Home » કૉંગ્રેસે આઝાદી અપાવી કે આઝાદી મળવામાં વિલંબ કર્યે રાખ્યો? લેખાંક-૨

કૉંગ્રેસે આઝાદી અપાવી કે આઝાદી મળવામાં વિલંબ કર્યે રાખ્યો? લેખાંક-૨

by Jaywant Pandya

(ભાગ-૨)

ગયા રવિવારે આપણે જોયું કે કૉંગ્રેસ સ્થાપનાકાળથી પૂર્ણ સ્વતંત્રતા ઝંખતી નહોતી. તેને તો બ્રિટિશ રાજ હેઠળ શિક્ષિત ભારતીયો (જે અંગ્રેજી પદ્ધતિ મુજબ ભણ્યા હતા)ને સ્થાન મળે તે જ જોઈતું હતું. આવા વિચાર ધરાવનારાઓમાં મહાત્મા ગાંધીજી પણ હતા. જોકે ગાંધીજી વિશે એક વાત સ્વીકારવી જોઈએ કે તેમની સત્યાગ્રહની પદ્ધતિ તેમજ વિચારધારાના કારણે તમામ ધર્મ અને જાતિના લોકો કૉંગ્રેસ પ્રત્યે આકર્ષાયા હતા. ગાંધીજીના કારણે અસ્પૃશ્યતા, સફાઈ, સ્વદેશી વિચારધારા, નૈતિકતા વગેરેમાં અમુક અંશે લોકોમાં જાગૃતિ આવી હતી. અંગ્રેજો માટે પણ કૉંગ્રેસની સાથે કામ પાર પાડવું, તેની ઢીલી વિચારધારાના કારણે વધુ સહેલું હતું, જેના કારણે તેઓ ભારતની સ્વતંત્રતાને એક પછી એક વર્ષ એમ પાછળ ધકેલી શકતા હતા અને આ દેશને લૂંટાય તેટલો લૂંટી શકતા હતા.

ગાંધીજી અને સુભાષ ચંદ્ર બોઝ વચ્ચે અહંકારનો ટકરાવ હતો. ગાંધીજી ડોમિનિયન સ્ટેટસ ઈચ્છતા હતા જ્યારે બોઝ પૂર્ણ સ્વતંત્રતા ઝંખતા હતા. એટલે જ્યારે ભારતીય બંધારણની રચના અંગે રચાયેલા સાયમન કમિશન આગળ બોઝે પૂર્ણ સ્વતંત્રતાની માગણી કરી ત્યારે ગાંધીજીએ તેમને અત્યાર સુધી તેમણે બોલેલી સૌથી તીખી ભાષામાં ઝાટકી નાખ્યા.

બોઝ અને નહેરુ નજીક આવ્યા. ફરી તેમણે પૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ કર્યો જેને ગાંધીજીએ મંજૂર ન કર્યો. કેમ? (ઓડિશા સરકારનું ઇ-મેગેઝિન- ઓડિશા રિવ્યૂ- સિદ્ધાર્થ દાસનો લેખ) શું ગાંધીજી પૂર્ણ સ્વતંત્રતા ઝંખતા નહોતા? કે પછી બોઝ તેમનું કહ્યું નહોતા માનતા એટલે વઢકણી સાસુની જેમ તેમનો પ્રસ્તાવ નકારી કાઢ્યો?

નહેરુ અને સુભાષ નજીક આવી ગયા હતા, પરંતુ નહેરુને સુભાષથી જુદા પાડવા તેમણે નહેરુને ૧૯૨૯માં ચૂંટાયા વગર જ પ્રમુખ બનાવી નાખ્યા. ગાંધીજીને એમ હતું કે તેમના અને નહેરુના ટેકા વગર સુભાષ એકલા પડી જશે, પરંતુ સુભાષ તો અનોખી માટીના હતા. તેમણે તો સવિનય કાનૂન ભંગની તૈયારી વર્ષ ઘોષિત કરી નાખ્યું (જેને બાદમાં દાંડીકૂચની રીતે ગાંધીજીએ પણ અપનાવ્યું)

સુભાષ ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લે તેના મતના નહોતા. અને ગાંધીજીએ ભાગ લીધા પછી સુભાષે કડક શબ્દોમાં ગાંધીજીની કડક ટીકા કરી, સુભાષે લખ્યું કે ‘જો મહાત્માએ સ્ટેલિન, મુસોલિનીની ભાષામાં મક્કમતાથી વાત કરી હોત તો જોન બુલ જરૂર સમજ્યા હોત.’

ગાંધીજીને જ્યારે લાગતું કે કોઈ કામ કરવા જેવું છે ત્યારે તેઓ બધા નીતિનિયમોને તડકે મૂકી દેતા. (આમ તો તેઓ સાધનશુદ્ધિની વાત કરતા) ૧૯૩૭માં તેમને જ્યારે લાગ્યું કે સુભાષની લોકપ્રિયતા વધતી જાય છે ત્યારે સુભાષને તેમણે કૉંગ્રેસના પ્રમુખ બનાવી દીધા. ૧૯૩૮માં હરિપુરમાં યોજાયેલા અધિવેશનમાં સુભાષ પ્રમુખ બન્યા. જોકે બંને વચ્ચેના મતભેદો ચાલુ જ રહ્યા. સુભાષે ગાંધીજીના પ્રિય ચરખાની ટીકા કરી એટલું જ નહીં, પરંતુ ભારતને આધુનિક બનાવવાની વાત કરી. તેમણે લોકોને બ્રિટિશરો સામે સશસ્ત્ર લડતની હાકલ કરી. ૧૯૩૯માં નહેરુ અને ગાંધીએ સંપીને સુભાષનો વિરોધ કર્યો. તેમ છતાં તેઓ ગાંધીજીના પ્રિય ડૉ. પટ્ટાભી સીતારામૈયાને હરાવીને કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. (એનો એક અર્થ એ કે ગાંધીજીની ના છતાં કૉંગ્રેસના મોટા ભાગના લોકો સશસ્ત્ર લડત ઈચ્છતા હતા અને વહેલી સ્વતંત્રતાની સુભાષચંદ્ર બોઝની ઝંખના સાથે સંમત હતા.) ગાંધીજીએ જાહેરમાં કહ્યું કે સીતારામૈયાની હાર તેમની હાર છે. ત્રિપુરી અધિવેશનમાં સુભાષે સ્પષ્ટ કહ્યું કે કૉંગ્રેસે બ્રિટિશરોને અલ્ટિમેટમ આપી છ મહિનામાં આઝાદી આપી દેવાનું કહેવું જોઈએ, પરંતુ ગાંધીજી અને નહેરુએ તેનો વિરોધ કર્યો. આવી સ્થિતિમાં સુભાષે રાજીનામું આપી દીધું. આમ, ગાંધીજીએ વિચારથી દુશ્મન એવા સુભાષને કૉંગ્રેસમાંથી કઢાવે પાર કર્યો અને છ મહિનામાં આઝાદી મળવી જોઈએ તેવો ઠરાવ પસાર ન થવા દીધો. જોકે બોઝના ગાંધીજી પ્રત્યેના માનમાં જરા પણ કમી ન આવી. બોઝે ડાબેરી પાંખની પાર્ટી ફોરવર્ડ બ્લોક બનાવી.

બીજા વિશ્વ યુદ્ધમાં બ્રિટિશરોની સ્થિતિ નબળી પડી હતી. આનો લાભ લેવા સુભાષ ચંદ્ર બોઝે ૨૦ જૂન, ૧૯૪૦ના રોજ સમજાવ્યા ત્યારે ગાંધીજીને હજુ રાહ જોવી હતી. તેમણે કહ્યું, “શા માટે તમને લાગે છે કે હજુ વધુ સારી તક નહીં આવે?” આવા વિચારોના કારણે ક્યારેક એમ માનવાનું મન થાય કે ગાંધીજીને બ્રિટિશરોના એજન્ટ તો ન કહેવાય, પણ તેમની હરકતો તો એવી જ હતી. તેઓ આઝાદીને પાછી ઠેલવામાં અંગ્રેજોની સમયે સમયે મદદ કેમ કરતા હતા?

૧૯૩૬માં યોજાયેલી પ્રાંતીય ચૂંટણીમાં કૉગ્રેસ અગિયારમાંથી આઠ પ્રાંતોમાં ચૂંટાઈ આવી વાઇસરોય લોર્ડ લિન્લીથગોએ બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન તરફે ભારતને જોડવાનું પણ નક્કી કર્યું. જે કૉંગ્રેસ અને ગાંધીજીએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીયોને જોડવા સામે વાંધો નહોતો ઉઠાવ્યો તેણે હવે લોકોની સંમતિ વગર બીજા વિશ્વયુદ્ધમાં ભારતને જોડવા સામે વિરોધ કર્યો.

કૉંગ્રેસ પોતે સ્વતંત્રતા માટે જશ ખાટવાનો પ્રચાર કરે છે પરંતુ પોતે આઝાદીમાં કેટલા રોડા નાખ્યા તેની વાત કરતી નથી. કૉંગ્રેસ અને ઘણી વાર ગાંધીજીએ આઝાદી માટેના આંદોલનો શરૂ કર્યા અને ચરમસીમાએ પહોંચે ત્યારે અટકાવી દીધા. અસહયોગ આંદોલનનું આપણે જોયું. પૂર્ણ સ્વરાજને બદલે ડોમિનિયન સ્ટેટસથી ખુશ થવાની નીતિ પણ જોઈ. ગોળમેજી પરિષદમાં ઢીલું વલણ પણ આપણે વાંચી ગયા. હવે વાત નૌ સેનાના ખલાસીઓની લડતની (તેને બળવો ન કહેવાય, આપણા અંગ્રેજી ઇતિહાસકારો પણ તેના માટે ‘મ્યૂટિની’ જેવો ખોટો શબ્દ વાપરે છે). નૌ સેનાના સૈનિકોએ ૧૯ ફેબ્રુઆરી, ૧૯૪૬ના રોજ તેમને અપાતા નબળી ગુણવત્તાના ખોરાક સહિતની સ્થિતિઓ સામે હડતાળ કરી. કરાચીથી લઈને કોલકાતા સુધીના બંદરો પર ૭૮ જહાજો અને ૨૦,૦૦૦ ખલાસીઓ હડતાળ પર ગયા. તે વખતે સુભાષ ચંદ્ર બોઝના ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના પણ થઈ ચૂકી હતી. તેથી લોકોમાં આ હડતાળને ભારે ટેકો હતો. તેના સમર્થનમાં મુંબઈમાં એક દિવસની સામાન્ય (જનરલ) હડતાળ પણ પડી. હડતાળ અન્ય શહેરોમાં પ્રસરવા લાગી. વાયુ સેના તેમજ સ્થાનિક પોલીસ દળો પણ તેમાં જોડાયા. આ સ્થિતિ આમ તો, ૧૮૫૭ જેવી હતી અને કૉંગ્રેસે ધાર્યું હોત તો તેનો ઉપયોગ અંગ્રેજો સામેની લડતને વધુ ઉગ્ર બનાવવા થઈ શક્યો હોત.પરંતુ મહાત્મા ગાંધીએ તો ઉલટું તેની ટીકા કરી!

૩ માર્ચ, ૧૯૪૬ના રોજ આ હડતાળની ટીકા કરતું તેમનું નિવેદન આવ્યું. શા માટે ગાંધીજી સૈનિકો, પોલીસ અને ખલાસીઓની હડતાળના વિરોધમાં હતા? શું ખલાસીઓને અપાતા નબળી ગુણવત્તાના ખોરાક સામે તેમને કોઈ વાંધો નહોતો? જે રીતે ગાંધીજીના નેતૃત્વમાં કૉંગ્રેસ અંગ્રેજો સામે ઢીલી નીતિ અપનાવી રહી હતી, જે રીતે, બીજા વિશ્વ યુદ્ધ પછી જનરલ શાહનવાઝ ખાન, કર્નલ પ્રેમ સહગલ અને કર્નલ ગુરબક્ષસિંહ ધિલ્લોન સામે બ્રિટનના રાજા સામે યુદ્ધ છેડવાના આરોપસર ખટલો ચલાવવામાં આવ્યો (રસપ્રદ વાત એ છે કે આ અધિકારીઓના ખટલામાં બચાવ પક્ષ તરફથી જવાહરલાલ નહેરુ, ભૂલાભાઈ દેસાઈ વગેરે વકીલ હતા) તેનાથી લોકોમાં રોષ ઉગ્ર બની રહ્યો હતો. શા માટે ગાંધીજી આ રોષને ઉગ્ર બનવા દેતા હતા? શું ગાંધીજીને આ હડતાળ દ્વારા ડર હતો કે આઝાદી મેળવવાનો જશ તેમને અને કૉંગ્રેસને નહીં પરંતુ આ હડતાળકારીઓને મળશે? અને સત્તા તેમના હાથમાં ચાલી જશે? સવાલો અનેક છે. જો ખલાસીઓ, સૈનિકો અને પોલીસ દળો સહિત સામાન્ય માનવીઓની આ લડત સફળ રહી હોત તો કદાચ આપણને ૧૯૪૬માં જ આઝાદી મળી ગઈ હોત અને તો કદાચ ભારતના ભાગલા પણ ન થયા હોત કારણ કે આ હડતાળ અને લડતમાં ૧૮૫૭ની જેમ જ હિન્દુ-મુસ્લિમો સાથે લડતા હતા. ગાંધીજી અને કૉંગ્રેસની જેમ અંગ્રેજોની પંપાળેલી મુસ્લિમ લીગ પણ આ હડતાળના વિરોધમાં હતી કારણ તેનો અલગ રાષ્ટ્રનો ગરાસ પણ લૂંટાઈ જાતો લાગતો હતો. કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ બંનેને લાગ્યું હતુ કે લોકો પર તેમની પકડ આ હડતાળના કારણે ઓછી થઈ રહી છે. (લોરેન્સ જેમ્સ, રાજ: મેકિંગ એન્ડ અનમેકિંગ ઑફ ઇન્ડિયા). આ હડતાળને ટેકો હોય તો એક માત્ર સામ્યવાદીઓનો- સીપીઆઈનો હતો. તેથી બ્રિટિશરો તેમજ કૉંગ્રેસ-મુસ્લિમ લીગને સામ્યવાદીઓની સત્તા આવવાનો પણ ભય હોઈ શકે. આથી જ કદાચ, ઉત્તર-દક્ષિણ ધ્રૂવ જેવા કૉંગ્રેસના નેતા સરદાર વલ્લભભાઈ પટેલ અને મુસ્લિમ લીગના નેતા મોહમ્મદ અલી ઝીણા આ બાબતે એક મતના હતા કે આ હડતાળ સમાપ્ત થવી જોઈએ! સરદાર તો ખુલ્લેઆમ બ્રિટિશરોની તરફેણમાં બહાર આવ્યા હતા! વળી, આ લડવૈયાઓ કૉંગ્રેસ કે મુસ્લિમ લીગ, જે બે મુખ્ય રાજકીય તાકાત તરીકે ઉભરી હતી, તેના મારફત નહીં, પરંતુ બ્રિટિશરો સાથે સીધું કામ પાર પાડતા હતા- વાટાઘાટ કરતા હતા જે પણ આ બંને પક્ષોને ખૂંચ્યું હોઈ શકે. આથી કૉંગ્રેસે ધીમે ધીમે આ લડતને ટેકો પાછો ખેંચી લીધો! સરદાર પટેલ તો પોતે જહાજ પર જઈ ભારતીય સેના રચી દેનાર ભારતીય સૈનિકોને બ્રિટિશ સેનામાં પાછા ફરવા સમજાવી આવ્યા હતા! (સ્ટેનલી  વોલપર્ટ, શેમફૂલ ફ્લાઇટ: ધ લાસ્ટ યર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર ઇન ઇન્ડિયા) સરદાર પટેલના પ્રયાસોથી જ આ લડત સમેટાઈ. જોકે કૉંગ્રેસ અને મુસ્લિમ લીગની ખાતરી છતાં લુચ્ચા અંગ્રેજોએ અનેકોની ધરપકડ કરી. અનેકના કોર્ટ માર્શલ થયા અને અનેકને સેવામાંથી બરખાસ્ત કરાયા. આ હતભાગી સ્વાતંત્ર્ય વીરોના દુર્દેવ તો જુઓ, આઝાદી પછી તેમને કૉંગ્રેસ સરકારે સેનામાં પાછા પણ ન લીધા!

આ જ રીતે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ફાંસીને અટકાવવા ગાંધીજીએ બ્રિટિશને વિનંતી ન કરી. આનાથી પણ લોકોમાં કૉંગ્રેસ અને ગાંધીજી પ્રત્યે રોષ વધ્યો હતો. તે પછી તો આવી અનેક બાબતો બની…ચૂંટાયેલા સરદાર પટેલના સ્થાને નહેરુને વડા પ્રધાન બનવા દેવા, ભારતના ભાગલા ન પડે તે માટે મોહમ્મદ અલી ઝીણાને વડા પ્રધાન બનાવવાની લાલચ આપવી (સ્ટેનલી વોલપર્ટ, ઝીણા ઑફ પાકિસ્તાન), પહેલાં ભારતના ભાગલાનો ગાંધીજી અને કૉગ્રેસ દ્વારા વિરોધ અને પછી તે માટે સંમતિ,  અને કાશ્મીર પર પાકિસ્તાનના હુમલાના વિરોધમાં નહેરુએ પાકિસ્તાનને આપવાના થતા રૂ. ૫૫ કરોડ દબાવ્યા તેની સામે ગાંધીજીનો વિરોધ, પાકિસ્તાનમાં હિન્દુ-શીખોની થઈ રહેલી મારકાટ, બળાત્કાર સામે કોઈ ઉપવાસ નહીં, પરંતુ ભારતમાં થઈ રહેલી હિંસા સામે ઉપવાસ, મુસ્લિમોના વિરોધના કારણે કૉંગ્રેસ દ્વારા લોકપ્રિય ગીત વંદેમાતરમ્ ના બદલે ઇંગ્લેન્ડના રાજાની પ્રશસ્તિમાં લખાયેલા જનગણમનને રાષ્ટ્રગાન તરીકે અપનાવવું, એટલું જ નહીં વંદેમાતરમ્ નો છેલ્લો અંતરો ઉડાડી દેવો ,… આવાં અનેક કારણોથી કૉગ્રેસ અને ગાંધીજી સામે રોષ વ્યાપક બની રહ્યો હતો જે છેવટે તેમની દુઃખદ હત્યામાં પરિણમ્યો.

(કૉંગ્રેસે આઝાદી અપાવી કે આઝાદી મળવામાં વિલંબ કર્યે રાખ્યો ભાગ-૧ વાંચવા અહીં ક્લિક કરો

wp.me/phzA7-tt)

(સમાપ્ત)

(મુંબઈ સમાચારની રવિ પૂર્તિ ‘ઉત્સવ’માં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૪/૧/૧૫ના રોજ આ લેખ છપાયો.)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

smdave1940 21/01/2015 - 2:44 AM

જયવંતભાઈ, તમારી છણાવટ સારી છે. આમ તો આજની જનતા અને ખાસ કરીને યુવા વર્ગ સ્વાતંત્ર્યની લડત, સંજોગો અને ગાંધીજીના નિયમોથી અજાણ છે. એટલે ઘણા લોકો વિતંડાવાદ કરે છે.
સુભાષ બાબુ અને ગાંધીજી વચ્ચે કોઈ સ્પર્ધા હોય તેમ તે વખતે કોઈ માનતું હોય તેવું વાંચવામાં આવ્યું નથી. જોકે સુભાષબાબુ, નહેરુ અને જીન્ના વચ્ચે સ્પર્ધા હતી એવું કહેવાય છે.

ગાંધીજી ને યંત્ર માત્ર માટે વિરોધ હતો અને તેઓ દેશને આધુનિક બનાવવા માગતા ન હતા તે વાત બરાબર નથી.

દેશના મુખ્ય પ્રશ્નો શું હતા? નિરક્ષરતા, ગરીબી અને બેકારી હતા.

ગાંધીજીના ખ્યાલો સ્પષ્ટ હતા. પણ બીજાના ખ્યાલો સ્પષ્ટ ન હતા. ઘણાને તેમની સવિનય કાનુન ભંગની વાત પણ પસંદ ન હતી. દેશના પ્રશ્નો હલ કરવા ચોક્કસ નીતિ હોવી જોઇએ. અને સુનિશ્ચિત પગથીયા હોવા જોઇએ. મેનેજમેન્ટના અમુક સિદ્ધાંતો હોય છે કે જો તમારે એક સ્થિતિમાં થી બીજી સ્થિતિમાં જવું હોય ત્યારે તમે સંક્રાંતિ કાળમાં ઉભી થનારી સમસ્યાઓને ન વિચારો તો વ્યક્તિગત, સામાજીક અને વહીવટી અરાજકતા ફેલાય. ગાંધીજી ને આ બધી સુઝ હતી. ગાંધીજી કશું કામ આડેધડ કરવામાં માગતા ન હતા.
માણસ જો ભુખ્યો હોય તો તેને પહેલાં ખોરાક જોઇએ. તે માટે પૈસા જોઇએ. પૈસા માટે કામ જોઇએ. એટલે ગાંધીજી એવા યંત્રોનો વિરોધ કરતા હતા કે જે બેકારી ઉભી કરે. અને ગરીબોને કામ મળે. આ માટે ખાદી અને ગૃહ ઉદ્યોગ અનિવાર્ય હતા. ભૂખ્યા માણસને તમે ભણાવી પણ ન શકો. અભણ માણસ તમારી અપેક્ષાઓ સમજી પણ ન શકે.

ગાંધીજી અને સુભાષ બાબુના સંઘર્ષ વિશે મેં મારી સમજણ પ્રમાણે મારા બ્લોગમાં લખ્યું છે. ગાંધીજીને સુભાષબાબુની અહિંસાની સમજ વિષે શંકા હતી. આમ તો તેમને નહેરુના અર્થશાસ્ત્રની સમજ વિષે પણ ભારોભાર અવિશ્વાસ હતો. પણ અહિંસા એ તત્કાલિન સાંપ્રત વાત હતી અને અર્થશાસ્ત્રની પસંદગી ભાવિની વાત હતી. એટલે પ્રાથમિકતામાં અહિંસા પ્રથમ આવી. સુભાષબાબુ અને ગાંધીજી વચ્ચે કોઈ ક્ડવાશ હોય તેવું તેમના ખુદના લખાણોમાં જાણવા મળ્યું નથી.
જ્યારે ક્રીપ્સ કમીશન આઝાદીની શરતો નક્કી કરવા આવ્યું ત્યારે ગાંધીજીએ કોંગ્રેસી નેતાઓને કહેલ કે તેનો બહિષ્કાર કરો. પણ નહેરુમાં એટલી હિમત ન હતી ત્યારે ગાંધીજીએ સુભાષબાબુને યાદ કરીને કહેલ કે જો મારો સુભાષ આ વખતે હોત તો તે જરુર મારી વાત માનત.

જો ગાંધીજીને અંગ્રેજ શાસન પસંદ હોત તો ચર્ચિલને ગાંધીજી અતિ પસંદ હોત.

Reply

Leave a Comment