Home » કૉંગ્રેસે આઝાદી અપાવી કે આઝાદી મળવામાં વિલંબ કર્યે રાખ્યો?

કૉંગ્રેસે આઝાદી અપાવી કે આઝાદી મળવામાં વિલંબ કર્યે રાખ્યો?

by Jaywant Pandya

(ભાગ-૧)

આજે કૉંગ્રેસનો ૧૨૯મો સ્થાપના દિન છે અને કૉંગ્રેસ અત્યારે ભારતની સ્વતંત્રતા પછી સૌથી ખરાબ સ્થિતિમાં છે. છેલ્લા ૧૪ મહિનામાં તેણે ૧૨ રાજ્યો ગુમાવ્યા છે, લોકસભામાં વિપક્ષના નેતાનું પદ પણ ન મળે તેટલી માત્ર ૪૪ બેઠકો મેળવી છે. ઇસુના નવા વર્ષ ૨૦૧૫માં હજુ બે રાજ્યોમાં ચૂંટણી ઝળુંબી રહી છે, જેમાં બિહારમાં તો વર્ષોથી તેણે નામું નાખી દીધું છે અને દિલ્હીમાં કોમનવેલ્થ કૌભાંડ પછી ભૂંડી હાર ખમી છે. તે પછી આમ આદમી પાર્ટીને ટેકો આપીને તેણે નામોશી મેળવી છે જેથી આ વર્ષે પણ વધુ બે રાજ્યોમાં હાર પામવા તેણે તૈયાર રહેવું પડશે. પણ આપણે જીત-હારના વિશ્લેષણમાં નથી પડવું. કૉંગ્રેસ અને ભાજપ બંનેની મજબૂતી આ દેશમાં અત્યંત જરૂરી છે કેમ કે પ્રાદેશિક પક્ષોની ટૂંકી દૃષ્ટિ આપણે જોયેલી છે. કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે અમુક બાબતોમાં જબરી સામ્યતા અને એકમતતા છે. વીમામાં એફડીઆઈ હોય કે આધારકાર્ડ, વિદેશ નીતિ હોય કે આર્થિક નીતિ, કૉંગ્રેસ અને ભાજપ એક જ નીતિ અપનાવે છે. પ્રાદેશિક પક્ષો મોટા ભાગે કૌટુંબિક પેઢીની જેમ એકલ દોકલ નેતાઓની મુઠ્ઠીમાં છે અને તેની કોઈ વિચારધારા હવે રહી નથી.

૧૮૮૫માં સ્થપાયેલી કૉંગ્રેસનો ઇતિહાસ જોઈએ તો પ્રશ્ન થાય કે કૉંગ્રેસે આઝાદી અપાવી કે તે મોડી મળે તેવા પ્રયત્નો કર્યે રાખ્યા? કૉંગ્રેસની સ્થાપના વિદેશી એલન હ્યુમ અને ગ્રાન્ડ ઑલ્ડ મેન ઑફ ઇન્ડિયા દાદાભાઈ નવરોજીના નેતૃત્વમાં કૉંગ્રેસની સ્થાપના થઈ, પણ દાદાભાઈ નવરોજીના ઇતિહાસમાં નોંધાયું છે કે તેઓ વારંવાર ઇંગ્લેન્ડ જતા રહેતા હતા. વળી, કૉંગ્રેસની સ્થાપના વખતે તેનો હેતુ કંઈ સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો નહોતો. શિક્ષિત ભારતીયો માટે બ્રિટિશ સરકારમાં સ્થાન મળે તે માટેનો તેનો હેતુ હતો. દાદાભાઈ નવરોજી વ્યવસાયિક કામ માટે ઇંગ્લેન્ડ જતા હતા અને ત્યાં તેઓ પહેલા એશિયન સાંસદ તરીકે ચૂંટાયા પણ ખરા. તેમણે બ્રિટિશ રાજ દ્વારા ભારતીયોના ઉસેડાતા ધન વિશે ત્યાં એટલી ધારદાર રજૂઆત કરી કે તેનું પુસ્તક બન્યું ‘પૂવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ’. અત્યારની કૉંગ્રેસ સવાયી સેક્યુલર છે, પરંતુ દાદાભાઈ તેવા નહોતા. દાદાભાઈએ બ્રિટનની સંસદમાં બાઇબલના નામે શપથ લેવાનો ઈનકાર કરી દીધો હતો. પછી તેમના આગ્રહને માન આપીને ‘ઓવેસ્તા’ પર હાથ રાખીને શપથ લેવાની તેમને છૂટ મળી હતી.

આઝાદીના ઇતિહાસમાં અને તે પછીના ભારતના ઇતિહાસમાં ગુજરાતીઓનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે. એમ કહી શકાય કે ગુજરાતી ભાયડો સરકારને ઉથલાવી જાણે છે. ગાંધી, મોરારજી દેસાઈ, અને નરેન્દ્ર મોદી આ ત્રણ ઉદાહરણ પૂરતાં છે. દાદાભાઈ મુંબઈમાં જન્મ્યા હતા પરંતુ તેમનો ગુજરાત સાથે નિકટનો સંબંધ રહ્યો હતો…

૧૮૬૯ના જુલાઈમાં ગોંડલના મહારાજા ભગવદસિંહજી અને મુંબઈના શેરીફે પ્રેમજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટમાં દાદાભાઈનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો અને તેમને રૂ. ૨૫,૦૦૦ (આજના કરોડો રૂપિયા થાય) આપવામાં આવ્યા હતા. જોકે દાદાભાઈએ આ નાણાં તેમની સંસ્થા ઇસ્ટ ઇન્ડિયા એસોસિએશનને દાનમાં આપી દીધા હતા. ભાવનગર, કચ્છ, વડોદરાના રાજાઓએ પણ દાદાભાઈનું સન્માન કર્યું હતું. દાદાભાઈએ વડોદરાના મહારાજા મલ્હરરાવ ગાયકવાડને બ્રિટિશ એજન્ટ સાથેના પ્રશ્નો હલ કરવામાં મદદ કરી જેનાથી ખુશ થઈને મહારાજાએ તેમને વડોદરાના દીવાન નિમ્યા હતા. દાદાભાઈ કન્યા કેળવણીના પણ અત્યંત હિમાયતી હતા. તેઓ તેમના સાથીઓ સાથે ઘરે ઘરે જઈને માતાપિતાઓને તેમની દીકરીઓને ભણવા મોકલવા વિનંતી કરતા. તેઓ જ્યારે વડોદરા અને અમદાવાદ આવ્યા ત્યારે તેમને જોવા માટે પ્રજા મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. તેઓ ગોપાલકૃષ્ણ ગોખલે, બાલ ગંગાધર ટિળક અને મોહનદાસ કરમચંદ ગાંધી આ ત્રણેયના ગુરુ હતા.

કૉંગ્રેસમાં શરૂઆતથી જ મવાળવાદી અને જહાલવાદી એવાં જૂથો પડી ગયા હતા. પણ એમ જોઈએ તો આવાં જૂથો કયા પક્ષમાં નથી હોતા? અલબત્ત, હાલમાં જેમને ભારતરત્ન એવોર્ડ જાહેર થયો તે અટલબિહારી વાજપેયી મવાળવાદી અને લાલકૃષ્ણ આડવાણી જહાલવાદી એમ મનાતા જ રહ્યા છે ને. વાજપેયીની કારકિર્દીનો સૂર્ય અસ્ત થયો તે પછી આડવાણી મવાળવાદી બન્યા ને નરેન્દ્ર મોદી જહાલવાદી બન્યા. હવે મોદી ગાંધીજીના ચશ્મા પહેરીને જહાલવાદીમાંથી મવાળવાદી બનવા મથી રહ્યા છે. એટલે ઘણી વાર ચર્ચા થતી હોય છે કે વાજપેયીને સત્તા મળી તે કરતાં અડવાણીને સત્તા મળી હોત તો સારું હતું. અને આડવાણી મવાળ બન્યા ત્યારે એમ કહેવાતું રહ્યું કે ૨૦૦૯માં જ નરેન્દ્ર મોદી વડા પ્રધાન બની ગયા હોત તો સારું હતું. કૉંગ્રેસના સંદર્ભમાં એમ કહેવાતું આવ્યું છે કે તેમાં લોકમાન્ય ટિળક ને સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓની ઉપેક્ષા થતી હતી. સરદાર પટેલને પણ વડા પ્રધાન ન બનવા દેવાયા. ઇતિહાસને ફરીથી લખી શકાતો નથી. ઇતિહાસમાં જે બની ગયું તે અફર રહે છે. પરંતુ તેના લેખાજોખા સમયે સમયે અવશ્ય થતા રહે છે.

કૉંગ્રેસમાં ટિળક જહાલવાદી હતા. જ્યારે અંગ્રેજ સરકારે સંમતિ ખરડો લાવીને જાતીય સંબંધ બાંધવા માટેની છોકરીઓની વય મર્યાદા ૧૦થી ૧૨ કરવાનું નક્કી કર્યું ત્યારે ટિળક તેનો વિરોધ કરતા હતા. તેઓ ઈચ્છતા હતા કે પહેલાં સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો જ ધ્યેય રાખવો જોઈએ. એક વાર સ્વતંત્રતા મળી જાય પછી હિન્દુઓમાં સામાજિક સુધારા કરાવી લઈશું. જ્યારે ગોપાલકૃષ્ણ ગોખલે અને તેમના જેવા વિચારોવાળાઓએ આ ખરડાને ટેકો આપ્યો હતો.

કેટલાક પ્રશ્નો જો અને તો પર હોય છે. જો આમ થયું હોત તો કદાચ આમ હોત અને આમ ન પણ હોત. ગોખલે જો કોંગ્રેસના પ્રમુખ ન બન્યા હોત અને તેમણે ટિળકને ટેકો આપ્યો હોત તો? ટિળક ઈચ્છતા હતા કે બ્રિટિશ હિન્દુ પરંપરામાં હસ્તક્ષેપ ન કરે જ્યારે ગોખલેને તેની સામે કોઈ વાંધો નહોતો. એ વખતે કોણ સાચું તે સમયના ત્રાજવે તોળી શકાતું નથી. ગોખલે માનતા હતા કે બ્રિટિશ રાજમાં જ સામાજિક સુધારા થઈ શકે તેમ છે. તેમને સ્વતંત્રતા કરતાં સામાજિક સુધારાની વધુ પડી હતી. ગોખલેને બ્રિટિશરો સાથે સારા સંબંધ થઈ ગયા જેથી તેમને લંડનમાં વિદેશ પ્રધાનને મળવા બોલાવાયા. મોર્લે મિન્ટો સુધારાના નામે સરકારમાં પ્રતિનિધિત્વ અપાવ્યું. ભારતના ઉચ્ચ ભ્રૂ વર્ગને જો સરકારમાં પ્રતિનિધિત્વ આપી દેવામાં આવશે તો તેઓ માની જશે.  ૧૯૦૫માં બંગાળના ભાગલાનો પ્રયોગ કરીને જ બ્રિટિશરોએ દાનત દાખવી દીધી હતી પછી અંશતઃ પ્રતિનિધિત્વ શા માટે મેળવવું જોઈએ?

મોર્લે મિન્ટોના સુધારા પછી મુસ્લિમોએ પોતાના માટે અનામતની માગણી કરી નાખી અને એના દ્વારા ભારતના ભાગલાનાં બીજ રોપાયાં. ગોપાલકૃષ્ણ ગોખલે પછી કૉંગ્રેસનું નેતૃત્વ ગાંધીજીના હાથમાં આવ્યું. જહાલવાદીઓ ઈચ્છતા હતા કે કૉંગ્રેસ હડતાળ, બહિષ્કાર, આંદોલનના માર્ગે અંગ્રેજશાસનને ઉથલાવે જ્યારે મવાળવાદીઓ અંગ્રેજો સાથે મંત્રણા કરીને આઝાદી મેળવવા માગતા હતા. ૧૯૦૭માં કૉંગ્રેસના સુરત અધિવેશનમાં જહાલવાદીઓ ઈચ્છતા હતા કે લાલા લજપતરાય કે ટિળક કૉંગ્રેસના પ્રમુખ બને પરંતુ તેવું ન થયું અને ડૉ. રાસબિહારી ઘોષ પ્રમુખ બન્યા. તે પછી અંગ્રેજો જહાલવાદીઓ પર તૂટી પડી. ટિળકને જેલમાં પૂરી દેવામાં આવ્યા.

ગાંધીજી પણ બ્રિટિશ સરકાર સાથે વાતચીત દ્વારા અને અહિંસાના માર્ગે લડત આપવાના તરફદાર હતા. તેમણે મુસ્લિમ તુષ્ટીકરણના પાયા ખિલાફત આંદોલન દ્વારા નાખ્યા. ભારતીય મુસ્લિમો દેશની બહાર દૃષ્ટિ કરી પોતાનાં મૂળ ત્યાં જોડવા લાગ્યાં. આમ, હિન્દુ પરંપરામાં દખલ, પરંતુ મુસ્લિમોને થાબડભાણા એ સ્વતંત્રતા પહેલાં જ કૉંગ્રેસે શરૂ કરી દીધા હતા. પણ ગાંધીજીના આ આંદોલનને કૉંગ્રેસના કેટલાક લોકોનો ટેકો નહોતો. ચૌરીચૌરામાં ઉશ્કેરાયેલા લોકોએ પોલીસોને મારી નાખ્યા. આ એક ઘટનાથી ગાંધીજીએ જામી ગયેલું અસહયોગનું આંદોલન અટકાવી દીધું. આ આંદોલન એટલી પરાકાષ્ઠાએ હતું કે તે બ્રિટિશ રાજની કરોડ ભાંગી નાખવાની તૈયારીમાં હતું. જો તેમ ન કર્યું તો આપણને વહેલી આઝાદી મળી ગઈ હોત…કદાચ…કદાચ..પણ આ આંદોલન અટકાવી દેવાની ઘટનાએ મોતીલાલ નહેરુ, ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના પિતાને સ્વરાજ પક્ષ રચવાની ફરજ પાડી. આમ કરવા પાછળ હેતુ હતો ધારા પરિષદમાં ચૂંટાઈને ભારતીયોનો અવાજ રજૂ કરવો. અહીં બે તર્ક થઈ શકે. એક તો, મોતીલાલને સત્તા મેળવવાની ઉતાવળ હતી કે પછી સ્વતંત્રતા મેળવવાની? જવાબ વાચકોએ પોતે વિચારવાનો છે. જોકે બાદમાં મોતીલાલ કૉંગ્રેસમાં પાછા ફર્યા હતા.

કૉંગ્રેસમાંથી બીજા જહાલવાદીને દૂર કરાયા તે સુભાષચંદ્ર બોઝ. તેઓ કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ તેમના અને ગાંધીજીના વિચારોમાં મેળ નહોતો ખાતો. બોઝને ગાંધીજી જે ઢીલીઢાલી રીતે આંદોલન ચલાવતા હતા તે પસંદ નહોતું. પરંતુ બોઝના વિજયને ગાંધીજીએ પોતાની હાર ગણાવી. આવા વાતાવરણમાં કામ કરવાનું બોઝને મુશ્કેલ લાગ્યું એટલે તેમણે રાજીનામું આપી દીધું. આ જ રીતે શ્રીનિવાસ અયંગર નામના સ્વાતંત્ર્ય સેનાનીને કૉંગ્રેસમાંથી એટલા માટે હાંકી કઢાયા કે તેમણે ગાંધીજીની માગણી મુજબ માત્ર હોમ રૂલ ન માગતા પૂર્ણ સ્વતંત્રતા માગી હતી. એની બેસન્ટવાળા હોમ રૂલમાં બ્રિટિશરોને ભારતમાંથી કાઢ્યા વગર જ સ્વશાસન પ્રાપ્ત કરવાનો હેતુ હતો. જ્યારે બીજા હોમ રૂલમાં અગ્રેસર લોકમાન્ય ટિળક હતા જેમણે કહ્યું : સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જ જંપીશ. મવાળવાદીઓએ પહેલા વિશ્વ યુદ્ધ વખતે બ્રિટિશરોને ટેકો આપવાનો નિર્ણય પણ કર્યો હતો. એમાં ગાંધીજી પણ હતા, જેઓ ચૌરાચૌરાની ઘટનાના કારણે અસહયોગ આંદોલન અટકાવી દેતા હતા, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધમાં હિંસા કરતા બ્રિટનને ભારતીયો ટેકો આપે તે મતના હતા!

યુવાન જવાહરલાલ નહેરુએ સ્વતંત્રતા માટે એક ઠરાવ બનાવ્યો હતો, જે ગાંધીજી અને તેમના પિતા મોતીલાલ નહેરુને પસંદ નહોતો. પરંતુ જવાહરલાલના ઠરાવને સુભાષચંદ્ર બોઝનો ટેકો હતો. આમ, વધુ એક વાર કૉંગ્રેસમાં ભાગલા જેવી સ્થિતિ થઈ. પરિસ્થિતિ પામી જઈને ગાંધીજીએ બંને જૂથોને પસંદ પડે તેવો ઠરાવ કરાવ્યો. તેમાં લખાયું હતું : જો બે વર્ષમાં ભારતને ડોમિનિયન (એટલે કે મૂળ આધિપત્ય તો બ્રિટનનું જ રહે, પરંતુ ભારતની અંદર બ્રિટનની ઈચ્છા મુજબ ભારતીયો શાસન કરે, આવા દેશોમાં ઑસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ વગેરેનો સમાવેશ થતો હતો) દેશનો દરજ્જો નહીં મળે તો પછી અમે પૂર્ણ સ્વતંત્રતાની માગણી કરીશું. સુભાષચંદ્ર બોઝે એવો ઠરાવ લાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી જોયો કે અમારે તો પૂર્ણ સ્વતંત્રતા જ જોઈએ છે કેમ કે, તેમના સહિતના ઘણા કૉંગ્રેસીઓને વિશ્વાસ હતો કે લુચ્ચા લબાડ બ્રિટિશરો કંઈ ભારતને અડધી પડધી સ્વતંત્રતા પણ આપવાના નથી, તો પછી આવો ઠરાવ કરીને સમય શા માટે પસાર થવા દેવો? (સંદર્ભ : પોલિટિક્સ એન્ડ સોશિયલ કોન્ફ્લિક્ટ ઇન સાઉથ ઇન્ડિયા : નોન બ્રાહ્મિન મૂવમેન્ટ એન્ડ તમિલ સેપરેટિઝમ) એમ કહેવાય છે કે, ૧૯૨૯માં જવાહરલાલ નહેરુ કૉંગ્રેસના પ્રમુખ બન્યા તે માત્ર ગાંધીજીના ટેકાથી જ. તેઓ કંઈ સુભાષચંદ્ર બોઝની જેમ ચૂંટાયા નહોતા. ગાંધીજીએ આ જ રીતે કૉંગ્રસ દ્વારા ચૂંટાયેલા સરદાર પટેલને વડા પ્રધાન ન બનવા દીધા, પણ નહેરુને બનાવ્યા…!

(વધુ આવતા અંકે)

(મુંબઈ સમાચારની રવિ પૂર્તિ ઉત્સવમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૨૮/૧૨/૧૪ના રોજ છપાયો)

બીજો ભાગ વાંચો:

કૉંગ્રેસે આઝાદી અપાવી કે આઝાદી મળવામાં વિલંબ કર્યે રાખ્યો? લેખાંક-૨

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

3 comments

smdave1940 31/12/2014 - 1:50 AM

જ્યારે આજના “કોંગ્રેસ” પક્ષનો ઉલ્લેખ કરીયે અને સાથે સાથે તેનો સંબંધ મહાત્મા ગાંધીએ સુગ્રથિત કરેલી કોંગ્રેસની સાથે સાંકળીએ તે વાત, હાસ્યાસ્પદ જ નહીં પણ આઘાતજનક લાગે છે.

સરદાર પટેલના મૃત્યુ પછી કોંગ્રેસનું કલેવર જ બદલાઈ ગયું છે. આ કોંગ્રેસ “નહેરુવીયન કોંગ્રેસ” જ થઈ ગઈ છે. એટલું જ નહીં તેનો આત્મા, તેના સંસ્કાર અને ચરિત્ર માત્ર બદલાઈ ગયા છે. આ વિષે વિગતે વાત કરીએ તો એક મોટું પુસ્તકાલય ભરાય તેટલા પુસ્તકો લખી શકાય.

મહાત્મા ગાંધીની કોંગ્રેસનું ધ્યેય અને આદર્શ શું હતા?

અહિંસાઃ
આ નહેરુવીયન કોંગ્રેસે નેવે મુકી છે. સત્તા માટે હિંસક પક્ષો સાથે જોડાણો કર્યા છે.

દારુબંધીઃ
મુંબઈના કોંગ્રેસી મુખ્ય મંત્રીએ ઓગણીસો પચાસના દાયકામાં દારુની સૌ પ્રથમ છૂટ્ટી કરી દીધી.

સાદગીઃ
જનપ્રતિનિધિઓ પોતાના સરકારી નિવાસ્થાનોમાં લાખો રુપીયાના સુધારાવધારા કરાવે છે. આની શરુઆત નહેરુએ કરી.

ખાદીઃ
ખાદી એ સ્વાવલંબન સાથે જોડાયેલી હતી અને ગરીબોને તાત્કાલિક રોજી આપતી હતી. ખાદીને વ્યાપક બનાવવાને બદલે તેને સીમિત કરી. મોરારજી દેસાઈએ સરકારી કાપડ ખાદીનું જ હોવું જોઇએ, તેવો પરિપત્ર કાઢેલો તેને આ નહેરુવીયન કોંગ્રેસે રદ કર્યો. ખાદીમાં ગોલમાલ કરી શકાય તેવી જોગવાઈઓ કરી.

ભારતીય ધન વિદેશમાં જતું રોકોઃ
નહેરુવીયન કોંગ્રેસના નેતાઓનું જ અઢળક ધન વિદેશી બેંકોમાં જમા થયું છે. તેમાં સર્વોચ્ચ નેતાઓ પણ બકાત નથી તેવા વિશ્વસનીય સમાચારો છે જ.

નીતિમત્તાઃ
નહેરુવીયન નેતાઓએ જ નીતિમત્તાની ઘોર ખોદી છે. વીકે મેનનનુંજીપ કૌભાન્ડ, ઈન્દીરાનું મીંક કોટ, ફોન ઉપર સરકારી બેંકમાંથી સાઠલાખ રુપીયા ઉપાડવા, વિદેશી કંપનીઓ સાથે દેશને નુકશાન થાય અને મોટા અકસ્માત થાય તો પીડિત લોકોને કશી જ નુકશાની ન મળે એવા કરારો કરવા, સંરક્ષણ સોદાઓમાં કટકીઓ રાખવી આવી તો અનેક બેશરમી અને દેશદ્રોહી ઘટનાઓ સર્વોચ્ચ નેતાઓની છે.

સ્વાવલંબનઃ
કાચા માલની નિકાસ અને પાકામાલની આયાત બંધ કરો. સ્વતંત્રતા મેળવવા માટેનું એક ધ્યેય એ પણ હતું કે અંગ્રેજ સરકાર કાચો માલ લઈ જતી અને પાકા માલની દેશમાં આયાત કરતી. તેથી દેશ પરાવલંબી બનતો હતો અને બેકારી પણ વધતી હતી. આ નીતિ નહેરુવીયન કોંગ્રેસે ચાલુ રાખેલી. છેલ્લે છેલ્લે એમએમએસની સરકારે કોલસાની પણ આયાત કરેલી જે કોલસો આપણા દેશમાં ૪૦૦ વર્ષ ચાલે એટલો છે. અવા કૌભાંડો તો અગણિત છે.

કાયદેસર શું સ્થિતિ છે?
જ્યારે ઇન્દીરા ગાંધીએ કોંગ્રેસના ભાગલા કર્યા અને કોંગ્રેસ (આઈ) અને કોંગ્રેસ (ઓ) નો વિવાદ સર્વોચ્ચ અદાલત પાસે ગયો ત્યારે ચૂકાદા સમયે કોંગ્રેસ (આઈ) ના લોકસભા સદસ્યો ની સંખ્યા, કોંગ્રેસ (ઓ) કરતાં વધુ હતી એ અધારે સર્ચોચ્ચ અદાલતે એવું અર્થઘટન કરેલું કે લોકશાહીમાં જનતા સર્વોચ્ચ છે એટલે વધુ લોકસભા સદસ્યવાળી કોંગ્રેસ આઈને તે વખતની કોંગ્રેસ તરીકે માન્ય રાખેલ. પણ પીલુ મોદીએ ટીકા કરેલ કે “આ હિસાબે તો અગર અમારી કોંગ્રેસ (ઓ)ને જ્યારે વધુ બેઠકો મળશે ત્યારે અમારી કોંગ્રેસ મૂળ કોંગ્રેસ ગણાશે.”

૧૯૭૭માં ઈન્દીરાઈ કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયેલ. કોંગ્રેસ (ઓ) એટલે કે સંસ્થા કોંગ્રેસને વધુ બેઠકો મળેલી. એટલે સર્વોચ્ચ અદાલતના અર્થઘટનના અધાર પ્રમાણે મોરારજી દેસાઈની કોંગ્રેસ મૂળ કોંગ્રેસ ઠરતી હતી. અને મોરારજી દેસાઈએ તે કોંગ્રેસનું જનતા પાર્ટીમાં વિલયન કરેલ. એટલે ૧૯૭૭ પછી જે કહો તે કોંગ્રેસ અસ્ત પામી હતી.

આ પ્રમાણે કાયદેસર રીતે પણ કોઈ કોંગ્રેસ અસ્તિત્વ ધરાવતી નથી.

આ બધું જાણ્યા પછી પણ જો કોઈ આઝાદી વાળી કોંગ્રેસની ધરોહર લેવાની વાત કરે તો તે ફ્રૉડ જ કહેવાય.
આવી કોંગ્રેસને જો મૂળ કોંગ્રેસ સાથે સરખાવીએ તો “આયારામ અને ગયારામોને પણ ભગવાન રામ સાથે સરખાવવા જોઇએ. અને તેમની પણ જન્મ જયંતીઓ ઉજવવી જોઇએ.

વધુ માટે www.treenetram.wordpress.com ની મુલાકાત લો અને વાંચો
ખૂની કોણ? આયારામ ગયારામ કહે છે “અમે દશરથપૂત્ર રામ છીએ”

Reply
Dr.Mehul Shukla 28/12/2019 - 8:04 PM

Dear Sir,
With due respect, drawing your attention,
Maharaja Bhagwatsingh ji born on 24th October-1865. You mentioned 1869 in this article.

Reply
Jaywant Pandya 29/12/2019 - 12:15 AM

Thanks for your humble comment. I have searched it quite at time of writing article and yet again cross checked. It is true that wikipedia shows birthdate of Bhagawatsinhji as 1865, but please check these sources.

1. www.zoroastrian.org.uk/vohuman/Article/Dr.%20Dadabhai%20Naoroji.htm

2. R P Masani’s book has also reference.

May be that 1869 is year the Dadabhai was honoured by Framji Cowasji Institute and Gondal Maharaja Bhagawatsinhji honoured him in some other year, but it is true that Bhagawatsinhji was his friend and admirer.

Reply

Leave a Comment