Home » ચૅનલે કપિલની નાઇટ્સ ખરાબ કરી નાખી?

ચૅનલે કપિલની નાઇટ્સ ખરાબ કરી નાખી?

by Jaywant Pandya

(ગુજરાત ગાર્ડિયનની ફિલ્મ પૂર્તિમાં ટેલિટૉક કૉલમમાં તા.૧/૧/૨૦૧૬ના રોજ આ લેખ છપાયો.)

આજે ગ્રેગોરીયન કેલેન્ડરનો પહેલો દિવસ છે. પહેલા દિવસે સારા સમાચાર આપું કે ખરાબ? સામાન્ય રીતે લોકોને પહેલાં ખરાબ સમાચાર સાંભળવા ગમતા હોય છે. પછી સારા. જેથી સારા સમાચારની અસર વધુ જળવાઈ રહે. એટલે પહેલાં ખરાબ સમાચારથી શરૂઆત કરીએ.

માઠા સમાચાર એ છે કે ‘કોમેડી નાઇટ્સ…’ તમે મને અધવચ્ચે જ અટકાવીને કહેશો, અમને ખબર છે કે આ શો બંધ થવાનો છે. અરે ભાઈ, પૂરી વાત તો સાંભળો. તમે ચર્ચા સાંભળી હશે કે લોકોને બહુ પસંદ પડતો આ શો બંધ થવાનો છે. બીજી ચર્ચા એવી પણ હતી કે કોઈ બીજી ચૅનલ પર આ શો ચાલ્યો જશે. પણ એકાએક એવું શું થયું કે આ સારો ચાલતો શો બંધ કરવાનો વારો આવ્યો?

હકીકતે આ સ્થિતિ એવી છે કે માતાપિતાને એક સંતાન હોય અને બીજું સંતાન આવે ત્યારે થોડાં વર્ષ સુધી આ બંને સંતાનને ફરિયાદ રહેતી હોય છે કે તેમનાં માતાપિતા પોતાને નહીં બીજાને વધુ પ્રેમ કરે છે. કલર્સ ચેનલ પર ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ શો એકધારો અને લોકપ્રિય ચાલતો હતો. જોકે છેલ્લા થોડા વખતથી ફોર્મેટ જરૂર બદલાયું હતું. પહેલાં શોના એક ભાગમાં હસ્તીનો ઇન્ટરવ્યૂ લેતા પહેલાં કંઈ કોમેડી સ્ટોરી બતાવતા હતા. જેમ કે લછાને તેના કાકા સંપત્તિ વારસામાં આપવાના છે. અને આ માટે કપિલ પોતે જ લછા બની જાય છે. એ પછી બીજા ભાગમાં સેલિબ્રિટીનો ઇન્ટરવ્યૂ લેવાતો અને તેમાં બિટ્ટુ શર્માના પરિવારજનો આવી આવીને હેરાન કરતા. પરંતુ છેલ્લા થોડા એપિસોડથી હવે સીધા સેલિબ્રિટીનો ઇન્ટરવ્યૂ જ બતાવાય છે. તેમાં બિટ્ટુ શર્માના પરિવારજનો આવી આવીને હેરાન કરે- મસ્તી કરે.

કલર્સ પર ‘કોમેડી’ની કપિલની મોનોપોલી ત્યારે તૂટી હતી જ્યારે કૃષ્ણા અભિષેક અને ભારતીસિંહ સંચાલિત અને અભિનિત ‘કોમેડી નાઇટ્સ બચાવો’ શરૂ થયો. આ શો આમ તો બહુ વગોવાયેલા ‘એઆઈબી-રોસ્ટ’ની થોડી શ્લીલ-થોડી અશ્લીલ નકલ હતી. રોસ્ટ એટલે અપમાન કરવું. આ શોમાં કેટલાક અપવાદોને બાદ કરો તો મોટા ભાગના કલાકારોની એટલી ફિરકી લેવાય છે કે વાત ન પૂછો. ‘કોમેડી નાઇટ્સ બચાવો’માં ગયા શનિવારે સરોજ ખાન આવ્યાં હતાં.

હવે સરોજ ખાન એટલે ખરા અર્થમાં માસ્ટરજી! ફિલ્મોદ્યોગમાં ભલે તેમના વર્તન વગેરેની જે કંઈ ફરિયાદો હોય તે. પણ કૉરિયોગ્રાફર તરીકે તેમની નિપુણતાને કોઈ આંબી શક્યુ નથી એ વાત તો તેમના દુશ્મન પણ સ્વીકારશે. નૂતન, વૈજયંતિમાલા, સાધના, શ્રીદેવી, માધુરી દીક્ષિત, કરીના કપૂર વગેરે હિરોઇનોની પાસે કેટલા યાદગાર ડાન્સ કરાવ્યા! રિયાલિટી શોમાં કોઈ કલાકાર સારું નાચે તો સીટી વગાડીને તેની પ્રશંસા કરવાની અને તેને પ્રતીક (ટોકન) રૂપે પૈસા આપવાના. એનડીટીવી પર તેમનો ‘નચ લે’ ઘણી નૃત્ય શોખીન સ્ત્રીઓ (અને પુરુષો માટે પણ) માટે એક જાતના ઘર બેઠા કોચિંગ ક્લાસથી કમ નહોતો કેમ કે તેમાં તેઓ એક એક સ્ટેપમાં મૂવ કેવી રીતે કરવા તે તર્ક સાથે સમજાવતા કે ફલાણા શબ્દનો અર્થ આવો થાય છે, તેથી તેમાં આવું મૂવ કરવું પડે.

આવાં સરોજ ખાનની સામે પણ કૃષ્ણાએ એટલી ફિરકી લીધી કે વાત ન પૂછો. ‘માય નેમ ઇઝ ખાન એન્ડ આઈ એમ ટેરરિસ્ટ!’ આવું સરોજ ખાન બનેલા કૃષ્ણાએ કહ્યું! અંગ્રેજીમાં સીએચનો ઉચ્ચાર ઘણી વાર ક થતો હોય છે, પણ જે અંગ્રેજી પૂરું ન જાણતા હોય તે સીએચનો ઉચ્ચાર ચ કરી નાખે. સરોજ ખાન બનેલા કૃષ્ણા કોરિયોગ્રાફના બદલે ચોરિયોગ્રાફર બોલતો હતો. આ કેવી મજાક થઈ! આજથી પાંચેક વર્ષ પહેલાંનો સમય હોત તો આવા દિગ્ગજ કલાકારની સામે તેમની મજાક ઉડાવો તો એ કલાકાર ધૂંઆપૂંઆ થઈ જાય, શો કેન્સલ કરી નાખે. અત્યારે પણ શાહરુખ ખાન શો કેન્સલ તો નહીં, પણ એડિટ તો કરાવે જ છે ને. બીજા સહકલાકારોનું એવોર્ડ ફંક્શનમાં કોમેડીના નામે અપમાન કરવામાં કોઈ કસર બાકી ન રાખતા શાહરુખ ખાન ‘કોમેડી નાઇટ્સ બચાવો’માં પોતાનું પ્રમોશન કરવા આવ્યો ત્યારે તેની એટલી અપમાનજનક કોમેડી કરાઈ કે ભાઈ સાહેબે પોતાના એ અંશો કપાવી નાખ્યા. (શાહરુખ ખાને કદાચ એ ઉક્તિ નહીં વાંચી હોય કે પોતાને જે ન ગમતું હોય તેવું વર્તન પોતે બીજા સાથે ન કરવું.) પણ સરોજ ખાન મોટું મન રાખીને પોતે પણ પોતાની મજાક પર હસ્યાં!

આમ, શનિવારે ‘કોમેડી નાઇટ્સ બચાવો’ અને રવિવારે ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ આ બંને વચ્ચે સ્પર્ધા જામી. બંને વચ્ચે તુલના થવા લાગી. વળી, ‘કોમેડી નાઇટ્સ બચાવો’ શરૂ થવાના કારણે કપિલનો શો શનિ અને રવિના બદલે માત્ર રવિ જ આવવા લાગ્યો. બંને શોવાળાને એકબીજા સામે ફરિયાદ

થવી સ્વાભાવિક છે. ‘કોમેડી નાઇટ્સ બચાવો’વાળાનું કહેવું હતું કે ચેનલ કપિલના શોને વધુ પ્રાધાન્ય આપે છે. તો કપિલની ફરિયાદ હતી કે ચેનલ કૃષ્ણાના આ શોને વધુ પ્રાધાન્ય આપે છે.

આના પરિણામે ટીવી ઉદ્યોગનાં વર્તુળોમાં એવી ચર્ચા ચાલી કે કપિલનો શો બંધ થવા જઈ રહ્યો છે. હવે આ કપિલનું ‘જાવ મારે નથી રમવું’ પ્રકારનું ગતકડું હતું કે સાચે જ તે ગંભીર રીતે શોને બીજી ચૅનલ પર લઈ જવા માગતો હતો તે તો કપિલ જ જાણે, પણ આની પ્રતિક્રિયા એ આવી કે ટ્વિટર પર લોકોની પ્રતિક્રિયા આવવી શરૂ થઈ ગઈ. ચૅનલના સીઇઓ રાજ નાયકને લોકોએ ટાર્ગેટ બનાવ્યા. #ShameOnRajNayak ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યો! આ લખાય છે ત્યારે એવી સ્થિતિ છે કે લોકોના વિરોધ છતાં કલર્સ ચૅનલ કપિલને કોઈ મચક આપવા ન માગતી નથી. (અત્યારે તો કપિલની નાઇટ્સ ખરાબ થઈ ગઈ હશે!)

પ્રશ્ન તો ત્યાં ને ત્યાં આવીને જ ઊભો છે કે શું ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ બંધ થઈ જશે? તો સારા સમાચાર હવે એ આવે છે કે ચૅનલ શોને ચાલુ રાખશે, પણ કપિલ વગર! કપિલ નહીં તો બીજું કોણ? જો સ્ટેન્ડ અપ કોમેડીની વાત કરીએ તો કપિલ સિવાય રાજુ શ્રીવાસ્તવ, નવીન પ્રભાકર, સુનીલ પાલ, સુરેશ મેનન વગેરે નામો યાદ આવે. આમાં જોની લિવર તો ખરા જ! પણ તેમાં જો સૌથી ઉપર નામ મૂકવું હોય તો કૃષ્ણા અભિષેકનું મૂકી શકાય.

કપિલ અને કૃષ્ણાની સરખામણી કરીએ તો કપિલ બહુ ઝડપી બોલે છે. તેની હાજરજવાબી દાદને પાત્ર છે. જ્યારે કૃષ્ણાની ડાન્સ સ્કિલ અદ્ભુત છે. સરોજ ખાન ગયા અઠવાડિયે આવ્યાં ત્યારે તેમણે સાચું જ કહ્યું હતું કે ચીચી (ગોવિંદા) પછી જો કોઈ અદ્ભુત ડાન્સ કરી શકતું હોય તો તે કૃષ્ણા છે. અને કૃષ્ણાની સુદેશ લહેરી સાથેની અદ્ભુત જોડી છે. આ બંને સાથે હોય પછી તમે પેટ પકડીને હસ્યા વગર રહી શકતા નથી. કપિલને શો માટે સુનીલ ગ્રોવર (ગુત્થી), સુમોના ચક્રવર્તી (મિસિસ શર્મા), ઉપાસના સિંહ (બુઆ) અને સૌથી વધુ દાદ મેળવતી જતી દાદી (અલી અસગર) વગર ચાલે નહીં. આ બધાં જો ન હોય તો શો ફિક્કો લાગે. વચ્ચે સુનીલ ગ્રોવર અને કિકુ નીકળી ગયા ત્યારે શોની મજા ઘટી જ ગઈ હતી.

બીજી તરફ, કૃષ્ણા અને સુદેશ લહેરીની કોમેડી આઇટમ અદ્ભુત હોય છે. સુદેશ સારા ગાયક પણ છે. કૃષ્ણા અને સુદેશ જ્યારે સોની પર ‘કોમેડી સર્કસ’ કરતા હતા ત્યારે તેમણે અનેક મ્યૂઝિકલ આઇટમ કરી હતી. જેમાંથી એક તો અદ્ભુત છે. આ આઇટમમાં એવી કથા હતી કે નનકચંદ અનફેર એવોર્ડમાં વારાફરતી એવોર્ડ આપવા અને લેવા એક અભિનેતા અને એક ગાયકને બોલાવાય છે. તેમાં સન્ની દેઓલ-ગુરુદાસ માન, ગોવિંદા-મિકા સિંહ અને ધર્મેન્દ્ર-જગજિતસિંહ અને નરેન્દ્ર ચંચલની અદ્ભુત મિમિક્રી કરાઈ હતી. એટલે સૌથી પહેલી પસંદગી કૃષ્ણા અભિષેક જ હોઈ શકે. તાજેતરમાં કૃષ્ણાએ તેના વૉટ્સએપ સ્ટેટસમાં લખ્યું પણ હતું: “આઈ હેવ માય કોમેડી નાઇટ્સ.” શું આનો અર્થ એ કે કૃષ્ણા હવે ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ શો કરશે?

આ વાત સાચી હોય તો કપિલને ચૅનલવાળા સંદેશો આપી દેશે કે તેના વિના પણ શો ચાલુ રહી શકે છે. પણ કૃષ્ણા શો કરવાનો હોય તો કેટલાક સવાલ ઉદ્ભવે છે: ‘કોમેડી નાઇટ્સ બચાવો’નું શું? એ ચાલુ રહેશે કે બંધ થશે?એમાં કૃષ્ણા આવશે કે નહીં? આ શો ‘કોમેડી સર્કસ’વાળા વિપુલ ડી. શાહનું પ્રૉડક્શન છે. જો કૃષ્ણા તેમાં ન આવવાનો હોય તો વિપુલ ડી. શાહને મોટી ખોટ પડે. બીજું, જો કૃષ્ણા ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ કરવાનો હોય તો તેનું નામ સ્વાભાવિક જ બદલવું પડે. તેનું નામ શું ‘કોમેડી નાઇટ્સ વિથ કૃષ્ણા’ રખાશે કે પછી બીજું જ નામ વિચારાશે? અને છેલ્લે, કપિલ શર્મા શું કરશે? તે બીજી કોઈ ચૅનલ પર નવા નામે શો શરૂ કરશે? એ શો બીજી ચૅનલ પર કેટલો ચાલશે?

આ બધા સવાલોના જવાબો જાણવા માટે, ટીવી હૉસ્ટની ભાષામાં કહીએ તો, બને રહીએ ‘ટેલિટૉક’મેં મેરે સાથ!

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment