Home » કૉંગ્રેસની કથિત ટૂલકિટ, ટૂલકિટ પત્રકારત્વ અને વિદેશી મિડિયાના ભડકા

કૉંગ્રેસની કથિત ટૂલકિટ, ટૂલકિટ પત્રકારત્વ અને વિદેશી મિડિયાના ભડકા

by Jaywant Pandya

સબ હેડિંગ: છેલ્લાં ત્રણ ચાર મહિનામાં દેશના સંકટ કાળમાં જે થયું તે અભૂતપૂર્વ હતું. દેશના ઇતિહાસમાં તે કાળા અક્ષરે લખાશે. એક તરફ અચાનક કોરોના કેસોમાં ઊછાળો અને બીજી તરફ, રસી બાબતે વિપક્ષો દ્વારા નકારાત્મકતા, ફાઇઝરની રસી માટે લૉબિઇંગ, રસી વેડફી નાખવી, રસી જિહાદ અને તેમાં ન્યૂ યૉર્ક ટાઇમ્સ, ટ્વિટર વગેરે દ્વારા ભડકા…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૩/૦૬/૨૦૨૧)

રાજકારણ એટલે રાજ્ય મેળવવા માટેનું ક્ષેત્ર. સત્તા મેળવવા પક્ષો પ્રયત્ન કરે. એ બરાબર છે. સત્તા બે કાર્ય માટે મેળવવાની હોય. એક, સત્તા પર આવી પોતાની વિચારધારા કે પોતાના વિચાર અનુસાર પ્રણાલિને ચલાવવાની. સરળ બનાવવાની. લોકોને સુવિધા આપવાની. બીજું, સત્તા પર આવીને પૈસા કમાવવાની. જ્યારે સત્તામાં ન હોય ત્યારે સત્તા સામે અવાજ ઉઠાવીને શાસક પક્ષને આવનારી ચૂંટણીમાં હરાવવો. ક્યારેક મોરચા સરકાર હોય તો અધવચ્ચેથી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શાસક મોરચાને હટાવવો.

આ બધો ખેલ વર્ષોથી ચાલતો રહ્યો છે અને ચાલતો રહેશે. પરંતુ જેમ ચોર વિશે કહેવાય કે તેનાં પણ મૂલ્યો હોય છે, તેમ રાજકારણનાં પણ કેટલાંક મૂલ્યો છે. જનસંઘ કે ભાજપ અને જનતા દળ, સ્વતંત્ર પક્ષ વગેરે અનેક પક્ષો વિપક્ષમાં રહ્યા છે, સત્તા સામે ટીકા, વ્યંગ અને કાર્યક્રમો આપ્યા છે. પરંતુ જ્યારે યુદ્ધ અને કુદરતી આપત્તિના પ્રસંગો આવ્યા છે ત્યારે દેશના પક્ષોએ એકતા દાખવી છે.

પરંતુ આમાં અપવાદ છે ડાબેરીઓ, ભારત કે ટુકડે હોંગે વાળી ટુકડે ટુકડે ગેંગ (જે જેએનયુમાં ૨૦૧૬માં થયેલા કાર્યક્રમ સમયની નહીં, સ્વતંત્રતા પછીની તરત જ બનેલી છે), આતંકવાદીઓના બૌદ્ધિક રક્ષકો અને સોનિયા ગાંધીની કૉંગ્રેસ. કારગિલ યુદ્ધ સમયે સોનિયા ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસનું વર્તન દેશે જોયું છે. સોનિયાની કૉંગ્રેસે કારગિલ યુદ્ધમાં ભારતનો વિજય માનવાની ના પાડી દીધી હતી. સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટ ઍરસ્ટ્રાઇકની જેમ જ ત્યારે પણ સેના પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને સરકારના આશય પર પણ. અટલ સરકારે રાજકીય લાભ ખાટવા આ યુદ્ધ કરાવ્યું હોવાનું કહ્યું હતું.

અટલ સરકારે સત્તામાં આવ્યાના માત્ર બે જ મહિનામાં સીઆઈએ જેવી અમેરિકી જાસૂસી સંસ્થાની આંખમાં ધૂળ નાખીને મે ૧૯૯૮માં દ્વિતીય પોખરણ પરમાણુ પરીક્ષણો કર્યાં હતાં. સોનિયા ગાંધીની કૉંગ્રેસને તેનો પ્રતિભાવ આપવાનું વિચારતા દસ દિવસ લાગ્યા હતા. અને દસ દિવસ પછી પ્રતિભાવ કેવો હતો? તેમણે કહ્યું હતું, “સાચી તાકાત સંયમમાં છે, શક્તિ પ્રદર્શનમાં નહીં.” ભારતનું મનોબળ નીચું કરનારો આ પ્રતિભાવ હતો. તેમણે આ પ્રતિભાવ પાકિસ્તાનને આપવાની આવશ્યકતા હતી, જેણે ૧૯૪૭માં કાશ્મીર પર આક્રમણ કર્યું હતું, ૧૯૬૫માં, ૧૯૭૧માં, ૧૯૯૯માં ભારત પર યુદ્ધ થોપ્યું હતું. ૧૯૬૮માં સોનિયા ગાંધીના રાજીવ સાથે લગ્ન થઈ ગયાં હતાં. ૧૯૭૪માં પહેલા પરમાણુ પરીક્ષણ તેમનાં સાસુમા અને દેશનાં વીર લોખંડી મહિલા વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ કર્યાં ત્યારે સોનિયાનો પ્રતિભાવ શું આવો જ હતો? આવો જ હશે?

તે વખતે ડાબેરીઓએ પણ ટીકા કરી હતી અને મુલાયમસિંહે તો આ મુદ્દાને સાંપ્રદાયિક (કોમી) રંગ આપવાનો આક્ષેપ વાજપેયી સરકાર પર કર્યો હતો!

અને એટલે જ અત્યારે દેશમાં વિપક્ષ વિહીન સ્થિતિની ચિંતા કરતા મિડિયાના વર્ગ અને બુદ્ધુજીવીઓએ એ પણ ચિંતા કરવી જોઈએ કે વિપક્ષનું રાજકારણ કેવું હોવું જોઈએ.

તાજેતરમાં ભાજપના નેતા સંબિત પાત્રાએ કૉંગ્રેસની ટૂલકિટનો ઘટસ્ફોટ કર્યો. આ અંગે કૉંગ્રેસના નેતાઓ પોલીસ ફરિયાદ કરી. સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ કૉંગ્રેસ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે કે દુનિયામાં ભારતને કુખ્યાત કરવા અને ભારતના લોકોને ભડકાવવાનું ષડયંત્ર હતું. આની રાષ્ટ્રીય તપાસ સંસ્થા દ્વારા તપાસ અને દોષ સાબિત થાય તો કૉંગ્રેસની માન્યતા રદ્દ કરવાની માગણી કરવામાં આવી છે.

આ ટૂલકિટમાં શું હતું? તે પહેલાં ટૂલકિટ એટલે શું તે સમજીએ. ટૂલકિટ એ જે-તે એનજીઓ કે પક્ષ દ્વારા તેના કાર્યકર્તાઓને અપાતા નિર્દેશ છે. ભારતના ખેડૂત આંદોલનની ચરમસીમા વખતે કથિત પર્યાવરણવાદી ગ્રેટા થનબર્ગે આ ટૂલકિટ ભૂલથી જાહેર કરી દીધી હતી. મોટા ભાગે બધા કાર્યકર્તાઓને સ્વતંત્ર રીતે ટ્વીટ કે ફેસબુક પૉસ્ટ લખવાની આવડત હોતી નથી. તેથી તે માટેનું લખાણ, ચિત્રો, નકશા, વગેરે સામગ્રી આપવામાં આવે છે. આ સિવાય પણ આંદોલનમાં શું કરવું, શું ન કરવું તેના નિર્દેશો આપવામાં આવે છે. આને ટૂલકિટ કહેવાય છે.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાના આક્ષેપ પ્રમાણે, કૉંગ્રેસની ટૂલકિટમાં કોરોનાના ભારતમાં મળી આવેલા સ્વરૂપને ભારતીય સ્વરૂપ (ઇન્ડિયા સ્ટ્રેઇન) અથવા મોદી સ્વરૂપ (મોદી સ્ટ્રેઇન) તરીકે ઓળખાવવાનું કહેવામાં આવ્યું હતું. ભાજપના આક્ષેપ પ્રમાણે, રાજીવ ગોવડાના નેતૃત્વમાં કૉંગ્રેસ પક્ષના સંશોધન વિભાગે આ ટૂલકિટ તૈયાર કરી હતી. ભારતને કુખ્યાત કરવા ઉપરાંત હિન્દુઓને પણ કુખ્યાત કરવાની વાત તેમાં કથિત રીતે હતી. તેમાં કહેવાયું હતું કે ઈદને સારો તહેવાર અને કુંભમેળો હરિદ્વારમાં થયો તેને સુપર સ્પ્રેડર કહેવો. ઈદ તો વિભિન્ન પરિવારો અને સમુદાયોનો એક સુખદ મિલન સમારોહ છે તેમ કહેવાનું પણ કુંભેમેળો ભાજપ દ્વારા સર્જિત સમસ્યા હતી. આ ટૂલકિટમાં એવું સ્વીકારાયું હતું કે કોરોનાના સંકટ અને અવ્યવસ્થા છતાં મોદીની છબિ કૉંગ્રેસ પક્ષની અપેક્ષાનુસાર ખરડાઈ નથી. આથી આ સ્થિતિને મોદીની છબિને ખરાબ કરવા અને તેમની લોકપ્રિયતાને ઓછી કરવાના અવસર તરીકે લેવાનો ટૂલકિટમાં આગ્રહ કરાયો હતો.

આમાં દેશી અને વિદેશી મિડિયાના પત્રકારોને પણ આ અંગે સામગ્રી પૂરી પાડવાની વાત હતી. ભારતમાં કોરોનાથી કે કોરોના વગર થયેલાં મૃત્યુના અંતિમ સંસ્કાર (એટલે કે સળગતી ચિતા)ની તસવીરોનો એવી રીતે ઉપયોગ કરવો જેથી લોકોમાં અરેરાટી થાય. પ્રભાવશાળી લોકોને પહેલાં મદદ કરવાની, ટ્વિટર પર ભારતીય યુવા કૉંગ્રેસ (આઈવાયસી)ને ટેગ કરીને મદદ માગે તેની જ મદદ કરવાની આવી બધી સૂચના કથિત ટૂલકિટના દસ્તાવેજમાં હતી. હદ તો એ હતી કે સાંઠગાંઠવાળી હૉસ્પિટલોમાં કેટલીક પથારીઓ બ્લૉક કરી રાખવી જેથી બીજા જરૂરિયાતવાળાઓને ન મળે અને તેની કટોકટી ઊભી થાય. આનો બીજો આશય એવો પણ હોઈ શકે કે આ પથારીઓ અનામત રાખી હોય તો પોતાના ઓળખીતા-પાળખીતા કે તેમની પાસે મદદ માગે તેમને અપાવી શકાય. એનડીટીવી અને અન્ય સમાચારપત્રોએ જાણે-અજાણે કૉંગ્રેસની આ ટૂલકિટના હાથા બની ટ્વિટર પર હેશટેગ ‘ઇન્ડિયા સ્ટ્રેઇન’નો ઉપયોગ કર્યો. આ મિડિયા કોરોના વાઇરસને ‘ચાઇનીઝ વાઇરસ’ કહેવાની હિંમત નથી કરી શકતા, પણ કોરોનાના ભારતમાં મળેલા સ્વરૂપને ભારતીય સ્વરૂપ કહેવા લાગ્યા.

આ જ ટૂલકિટનો પ્રતાપ હોય કે ગમે તેમ, તેના બહાર આવ્યાના થોડા જ દિવસોમાં મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે કોરોનાના ભારતમાં મળી આવેલા સ્વરૂપને ભારતીય સ્વરૂપ (ઇન્ડિયા વેરિઅન્ટ) કહ્યું.

ટૂલકિટ હોય કે ગમે તેમ, પણ આ કોરોના કાળમાં અરાજકતા સર્જવામાં કૉંગ્રેસની ભૂમિકા કેવી રહી?

બેંગલુરુમાં આવું જ એક કૌભાંડ નામ પ્રમાણે જ તેજસ્વી એવા સાંસદ તેજસ્વી સૂર્યાએ બહાર પાડ્યું. બેંગલુરુ મનપાના દક્ષિણ કૉવિડ વૉર રૂમમાં ૧૭ મુસ્લિમોની યાદી આપી અને તેમની નિમણૂક વિશે પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે આક્ષેપ કર્યો કે બેંગલુરુની હૉસ્પિટલોએ પથારી બ્લૉક કરી દીધી છે. તેમણે આક્ષેપ કર્યો કે મનપાના અધિકારીઓએ ખાનગી નર્સિંગ હૉમ અને હૉસ્પિટલો સાથે સાંઠગાંઠ કરી આમ કર્યું છે અને આ હૉસ્પિટલો મન ફાવે તેવી ફી લઈ રહી છે.

કૉંગ્રેસે અને અન્ય વિપક્ષોએ કોરોનાની રસી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. સમાજવાદી પક્ષના અખિલેશ યાદવે તો કોરોનાની ભારતમાં બનેલી રસીને ભાજપની રસી કહી દીધી હતી અને નહીં લેવાની વાત કરી હતી. એ અલગ વાત છે કે એપ્રિલ-મેમાં પરિસ્થતિ વણસી પછી હવે જૂનમાં તેમના પિતા મુલાયમસિંહ યાદવે રસી લીધી છે અને અખિલેશ યાદવે પણ રસી લેવા તૈયારી બતાવી છે. આ ઉપરાંત અનેક મિડિયા અને વિપક્ષોએ રસીકરણને વિકેન્દ્રિત કરવા કહ્યું હતું. રસી ખરીદવા માટે પણ રાજ્યોને છૂટ આપવા કહ્યું હતું.

અરવિંદ કેજરીવાલના તો ચાર વિરોધાભાસી નિવેદનો ફરતાં હતાં જેમાં એકમાં તેઓ કહે છે કે અમને ઑક્સિજનની જરૂર નથી. અમે બીજાં રાજ્યોને આપી શકીએ તેમ છીએ. તેના થોડા જ દિવસોમાં જ્યારે પરિસ્થિતિ વણસી તો કેન્દ્ર પાસે ઑક્સિજનની માગણી એ રીતે કરવા લાગ્યા જાણે કે કેન્દ્રએ તે અટકાવી રાખ્યો હોય. આના પરિણામે દિલ્લી ઉચ્ચ ન્યાયાલયે પણ કેન્દ્ર સરકાર પર જ દોષારોપણ કર્યું. પરંતુ સેનાએ વિદેશોમાંથી ઑક્સિજન જે રીતે વિમાનોમાં લાવ્યો, જે રીતે ખાનગી ડ્રાઇવરો ખાધાપીધા વગર ઑક્સિજન પહોંચાડ્યો કે રેલવેના માત્ર મહિલા ક્રૂવાળી ટ્રેને ઑક્સિજન પહોંચાડ્યો તેની નોંધ વડા પ્રધાને ‘મન કી બાત’માં લીધી પણ ટૂલકિટ મિડિયાએ ન લીધી.

છત્તીસગઢના સ્વાસ્થ્ય પ્રધાન ટી. એસ. દેવે કહ્યું કે જ્યાં સુધી ભારતની સ્વદેશી કૉવેક્સિનનાં પરીક્ષણો પૂરાં ન થાય ત્યાં સુધી તેના ઉપયોગને સમર્થન ન આપવું જોઈએ. પરંતુ રાહુલ ગાંધીએ તો નવેમ્બર ૨૦૨૦માં જ ટ્વીટ કરી અમેરિકાની ફાઇઝર રસી માટે લૉબિંઇંગ કર્યું હતું. મોદી હમણાં સુધી આ રસીને આપણા દેશમાં આપવા માટે માન્યતા નહોતી આપતી કારણકે મોદી સરકારની શરત હતી કે તેનું ભારતીયો પર પરીક્ષણ નથી થયું. નોર્વેમાં ફાઇઝરની રસી લગાવ્યા પછી ૧૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં. ૧૯૯૯માં સ્વીડને આ કંપનીની એક એન્ટિબાયૉટિક દવા ટ્રૉવન પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ ફાઇઝરની પરીક્ષણ વગરની રસી પર કૉંગ્રેસને ભરોસો હતો, ભારતની સ્વદેશી રસી પર નહીં.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી એવું પણ કહ્યું કે આપણાં બાળકોની રસી વિદેશ કેમ મોકલી દીધી? પરંતુ રાહુલ ગાંધીને કોણ સમજાવે કે જ્યારે ભારતમાં કોરોનાની બીજી લહેર નહોતી અને ભૂતાન, નેપાળ, બાંગ્લાદેશ વગેરે પડોશીઓને ભારતે રસી આપ્યું તેનું કારણ એ હતું કે ચીન આ દેશોને વેક્સિન ડિપ્લૉમસી દ્વારા પોતાની તરફ ન કરી લે. બીજું કે ગયા વર્ષે પણ ભારતે હાઇડ્રૉક્સીક્લૉરોક્વિન દવાની મદદ કરી હતી. વિશ્વમાં લેતી-દેતી રાખવી પડે. આપણા પડોશમાં પણ એક તરફી વ્યવહાર નથી ચાલતો તો વિદેશો સાથે કેવી રીતે ચાલે?

ફાઇઝરની સીધી રીતે મદદ ન કરી શકેલી કૉંગ્રેસે તેનાં શાસિત રાજ્યોમાં રસી વેડફવાનું શરૂ કરી દીધેલું. ઝારખંડમાં ૩૭.૩ ટકા તો છત્તીસગઢમાં ૩૦.૨ ટકા રસી વેડફી નાખી. રસી વિશે નકારાત્મકતા ફેલાવી હતી તેના કારણે લોકોમાં ઉત્સાહ એપ્રિલ-મે પહેલાં ઘટ્યો જ હતો. પરંતુ આ ઉપરાંત રસી વેડફાતી નજરે પડી. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે આક્ષેપ કર્યો કે રાજસ્થાનમાં ગહલોત સરકારે ૧૧.૫૦ લાખથી વધુ રસી વેડફી નાખી. એક સમાચારપત્રના અહેવાલ અનુસાર, રાજ્યના દસ જિલ્લાઓનાં ૩૫ રસીકરણ કેન્દ્રો પર રસીના હજારો ડૉઝ કચરાના ડબ્બામાં ફેંકાયેલા મળ્યા. જોકે આ સમાચારપત્રએ આ મુદ્દે સરકારને કોઈ પ્રશ્ન ન કર્યો તે અલગ વાત છે. આ જ સમાચારપત્રએ નાનીમોટી દરેક વાતમાં ભાજપના નેતાઓ અને સરકારને તીખા શબ્દોથી ઘેર્યા હતા. મહારાષ્ટ્રમાં ચાર વાર કૉવિડ હૉસ્પિટલમાં આગ લાગી પરંતુ તે મુદ્દે પણ આ સમાચારપત્રની મહારાષ્ટ્ર એડિશનમાં સરકાર પર કોઈ નિશાન નહોતું.

આ સમાચારપત્ર અને એક વેબસાઇટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સહિતના કેન્દ્રીય પ્રધાનો પર આક્ષેપ કર્યો કે ટ્વિટર પર તેઓ જન્મદિન અને તહેવારોની શુભેચ્છા આપતા હતા પરંતુ કોરોના પીડિતોની સહાયતા કરવાનો તેમની પાસે સમય નહોતો. એ તો હવે સમજવાની વાત છે કે કેન્દ્રીય પ્રધાન હોય કે રાજ્યના પ્રધાન, અભિનેતા હોય કે ખેલાડી, મોટા ભાગે તેઓ સૉશિયલ મિડિયા માટે માણસ કે ટીમ રાખતા હોય છે. તેઓ તેમના વતી તેઓના નિર્દેશ પર ટ્વીટ કે ફેસબુક પૉસ્ટ કરતા હોય છે. વળી, તેમની જવાબદારી નીતિગત નિર્ણયો લેવાની હોય છે. જ્યારે આ સમાચારપત્ર અને વેબસાઇટ આ નેતાઓના સૉશિયલ મિડિયાની તપાસ કરતા હશે ત્યારે આ પ્રધાનો શું કરતા હતા? અમિત શાહ તાઉતે વાવાઝોડાનો કયાસ કાઢી ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનો સાથે બેઠક કરી રહ્યા હતા. ગૃહ મંત્રાલય પાસે સમગ્ર દેશ ઉપરાંત દિલ્લી પોલીસની જવાબદારી પણ હોય છે જે આ સમયગાળામાં ઑક્સિજન, રેમડેસિવિર ઇન્જેક્શનોના કાળા બજારને રોકવામાં લાગેલી હતી. બાય ધ વે, દિલ્લીમાં આઆપ ધારાસભ્ય ઈમરાન હુસૈન (જે નગરસેવક અને રમખાણોના આરોપી તાહિર હુસૈનના ભાઈ છે, તેની પર ઑક્સિજનની સંગ્રહખોરીનો આક્ષેપ થયો છે. મુખ્ય પ્રધાન બનતાવેંત અરવિંદ કેજરીવાલે જેમને દિલ્લીના નિર્માતા કહ્યા હતા તે અને ખાન માર્કેટમાં ખાન ચાચા નામની દુકાન ચલાવતા નવનીત કાલરા ઑક્સિજન કૉન્સન્ટ્રેટરના કાળા બજારનો ભંડાફોડ થયો છે જેમાં તેમની ધરપકડ થઈ છે. તેમની પાસેથી ૪૧૯ ઑક્સિજન કૉન્સન્ટ્રેટર મળ્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, રેલવે પ્રધાન પીયૂષ ગોયલ વગેરે સેના અને રેલવે દ્વારા દેશના ખૂણે-ખૂણે ઑક્સિજન આપૂર્તિ કરવાના પ્રયાસોમાં લાગેલા હતા. ડીઆરડીઓએ કોરોના વિરોધી દવા બનાવી. સડક અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીના પ્રયાસોથી મ્યુકરમાઇકોસિસના ઉપચારમાં ઉપયોગી એમ્ફૉટેરિસિન બી ઇમ્યુલ્સન ઇન્જેક્શનનું ઉત્પાદન મહારાષ્ટ્રે સ્થિત જીનેટિક લાઇફ સાયન્સ શરૂ કરી શકી. અગાઉ એક જ કંપની પાસે તેની અનુમતિ હતી. એસ. જયશંકર અમેરિકા રસીની કાચી સામગ્રી પરથી પ્રતિબંધ હટાવે તે માટે કાર્યરત્ હતા. રશિયા પાસેથી સ્પુતનિક મળે તે માટે પ્રયાસરત્ હતા. શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ શિક્ષણની બાબતોમાં સક્રિય હતા. જ્યારે સ્મૃતિ ઈરાની અને તેજસ્વી સૂર્યા તેમજ ભાજપના સંગઠનના લોકો સેવા યજ્ઞમાં લાગેલા હતા, જેનું રિપૉર્ટિંગ કોરોના ફેલાવવા તરીકે કરવામાં આવ્યું. (એ ન કર્યું હોત તો પણ ટૂલકિટ મિડિયા પ્રશ્નો કરત.)

પંજાબમાં કૉંગ્રેસ સરકાર હૉસ્પિટલોને વેચવા લાગી હતી જેનો ખૂબ વિરોધ થયો અને પછી તેણે નિર્ણય પાછો ખેંચવો પડ્યો. શિરોમણિ અકાલી દળ (જે હવે ભાજપનો સાથી પક્ષ નથી રહ્યો)એ આક્ષેપ કર્યો કે કેપ્ટન અમરિન્દરસિંહની સરકારે રૂ. ૪૦૦માં રસી ખરીદી હૉસ્પિટલોને રૂ. ૧,૦૬૦માં વેચી નફો કરી લીધો! બાદલે આક્ષેપ કર્યો કે માત્ર મોહાલીમાં એક દિવસમા લગભગ ૩૫ હજાર ડૉઝ ખાનગી સંસ્થાઓને વેચી લગભગ બે કરોડ રૂપિયાનો નફો કમાઈ લીધો.

પહેલાં રસીકરણને વિકેન્દ્રિત કરવા માગણી કરનાર રાજ્યો મેનેજમેન્ટ ન કરી શક્યાં કારણકે કેસો વધ્યા એટલે લોકોનો રસી લેવા ધસારો થયો. એટલે રાજ્યોએ કેન્દ્ર પર જવાબદારી નાખવાની માગણી કરી. ન્યાયાલયનાં પણ અનેક અને રાજ્યે રાજ્યે અલગ વલણો આ દરમિયાન જોવાં મળ્યાં. હવે વડા પ્રધાને નિઃશુલ્ક રસી અને કેન્દ્રના હાથમાં રસીકરણ લેવાની પાછી વાત કરી છે. તો રાહુલ ગાંધી પૂછી રહ્યા છે કે જો રસી નિઃશુલ્ક હોય તો હૉસ્પિટલમાં કેમ ચાર્જ લેવાય છે? આ તો એવી વાત થઈ કે ઘરે નિઃશુલ્ક જમવા મળે છે (જે ખરેખર નિઃશુલ્ક ન કહી શકાય, તેની પડતર કિંમત તો થતી જ હોય) તો હૉટલ-રેસ્ટૉરન્ટમાં તેના પૈસા કેમ લેવામાં આવે છે?

આમાં કેટલાક મેડિકલ કર્મીઓ પણ જોડાયા. તેમના સહયોગ વગર ઇન્જેક્શનના કાળાં બજાર ન થયાં હોત. ઉત્તર પ્રદેશના અલીગઢના જમાલપુરમાં રસી જિહાદ પણ જોવા મળી જેમાં નિહા ખાન નામની નર્સે રસી આપવાના બદલે તેની પિન તોડીને કચરામાં ફેંકી દીધી. તેને પૂછવાં આવ્યું તો તેણે નફ્ફટાઈથી કહી દીધું કે મારો મૂડ ખરાબ હતો. આવી સ્થિતિમાં વિદેશીઓ કેમ બાકી રહી જાય? ‘હૂ’ના વલણો સતત બદલાતાં રહ્યાં. એક જ દાખલો: ‘રેમડિસિવિર’ને ન વાપરવા સલાહ આપી. ન્યૂ યૉર્ક ટાઇમ્સ વગેરે વિદેશી મિડિયાએ ભારતને વગોવવામાં કંઈ બાકી ન રાખ્યું (ચીની માધ્યમો પ્રમાણમાં સંયમ રાખ્યો). ટૂલ કિટની હજુ તપાસ ચાલી રહી છે, મામલો સર્વોચ્ચ ન્યાયાલયને આધીન છે ત્યાં ટ્વિટરે ભાજપના નેતાઓના ટૂલકિટ અંગેનાં ટ્વીટને મેનિપ્યુલેટેડ લેબલ મારી દીધું. કેન્દ્ર સરકારે ચેતવણી આપી અને દિલ્લી પોલીસે દરોડા પાડ્યા તો ટ્વિટરે ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને સંઘ પ્રમુખ મોહન ભાગવત સહિતના નેતાઓના ખાતાંમાંથી બ્લુ ટિક (એટલે કે આ ખાતાં સાચાં અને અધિકૃત છે તેની નિશાની) હટાવી લીધી, કારણ એવું આપ્યું કે ખાતું નિષ્ક્રિય રહે તો આવું કરવું પડે. જ્યારે કૉંગ્રેસના સ્વ. નેતા અહમદ પટેલના મૃત્યુના અનેક મહિના પછી પણ ટ્વિટરે બ્લુ ટિક હટાવી નહીં.

ટૂલકિટ હોય કે ન હોય, ટૂલકિટ પત્રકારત્વ હોય કે ન હોય, આ બધું જે જે લોકોએ કર્યું તે કથિત ટૂલકિટ મુજબ જ કર્યું છે, અને જે રીતે કર્યું તેનાથી મોદી સરકારને નહીં, ભારત દેશને ભારે- ન પૂરી શકાય તેવી હાનિ પહોંચી છે. અનેકોના જીવ ગયા છે. અનેકોને દોડધામ થઈ છે. અનેકોનાં ખિસ્સાં ખાલી થયાં છે. આવા કાળમાં પણ જે રાજકારણ, ગીધ પત્રકારત્વ કરે છે, અનુચિત અધધ નફો, કાળા બજાર કરે છે તેમને કદાપિ ક્ષમા ન કરી શકાય.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment