Home » દીકરીને ગાય (હિન્દુ પ્રજા), પિયર-સાસરે બંને જગ્યાએ માર ખાય!

દીકરીને ગાય (હિન્દુ પ્રજા), પિયર-સાસરે બંને જગ્યાએ માર ખાય!

by Jaywant Pandya

એક ભારતીય તરીકે લોહી ઉકળી ઊઠે જો તમે ઓસ્ટ્રેલિયાઈ વડા પ્રધાન કેવિન રુડનું ભારતીય વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા અંગે નિવેદન વાંચ્યું હોય તો. ‘ચોર કોટવાળને દંડે’ એવી નીતિ અપનાવતા કેવિન રુડ ફરમાવે છે કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અંગે, હે ભારતવાસીઓ, કાગારોળ ન મચાવો, તમારે ત્યાં ભારતમાં પણ ૨૦ ઓસ્ટ્રેલિયાઇ લોકો પર હુમલા થયા જ છે.

આગળ જતાં તેઓ એમ પણ ફરમાવે છે કે (તમારી પર હુમલા થાય તો થવા દો પણ તમારા પર થતા હુમલાનો) હિંસક પ્રતિકાર કરવો કાયદેસર અસ્વીકાર્ય છે. એટલે કે તેમણે ગર્ભિત ચેતવણી આપી દીધી કે જો તમે વળતો હિંસક પ્રતિકાર કરશો તો તે સાંખી નહીં લેવાય. પકડી પકડીને જેલમાં પૂરી દેશું.

એક ભારતીય તરીકે, અગાઉ કહ્યું તેમ, આપણું લોહી આ નિવદેન વાંચીને ઉકળી ઉઠે. પરંતુ કેવિન રુડ તેમની જગ્યાએ એકસો ટકા સાચા છે. પોતાના મૂળ-બહુમતી લોકોનાં હિત તો સાચવવા જ પડે.

એની જગ્યાએ આપણે? આપણે ત્યાં એક ચર્ચનું છાપરું ઉડ્યું હોય તો, એક તો, ઓસ્ટ્રેલિયાઇ મિડિયા જેમ વંશીય હુમલા બાબતે ઝાઝો દેકારો કરતું નથી, પણ આપણા ‘સેક્યુલર’ છાપાં-ચેનલો વગેરે તો રડારોળ કરી મૂકે છે. ૨૦૦૨ની સાલ પછી અને તે પહેલાંય અમેરિકા સહિત અનેક દેશો આપણને ટપારી જાય કે તમારે ત્યાં લઘુમતી અસલામત છે. પણ ત્યારે આપણા વડા પ્રધાન (તત્કાલીન કે વર્તમાન જે કોઈ હોય તે) કહી શકતા નથી કે અમને આયનો બતાવતા પહેલાં આપશ્રી પોતાનું મુખારવિંદ તો જુઓ! તેના પર પણ કાદવ લાગેલો છે.

બીજી વાત, એ છે કે, આપણી બહુમતી-હિન્દુ પ્રજાને જ્યાં જાવ, ત્યાં મુખ્યત્વે પેલી સ્ત્રીની જેમ સહન કરવાનું જ આવે છે. સ્ત્રી દીકરી તરીકે જન્મે એટલે તેને પરણીને સાસરે જવાનું છે તેમ કહી પહેલેથી જ સહન કરવાની એવી ટેવ પડાય કે તે સાસરે જઈને પણ સાવ ખોટી રીતે તેને સાસરિયા હેરાન કરતા હોય તો પણ બિચારી મૂંગા મોંઢે સહન કરી લે છે. અને પિયરિયા સમક્ષ પોતે ઘણી ખુશ હોવાનો ઢોંગ કરે છે. આપણી હિન્દુ પ્રજા અહીં પિયરમાં –ભારતમાં પણ લઘુમતીથી દબાયેલી રહે છે – ડરી ડરીને. કંઈક વળતો પ્રતિકાર કરવા જાય તોય – જેમ સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય તેમ- હિન્દુઓના કેટલાક ‘સેક્યુલર’ ચહેરાઓ દબાવીને બેસાડી દે છે. પછી સાસરે-વિદેશમાં જાય તો પણ ત્યાં સહેમી-સહેમીને રહેવું પડે છે. વિદેશમાં, કંઈક ફરિયાદ કરશું, ડખો કરીશું તો વળી પોલીસના ચોપડે ચડી જઈશું, અહીંથી આપણને તગેડી મૂકાશે. બહુ હુમલા થયા ને રેલીઓ કાઢી, પોતાની ચોકી (પેટ્રોલિંગ ) જાતે કરવા લાગ્યું તો ઓસ્ટ્રેલિયાઇ પોલીસ અને વડા પ્રધાને કહ્યું કે ખબરદાર! કંઈ કરવાનું નથી. સાસરિયા વહુને મારતા હોય ને વહુ ચીસાચીસ કરે તો ઘાંટો પાડીને કહે કે ખબરદાર! રાડારાડ કરી છે તો.

ભારત દેશની સરકાર પણ પેલી- પિયરિયા જેવી જ – રાંક છે. દીકરીનો બાપ હંમેશાં નમતો જ ચાલે તેમ- સરકાર દબાતા દબાતા સૂરે, પાઘડી પાથરીને, વાત કરે છે- અમારી દીકરી એટલે કે ભારતીયોનું ધ્યાન રાખજો. અને પેલા સાસરિયા તો પાછા એમ જ કહે છે, તમારી દીકરી તો અહીં સુખી જ છે, કંઈ ચિંતા ન કરતા.

દીકરી એટલે કે હિન્દુ પ્રજા સાસરા એટલે કે વિદેશમાં જઈને ત્યાંના વિકાસમાં મસમોટો સહયોગ આપે છે પણ તોય વહુને જશ ક્યારેય ન મળે તેવી જ વાત છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

6 comments

arvindadalja 13/06/2009 - 8:28 AM

હિન્દુ પ્રજાના દુશ્મન પણ પેલી સ્ત્રી જેવી વાત છે કે સ્ત્રીની સૌ પ્રથમ દુશ્મન સ્ત્રી જ હોય છે તેવું જ હિન્દુ પ્રજાના માટે ચાલ્યું આવે છે. આ માટે વર્તમાનમાં પણ અમરસિહ મુલાયમ લાલુ જેવા અનેક નેતાઓથી આ દેશ ઉભરાઈ રહ્યો છે. હિન્દુ તો ગરીબની જોરૂ છે એટલે સૌની ભાભી ! બિંનસાંપ્રદાયિક માત્ર હિન્દુની ટીકા કરનારા માટે જ સમજવામાં આવે છે. વરૂણને જેલમાં પુરનારાઓ એ લાલુએ કહ્યુ કે જો તેગૃહ પ્રધાન હોત તો વરૂણને બુલડોઝ્રર નીચે કચડી નાખત્ સદભાગ્ય આ દેશના કે તે ગૃહપ્રધાન નહિ હતા નહિ તો માત્ર વરૂણ જ નહિ અનેકને કચડી નાખ્યા હોત ! એટલે હું તો ફરી ફરી કહેતો રહું છું આ દેશના નેતાઓ તાણી કાઢેલા છે એ ક્યારેય દેશના નાગરિકોનું રક્ષણ કરી શકે તેમ તો નથી જ પણ ઉંચે અવાજે પોતાની વાત પણ ના કરી શકે તે હદે નપૂંસકો છે.
આપણું આ અરુણ્ય રૂદન છે અને તે સાંભળનાર કોઈ નથી !

સ-સ્નેહ
અરવિંદ

Reply
સૌરભ શાહ 18/06/2009 - 1:18 PM

જયવંત,
જનરલી હું બ્લોગ્સ પર ક્યારેય ક્મેન્ટ બોક્સમાં કમેન્ટ નાખતો નથી. વાડકી વ્યવહાર, આ રીતનો, ફાવતો નથી. અત્યાર સુધીમાં એક માત્ર કમેન્ટ જેફ્રી આર્ચર ભારત આવ્યા ત્યારે,૧૨ મે ૨૦૦૯ની એમની પોસ્ટ પર મેં મૂકી (જેનો તરત જવાબ એમણે આપ્યો) તે મારી પહેલી કમેન્ટ અને આ બીજી.

તમારી આ વાત મારા દિલની છે. ઓસ્ટ્રેલિયાના P.M.નું સ્ટેટ્મેન્ટ વાંચીને મને આ જ વિચાર આવ્યો હતો. તમારી આ પોસ્ટ અત્યારે જ વાંચી અને સાચું પૂછો તો મને કેવું લાગ્યુ? ’દીવાર’, ’ડીડીએલજે’ કે ’લગાન’ જોઈને બીજા એક્ટરો વિચારે કે સાલી આ ફિલ્મ બચ્ચ્ન, શાહરુખ કે આમિરને બદલે મેં કરી હોત તો!

આવી કમેન્ટ મેં કરી હોત તો!

બહોત અચ્છે, જ્વલંત. ઓલ ધ બેસ્ટ!

-સૌરભ શાહ

Reply
સૌરભ શાહ 18/06/2009 - 1:39 PM

જ્વલંત નહીં, જયવંત!

Reply
jaywantpandya 19/06/2009 - 4:38 AM

સૌરભભાઈ, તમારા જેવા સિદ્ધહસ્ત અને હિન્દુઓ તરફે સાચી વાત બેધડક અને હિંમતપૂર્વક લખનારા લેખક તરફથી આવી ટિપ્પણી મેળવીને મન આનંદિત થયું છે. આભાર. તમે બહુ રેર કમેન્ટ લખો છો પણ જ્યારે પણ યોગ્ય લાગે, મને પ્રોત્સાહિત કરતા રહેશો. કાન ખેંચવાની પણ છૂટ!

તમારી જેમ વાટકી વ્યવહાર મને પણ ફાવતો નથી. એટલે મારી કમેન્ટ્સ પણ બહુ ઓછી હોય છે લોકોના બ્લોગ પર.

Reply
Santosh Bhatt's Blog 17/08/2010 - 7:51 AM

આપણા દરેક ઈષ્ટદેવના હાથમાં સ્વરક્ષા માટે તેમજ દુષ્ટોને દંડ દેવા માટે હંમેશા હથિયાર હોય છે. ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ વિચારધારા ટકે એ માટે શંકરે ત્રિપુરાસુરને બાળ્યો, રામચંદ્રે રાવણને તેમજ ગણેશે સિંદુરાસુરને માર્યો. ભગવાન વિષ્ણુએ અનંત રાક્ષસોનું હનન કર્યું. ભારતને આઝાદી મળ્યા બાદ ચાર નાદાન અને મુર્ખ છોકરાઓની બિનસાંપ્રદાયિકતા જેવી સ્વકપોળ કલ્પનાઓ વૈદિક વિચારધારા સામે કેટલું ટકી શકવાની છે, એ આપણા આર્યોના બાહુબળ પર આધારિત છે. ભારતની આઝાદીનો યશ ભલે ગાંધીજીની અહિંસાને મળ્યો, પરંતુ આઝાદીના રહસ્યો જાણી લેવા જરુરી છે. બીજા વિશ્વયુદ્ધમાં બુરી રીતે હારી ચુકેલા ઈંગલેંડને પોતાના બાહુબળથી જીતાડનાર અને ભારતને કોઈ પણ સંજોગોમાં આઝાદી ન આપવાનું વ્રત લેનાર ચર્ચિલ, યુદ્ધ બાદ તરત ઈંગલેંડમાં આવેલી ચુંટણીમાં, અગાઉ એક પણ વાર ન હાર્યો હોવા છતાં પ્રથમ વાર હારી કેમ ગયો? અને ભારતને આઝાદી આપવાના મતનો લિબરલ પક્ષ ઈંગલેંડના ઈતિહાસમાં પ્રથમ વાર ચુંટણી જીતી કેમ ગયો? ભારતને આઝાદ કરવાનું કાર્ય કર્યા બાદ તરત જ લિબરલ પક્ષ સત્તા ગુમાવી બેઠો અને ચર્ચિલનો હારી ચુકેલો કોંઝર્વેટીવ પક્ષ ફરીથી ચુંટણી જીતી ગયો. ત્યારબાદ પચાસ વર્ષ સુધી લિબરલ પક્ષ સત્તા પર આવ્યો નથી. ત્યારે કહેવાનું મન થાય કે ભારતને ભગવાને આઝાદી અપાવી છે, કોઈ વ્યક્તિએ નહિ. આજે પણ આર્યાવર્તના દેશભક્ત સપૂતો દુ:ષ્ટોને હણીને વૈદિક વિચારધારાને પુન: પ્રસ્થાપિત કરવા, આપણા ઈષ્ટદેવને અનુસરવા થનગની રહ્યા છે. Santosh Bhatt santoshbhatt.wordpress.com/

Reply
ghanshyam 29/08/2010 - 8:21 PM

good, best wishes,
ghanshyam

Reply

Leave a Comment