Home » દિબાકર બેનરજી: ઓયે લકી લકી ઓયે!

દિબાકર બેનરજી: ઓયે લકી લકી ઓયે!

by Jaywant Pandya

સારી જાહેરખબર બનાવનારા સારી ફિલ્મો બનાવી જાણે છે. ગૌરી શિંદે, રાકેશ ઓમપ્રકાશ મહેરા, આર. બાલ્કી, પ્રદીપ સરકાર, રાજકુમાર હિરાણી ઉપરાંત દિબાકર બેનરજીએ આ વાત સાબિત કરી છે. પરંતુ દિબાકર બેનરજીનું જીવન એડ ફિલ્મમાં કહી શકાય એવું નથી. એના માટે આખી એક ફિલ્મ જ જોઈએ કેમ કે સારા તબલાવાદક, અગિયારમા ધોરણમાં નાપાસ, અમદાવાદની એનઆઈડીમાંથી કાઢી મૂકાયેલી કે જાતે નીકળી ગયેલી વ્યક્તિનું જીવન કેટકેટલા રંગોથી ભરાયેલું હશે?

નામ પરથી સ્પષ્ટ છે કે ૨૧ જૂન ૧૯૬૯ના રોજ જન્મેલા દિબાકર બેનરજી બંગાળી છે, પરંતુ તેમની ‘ખોસલા કા ઘોસલા’ કે ‘ઓયે લકી ઓયે’ જોઈને લાગે નહીં કે આ ભાઈ બંગાળી છે, એટલી બધી ઝીણવટથી દિલ્હી અને દિલ્હીમાં રહેતા લોકોને તેમણે દર્શાવ્યા છે. ‘ખોસલા કા ઘોસલા’માં જમીન પડાવી લેતા રિયલ એસ્ટેટ બ્રોકરની ખંધાઈ અને મધ્યમ વર્ગીય માનસિકતા એટલી સરસ દર્શાવી કે તેમને બીજા ઋષિકેશ મુખરજીનું  બિરુદ મળી ગયું. જોકે ‘

ઓયે લકી ઓયે’થી આ બિરુદ હટી ગયું અને ‘લવ સેક્સ ઔર ધોખા’ (એલએસડી)થી તો દર્શકોને સાવ આંચકો જ આપી દીધો અને કહી દીધું: મારી ફિલ્મો જોવી હોય તો સાવ ખાલી મગજ સાથે આવજો. કોઈ જાતની ધારણા બાંધીને નહીં આવતા કે દિબાકર બેનરજીની ફિલ્મ હશે તો આવી જ હશે. ‘શાંઘાઈ’ ફિલ્મમાં શાંઘાઈ શહેરનું એક પણ દૃશ્ય જોવા ન મળે!

દિબાકર બેનરજી પર ફિલ્મ બને તો તેમાં પણ એવું કોઈ દૃશ્ય જોવા ન મળે કે તેમણે મુંબઈની ફૂટપાથ પર વડા પાંવ (પહેલાંના જમાનામાં સિંગચણા) ખાઈને સંઘર્ષ કર્યો કે નિર્માતાઓ અને મોટા સ્ટારોની આસપાસ ખૂબ ચક્કર કાપ્યા અને ત્યારે તેઓ આટલા મહાન દિગ્દર્શક બની શક્યા. તેમના માટે જિંદગી ખૂબ જ સરળ અને લીસી રહી છે. જોકે તેમણે પોતે ક્યાંય કશું મોળું આપવા પ્રયાસ નથી કર્યો. બધું જ અવ્વલ દરજ્જાનું જ કર્યું છે. રિચા પૂર્ણેશ તેમની પત્ની છે, જે તેમને એડવર્ટાઇઝિંગના વ્યવસાયમાં જ મળી હતી. બંનેનાં દામ્પત્યજીવનને આજે પંદર વર્ષ થયાં છે. તેમને સાડા પાંચ વર્ષની એક દીકરી ઈરા છે. પરંતુ પત્ની રિચાને કઈ રીતે પ્રપોઝ કર્યું હતું?

દિબાકરે કહેલું: “હાય. આઈ એમ દિબાકર. આઈ એમ ગોઇંગ ટૂ મેક ફિલ્મ્સ.” રિચાએ જવાબ આપ્યો, “રાઇટ. ટેલિવિઝન કોમર્શિયલ્સ?” દિબાકરે એક શ્વાસ છોડીને જવાબ આપ્યો, “નો. ફિલ્મ્સ. ધ કાઇન્ડ ધેટ સત્યજીત રે મેક્સ.” દિબાકરની આ વાત પરથી રિચા મોહી ગઈ કે નહીં તે તો રામ જાણે, પણ દિબાકરે જો એમ કહ્યું હોત કે “આઈ વોન્ટ ટૂ મેક ફિલ્મ્સ લાઇક ડેવિડ ધવન.” તો તો જવાબ ના જ આવત તે દિબાકરને ખાતરી છે.

દિબાકરે સત્યજીત રે જેવી ફિલ્મો બનાવી? જવાબ ના છે. તેમણે કોઈના જેવી ફિલ્મો બનાવી નથી. પોતાનો એક અલગ ચીલો ચાતર્યો છે. દિબાકરે ઘણાં વર્ષો દિલ્હીમાં વિતાવ્યાં. રિચા સાથે લગ્ન પછી પણ દિલ્હીમાં રહ્યાં, પરંતુ ‘ખોસલા કા ઘોસલા’ પછી તેમણે ઘોસલો મુંબઈના પરેલમાં ખસેડી દીધો.

દિલ્હીનો રોહતક રોડ દિબાકરનો જાણીતો છે કારણકે ત્યાં જ તેઓ રહેલા. બંગાળી મધ્યમ વર્ગીય પરિવારમાં ઉછેર થયો પરંતુ ભાઈબંધો બધા ઉત્તર ભારતીય જ હતા. તે પણ પાછા વેપારીઓના દીકરા. દિબાકર ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. શાળામાં થતી પ્રશ્નોત્તરીની સ્પર્ધા જીતતા. માતાનું સપનું હતું કે મોટી દીકરી (જે દિબાકર કરતાં આઠ વર્ષ મોટી હતી) સ્ટેજ પર ગાય અને દીકરો તબલા વગાડે. દિબાકરને ક્યારેય સંગીતમાં કારકિર્દી બનાવવી નહોતી, પરંતુ માતાનું સપનું હતું એટલે તબલા શીખ્યા. પડોશમાં પંજાબીઓ રહેતા હતા. તબલા શીખ્યા એનો ફાયદો એ થયો કે તેમની કોઈ મજાક કરતું નહોતું. કેટલાક પઠ્ઠા જેવા પંજાબી છોકરાઓ બગલમાં દિબાકરને દબાવીને કહેતા, “યે બંગાલી યાર તબલા બહોત અચ્છા બજાતા હૈ, ઈસ કો કુછ મત બોલ!” તાજેતરમાં તેમની જે ફિલ્મ આવી ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ તે તો ન ચાલી પરંતુ આ ફિલ્મ જે પુસ્તક પરથી બની તે પુસ્તક ૧૨ વર્ષની ઉંમરે જ વાંચી નાખેલું. અને ખાસ તો એટલે કે તેમને એ વાંચવાની ના પાડવામાં આવી હતી! તેમના ઘરમાં પૈસા ઓછા હતા અને પુસ્તકો ઝાઝા. તેમનાં માતાપિતા, બહેન બધાં જ પુસ્તકીયા કીડા. ઘરમાં હિન્દી ચંપક અને નંદન પણ આવે અને બંગાળી શુકતારા પણ આવે. દિબાકર જેમ મોટા થયાં તેમ અંગ્રેજીમાં લખાયેલાં પુસ્તકો પણ વાંચતા ગયા. પિતા માર્કેટિંગના ક્ષેત્રમાં હતા તો માતા મહાનગરપાલિકાની શાળામાં સંગીત શિક્ષિકા. માતા હિન્દુસ્તાની સંગીતનાં ગાયિકા પણ છે. રોજ બપોરે વિવિધ ભારતી વગાડાય જેમાં પ્રાદેશિક સંગીત સાંભળવા મળે. ઘરમાં રોજ રોબીન્દ્ર (રવીન્દ્ર)સંગીત અને શાસ્ત્રીય સંગીતથી લઈને લોકસંગીત અને ફિલ્મસંગીત સાંભળાતું. જોકે એ નવાઈની વાત છે કે પોતે સારા તબલાવાદક અને ઘરમાં આટલું સંગીતનું વાતાવરણ, તેમ છતાં દિબાકરની ફિલ્મોમાં (‘ખોસલા કા ઘોસલા’ના ‘યે દુનિયા ઉટપટાંગા’ જેવાં બેચાર ગીતોના અપવાદને બાદ કરતાં) સંગીતનો ખાસ ચમકારો હોતો નથી.

દિબાકર ભણવામાં હોશિયાર હતા પરંતુ અગિયારમા ધોરણમાં બધા વિષયમાં નાપાસ થયા! પ્રિન્સિપાલે પિતાને જાણ કરી. પિતા તો ડઘાઈ જ ગયા, પરંતુ પહેલો અને છેલ્લો પ્રસંગ નહોતો કે જ્યારે માતાપિતાને દિબાકરને કારણે ડઘાવાનો વારો આવવાનો હતો. હજુ તો બે પ્રસંગ બાકી હતા. અગિયારમા ધોરણના પરિણામથી ચોંકી ગયેલા પિતાએ દીકરાને ટ્યૂશન રખાવી દીધું. છેવટે બારમા ધોરણમાં ૭૪ ટકા લાવીને દેખાડ્યા. હવે ફરી ડઘાવાનો પ્રસંગ આવી રહ્યો હતો. બારમા પછી તેઓ માતાપિતાને દેખાડવા માટે જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ માટે અગરવાલ ટ્યૂશનમાં જોડાયા, જેથી એન્જિનિયરિંગમાં જઈ શકાય, પણ મન તો ક્યાંક બીજે જ ભાગતું હતું. તેમને કમ્યૂનિકેશનના ક્ષેત્રમાં જવું હતું. આથી ચોરીછુપે તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનમાં વિઝ્યુઅલ કમ્યૂનિકેશનના અભ્યાસ માટે અરજી કરી દીધી. તેમાં પ્રવેશ મળી ગયો, પછી માતાપિતાને મનાવી લીધાં. દિબાકર ભણવા માટે અમદાવાદ જવા ચાલ્યા ગયા તેના થોડા દિવસ બાદની ઘટના હતી. એન્જિનિયરિંગ માટેની પ્રવેશ પરીક્ષાનાં પરિણામો આવ્યાં હતાં. એક મિત્રએ દિબાકરની માતાને ફોન કર્યો તો માતાએ કહ્યું કે બધી એન્ટ્રન્સ ટેસ્ટમાં તો ‘એ’ આવ્યો છે અને દિબાકર વિચિત્ર ડિઝાઇનના કોર્સમાં શા માટે ગયો હશે? પેલા મિત્રએ ફોડ પાડ્યો કે ‘એ’ એટલે ગેરહાજરી (એબ્સન્સ)નો એ! અર્થાત્ બંદાએ એકેય પરીક્ષા જ આપી નહોતી!

હજુ માતાપિતાનું ડઘાવાનું દિબાકરે પૂરું નહોતું કર્યું. હજુ એક પ્રસંગ તેમણે સર્જવાનો હતો. એનઆઈડીમાં અઢી વર્ષ ભણ્યા પછી તેમણે કોર્સ વર્ક પૂરું ન કરતાં તેમને કાઢી મૂકવામાં આવ્યા. એ જમાનામાં જ્યારે બારમા ધોરણમાં ૭૪ ટકા આવ્યા હોય (અલબત્ત, આજે તો આટલું પરિણામ કંઈ ન ગણાય), ભણવામાં હોશિયાર હોય ત્યારે એન્જિનિયરિંગની કારકિર્દી પડતી મૂકીને ભાઈસાહેબ વિઝ્યુઅલ કમ્યૂનિકેશન ભણવા દિલ્હીથી અમદાવાદ આવે અને પછી કંઈ ઉકાળે નહીં. અઢી વર્ષ બગાડ્યા પછી ધોયેલા મૂળાની જેમ પાછા આવે તો માતાપિતાને કેટલો આઘાત લાગે!

હવે તો બીજો કોઈ ઉપાય હતો જ નહીં. નોકરી શોધવાની હતી, પરંતુ દિબાકરનું નસીબ જોર કરતું હતું. સાત મહિના પછી સેમ મેથ્યુ નામના એક કૉર્પોરેટ ફિલ્મ અને એવી (ઓડિયો વિઝ્યુઅલ) મેકરને ત્યાં તાલીમાર્થી તરીકે નોકરી મળી. ટેલન્ટ તો હતી જ. અઢી વર્ષમાં એનઆઈડીમાં ઘણું શીખ્યા હતા. એટલે એક વર્ષમાં તો દિબાકરને મહિને રૂ. ૨૦,૦૦૦ પગાર મળતો થઈ ગયો! (એ સમયે ઘણો મોટો પગાર કહેવાય) તેઓ કોપીરાઇટર બન્યા અને પછી એડ કંપની જેડબ્લ્યુ થોમ્પસનની સબસિડરી કોન્ટ્રાક્ટર દિલ્હીમાં ક્રિએટિવ ગ્રૂપ હેડ. લગભગ ૧૯૯૨ની આસપાસની આ વાત. એ સમયગાળામાં તેમની મુલાકાત જયદીપ સાહની સાથે થઈ. ‘ખોસલા કા ઘોસલા’ લખનાર જયદીપ સાહની એ વખતે સ્પર્ધક જૂથના હેડ હતા. પરંતુ બંને વિરોધી કંપનીમાં હોવા છતાં મિત્રો બની ગયા. ૧૯૯૭માં બંનેએ પોતપોતાની કંપની છોડી દીધી. દિબાકરે પોતાની એડ કંપની વોટરમાર્ક ખોલી તો જયદીપ ફિલ્મ લેખક બનવા મુંબઈ આવી ગયા અને તેમણે રામગોપાલ વર્મા માટે ‘પ્યાર તૂને ક્યા કિયા’ અને બાદમાં ‘કંપની’ની સ્ક્રિપ્ટ લખી.

ક્યારેક ક્યારેક દિબાકર જયદીપને ફોન કરતા ત્યારે સાથે કામ કરવાની વાત થતી. ઈ. સ. ૨૦૦૨માં જયદીપને થયું કે આ ‘કંપની’ જેવી રામગોપાલ વર્મા ટાઇપની ફિલ્મો મારે નથી કરવી. પરંતુ તેમને જેવી ફિલ્મ લખવી હતી તે હિન્દી ફિલ્મોદ્યોગમાં કોઈ લખવા દેશે કે કેમ તે સવાલ હતો. અંતે દિબાકરે ‘ખોસલા કા ઘોસલા’ પર કામ ચાલુ કર્યું અને જયદીપ સાહની પણ તેમાં જોડાયા. ચાર વર્ષ સુધી કામ ચાલ્યું. ૪૫ દિવસ શૂટિંગ થયું. એકદમ તંગ બજેટમાં કામ કર્યું. યુટીવીએ આ પ્રૉજેક્ટ ખરીદ્યો. બસ, પછી તો દિબાકરની ગાડી દોડવા લાગી. યૂટીવીએ તે પછી દિબાકરની ‘ઓયે લકી લકી ઓયે’ પણ નિર્માણ કરી. જોકે દિબાકર અને જયદીપનો સાથ ‘ખોસલા કા ઘોસલા’ પૂરતો જ રહ્યો, તે પછી કદાચ જયદીપ યશરાજ ફિલ્મ્સ માટે કામ કરવા લાગ્યા તે કારણે કે પછી બીજા કોઈ કારણે, તે અને દિબાકરે સાથે કામ કર્યું નહીં. અને કદાચ એટલે જ ‘ખોસલા કા ઘોસલા’ દિબાકરની શ્રેષ્ઠ ફિલ્મ બની રહી. તે પછી તેમની ફિલ્મોની ગુણવત્તા જળવાઈ નહીં. હા, તેમણે એક નવીન પ્રયોગ જરૂર કર્યો, ‘લવ સેક્સ ઔર ધોખા’ ડિજિટલ કેમેરાથી શૂટ કરી. આને ફાઉન્ડ ફૂટેજ પ્રકારની ફિલ્મ કહેવાય છે, જેમાં જાણે કોઈ શીખાઉ વ્યક્તિએ શૂટિંગ કર્યું હોય અને કેમેરા હલતો હોય તેવાં દૃશ્યો બતાય છે.

તાજા સમાચાર મુજબ, હવે દિબાકર બેનરજી ટીવી જાહેરખબરો બનાવવાના છે. કદાચ, તેમના પત્નીની ધારણા સાચી કરવા માટે, જેણે દિબાકરને પૂછ્યું હતું કે તું ટીવી માટેની જાહેરખબરો બનાવવાનો છો? કે પછી તાજેતરની ફિલ્મ ન ચાલી એટલે? તેની તપાસ ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષીને જ કરવા દઈએ.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શુક્રવારની પૂર્તિમાં ‘બર્થ ડે બેશ’ કૉલમમાં તા. ૧૯/૬/૧૫ના રોજ આ લેખ છપાયો)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment