Home » ‘કૉંગ્રેસ મુક્ત ભારત’ ભાજપના જ હિતમાં નથી!

‘કૉંગ્રેસ મુક્ત ભારત’ ભાજપના જ હિતમાં નથી!

by Jaywant Pandya

ગત લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યાને વર્ષેક થવા આવ્યું છે. આવતા મહિને બરાબર વર્ષ પૂરું થશે. એ વખતે એક વર્ષમાં શું થયું તેના લેખાજોખા મંડાશે. પણ આપણે તેની વાત અત્યારે નથી કરવી. આપણે તો ગઈ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ આપેલા એક સૂત્રની વાત કરવી છે. આ સૂત્ર છે- કૉંગ્રેસ મુક્ત ભારતનું. બહુ સરસ સૂત્ર છે આ. ગઈ ચૂંટણી પહેલાં કોંગ્રેસના અનેક બેફામ ને તોતિંગ ભ્રષ્ટાચાર, મોંઘવારી, તેના ઉપરથી લોકોને દાઝ્યા પર ડામ દે તેવાં તેનાં નિવેદનો, તે ઉપરથી મોદી-મુલાયમ-માયાવતી જેવા વિરોધીઓને હેઠા બેસાડી દેવા માટે એક પછી એક કેસ, સીબીઆઈનો ઉપયોગ…આ બધાના લીધે લોકોએ દસ વર્ષની દાઝ ગઈ ચૂંટણીમાં ઉતારી દીધી અને લોકસભા તો કૉંગ્રેસ મુક્ત થઈ જ ગઈ. તેના સભ્યો એટલા પણ ન ચૂંટાયા કે સોનિયા ગાંધીને વિપક્ષનાં નેતાનું પદ મળે. તે પછી હરિયાણા, મહારાષ્ટ્ર ને ઝારખંડમાંય એવા હાલ થયા. અલબત્ત, ઝારખંડમાં કૉંગ્રેસની સરકાર નહોતી પણ તેના ટેકાવાળી સરકાર જરૂર હતી.

આ કૉલમનું નામ ‘સિક્કાની બીજી બાજુ’ છે એટલે આપણે બીજી બાજુ જોવી છે. મોદી – ભાજપનું ‘કૉંગ્રેસ મુક્ત ભારત’નું સૂત્ર સારું છે, પણ જો ખરેખર ભારત કૉંગ્રેસ મુક્ત થઈ જાય અથવા ફોર ધેટ મેટર, મુલાયમ, લાલુ પ્રસાદ યાદવ, માયાવતી, ઓમર, મુફ્તિ જેવા રાજકારણીઓ વગરનું થઈ જાય તો?

તમે કહેશો કે તો તો ભારતની જનતાને ફાયદો છે.

વાત સાચી છે, ભારતની જનતાને ફાયદો છે, પરંતુ ભાજપને નહીં!

કઈ રીતે? આવો સમજીએ. વર્ષોથી આ દેશમાં કૉંગ્રેસનું રાજ ચાલતું આવ્યું છે. અને રાજકારણ જેટલી નીચી પાયરીએ ગયું છે તેનો તમામ (અપ)જશ કૉંગ્રેસને જાય છે. ઈન્દિરા ગાંધીએ સત્તા માટે કૉંગ્રેસના ટુકડા કરાવ્યા, ભ્રષ્ટાચાર તેમના સમયમાં જ ફૂલ્યો ફાલ્યો. ઈન્દિરા ગાંધીએ કહેલું કે ભ્રષ્ટાચાર તો વૈશ્વિક દૂષણ છે. એક વખત એવો આવ્યો કે ગાંધી પરિવાર સત્તામાં નહોતો. રાજીવ ગાંધીની હત્યા થઈ ચૂકી હતી અને અત્યારે એકાએક ભાજપને જે વહાલા લાગવા લાગ્યા છે તે નરસિંહરાવની સરકાર હતી. અયોધ્યામાં વિવાદિત ઢાંચાના ધ્વંસ પછી ચાર રાજ્યોમાં ભાજપની સરકારને કલમ ૩૫૬ના આશરે કલમના એક ઝાટકે હટાવી દેવાઈ હતી. બિહારમાં જ્યારે નીતીશ કુમાર અને ભાજપ સાથે હતા ત્યારે પહેલી વખત તેમની બહુમતી હતી ત્યારે પણ બુટાસિંહે રાજ્યપાલ તરીકે અડિંગો નાખ્યો હતો.

ઉત્તર પ્રદેશમાં પણ કૉંગ્રેસના ઈશારે રાજ્યપાલ રોમેશ ભંડારીએ કલ્યાણસિંહને મુખ્યમંત્રી પદેથી હટાવીને જગદમ્બિકા પાલને મુખ્યમંત્રી તરીકે નિમ્યા હતા. (વિડમ્બના જુઓ કે એ જ જગદમ્બિકા પાલ અત્યારે ભાજપમાંથી ચૂંટાયેલા સાંસદ છે!) એ કૉંગ્રેસે જ શીખવાડ્યું કે તેના વિરોધમાં ચૂંટણી લડાઈ હોય તોય ચૂંટણી પછી કોઈ સિદ્ધાંત (મોટા ભાગે કોમવાદી બળો એટલે કે ભાજપને સત્તાથી દૂર રાખવા)ના નામે ભેગા થઈ જવું. ૧૯૯૬માં એવું જ થયું હતું ને. જે સાવ નાનો પક્ષ હતો તે જનતા દળના એચ. ડી. દેવેગોવડા કે તે પહેલાં ચંદ્રશેખરને ટેકો આપીને સરકાર બનાવી હતી. ગુજરાતમાં ચીમનભાઈ પટેલ કે તે પછી શંકરસિંહ વાઘેલાને ટેકો આપીને સરકાર બનાવી હતી. જો પોતાની મજબૂત સ્થિતિ હોય પરંતુ બહુમતી ન હોય તો પક્ષાંતરણ કરાવવું, અથવા લાંચ આપવી.

ટૂંકમાં, યેન કેન પ્રકારેણ સત્તા પોતાના હાથમાં રાખવી.

હવે ભાજપની વાત કરીએ. ભાજપે વર્ષો સુધી સિદ્ધાંતની પૂંછડી પકડે રાખી. તેના જનસંઘ અવતારમાંય અને ભાજપ તરીકે પણ. જ્યારે ૧૯૯૮માં પહેલી વાર ભાજપના નેતૃત્વમાં મોરચા સરકાર બની, ત્યારેય અટલ બિહારી વાજપેયીએ કલમ ૩૫૬નો ઉપયોગ ન કર્યો, પણ હા, મોરચા સરકાર ટકાવી રાખવા સિદ્ધાંતો સાથે સમજૂતી જરૂર કરી. કેમ? કૉંગ્રેસે શીખવાડ્યું હતું અને કૉંગ્રેસ સામે એ જ હથિયાર અજમાવવું પડે તેમ હતું. ટૂંકમાં, કૉંગ્રેસ સામે લડતાં લડતાં ભાજપ પણ તેના જેવો થતો ગયો, થવું પડે તેમ જ હતું. ચૂંટણી પહેલાં પૈસા દેવા, દારૂ આપવો, સાડીઓ આપવી આ બધી રીતરસમો અજમાવવા લાગ્યો. જ્ઞાતિવાદ-જાતિવાદનાં સમીકરણો પણ વિચારતો થઈ ગયો. ગઈ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ બે હથિયારો સૌથી વધુ અજમાવેલા- કૉંગ્રેસ મને – ગરીબના દીકરાને આગળ નથી આવવા દેતી અને હું ઓબીસીમાંથી આવું છું એટલે તેઓ મને સાંખી શકતા નથી.

મહારાષ્ટ્રમાં ભાજપ ચૂંટણી લડ્યો તો શિવસેના અને એનસીપીની સામે એકેય તીર પોતાના ભાથામાંથી બાકી નહોતા રાખ્યા મોદીએ. શિવસેના ગુંડાગર્દી કરે છે, હપ્તા ઉઘરાવે છે તેમ કહ્યું, એનસીપી વિશે કહ્યું કે પવાર કાકા અને ભત્રીજા ભરપૂર ભ્રષ્ટાચાર કરે છે. કાશ્મીરમાં ભાજપ ચૂંટણી લડ્યો તો પીડીપી અને એનસી સામે જોરદાર પ્રચાર કર્યો. એનસી માટે કહ્યું કે બાપ-દીકરા (ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા) તેમજ બાપ-દીકરી (મુફ્તિ મોહમ્મદ સઈદ-મહેબૂબા મુફ્તિ)એ કાશ્મીરની અવનતિ કરી છે. પણ ચૂંટણી પછી શું થયું? ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં બહુમતી પસાર કરવા માટે છૂપી રીતે એનસીપીનો ટેકો લીધો. અને બહુમતી મળી ગઈ પછી શિવસેના સાથેય સમાધાન કરી લીધું. શિવસેનાના સુરેશ પ્રભુને રાતોરાત ભાજપમાં લાવી તેમને રેલવે પ્રધાન બનાવી દીધા. કાશ્મીરમાં એ જ બાપ-દીકરીના પક્ષ સાથે સમાધાન કરી રાજ્યમાં સત્તા હસ્તગત કરી. બિહારમાં નીતીશકુમારને હેરાન કરવા તેના જ પક્ષના અને મુખ્યમંત્રી જિતેનરામ માંઝીએ ભાજપના ઈશારે જ જનતા દળ (યુ)માં ઉથલપાથલ કરી હતી ને. એ તો દિલ્હી વિધાનસભાનું વિરુદ્ધ પરિણામ આવ્યું અને બીજી તરફ માંઝી પણ બહુમતી મેળવી નહીં શકે તેમ લાગ્યું તેથી માંઝીને વધુ ટેકો આપવાનું ટાળ્યું. કહો જોઈ, આ કોની રસમો હતી? કૉંગ્રેસની જ તો.

મહારાષ્ટ્ર કે કાશ્મીરમાં આવું થઈ શક્યું કેમ કે સામે કૉંગ્રેસ અથવા તેના સમર્થિત અથવા તેના જેવ  રીતરસમોવાળા પક્ષો હતા. પણ દિલ્હીમાં?

આમ આદમી પાર્ટીની છેલ્લા બેત્રણ મહિનાથી ખરડાયેલી છબીની વાત નથી કરતા, પરંતુ ૨૦૧૩માં જ્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે સૌથી મોટો પક્ષ ભાજપ હતો. તેને ૩૧ બેઠક મળી હતી. આમ આદમી પાર્ટીને ૨૮ બેઠકો મળી હતી. તે વખતે ભાજપે ધાર્યું હોત તો ગમે તેમ કરીને પાંચ જણાનો ટેકો મેળવી શક્યો હોત. પરંતુ તેણે કેમ ન કર્યું? કારણકે સામે સ્વચ્છ અને પ્રમાણિક છબીવાળો પક્ષ હતો. આ જ રીતે, ૨૦૧૫માં પણ દિલ્હીની વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે કેમ જગદીશ મુખી કે સતીશ ઉપાધ્યાય કે મીનાક્ષી લેખીને મુખ્ય પ્રધાનના ઉમેદવાર ન બનાવાયાં? અને જે પક્ષમાં પણ નહોતા તેવા કિરણ બેદીને મુખ્ય પ્રધાનના ઉમેદવાર બનાવી દેવાયાં? કારણ પ્રમાણિક છબી. ‘આપ’ના પ્રમાણિક કેજરીવાલની સામે પ્રમાણિક ઉમેદવાર જ મૂકવા પડે તેમ હતા. જોકે હવે તો બધાને ખબર પડી ગઈ કે કેજરીવાલ કેટલા પ્રમાણિક છે અને કેટલા જ્ઞાતિવાદ કે કોમવાદથી પર છે!

એટલે વાત અહીં જ છે. જો સામે આવા પ્રમાણિક પક્ષો હોય તો ભાજપે પણ ફરજિયાત નીતિને અને પ્રમાણિકતાને અનુસરવી પડે. પરંતુ કૉંગ્રેસ ન હોય તો રમત રમવાની એટલે કે ચૂંટણી લડવાની ભાજપને મજા જ ન આવે. કૉંગ્રેસની સરખામણીમાં તે પોતાને ઉજળો સાબિત કરી શકે. મુલાયમ સિંહ યાદવ, માયાવતી કે લાલુપ્રસાદ યાદવ, ઓમર અબ્દુલ્લા, મુફ્તિ મોહમ્મદ સઈદ, શરદ પવારની સરખામણીમાં પોતે સારો છે તેમ કહી શકે. હવે તો કેજરીવાલની સરખામણીમાં પણ પોતે સારો છે તેમ કહી શકશે, પરંતુ ભાજપને લડવાની મજા કૉંગ્રેસ સામે જ આવે છે. દાખલો જોઈએ છે? તો ગુજરાતમાં જુઓ. ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અથવા કર્ણાટક જુઓ. અરે! હરિયાણા પણ તાજો જ દાખલો છે. જ્યાં કૉંગ્રેસ મજબૂત છે (અને ત્રીજો પક્ષ મજબૂત નથી) ત્યાં ભાજપની જીતવાની વધુ સંભાવના છે. પણ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, સિક્કિમ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ વગેરે રાજ્યોમાં ભાજપ હાંફી જાય છે. તમે કહેશો કે દક્ષિણનાં રાજ્યોમાં તો ભાજપ છે જ નહીં. એ વાત અડધી સાચી, પણ અડધી ખોટી. અડધી ખોટી એ રીતે કે તો પછી કર્ણાટકમાં ભાજપે કેમ મેદાન માર્યું? કેમ કે ત્યાં કૉંગ્રેસ સરકાર હતી. વળી, સામે મજબૂત કૉંગ્રેસ હોય તો સામે ભાજપના વિરોધી મતો વહેંચાઈ જાય છે, પરંતુ કૉંગ્રેસ મજબૂત ન હોય તો ભાજપની સામે વિરોધીઓ સંગઠિત થઈ જાય છે. બિહારમાં લાલુ અને નીતીશ અલગ-અલગ હતા ત્યારે લોકસભાની ચૂંટણી વખતે ભાજપને ફાયદો થયો હતો, પરંતુ તેઓ ભેગા થયા એટલે પેટા ચૂંટણીમાં ભાજપને ફટકો પડ્યો.

ભાજપને કૉંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ હોય ત્યારે ફાવે છે કેમ કે કોઈ પણ બાબત હોય ત્યારે તે એમ કહી શકશે કે તમેય ભૂતકાળમાં આવું જ કર્યું હતું. તમે ૬૦ વર્ષ ભારત પર શાસન કર્યું અને દેશને બરબાદ કરી નાખ્યો. અને આ વાત સાચી પણ છે.

અને એટલે જ ભાજપ ભલે બહારથી કહેતો હોય કે અમારે કૉંગ્રેસ મુક્ત ભારતનું સપનું સાકાર કરવું છે, અંદરખાને તો તે પણ ઈચ્છતો હશે કે સામે લડવા માટે કૉંગ્રેસ જ હોય, પણ હા તે નબળી કૉંગ્રેસ હોય, રાહુલ ગાંધીના નેતૃત્વવાળી હોય, નહીં કે સોનિયા ગાંધીના નેતૃત્વવાળી.

(‘મુંબઈ સમાચાર’ દૈનિકની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા. ૧૨/૪/૧૫ના રોજ આ લેખ છપાયો.)

You may also like

3 comments

smdave1940 16/04/2015 - 4:48 PM

જયવંતભાઈ, તમારી વાત કંઈક અંશે સાચી છે. પણ તમે જે કહ્યું કે “ગઈ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ બે હથિયારો સૌથી વધુ અજમાવેલા- કૉંગ્રેસ મને – ગરીબના દીકરાને આગળ નથી આવવા દેતી અને હું ઓબીસીમાંથી આવું છું એટલે તેઓ મને સાંખી શકતા નથી.” તે ૧૦૦ ટકા સત્ય નથી. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓએ જાતિગત વિશેષણો આપેલા અને સાથે સાથે પશુગત વિશેષણો આપેલા. વળી ચૂંટણીની વ્યૂહ રચનામાં, પ્રજામાં રહેલી માનસિકતાના પરિબળને અવગણી ન શકાય. નરેન્દ્ર મોદીએ અમુક ઉચ્ચારણો એવા કર્યા છે જે સવર્ણોના એક વર્ગને ન ગમે. પણ અંતે તો સમાજે સાપેક્ષે ગુણવાન તરફ જવાનું છે. કોઈ નિરપેક્ષ શુદ્ધ હોતો નથી. પછી તે વ્યક્તિ હોય કે પક્ષ હોય.

ગાંધીજી કહેતા હતા કે ઓછામાં ઓછી હિંસા એટલે અહિંસા.

પસંદગી સાપેક્ષે કોણ ઓછો દોષિત છે તેની કરવાની હોય છે.
જ્યારે ૧૯૭૯માં જનતા પક્ષ પતનના આરે હતો ત્યારે મેં એવા ઘણા ને જોયા છે જે પ્રખર ગાંધીવાદી હતા પણ કહેતા હતા કે “કોઈપણ રીતે જનતા પાર્ટીની સરકારને બચાવો. કોઈપણ …. કોઈપણ ….. કોઈપણ … રીતે જનતા પાર્ટીની સરકારને બચાવો.”

કારણ? જે સુધરવા તૈયાર હોય તેને સુધારી શકાય. પણ જે પોતાના સ્વાર્થ અને સત્તા માટે દેશની આબરુનું લિલામ કરે તેને કેવી રીતે સુધારી શકાય?

Reply
Jaywant Pandya 16/04/2015 - 6:23 PM

હા, એટલે મેં એમ જ કહ્યું કે ભાજપવાળા કૉંગ્રેસની સરખામણીમાં પોતાને ઓછા દોષિત સાબિત કરી શકે છે, પરંતુ (જ્યારે કેજરીવાલની ભૂંડી ઈમેજ બહાર નહોતી આવી ત્યારે) આમ આદમી પાર્ટીની સરખામણીમાં તેઓ આવું કરી શક્યા નહીં. હવે દિલ્હીમાં ચૂંટણી થાય ત્યારે એ જોવાનું રહે છે કે તેઓ આવું સાબિત કરી શકે છે કે નહીં.

Reply
smdave1940 16/04/2015 - 10:41 PM

પ્રથમ દૃષ્ટિએ ઘણાને તમારો તર્ક “પરંતુ (જ્યારે કેજરીવાલની ભૂંડી ઈમેજ બહાર નહોતી આવી ત્યારે) આમ આદમી પાર્ટીની સરખામણીમાં તેઓ આવું કરી શક્યા નહીં.” યોગ્ય લાગે.

કોઈ નવો માણસ હોય અને તેના અનુભવ અને નીતિમત્તા વિષે કંઈ ન જાણતા હોઇએ અને તેને નાણ્યો પણ ન હોય. આવા સંજોગોમાં તેની ઉપર આક્ષેપ ન થઈ શકે તે વસ્તુ સમજી શકાય છે.

પણ તેનો અર્થ એ તો નથી જ થતો કે તે અન્ય થી વધુ નીતિમાન છે. જેની પરીક્ષા જ લેવાઈ નથી તેને કોઈ સર્ટીફીકેટ ન આપી શકાય. યાદ કરો કમસે કમ રાજીવગાંધીને. તેને જ્યારે વડાપ્રધાનના પદ ઉપર રાજ્યાભિષેક કરવામાં આવ્યો ત્યારે તેને સીધેસીધી મીસ્ટર ક્લીનની ઉપાધિ આપી દેવામાં આવી.

હવે તમે જુઓ. સુક્ષ્મ રીતે જોઇએ. જો તે નીતિમાન હોત તો તેણે કહ્યું હોત કે હું આ પોસ્ટને લાયક નથી. કારણ કે નહેરુવંશનો હોવા માત્રથી તમે મને વડાપ્રધાન બનાવવા માગો છો તે યોગ્ય નથી. પણ આવી સમજણ સામાન્ય કક્ષામાં ન હોય તે સમજી શકાય તેમ છે. પણ ભારતના સમાચાર પત્રોના માંધાતાઓએ પણ સ્વિકારી લીધું કે બધું બરાબર છે. કશું ખોટું નથી. આવો મિસ્ટર ક્લીન. બીરાજો અહીં.

પછી આ ઇન્દિરા જેવાજ સામાન્ય કક્ષાના માણસે પોત પ્રકાશ્યું. એન્ડરસનને ભાગી જવા દીધો. ક્વૉટ્ર્ચી નૌ દ ગ્યારા થઈ ગયો.

“કેજ્રીવાલની ભૂંડી ઇમેજ”? જ્યારે અન્ના હજારે અનશન પર હતા ત્યારે જ એની ઈમેજ બહાર આવેલી. પણ લોલં લોલમાં આપણા દ્ર્શ્ય શ્રાવ્ય સમાચાર માધ્યમોએ કશું ધ્યાન આપેલું નહી. વિશ્વબંધુ ગુપ્તા કે જેઓ એક નિવૃત્ત ઇન્કમટેક્ષ કમીશ્નર હતા તેમણે તે અનશન વખતે જ ઘણી સચોટ ટીકાઓ કરેલી. પણ જ્યારે સમાચાર માધ્યમોનો પોતાનો એજન્ડા નિશ્ચિત હોય ત્યારે તેઓ બીજી વાતો ન કરે. જનતા સમાચાર માધ્યમો જેટલું પાણી પિવડાવે તેટલું પીવે. વિશ્વ બંધુ ગુપ્તાએ કેજ્રીવાલની જ નહીં પણ એમએમએસની ૧૯૯૨ થી શરુ કરીને અદ્ય પર્યંતની ઝાટકણી કાઢેલ. યુ ટ્યુબ પર બધું હતું જ.

આ બધું હોવા છતાં “આપ” ને તક આપો. પણ તેને નીચેની કક્ષાએથી તક આપો. જો તેમની શક્તિઓ નણાશે અને “આપ” નિપૂણતા કેળવશે તો તે એક યોગ્ય વિપક્ષ બની શકશે. શાંતિભૂષણ, નારાયણ મૂર્તિ જેવી સારી વ્યક્તિઓ તેમાં છે. એક પ્રતિસ્પર્ધી તરીકે એ વિકસી શકે છે, સિવાયકે કેજ્રીવાલ જેવા તેને કમોતે ન મારે. જનતા પાર્ટીને ચરણસીંગે કમોતે મારી જ હતીને.

Reply

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.