Home » કાશ્મીરી પંડિતોના પુનર્વસનનો પ્રશ્ન પેચીદો છે

કાશ્મીરી પંડિતોના પુનર્વસનનો પ્રશ્ન પેચીદો છે

by Jaywant Pandya

કાશ્મીરી પંડિતોના પુનઃવસવાટનો મુદ્દો ફરી ઉખળ્યો અને ઉકળ્યો છે. ભાજપની મહેરબાનીથી જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન બનેલા મુફ્તી મોહમ્મદ સઈદે કાશ્મીરી પંડિતોને માટે અલગ રહેણાક (ટાઉનશિપ) બનાવવાની વાત કરી, પરંતુ અલગતાવાદીઓએ તેનો વિરોધ કર્યો, આથી તે ફરી ગયા અને કહ્યું કે ઈઝરાયેલ પ્રકારનું સમાધાન આપણે કરવું નથી. જોકે આ મુદ્દે અલગતાવાદીઓ ઠંડા પડ્યા નથી. ઉલટાના તેમને બળ મળ્યું છે. તેઓ કાશ્મીર ઘાટીમાં હડતાળ પાડી રહ્યા છે. પથ્થરમારો કરી રહ્યા છે.

સ્વતંત્ર ભારતમાં આ એક હદ કહેવાય. કોઈ સમુદાયને ધર્મના આધાર પર રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે, તેમના પર અત્યાચાર કરવામાં આવે, હત્યાઓ અને બળાત્કાર કરવામાં આવે અને કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર નિરુપાય બનીને જોઈ રહે તે કેવું! ગુજરાતમાં સાબરમતી એક્સ્પ્રેસને સળગાવી મૂક્યા બાદ રમખાણો થયા જેમાં બંને સમુદાયના માણસો મર્યા, પરંતુ કાશ્મીર જેવી સ્થિતિ થઈ નથી. ઉલટાના બંને સમુદાયના લોકો ગુજરાતમાં પ્રગતિ કરી રહ્યા છે, સુખ-શાંતિથી જીવે છે. તોય ગુજરાતના મુદ્દે ગુજરાતના અને ગુજરાત બહારના ઝભ્ભા-લેંઘા-થેલાધારી કર્મશીલો અને એક્ટિવિસ્ટો, ફિલ્મકારો આ મુદ્દો ચગાવ્યા કરે છે. કોર્ટમાં પણ તેની બહુ જ તીખી-કડવી નોંધ લેવાય છે (રોમ ભડકે બળતું હતું અને નીરો ફિડલ વગાડતો હતો જેવી ટીપ્પણી ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વિશે થઈ હતી) પરંતુ કાશ્મીરી પંડિતોના સંદર્ભમાં આવી કોઈ ટીપ્પણી કે  ઉગ્ર પ્રત્યાઘાત જાણમાં નથી. હા, ૨૦૧૧માં જ્યારે ઓલ ઇન્ડિયા કાશ્મીરી સમાજ અને અન્યોએ સર્વોચ્ચ ન્યાયાલયમાં કરેલી પીટિશન પર સુપ્રીમે રાજ્ય સરકાર પાસે જરૂર જવાબ માગ્યો હતો કે તમે પંડિતોને ૧૫,૦૦૦ નોકરીઓ આપવાનું વચન આપેલું. શું તમે એક પણ નોકરી આપી ખરી? તમે એક પણ ઘર આપ્યું ખરું? કોર્ટે રાજ્ય સરકાર પાસે કેન્દ્ર સરકારે પંડિતોની સંપત્તિ પુનઃસ્થાપિત કરવા તેમજ સ્થળાંતરિત પંડિતોને નોકરી આપવા માટે રૂ. ૧,૬૧૮ કરોડના આપેલા વિશેષ પેકેજના વિશે પણ સવાલો પૂછ્યા હતા.

એ વખતે તો ઓમર અબ્દુલ્લાની સરકાર હતી. પરંતુ સરકાર ગમે તેની હોય (મોટા ભાગે આ અબ્દુલ્લા દાદા-પિતા અને દીકરાની જ સરકાર જમ્મુ-કાશ્મીરમાં રહી છે.) કાશ્મીરી પંડિતોનો મુદ્દો એમનો એમ જ છે. ૧૯૯૦થી તેઓ નિર્વાસિત અને નિરાશ્રિત તરીકેની જ જિંદગી જીવે છે અને વચ્ચે ૧૯૯૮થી ૨૦૦૪ સુધી ભાજપની એનડીએ સરકાર પણ આવી ગઈ અને તે વખતે ફારુક અબ્દુલ્લાનો પક્ષ એનસી એનડીએનો એક હિસ્સો હતો તોય કશું નક્કર થયું નહીં.

કાશ્મીરી પંડિતો કેમ નિરાશ્રિત બન્યા તેના મુદ્દે ઈતિહાસમાં ઊંડે જવાની જરૂર છે. જ્યારે ભારત-પાકિસ્તાન આઝાદ થયા ત્યારે નક્કી થયેલું જે રાજ્યમાં જે ધર્મની બહુમતી હોય તેને તે રીતે ભારત અથવા પાકિસ્તાનમાં ભળવા દેવામાં આવે. રજવાડાંની બાબતમાં તેમના રાજાને કે નવાબને જે દેશમાં જવું હોય તેની છૂટ આપેલી. આ રીતે કાશ્મીરના રાજા હરિસિંહે સ્વતંત્ર રહેવાનો નિર્ધાર કર્યો હતો. જોકે, પાકિસ્તાન અને તેના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાનો ડોળો કાશ્મીર પર હતો. તેમને પાકિસ્તાન મળ્યું તેનાથી સંતોષ નહોતો. આથી ૧૯૪૭માં આઝાદી પછી બે ત્રણ મહિનાની અંદર જ પાકિસ્તાનના સૈન્યએ આદિવાસીઓને આગળ કરીને કાશ્મીર પર હુમલો કર્યો. આદિવાસીઓ અને સૈનિકોએ ભારે લૂંટફાટ અને બળાત્કારો  કર્યા હતા. જોકે કાશ્મીરના મકબૂલ શેરવાનીએ આદિવાસીઓ સામે ભારે લડત આપી હતી. એ વખતે હરિસિંહે ભારત સાથે સંધિ કરી લીધી અને આમ, કાશ્મીર ભારતમાં આવી ગયું. જોકે પાકિસ્તાનના કબજામાં રહી ગયેલા કાશ્મીરને આઝાદ કાશ્મીર નામ આપી દેવાયું.

અડધું કાશ્મીર મળી ગયા પછી પણ પાકિસ્તાનને સંતોષ નહતો. ઉલટું, ભારતે પાકિસ્તાનથી બાંગ્લાદેશને અલગ થવામાં સૈન્ય ભૂમિકા ભજવી તેથી એ અસંતોષ વધી ગયો. પાકિસ્તાનના લશ્કરી શાસક ઝીયા ઉલ હકે કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવીને ત્યાં હત્યાઓ અને બળાત્કારો કરાવવાની યોજના ઘડી. આમ તો, ૧૩૮૯થી ૧૪૧૩ સુધી કાશ્મીર પર શાસન કરનાર મુસ્લિમ શાસક સિકંદર બુટ્શિકનના સમયમાં જ તેણે કરેલા અત્યાચારોથી ત્રાસીને કાશ્મીરી પંડિતોએ સ્થળાંતર કરવા લાગ્યું હતું. ઉલટું, તે વખતના અન્ય રાજ્યોના રાજા સારા કહેવાય કે તેમણે પંડિતોને જમીન આપી તેમનો વસવાટ કરાવ્યો કારણકે આ પંડિતો અત્યંત બુદ્ધિશાળી હતા અને તેમને સારું એવું જ્ઞાન હતું.

પરંતુ ૧૯૮પથી ઝીયા ઉલ હકની નીતિ હેઠળ કાશ્મીરમાં ત્રાસવાદીઓ ઘૂસવા લાગ્યા. ધીમે ધીમે મસ્જિદો પર તેમનો કબજો થવા લાગ્યો. ૧૯ જાન્યુઆરી, ૧૯૯૦નો દિવસ કાશ્મીરના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે યાદગાર રહેશે. તે દિવસે એક સ્થાનિક ઉર્દૂ અખબાર ‘આફતાબ’એ ત્રાસવાદી સંગઠન હિઝબ-ઉલ-મુજાહિદ્દીનની અખબારી યાદી છાપી. અત્રે એ પણ કહેવું જોઈએ કે આ સંગઠનની સ્થાપના જમાત-એ-ઇસ્લામીએ ૧૯૮૯માં જમ્મુ-કાશ્મીરને ભારતથી આઝાદ કરાવવા કરી હતી. આ અખબારી યાદીમાં સ્પષ્ટ રીતે કહેવાયું હતું કે બધા હિન્દુઓ બિસ્તરા-પોટલાં બાંધીને કાશ્મીર છોડી ચાલ્યા જાય. અલ સફા નામના બીજા એક અખબારે આ ચેતવણી છાપી. આ  પછી રશિયાની બનાવટની મશીન ગન કલશનિકોવ લઈને ખુલ્લેઆમ આતંક મચાવવા માસ્ક પહેરેલા લોકો કાશ્મીરની શેરીઓમાં ઉતરી પડ્યા. તે પછી તો બોમ્બવિસ્ફોટ અને ગોળીબારો લગભગ રોજની ઘટના બની ગઈ. મસ્જિદો પરથી લાઉડ સ્પીકરોમાં હિન્દુઓને ખુલ્લેઆમ ચેતવણી અપાવા લાગી.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડિરેક્ટર જનરલ એમ. એમ. ખજૂરિયાએ એક મુલાકાતમાં કહ્યું હતું, “૧૯૮૯નો આતંક લઘુમતી સમુદાય (હિન્દુઓ)ને કાશ્મીર છોડવાની એક નોટિસ જાહેર કરીને શરૂ થયો હતો. એ પત્રમાં કહેવાયું હતું, “અમે તમને જમ્મુ-કાશ્મીર છોડી જવાનું ફરમાન જાહેર કરીએ છીએ, જો તેમ નહીં કરો તો તમારાં બાળકોને નુકસાન પહોંચાડાશે. શીખો અને હિન્દુઓ અહીં રહી શકે નહીં. આ જમીન અલ્લાહની છે.”

અગાઉ ૧૫ જાન્યુઆરી, ૧૯૯૦ના રોજ શ્રીનગરના લાલ ચોકમાં એક ઓપરેટર બલદેવ રાજ દત્તાનું અપહરણ કરાયું હતું તેનો મૃતદેહ ૧૯ જાન્યુઆરી, ૧૯૯૦ના રોજ શ્રીનગરમાં નાઇ સડક પર મળી આવ્યો. મૃતદેહ પર ભયંકર યાતનાનાં નિશાનો હતાં. એ રાતે હિંસાનું તાંડવ ખેલાયું. અફઘાન શાસન બાદ પહેલી વાર કાશ્મીરી પંડિતો આવા હિંસાચારથી ફફડી રહ્યા હતા. ફારુક અબ્દુલ્લા સરકારે રાજીનામું આપી દીધું હતું અને જગમોહન રાજ્યપાલ તરીકે નિમાયા હતા. તેઓ શ્રીનગર પહોંચવા માગતા હતા, પરંતુ ખરાબ હવામાનના કારણે તેઓ શ્રીનગર જઈ શક્યા નહીં. તેઓ જમ્મુમાં જ રહી ગયા.

આ હિંસાચાર બાદ કાશ્મીરી પંડિતો કાશ્મીર છોડવા લાગ્યા. અને તેમનો પ્રશ્ન ૨૫ વર્ષથી વણઉકેલ છે. અત્યારે તે ફરી ઉખળ્યો છે અને તેમના માટે અલગ વિસ્તારમાં પુનઃવસવાટ કરવો કે તેમનાં મકાનો જ્યાં હતાં ત્યાં જ રાખવાં આ પ્રશ્ન સર્જાયો છે.

અલગતાવાદીઓ અને તેમની સાથે કાશ્મીરમાં રહી ગયેલા પંડિતો પણ નિર્વાસિત પંડિતોને અલગ નહીં પરંતુ તેઓ જ્યાં રહેતા હતા ત્યાં જ વસવાટ કરાવવાનું કહે છે. જ્યારે નિરાશ્રિત પંડિતોમાંથી કેટલાક અલગ વસાહતમાં રહેવાના વિકલ્પને સ્વીકારે છે. પરંતુ મૂળ પ્રશ્ન તો એ જ ઊભો છે કે જ્યાં સુધી તેમને રહેવાની સલામતી અને સાથે નોકરી-રોજગારીના પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી તેમનાં મૂળ મકાનો કે પછી અલગ વસાહતમાં રાખવાનો પ્રશ્ન ઊભો થતો જ નથી. માનો કે અલગ વસાહતમાં રખાય તો પણ તેમણે રહેવાનું તો તેમના વિરોધીઓની વચ્ચે ને. વળી, તેમને રોજગારી ન હોય તો કાશ્મીરમાં રહીને તો શું કરવાના?

માનો કે, જો તેઓ મૂળ મકાનોમાં જાય તો પહેલો પ્રશ્ન એ આવે કે મૂળ મકાનો કાં તો પડોશી મુસ્લિમોએ પચાવી પાડ્યાં છે તે પાછા અપાવવા પડે અથવા વેચી દેવાયા હોય તો વળી અલગ પ્રશ્ન થાય. કાશ્મીરી પંડિતોએ જ પોતાનાં મકાનો વેચી દીધા હોય તો પણ પ્રશ્ન તો રહેવાનો જ. વળી, આટલાં વર્ષો દરમિયાન, કાશ્મીરી પંડિતોના પડોશી એના એ જ રહ્યા હશે તેની કોઈ ખાતરી નથી. પડોશી બદલાઈ ગયા હોય તો એ પડોશી સાથે ફાવે કે કેમ તે એક પ્રશ્ન રહે. ઉપરાંત ઉપર કહ્યું તેમ, અલગ વસાહત આપવાની હજુ દરખાસ્ત છે ત્યાં અલગતાવાદીઓને એક નવું જીવન મળી ગયું છે. તાજેતરમાં સંપન્ન કાશ્મીરની ચૂંટણીમાં આપણે જોયું કે અલગતાવાદીઓ સફળ થયા નથી. પરંતુ બની શકે કે જો અલગ વસાહતની બાબતમાં આગળ વધવામાં આવે તો અલગતાવાદીઓ, હજુ સુધી અલગતાવાદથી અલિપ્ત રહેલા કાશ્મીરી મુસ્લિમોને પોતાની સાથે કરવામાં સફળ બને. વળી, પાછું, ૧૯૮૯ના સમયમાં આપણે જવું પડે. ફરી ઘૂસણખોરીનો દોર શરૂ થાય અને ફરી પંડિતોની હાલત ખરાબ થાય. આ બધા વિચારો કરવા પડે. ત્યાર પછી જ કોઈ નક્કર નિર્ણય થઈ શકે.

પણ આવા બધામાં જમ્મુ-કાશ્મીરના એક ધારાસભ્યએ પંડિતોની માનસિક આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. એન્જિનિયર રશીદ નામના આ ધારાસભ્યએ તો ઉલટું પંડિતોને કાશ્મીરના મુસ્લિમોની માફી માગવાનું કહ્યું છે. તેમણે એવું કહ્યું છે કે “જો કાશ્મીરીઓ સાચા રાષ્ટ્રભક્ત હોત તો ગમે તેવી સ્થિતિ હોત, તેઓ કાશ્મીર છોડીને ગયા ન હોત. તેમણે કાશ્મીરના મુસ્લિમોની માફી માગવી જોઈ કારણ કે તેઓ તો કાશ્મીર છોડીને ગયા પણ તેનાથી રહેવાસી મુસ્લિમો અરાજકતામાં જીવે છે. તેમણે બંદૂક, ગ્રેનેડ, બુલેટ, દરોડા, આફ્સ્પા નામના કાયદા, કસ્ટડીમાં મોત, બળાત્કાર, હત્યા, બળજબરીથી મજદૂરી, કસ્ટડીમાં લઈ પછી ગાયબ કરી નાખવા, અપમાન અને અરાજકતાનો સામનો આટલાં વર્ષોમાં કરવો પડ્યો છે!”

બોલો! એક તો કાશ્મીરી પંડિતોને આટલી દર્દનાક રીતે, વ્યવસ્થિત ષડયંત્રપૂર્વક કાઢી મૂકાયા અને તેમણે તે માટે મુસ્લિમોની માફી માગવી…ખેર, આ તો રાજકારણ છે અને કાશ્મીરી પંડિતોના નામે પીડીપી-ભાજપ પણ રાજકારણ રમતા હોય તો નવાઈ નહીં. કાશ્મીરી પંડિતોનો પ્રશ્ન એટલો પેચીદો છે કે ઝટ એનું નિરાકરણ આવે તો જ નવાઈ!

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની  બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા. ૧૫/૪/૧૫ના રોજ આ લેખ છપાયો.)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

smdave1940 16/04/2015 - 4:17 PM

પ્રિય જયવંતભાઈ પંડ્યા,
મને એવું લાગે છે કે ભારતના ભાગલાની જોગવાઈઓ વિષે ઘણી ગેરસમજુતીઓ પ્રવર્તે છે.
એક વાત ખરી કે અમુક મુસ્લિમ નેતાઓની દલીલ હતી કે તેઓ હિન્દુ બહુમતી વાળા પ્રદેશમાં ન રહી શકે. અને તે આધારે ક્રીપ્સ કમીશને પ્રદેશો નક્કી કરેલ અને તેમાંના રહેવાસીઓ પોતાનો મત આપે કે તેમના પ્રદેશે ક્યાં જવું છે.
મતદાનમાં એવું ન હતું કે મુસ્લિમો ફક્ત પાકિસ્તાન તરફી જ મત આપી શકે. જો ધર્મનો આધાર હોત તો મત લેવાની જરુર જ ન પડત.. મતદાન થયું અને પ્રદેશો પાકિસ્તાન અથવા ભારતમાં જોડાયા.
દેશી રાજાઓ જ્યારે અંગ્રેજોના ખંડિયા બન્યા ત્યારે અંગ્રેજ સરકારને તેમની સાથે કરાર હતા. અને તે કરાર પ્રમાણે જો અંગ્રેજો જતા રહે તો તેઓ સ્વતંત્ર બનતા હતા. પણ અંગ્રેજો લોકશાહીમાં માનતા હતા તેથી તેઓએ સલાહ આપી કે તેઓ પ્રજામત લેવાનો વિકલ્પ અપનાવી શકે છે.

જમ્મુ-કાશ્મિરના રાજા હરિ સિંહ હતા. તેઓ સ્વતંત્ર રહેવા માગતા હતા. પણ પાકિસ્તાને આક્ર્મણ કર્યું એટલે તેમને અને બીજા કશ્મિરી નેતાઓને પણ લાગ્યું કે પાકિસ્તાનમાં જોડાવા જેવું નથી. જમ્મુ અને પંજાબ નજીક નજીક છે. પાકિસ્તાને જે ખૂનામરકી પાકિસ્તાન હસ્તગત પંજાબમાં કરેલી તેનો વળતો જવાબ ભારતના પંજાબના પંજાબીઓએ આપેલ. એટલે જમ્મુમાંથી પણ મુસલમાનોએ હિજરત કરી દીધેલી. જેમ અખંડ ભારતના બધા પ્રદેશોમાં થયું તેમ જમ્મુમાં અને પંજાબમાં પણ થયું.

જો યુનો ના કહેવા પ્રમાણે મત ગણના થઈ હોત તો પણ પાકિસ્તાનને કાશ્મિર ન મળત. કારણ કે કશ્મિરના હિન્દુઓ, મુસલમાનો, લડાખના ખ્રીસ્તીઓ અને હિન્દુઓ, જમ્મુના હિન્દુઓ પાકિસ્તાનની તરફમાં મત ન આપત. આ કારણથી જ પાકિસ્તાન, “પાકિસ્તાન ઓક્યુપાઈડ કશ્મિર” છોડવા માગતું ન હતું. કારણ કે પાકિસ્તાન ને મન “પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મિર”, “ભાગતા ભૂતની ચોટલી” જેવું હતું.
૧૯૭૨માં ઇન્દિરા ગાંધી પાસે શ્રેષ્ઠ સંજોગો હતા. પણ સિમલા કરારમાં બધું ગુમાવ્યું. આમાં ઘણી શક્યતાઓ છે. “ટેબલની નીચે ડીલ, ભૌગોલિક અને ઐતિહાસિક અજ્ઞાનતા, આર્ષદૃષ્ટિનો અભાવ, વિદેશી દબાવ, બ્લેક મેલ. નહેરુવીયન કોંગ્રેસની દેશ અને રાજ્યોમાં પ્રબળ બહુમતિ પણ ઘણામાંનુ એક પરિબળ હતું.
હિન્દુઓની ૩૦૦૦+ થી વધુની ઠંડે કલેજે કતલ કરવી અને પાંચ લાખ વસ્તીને તગેડી મુકવી એ કંઈ જેવો તેવો આતંક નથી. વળી તેમને પચીસ પચીસ વર્ષ સુધી નિરાધાર રાખવા એ પણ સતત આતંક જ ગણાય. નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ કહે છે કે અમે કેન્દ્રમાં હતા ત્યારે જમ્મુ કાશ્મિરમાં ૧૦ વર્ષ થી શાંતિ હતી. બીજેપી આવ્યું અને તેણે કાશ્મિરમાં અશાંતિ ફેલાવી. જો આમ જ હોય તો નહેરુવીયન કોંગ્રેસે જવાબ આપવો જોઇએ કે જો કાશ્મિરમાં શાંતિ હતી તો હિન્દુનો પુનર્વસવાટ કેમ ન કર્યો? નહેરુવીયન કંગ્રેસ અને ફારુખ, ઓમર અને બીજા નેતાઓએ હિન્દુઓની પાયમાલી અવસ્થા કેમ ચાલુ રાખી? કાયદેસર રીતે તો રાજ્ય અને કેન્દ્ર સરકારે ૧૯૯૦ થી ૨૦૧૪ સુધી વત્તે ઓછે અંશે જવાબદારી હીન બન્યા અને તેઓની ધરપકડ કરીને તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ. કાશ્મિરની રાજ્ય સરકાર અને કેન્દ્ર નહેરુવીયન કોંગ્રેસ સરકાર પણ મુસ્લિમોના આ આતંકમાં સહભાગી ગણાય.
સમાસ્યા પેચીદી નથી. ગુન્હાઈત નિષ્ક્રિયતા દંડનીય છે.

“કશ્મિરી પંડિતો” એવો શબ્દ પ્રયોગ કોણે પ્રચલિત કર્યો તે સમજાતું નથી. બહુમતિ તેમની હશે પણ તે માત્ર પીડિત નથી. ખરો શબ્દ પ્રયોગ હિન્દુ કે જેમાં સિખ પણ આવી જાય તે છે. બંધારણીય રીતે તમે પંડિતો, વાણિયાઓ, ક્ષત્રીયો, રામભક્તો એવા ભેદ ન પાડી શકો. જો કે આમાં જયવંતભાઈને ટોકવાની વાત નથી. આ તો દંભી સેક્યુલરોએ પાડેલી એક પ્રણાલી છે. કેસરી રંગ જોયો? તો ભગવા રંગને એક ગાળ આપો.

હવે ભારતમાં બીજેપીની સરકાર આવી છે. તેને મૂંગા રહેવું પોષાય નહીં. મુસ્લિમ નેતાઓનો વિરોધ અને દલીલો તર્ક હીન છે. તે માટે સવિસ્તર વાંચો.
treenetram.wordpress.com/2015/04/14/%E0%A4%AE%E0%A5%81%E0%A4%B8%E0%A5%8D%E0%A4%B2%E0%A4%BF%E0%A4%AE%E0%A5%8B%E0%A4%82%E0%A4%95%E0%A4%BE-%E0%A4%95%E0%A4%B6%E0%A5%8D%E0%A4%AE%E0%A4%BF%E0%A4%B0%E0%A5%80-%E0%A4%B9%E0%A4%A4%E0%A5%8D%E0%A4%AF/

જયવંત ભાઈએ સત્યને વાચા આપી તેમાં કોઈ શક નથી. એક વખત ૧૫ હિન્દુ કુટૂંબો કાશ્મિર ગયેલા. તેમને હેરાન પરેશાન કરી ભગાડી દીધેલ.

Reply
Jaywant Pandya 16/04/2015 - 6:21 PM

દવેજી, તમારી માહિતી ઘણો પ્રકાશ પાડનારી છે. આભાર.

Reply

Leave a Comment