Home » કેરળમાં ગરીબો, દલિતો, મહિલાઓ અને બાળકો સામે ડાબેરીઓનું હિંસાચક્ર

કેરળમાં ગરીબો, દલિતો, મહિલાઓ અને બાળકો સામે ડાબેરીઓનું હિંસાચક્ર

by Jaywant Pandya

(સંકલન શ્રેણી પાક્ષિકમાં તા.૦૭/૦૧/૧૭ની કવરસ્ટોરી)

આ દેશમાં ચાર વર્ગના લોકો સામે હિંસા થાય તો આખો દેશ ખળભળી ઊઠે છે. એક મહિલા, બે દલિત, ત્રણ બાળક અને ચાર લઘુમતી (તેમાં પારસી વગેરે લઘુમતી નથી આવતી માત્ર મુસ્લિમ અને ખ્રિસ્તી જ આવે કારણકે આ બંને વર્ગના લોકોની સંખ્યા ઘણી બધી વધી હોવા છતાં હિંસા-અત્યાચાર-ભેદભાવના કિસ્સામાં આ બે વર્ગની જ લઘુમતી તરીકે તેમની નોંધ લેવાય છે.)

ગુજરાતમાં ઉના પાસે મોટા સમઢિયાળા ગામમાં ગાયને મારી નાખી તેનું ચામડું ઉતારતા હોવાની શંકાના આધારે સાત લોકોને નિર્દયતાથી માર મારવાની ઘટનાને કેટલો રાજકીય રંગ અપાયો તે વાત તાજેતરનો ઇતિહાસ જ છે. આ બનાવ પછી કઈ કઈ રાજકીય હસ્તીઓ ઉના ખાતે આવી તે પરથી કદાચ તમે જાણી શકો કે આ દેશમાં કેટલા રાજકીય પક્ષો અસ્તિત્વ ધરાવે છે! આ વ્યંગોક્તિનો અર્થ એ છે કે એકેય પક્ષ કદાચ બાકી નહોતો જેના નેતાએ ઉનાની મુલાકાત નહીં લીધી હોય. આવું જ ઉત્તર પ્રદેશના દાદરી નામના નાના નગરમાં થયું હતું. ગાયનું માંસ ખવાયાની શંકા પરથી ટોળાએ માર મારતાં અખલાકનું મૃત્યુ થયું. આ ઘટના બાદ દાદરીની તમામ રાજકીય પક્ષોના નેતાઓએ મુલાકાત લીધી, સહાયની વર્ષા થઈ. આખા દેશમાં અસહિષ્ણુતાનો રાગ આલાપાવા લાગ્યો. શું સાહિત્ય કે શું ફિલ્મ, શું વિજ્ઞાન કે શું ઇતિહાસ, તમામ ક્ષેત્રના મહાનુભાવો આ રાગના આલાપતા આલાપતા પોતાને અગાઉની સરકારો તરફથી મળેલા એવોર્ડ પાછા આપવા લાગ્યા અથવા તો ઓછામાં ઓછું આવી જાહેરાતો કરી. તેલંગણા ભાજપ શાસિત રાજ્ય નથી તોય ત્યાં રોહિત વેમૂલા નામના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી ત્યારે તેના માટે કેન્દ્રની ભાજપ સરકારને દોષિત ગણાવી તમામ સેક્યુલર નેતાઓ હૈદરાબાદ દોડી ગયા હતા. (તેલંગણાના ગૃહ પ્રધાન નયની નરસિંહ રેડ્ડી મુજબ, વેમૂલા દલિત નહોતો. દલિત ન હોય તોય તેનાથી તેના કિસ્સાની ગંભીરતા ઘટી નથી જતી.)

આ દેશમાં દલિત એ નબળો વર્ગ ગણાય છે. તેમના પર અત્યાચારની વ્યાપક ફરિયાદો છે. હજુ પણ સ્થિતિ ચિંતારૂપ જ છે. મહિલા વર્ગ પણ નબળો ગણાય છે. મહિલાઓ સામે થતા ગુનાઓના પ્રમાણમાં ખાસ ઘટાડો થયો નથી. પરંતુ શું કૉંગ્રેસ કે શું કેજરીવાલનો આમ આદમી પાર્ટી, શું માયાવતી કે શું ડાબેરીઓ, આ બધા ‘સેક્યુલર’ પક્ષોનું દૂરબીન જાણે ભાજપ શાસિત રાજ્યો પર જ મંડાયેલું હોય છે. આ પક્ષોને ડાબેરીઓ શાસિત અથવા પ્રભાવિત બે રાજ્યો પશ્ચિમ બંગાળ અને કેરળમાં થતી હિંસા દેખાતી જ નથી. ભલે એ હિંસા અને અત્યાચાર દલિત મહિલાઓ સામે જ કેમ ન હોય!

ગુજરાતના ઉના કાંડનો દેકારો મચ્યો (જુલાઈ ૨૦૧૬) તેના એક મહિના પહેલાં ગણ્યા ગાંઠ્યા પ્રસાર માધ્યમોમાં આવેલા આ સમાચાર પર નજર નાખવા જેવી છે કારણકે જે પીડિતો છે તે દલિત વર્ગના પણ છે અને નબળા ગણાતા મહિલા વર્ગના પણ છે. કેરળમાં થાલાસેરી પાસે કુટ્ટીમક્કૂલમાં કૉંગ્રેસના નેતા એન. રાજનની બે દલિત દીકરીઓ અખિલા (૩૦) અને અંજના (૨૫)ની ધરપકડ થઈ. તેમનો ગુનો શું હતો? ગુનો એ હતો કે તેઓ જ્યારે સીપીએમના કાર્યાલય પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે પક્ષના કાર્યકર્તાઓએ તેમને જાતિવાદી નામોએ બોલાવી હતી. પરિણામે આ યુવતીઓ પક્ષના કાર્યાલયમાં ફરિયાદ કરવા ગઈ. આ સમયે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ. ડાબેરી કાર્યકર્તાઓએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો.

આ ઘટના પછી શું બનવું જોઈતું હતું? પહેલાં તો પક્ષના કાર્યકર્તાઓ જેમણે અખિલા અને અંજના સાથે ખરાબ વર્તન કર્યું તેમની ધરપકડ કરીને તેમને જેલ ભેગા કરવા જોઈતા હતા. બીજું, આ ઘટનાની સમગ્ર દેશના રાજકીય પક્ષોએ કઠોર નિંદા કરવી જોઈતી હતી. ખાસ કરીને કૉંગ્રેસે કારણકે તેના નેતા અને તેમાંય દલિત,ની દીકરીઓ સાથે ખરાબ વર્તન થયું હતું. (આવું ન હોવું જોઈએ પરંતુ આપણા દેશમાં પોતાના પક્ષના લોકો સાથે ખરાબ વર્તન થાય ત્યારે તે પક્ષ વિરોધી પક્ષની ટીકા કરતો હોય છે.) પરંતુ થયું શું? ત્યાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ડાબેરીઓ સત્તા પર આવ્યા હતા. ‘ઉલટા ચોર કોટવાલ કો ડાંટે’ના ન્યાયે પોલીસે પેલી બે દીકરીઓને જેલમાં પૂરી દીધી એવા આરોપસર કે તેમણે સીપીએમના કાર્યકર પર હુમલો કર્યો! તેમાંથી મોટી અખિલાને તો દોઢ વર્ષની દીકરી હતી. તે તેની દીકરી સાથે જેલમાં ગઈ! ન કૉંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી કંઈ બોલ્યા, ન બહેનજી માયાવતી કંઈ બોલ્યાં. ન કેજરીવાલે કોઈ નિવેદન આપ્યું કારણકે આમાં તેઓ નરેન્દ્ર મોદી સામે કોઈ આક્ષેપ કરી શકતા નહોતા (એ કેજરીવાલ ચૂંટણીવાળા પંજાબમાં દલિતો માટે ખાસ ચૂંટણીઢંઢેરો બહાર પાડવાના છે!) જેએનયુમાં ‘જાતિવાદ, મનુવાદ, બ્રાહ્મણવાદ’થી આઝાદી લેવાનાં સૂત્રો બોલાવતા, ત્રાસવાદી અફઝલ ગુરુના તરફદાર, કોમરેડ કન્હૈયાકુમારની તીખી કટાક્ષમય વાણી પણ કેરળના આ બનાવ અંગે પોલિટ બ્યૂરોના દફ્તરમાં કેદ થઈ ગઈ. ડાબેરી નેતાઓ યેચૂરી-કરાત મુલાકાત લે અને આ ઘટનાને રાષ્ટ્રીય સ્તરે ચમકાવે તેવી તો કલ્પના જ અઘરી ગણાય કારણ પોતાની જાંઘ કોણ ઉઘાડી કરે!

કૉંગ્રેસના સ્થાનિક નેતૃત્વએ મદદ માટે આગળ આવતાં બંને બહેનોને જામીન પર તો છોડી દેવાઈ પરંતુ વળાંક તો હવે આવે છે. સામ્યવાદી નેતા વૃંદા કરાતે પક્ષના મુખપત્ર ‘દેશાભિમાની’માં કેરળમાં દલિતોની ખરાબ સ્થિતિ પર એ જ દિવસે લેખ લખ્યો હતો જે દિવસે (બંને બહેનોને જેલમાં પૂરવાની) ઉપરોક્ત ઘટના બની હતી! સ્વાભાવિક છે કે આ મુદ્દો ટીવી ચર્ચાનો બને જ. રાષ્ટ્રીય સ્તરે તો કોઈ ચર્ચા ન થઈ, પણ કેરળમાં એક મલયાલમ ચેનલ પર જરૂર ચર્ચા થઈ. પણ તેમાં થાલાસેરીના જ ધારાસભ્ય સીપીએમના એક નેતા એ. એન. શમશીરે દલિત મહિલા કાર્યકર્તા મૃદુલા દેવી સામે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. (આ મહાશયને વર્ષ ૨૦૧૨માં પોલીસ સામે ભડકાવનારા ભાષણ બદલ ગત નવેમ્બર ૨૦૧૬માં ત્રણ મહિનાની જેલની સજા થઈ. શમશીરે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. સનલકુમારને ધમકી આપી હતી કે જો તે સીપીએમના કાર્યકર્તાઓ સામે બળપ્રયોગ કરશે તો તેમને જોઈ લેવાશે. પોલીસને પણ ઘરે પત્ની અને બાળકો હોય છે. તેમના આ પ્રકારની ‘ગુંડાને શોભે’ તેવી ધમકીના ૧૬ મહિના પછી એક ટોળાએ સનલકુમારના ક્વાર્ટર પર નવેમ્બર ૨૦૧૩માં હુમલો કર્યો હતો. સનલકુમાર અને તેમનો પરિવાર બહાર હોવાથી બચી ગયા હતા પરંતુ બિલ્ડિંગને ઘણું નુકસાન થયું હતું.) શમશીરે મૃદુલા દેવીને કહ્યું હતું કે “તમે કોણ છો? મેં તમારા વિશે ક્યારેય કંઈ સાંભળ્યું નથી.” તેમણે તેમ પણ કહ્યું કે તેઓ તેમનાથી નીચેના સ્તરની હોય તેવી કોઈ વ્યક્તિ સાથે ચર્ચા કરવા માગતા નથી. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે આ દલિતો ઘણી વાર આવા આક્ષેપો કરતા રહેતા હોય છે. આનો અર્થ શું થયો? દલિતોને ખોટા આક્ષેપો કરવાની ટેવ છે તેમ આ મહાશયનું કહેવું હતું? ગુજરાતમાં દલિત-મુસ્લિમની ધરી રચવાના પ્રયાસો કરનારા અને દેશના બાકી દલિત હિત ઈચ્છુક લોકો, નેશનલ મિડિયા, વી. કે. સિંહના નિવેદનના અર્થનો અનર્થ કરી મારીમચડીને મોટું બનાવે ત્યારે કેરળના એક ધારાસભ્યના દલિતો સામે આવા ચોખ્ખા ગંભીર આક્ષેપ મુદ્દે તેમનું ભેદી મૌન શું સૂચવે છે? એ જ કે તેમનો એજન્ડા દલિતોનું હિત કરવાનો નથી, પરંતુ તેમનો એજન્ડા ભાજપનો વિરોધ કરવાનો છે.

સીપીએમના આ એક નેતાએ જ આવી ટીપ્પણી નહોતી કરી. એક બહેન અંજનાએ જેલમાંથી બહાર આવ્યા પછી ઊંઘવાની ગોળીઓ ગળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે તેની બહેન અખિલાએ કહ્યું કે એક ટીવી ચેનલ પર સીપીએમના નેતા પી. પી. દિવ્યાએ તેને ‘પબ્લિક ન્યૂસન્સ’ (જનતા માટે નડતર) કહી દેતાં તેને લાગી આવ્યું હતું.

આ ઘટના જે ગામની હતી તે ગામ મુખ્યપ્રધાન પિનરયી વિજયનના વતન જિલ્લા કન્નૂરની છે! ગુજરાતમાં ભાજપના તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના પિયરમાં દલિત વિદ્યાર્થિની ભણતર છોડે તો પણ મોટા સમાચાર બને છે. તેની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાય છે. આવું પ્રેશર અને વિરોધ જરૂરી જ છે તો જ કોઈ પણ શાસક પક્ષ સજાગ રહે અને જનતા માટે સારું કામ થતું રહે, સામાજિક રીતે અન્યાય થતો અટકે. પરંતુ એક દલિત વિદ્યાર્થિની ભણતર છોડે તે રાષ્ટ્રીય સમાચાર બને તો અહીં તો બે દલિત યુવતીઓને તેમના જ્ઞાતિના અપમાનજનક નામે બોલાવાય છે, તેમની સાથે પક્ષના કાર્યાલયમાં જ ખરાબ વર્તન કરાય છે અને તેમને ન્યાય મળે તેવાં પગલાંના બદલે તેમને જેલમાં પૂરી દેવામાં આવે છે ત્યારે માધ્યમો પર તેની કોઈ ગંભીર અને પૂરતી નોંધ ન લેવાઈ. ભાજપના પણ કેન્દ્રીય નેતાઓએ આ બાબતે ગંભીર ચૂપકીદી રાખી હોવાનું સ્મરણમાં આવે છે. ભાજપ કઈ લઘુતા ગ્રંથિથી પીડાય છે? અને કેરળમાં આ એક નહીં, આવા અનેક કિસ્સાઓ છે.

કેરળમાં કૉંગ્રેસના હો કે ભાજપના, કે પછી સામાન્ય નાગરિક, ડાબેરીઓ સામે ચૂંટણી લડો કે અન્ય કોઈ રીતે પડો તો તમારી સામે હિંસા આચરાવાની ૯૦ ટકા શક્યતા રહે છે. કેરળના કન્નૂર જિલ્લાના ઇરિટી તાલુકાના કક્કયાનગરમાં રાહુલ નામના એક ભાઈએ નવેમ્બર ૨૦૧૫માં યોજાયેલી પંચાયત ચૂંટણીમાં મુઝાકુન્નૂ પંચાયતના ૧૪મા વૉર્ડમાંથી ભાજપની ટિકિટ પર અને તેમનાં પત્ની રમ્યાએ ભાજપની ટિકિટ પર પરાકુંદર વૉર્ડમાંથી ઉમેદવારી કરી હતી. સીપીએમના કાર્યકર્તાઓને આ પસંદ ન પડ્યું. તેઓ ૩૦ મે ૨૦૧૬ના રોજ રાહુલના ઘરે ગયા. પરંતુ રાહુલ બહાર ગયા હતા. રાહુલ ઘરમાં ન હોય તો શું થયું? તેમનો બીજા ધોરણમાં ભણતો દીકરો કાર્તિક તો હતો જ ને. ડાબેરી કાર્યકર્તાઓની નિર્દયતા જુઓ. તેને સામાન્ય ધાકધમકી કે ઠપકારવાના બદલે જાણે તે કોઈ જન્મ-જન્મનો દુશ્મન (તેની સાથેય કોઈ આવું ન કરે) હોય તેમ તેને વાળથી પકડીને તેનું માથું દીવાલ સાથે અફળાવ્યું! તેઓ ત્યાં જ ન અટક્યા. તેઓ રાહુલની હત્યા માટે જે છરી લઈને આવેલા તેના વડે કાર્તિકના ડાબા હાથને ભારે ઘાયલ કર્યો. આટલી ગંભીર ઈજાના કારણે કાર્તિક એક મહિનો શાળામાં જઈ ન શક્યો. જતાંજતાં સીપીએમના કાર્યકર્તાઓ ઘરની બારીઓ તોડતા ગયા. એક રૂમના ફર્નિચરને પણ સળગાવી દીધું. માતા રમ્યાના કહેવા પ્રમાણે, કાર્તિક આજે પણ રાત્રે ઊંઘમાંથી જાગી જાય છે અને રડવા લાગે છે. તેને સતત એવું લાગે છે કે તેને કોઈ મારવા આવી રહ્યું છે. તે પોતાનું દફ્તર ઉપાડી શકતો નથી.

સામ્યવાદી વિચારસરણીનો જન્મ જ કથિત ઉચ્ચ અને શ્રીમંત વર્ગની જોહુકમી અને અત્યાચારોમાંથી થયો હતો. તેનું ઉદ્ભવસ્થાન રશિયા રહ્યું છે, આ વિચારસરણી સારી હતી પરંતુ તેના માટે લેવાતા પગલાં અને શાસનમાં આવ્યા બાદ વિચારપલટાના લીધે આ વિચારસરણી ધીમેધીમે દુનિયાના અનેક દેશોમાંથી દૂર થતી જાય છે. સામ્યવાદીઓ દ્વારા સત્તા મેળવવા અને સત્તા ટકાવવા હિંસાની નવાઈ નથી. રશિયા અને ચીનમાં વર્ષોથી દમનકારી શાસનના લીધે એક જ પક્ષનું શાસન રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં પણ કેરળ જેવી જ હિંસા જોવા મળી છે અને ડાબેરીઓ સામે લડતાંલડતાં તૃણમૂલ કૉંગ્રેસ પણ તેના જેવી જ બની ગઈ છે. તેથી ત્યાં પણ ગુંડાગીરી ચાલુ જ છે. આ બધા કિસ્સાઓ લખવા બેસીએ તો પાર ન આવે, પરંતુ ઉપરોક્ત બે કિસ્સા જ ઘણું બધું કહી જાય છે.

નવાઈની વાત એ છે કે આ મુદ્દાઓ વણચર્ચિત રહી જાય છે અને ડાબેરીઓનું દમનચક્ર ચાલ્યા જ કરે છે. દલિતો અને ગરીબોના મસીહા હોવાનો દાવો કરનારા તેમની સામે જ હિંસા કરે તે કેવું!

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

4 comments

smdave1940 18/01/2017 - 2:57 PM

પોતાને અને પોતાના મળતીયાઓને કાયદો ન અડકી શકે તેવી કાયદા વગરના શાસનની શરુઆતના શ્રી ગણેશ નહેરુના સમયથી શરુ થઈ ગયા હતા. ઈન્દિરા ગાંધીના શાસનથી આવા ભેદભાવવાળા શાસને માઝા મુકી છે.
નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ તેમના વિરોધીઓની રાઈ જેવી કે વિવાદાસ્પદ વાતોને પણ ઇસ્યુ બનાવી ચગાવે છે. મુસ્લિમ મૌલવીઓ અને મુસ્લિમ નેતાઓ છડે ચોક હિન્દુઓને અને દેશને ભાંડે છે. ફતવાઓ બહાર પાડે છે તેનું કારણ ફક્ત એક જ કે નહેરુવીયન કોંગ્રેસે તેમને ફટવીને આટલા હિંમતવાળા બનાવ્યા છે. હવે બીજેપીની પણ એવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે કે ટકી રહેવા માટે પણ તેમણે અમુક બાબતો માટે “આંખ મીંચામણા” કરવા પડે છે. વિમુદ્રીકરણના પગલાએ ઘણા લોકોના દેશને ભોગે પોતાનો ફાયદો જોનારાને ઉઘાડા પાડ્યા છે. તમે જોઈ શકશો કે બનાવટી નોટો અને કાળાનાણાં રોકડમાં રાખવાવાળાઓમાંથી મોટાભાગના પાયમાલ થઈ ગયા. પણ જેમને પોતાની બનાવટી તટસ્થતાનો ઘમંડ છે તેઓ બનાવટી નોટો પસ્તી થઈ ગઈ તે ફાયદાને તો જોતા જ નથી. તેમનો એજન્ડા સ્વકેન્દ્રી છે દેશને ભલે નુકશાન થઈ જાય.

Reply
મનસુખલાલ ગાંધી, U.S.A. 19/01/2017 - 6:40 AM

સુંદર લેખ.

મને તો આમાં ભાજપ સિવાયના કોઈ પક્ષોનો વાંક નથી દેખાતો, કેમ કે, ૨૪સે કલાક-બારે માસ ભાજપ ઉપર બધા પક્ષો માછાલાં ધોતાં હોય, ધોકા પછાડતાં હોય, એ ભાજપ અને મોદીજી પણ જો કેરળના પ્રસંગ માટે ન બોલે, તો પછી મીડિયાને શું રસ પડવાનો..? શા માટે ભાજપે આવો सुनहरी મોકો હાથથી જવા દીધો..? શા માટે રાહુલો, કેજરીવાલો, મામતાઓ, સીતારામ યેચુરીઓ, વૃંદા કરાતે(તો) વગેરેનો ભરબજારમાં પકડીને લોકો વચ્ચે અને મીડિયામાં ફજેતો ન કર્યો..? કે પછી ભાજપને આવા નાના દલિતોના મામલામાં રાંધવાનું કંઈ નહીં મલ્યું હોય..? આજે પણ મોટે ભાગે, મહારાષ્ટ્ર, ગુજરાત, કોલકાતા, દીલ્હી કે અમેરીકાના ટ્રમ્પ વગેરેના બનતાં બનાવોમાંજ મીડિયા અને રાજકિય પક્ષોને રસ છે, બીજા નાના રાજ્યોમાં શું બને છે તેની ભારતની જનતાને ભાગ્યેજ ખબર પડતી હોય છે. અને ભાજપને છેલ્લા એક વરસમાં “હાર્દિક”, ઉના અને નોટબંધી સિવાય કંઈ દેખાયુંજ નથી… ભાજપે શા માટે યેચુરી કે વૃંદાનો કાન ન પકડ્યો..?

Reply
Jaywant Pandya 19/01/2017 - 5:35 PM

ભાજપનો સો ટકા વાંક છે.

Reply
mdgandhi21 28/01/2017 - 12:42 AM

સુંદર લેખ.

મને તો આમાં ભાજપ સિવાયના કોઈ પક્ષોનો વાંક નથી દેખાતો, કેમ કે, ૨૪સે કલાક-બારે માસ ભાજપ ઉપર બધા પક્ષો માછાલાં ધોતાં હોય, ધોકા પછાડતાં હોય, એ ભાજપ અને મોદીજી પણ જો કેરળના પ્રસંગ માટે ન બોલે, તો પછી મીડિયાને શું રસ પડવાનો..? શા માટે ભાજપે આવો सुनहरी મોકો હાથથી જવા દીધો..? શા માટે રાહુલો, કેજરીવાલો, મામતાઓ, સીતારામ યેચુરીઓ, વૃંદા કરાતે(તો) વગેરેનો ભરબજારમાં પકડીને લોકો વચ્ચે અને મીડિયામાં ફજેતો ન કર્યો..? કે પછી ભાજપને આવા નાના દલિતોના મામલામાં રાંધવાનું કંઈ નહીં મલ્યું હોય..? આજે પણ મોટે ભાગે, મહારાષ્ટ્ર, ગુજરાત, કોલકાતા, દીલ્હી કે અમેરીકાના ટ્રમ્પ વગેરેના બનતાં બનાવોમાંજ મીડિયા અને રાજકિય પક્ષોને રસ છે, બીજા નાના રાજ્યોમાં શું બને છે તેની ભારતની જનતાને ભાગ્યેજ ખબર પડતી હોય છે. અને ભાજપને છેલ્લા એક વરસમાં “હાર્દિક”, ઉના અને નોટબંધી સિવાય કંઈ દેખાયુંજ નથી… ભાજપે શા માટે યેચુરી કે વૃંદાનો કાન ન પકડ્યો..?

મનસુખલાલ ગાંધી

________________________________

Reply

Leave a Comment