાગવામાં સફળ રહ્યો. ૧૯૭૧માં તેણે ભારતના લાહોર જતા વિમાનના અપહરણના કાવતરાને બે નવયુવાન ત્રાસવાદીઓ પાસે કરાવડાવ્યું. આ બે ત્રાસવાદીઓએ મકબૂલ ભટ્ટ અને અમાનુલ્લા ખાન જે પાકિસ્તાનમાં રહીને આ જેકેએલએફનું સંચાલન કરતો હતો તેની સાથે પોતાનો સંબંધ પણ સ્વીકાર્યો.

જનવિમાં કાર્યક્રમના આયોજકો પાકિસ્તાનના ઈશારે ભારતના ન્યાયતંત્ર અને સરકાર પર દોષારોપણ કરે છે કે તેમણે અફઝલ ગુરુ અને મકબૂલ ભટ્ટને પૂરતા પુરાવા વગર અને વાંક વગર ફાંસી આપી દીધી, પરંતુ હકીકત એ છે કે વિમાનના અપહરણ પછી મકબૂલ ભટ્ટની પાકિસ્તાની સત્તાવાળાઓએ ધરપકડ કરી હતી. તે પછી તે ૧૯૭૪માં ભારતમાં ઘૂસ્યો ત્યારે ભારત સરકારે તેની ધરપકડ કરી અને તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ ત્રાસવાદીઓએ તેને છોડાવવા માટે યુકેમાંના ભારતીય રાજદૂત રવીન્દ્ર મ્હાત્રેનું અપહરણ કર્યું અને મકબૂલને છોડી મૂકવા માગણી કરી. ૬ ફેબ્રુઆરીએ ત્રાસવાદીઓએ રવીન્દ્ર મ્હાત્રેની હત્યા કરી નાખી. ૧૧ ફેબ્રુઆરી ૧૯૮૪ના રોજ મકબૂલને ફાંસી આપી દેવાઈ. (૧૧ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ પણ જનવિમાં આવો જ કાર્યક્રમ થયો હતો.)

આમ, આવા ત્રાસવાદીઓના મૃત્યુને શહીદી ખપાવવા માટે જે કાર્યક્રમ થાય તે કેમ સાંખી લેવાય? પરંતુ આ કાર્યક્રમમાં શાંત રીતે, તર્કપૂર્ણ રીતે ભાષણ થયાં હોય કે પોતાની વાત રજૂ કરાઈ હોય તો બરાબર છે, પરંતુ જે વિડિયો પ્રચલિત થયો તે આઘાતજનક હતો. તેમાં સૂત્રોચ્ચાર કરાતા હતા અને કેવાં કેવાં સૂત્રો પોકારાતાં હતાં?

બંદૂક કે દમ પર લેકે રહેંગે આઝાદી, કશ્મીર કી આઝાદી તક જંગ રહેગી, ભારત કી બર્બાદી તક જંગ રહેગી, ભારત કે દસ ટુકડે હોંગે ઇન્શાઅલ્લાહ. અફઝલ હમ શર્મિંદા હૈ, તેરે કાતિલ ઝિંદા હૈ. તુમ કિતને અફઝલ મારોગે, હર ઘર સે અફઝલ નિકલેગા. ગો બેક ઇન્ડિયા. અફઝલ કે અરમાનોં કો મંઝિલ તક લે જાયેંગે.

આ કાર્યક્રમ માટે લગભગ દસેક વિદ્યાર્થીઓ સામે દિલ્લી પોલીસે ફરિયાદ નોંધી છે. તેમાંથી જનવિ છાત્ર સંઘ (જેએનયુએસયુ)ના અધ્યક્ષ કન્હૈયાકુમારની ધરપકડ કરાઈ છે. આ ધરપકડ પછી જ્યારે તેને ન્યાયાલયમાં રજૂ કરાયો ત્યારે તેના સમર્થનમાં જનવિના કેટલાક વિદ્યાર્થીઓ આવ્યા અને તેમણે સૂત્રોચ્ચાર કર્યો. એ વખતે કેટલાક વકીલોએ આ છાત્રોને માર માર્યો અને સાથે કેટલાક પત્રકારો પણ આ ઉશ્કેરણીમાં કથિત જોડાતા વકીલોએ તેમને પણ નિશાન બનાવ્યા. તે પછી ફરી વાર કન્હૈયાને જ્યારે ન્યાયાલયમાં રજૂ કરાયો ત્યારે તેના પર ટપલીદાવ રમાયો, પરંતુ કેટલીક સમાચાર ચૅનલો જે પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ અને ભારત પર કારગિલયુદ્ધ થોપનાર પરવેશ મુશર્રફને તો મુશર્રફસાહબ કહે છે, જેના એન્કરો પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ ભારતના તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહને કથિત રીતે ‘દેહાતી ઔરત’ (ગામડિયા સ્ત્રી)ની જેમ વર્તતા હોવાનું કહેતા હોય ત્યારે પણ ટેસથી નાસતો કરતા રહે, તે ચૅનલોએ વકીલોએ માર માર્યો તે મુદ્દાને મોટો બનાવી દીધો. કન્હૈયાકુમારે ૧૦ ફેબ્રુઆરીએ તેના સાથી તેમજ આ કાર્યક્રમના આયોજક અનિર્વાણ ભટ્ટાચાર્ય સાથે ‘ઇન્ડિયા ન્યૂઝ’ ચૅનલ પર આ કાર્યક્રમનો બચાવ કર્યો અને સંવિધાનની છટકબારીઓને ટાંકીને સંવિધાનમાં વિશ્વાસ હોવાનું કહ્યું. આવા ટીવી શો થકી પણ પુરવાર થાય છે કે કન્હૈયાકુમાર અને અનિર્વાણ કાર્યક્રમના પૂરા ટેકેદાર હતા. કેટલીક ચૅનલો તો પરંતુ કન્હૈયાકુમાર નિર્દોષ હોય તેમ એક અભિયાન ચલાવવા લાગી. જે ચૅનલો પર આ દેશવિરોધી પ્રવૃત્તિઓને ઉઘાડી પાડવાના પ્રયાસો થઈ રહ્યા હતા તેમની વિરુદ્ધ આ સેક્યુલર ચૅનલો પર કાર્યક્રમ ચાલ્યા. એક એન્કરે તો પોતાના શોમાં કાળો પડદો દેખાડી વિરોધ વ્યક્ત કરવા પ્રયાસ કર્યો.

જનવિ પછી પશ્ચિમ બંગાળના જાદવપુર વિશ્વ વિદ્યાલયમાં તો કાશ્મીર ઉપરાંત મણિપુર, નાગાલેન્ડ વિશ્વ વિદ્યાલયમાં પણ આઝાદીની માગણી કરતાં પૉસ્ટરો લાગ્યાં. જનવિના કાર્યક્રમના સમર્થનના લોકો હૈદરાબાદમાં રોહિત ચક્રવર્તી વેમૂલા વિદ્યાર્થીએ કરેલી આત્મહત્યાની વાત કરે છે. હકીકતે રોહિત વેમૂલા સહિત કેટલાક વિદ્યાર્થીઓએ ત્રાસવાદી યાકૂબ મેમણને ફાંસીનો વિરોધ કર્યો હતો. તેનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. તેમાંથી એક સુશીલકુમારે આના વિરોધમાં ફેસબુક પર પૉસ્ટ પણ લખી.

રોહિત વેમૂલા જે સંગઠનનો સભ્ય હતો તે આંબેડકર સ્ટુડન્ટ્સ એસોસિએશનના લોકોએ ‘મુઝફ્ફરનગર અભી બાકી હૈ’ નામનો ઉશ્કેરણીજનક વિડિયો બનાવ્યો હતો. અભાવિપના કાર્યકર્તાઓએ આ ફિલ્મના પ્રદર્શનને રોકવા પ્રયાસ કર્યો હતો. તે પછી આથી રોહિત વેમૂલા સહિત આંબેડકર સ્ટુડન્ટ્સ એસોસિએશનના વિદ્યાર્થીઓએ હૉસ્ટેલમાં જઈને સુશીલકુમારને માર માર્યો. સુશીલકુમારને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.

આથી હૈદરાબાદ વિશ્વવિદ્યાલયે  રોહિતને માસિક સ્ટાઇપેન્ડ રૂ. ૨૫,૦૦૦ આપવાનું બંધ કર્યું. ઉપરાંત વિ.વિ.એ રોહિત અને આંબેડકર સ્ટુડન્ટ્સ એસો.ના અન્ય ચાર સભ્યો સામે તપાસ સમિતિ બેસાડી. ૧૭ ડિસેમ્બરે રોહિત અને એએસએના અન્ય સભ્યો પર પ્રશાસન ઈમારત, હૉસ્ટેલ, પુસ્તકાલય, મેસ અને અન્ય સામાન્ય વિસ્તારોમાં આવવા પર પ્રતિબંધ મૂકાયો. અને તે પછી ૧૮ જાન્યુઆરીએ રોહિતે આત્મહત્યા કરી લીધી. આ રાષ્ટ્રવિરોધી ઘટનાને દલિત ઉત્પીડનમાં ફેરવી દેવાઈ. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને આમ આદમી પક્ષના નેતા અરવિંદ કેજરીવાલે ત્યાં જઈને આગમાં વધુ ભડકો કર્યો.

આ જ રીતે જે નેતાની કૉંગ્રેસ સરકારના શાસનમાં અફઝલ ગુરુને ફાંસી અપાઈ હતી તે રાહુલ ગાંધીએ જનવિમાં જઈને દેશદ્રોહી સૂત્રોચ્ચાર કરનારા વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું અને કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા છિનવાવી જોઈએ નહીં. આ કેવી અભિવ્યક્તિની સ્વતંત્રતા? બંધારણમાં કલ ૧૯(એ)માં વાણીની સ્વતંત્રતા અપાઈ છે, પરંતુ અભિવ્યક્તિની કે વાણીની સ્વતંત્રતા પણ કેટલીક મર્યાદાઓને આધીન છે. દેશની સુરક્ષા છિનવાતી હોય કે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાતી હોય તો અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પણ નિયંત્રણ મૂકી શકાય છે.

વિશ્વ વિદ્યાલયમાં ઉશ્કેરણી થાય તે રીતે કાશ્મીરની સ્વતંત્રતા માટે સૂત્રોચ્ચાર થાય, સરકાર સામે ઉશ્કેરણી થતી હોય, બંદૂકના જોરે આઝાદી લેવાની વાત થતી હોય તે ચોખ્ખેચોખ્ખું દેશ સામે સશસ્ત્ર લડાઈ છેડવાની વાત છે. પરંતુ કેટલાક પક્ષો દલિત અને મુસ્લિમ વૉટબૅંક માટે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિને પણ સમર્થન આપવા તૈયાર થઈ જાય છે. તે આપણા દેશમાં દુઃખદ છે. વળી જનવિમાં આ પહેલી વાર આવો કાર્યક્રમ નથી થયો.

બહુ દૂરની વાત નથી કરતા પણ માત્ર છ વર્ષના ઇતિહાસની ઘટના જ તાજી કરીએ. વર્ષ ૨૦૧૦માં છત્તીસગઢના દાંતેવાડામાં જ્યારે ૭૬ ભારતીય જવાનોને માઓવાદીઓએ મારી નખાયા ત્યારે ‘જેએનયુ ફૉરમ અગેઇન્સ્ટ વૉર ઑન પીપલ’ બેનર હેઠળ તેની સામ્યવાદીઓએ આ જ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમના ઓઠા હેઠળ ઉજવણી કરી હતી.

વર્ષ ૨૦૧૧માં તેમણે હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચે તેમ મહિષાસુર શહાદત દિવસ પણ ઉજવ્યો હતો. તેઓ એમ માને છેકે મહિષાસુર એક દલિત દ્રવિડિયન નેતા હતો જેને આર્યના રાજા ઈન્દ્રના કહેવાથી મા દુર્ગાએ મારી નાખ્યો હતો!

વર્ષ ૨૦૧૨માં જનવિમાં ખોરાક કયો ખાવો તે તો લોકોની ઈચ્છાની વાત છે તેવા બહાના હેઠળ ‘બીફ એન્ડ પૉર્ક’ ફેસ્ટિવલ યોજાયો હતો. એટલે કે ગોમાંસ અને સુવ્વરનું માંસ ખાવાનો કાર્યક્રમ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કરેલી એક અરજીના આધારે દિલ્લી ઉચ્ચ ન્યાયાલયે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ આ કાર્યક્રમનો માત્ર અભાવિપએ જ નહીં, પરિસરના મુસ્લિમ વિદ્યાર્થીઓએ પણ વિરોધ કર્યો હતો. વર્ષ ૨૦૧૩માં પણ જનવિના તમામ સામ્યવાદી છાત્રોએ અફઝલ ગુરુને આ જ રીતે શહીદ ગણાવી તેને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ જ વર્ષે જનવિનો વિદ્યાર્તી હેમ મિશ્ર મહારાષ્ટ્રના ગઢચિરોલીના વનમાંથી માઓવાદીના કુરિયર તરીકે કામ કરતો પકડાયો હતો. અને તે વર્ષે સરકાર કૉંગ્રેસની હતી- કેન્દ્રમાં પણ અને મહારાષ્ટ્રમાં પણ.

૨૬ જાન્યુઆરી ૨૦૧૪ એટલે પ્રજાસત્તાક દિવસ ગણાય. તે દિવસે ભારતની સ્વતંત્રતા અને બંધારણની ઉજવણી કરવાની હોય, પરંતુ તે દિવસે જનવિમાં સામ્યવાદી વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય ખાદ્ય ઉત્સવમાં પેલેસ્ટાઇન અને તિબેટ સ્ટૉલ સાથે અલગ કાશ્મીર ફૂડ સ્ટોલ પણ રાખ્યો. આ રીતે તેઓ પેલેસ્ટાઇન અને તિબેટની સ્વતંત્રતાની ચળવળની જેમ કાશ્મીરની સ્વતંત્રતાની ચળવળને દર્શાવવા માગતા હતા. પરંતુ અભાવિપએ તેમાં હસ્તક્ષેપ કર્યો અને અધિકારીઓ પર દબાણ લાવતા આયોજકોએ પીછેહટ કરવી પડી.

વર્ષ ૨૦૧૫માં જ્યારે એક તરફ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ આઝાદનો સ્વર્ગવાસ થયો અને બીજી તરફ ૧૯૯૩ના મુંબઈ વિસ્ફોટના એક દોષિત યાકૂબ મેમણને ફાંસી અપાઈ ત્યારે જનવિમાં સામ્યવાદી વિદ્યાર્થીઓએ કલામને શ્રદ્ધાંજલિ આપવાના બદલે યાકૂબ મેમણને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કર્યો.

આવી દેશવિરોધી પ્રવૃત્તિને ઉગતી ડામવી જોઈએ. પરંતુ ભારતને હંમેશાં નીચી નજરે જોતા ઘણા બુદ્ધિજીવીઓ અને લેખકો વાતવાતમાં અમેરિકાને ટાંકતા હોય છે કે ત્યાં વાણીની અને અભિવ્યક્તિની કેવી સ્વતંત્રતા છે, એ લોકો ભૂલી જાય છે કે અમેરિકા જેવા દેશમાં પણ ઑક્યૂપાય વૉલસ્ટ્રીટ નામના સામાજિક અને આર્થિક અસમાનતા વિરોધી આંદોલનને કચડી દેવાયું હતું. ચીન પણ પોતાના દેશમાં ટિનાનમેન ચોક પર વિદ્યાર્થીઓ પર ટૅન્ક ફેરવે છે. તો તાજેતરમાં મિસ વર્લ્ડ સ્પર્ધા ચીનમાં યોજાઈ ત્યારે મિસ કેનેડા બનેલી યુવતીને તેમાં ભાગ લેવા ચીને ના પાડી અને હૉંગ કૉંગથી ચીનની ફ્લાઇટમાં બેસવા ન દીધી કારણકે મિસ કેનેડા બનેલી યુવતી એનાસ્તાસિયા લિન મૂળ ચીનની હતી. ચીનમાં આધ્યાત્મિક જૂથ ફાલુન ગોંગ સાથે ચીનની સરકાર જે વ્યવહાર કરે છે તેની લિને ટીકા કરી હતી. પરંતુ ભારત એવો દેશ છે જ્યાં આવી પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલે છે અને તેને કેટલાક રાજકીય પક્ષો અને કેટલાંક સમાચાર માધ્યમોનું પીઠબળ મળી જાય છે. પરિણામે ભારતનાં અનેક રાજ્યોમાં આવી ભાગલાવાદી પ્રવૃતિ ચાલે છે. અને પ્રગતિ કરવાના બદલે દેશ ત્યાંને ત્યાં રહે છે. પાકિસ્તાન કે ચીન જેવા દેશોને પણ પોતાની ભારત વિરોધી પ્રવૃત્તિમાંથી હાથ ખંખેરવાની છટકબારી મળી જાય છે કારણકે પેલા ગીતની જેમ, ચિંગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુઝાયે, સાવન જો આગ લગાયે ઉસે કૌન બુઝાયે.

You may also like

1 comment

મનસુખલાલ ગાંધી યુ.એસ.એ. 29/02/2016 - 6:25 AM

બહુ કરૂણ વ્યથા ઠાલવી છે.. આજના રાજકિય વાતાવરણમાં દરેકને દલિતન માથા ઉપર પોતાનો રોટલો શેકવો છે.

Reply

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.