Home » કહીં સે નિકલ આયે જન્મોં કે નાતે

કહીં સે નિકલ આયે જન્મોં કે નાતે

by Jaywant Pandya

જયવંતની જે બ્બાત

સ્થળ: પકવાન ચાર રસ્તા.
સમય: બપોરે ૧.૦૫

સિગ્નલ ખુલવામાં હજુ સોએક સેકન્ડની વાર હતી. કેટલાક અધીરા કારચાલકો ડાબે વળવા આગળ ઊભેલાઓને ખસવા હૉર્ન પર હૉર્ન મારી રહ્યા હતા, પણ આગળવાળા જાય તો ક્યાં જાય? અને હવે તો સ્ટોપથી આગળ વધ્યા એટલે મેમો સીધો ઘરે આવી જાય. સો સેકન્ડની રાહ જોવા જેટલી કારચાલકોમાં ધીરજ તો ક્યાંથી હોય! આખા જગતમાં વ્યસ્તમાં વ્યસ્ત માણસો તો કારચાલકો જ હોય.

કોઈક ફૉન પર વાત કરી રહ્યું હતું, કોઈ એટલા સમયમાં પણ વૉટ્સએપ ચેક કરી રહ્યું હતું, કોઈક આજુબાજુ ઊભેલા લોકોનું નિરીક્ષણ કરી રહ્યું હતું. મારી બાજુમાં અડોઅડ એક રિક્ષા આવી ને ઊભી રહી. રિક્ષાચાલક યુવાને એમ જ વાત શરૂ કરી, “ગરમી બહુ છે, નહીં સાહેબ?”

મેં કહ્યું, “હા, હવે તમારે પણ રિક્ષાને બંધ એસીવાળી બનાવી નાખવી જોઈએ.”

તે યુવાને કહ્યું, “એવી રિક્ષા તો આવવા લાગી છે. આરટીઓ તરફ એક શૉ રૂમમાં ડિસ્પ્લેમાં મૂકાઈ છે.”

મેં કહ્યું, “એમ?” મને પણ વાતમાં રસ પડ્યો, પણ મને ખબર નહોતી કે ગરમીની સામાન્ય વાતમાંથી શરૂ થયેલી વાતમાંથી મને એક સારી વાત (પત્રકારત્વની ભાષામાં કહું તો, સ્ટૉરી) જાણવા મળવાની છે.

યુવાન કહે, “એ રિક્ષા સાડા છ લાખની છે. ને વર્ષ ૨૦૨૧માં લૉન્ચ થવાની છે.”

મેં કહ્યું,”પણ તમે જાતે પણ આવું કરાવી શકો.”

યુવાન કહે, “ના, હમણાં ખર્ચો નથી કરવો. અને આમેય ગરમી તો સહન કરવી જોઈએ. જે એસીમાં જ રહે તેમને બહાર તકલીફ પડે. કુદરતની નજીક રહો તે વધુ સારું.”

“પણ આવી ગરમીમાં લોકો કેવા હોય છે?” હવે જ મારા માટે જાણવાની વાત આવી રહી હતી.

“કેમ? શું થયું?”

“દક્ષિણ બોપલમાં રિંગ રોડ પર એક વૃદ્ધ દાદાએ મારી રિક્ષા ઊભી રખાવી ને મને પાણી પાયું, તે પણ ઠંડું, બોલો!” યુવાને કહ્યું, “એ દાદા રસ્તા વચ્ચે જ ઊભા રહી જાય છે અને બધાં વાહનોને પરાણે ઊભાં રખાવે અને ઠંડું પાણી પીવડાવે, પછી જવા દે. બોલો! આવા લોકો પણ હોય છે.”

“ક્યાં આગળ, અેક્ઝેક્ટલી?”

“સ્વામીનારાયણ મંદિર આગળ.”

એટલી વારમાં સિગ્નલ ખુલવા આવ્યું. ને અમે બંને છૂટા પડ્યા. મારે પેલા વૃદ્ધ કાકાનું નામ પૂછવાનું પણ રહી ગયું. કદાચ તે વૃદ્ધ સેવાભાવી પણ પોતાનું નામ નહીં જણાવવાની દૃઢ ઈચ્છા રાખતા હશે, નહીંતર તો તેમના દ્વારા કે પૌત્રપૌત્રી દ્વારા ફોટા સાથે મિડિયા- સૉશિયલ મિડિયામાં સ્ટૉરીઓ ન ચાલી હોત?

ઘણી વાર એક જ સોસાયટીમાં રહેતા હો કે સાથે કામ કરતા હો ને લોકો વાત ન કરે અને ક્યારેક આમ રસ્તામાં અજાણ્યા મળે તોય થોડી પળોમાં કેટલી વાતો થઈ જાય, નહીં?

‘કહીં તો યે દિલ કભી મિલ નહીં પાતે, કહીં સે નિકલ આયે જન્મોં કે નાતે’ ગણગણતો આગળ વધ્યો.

 

 

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

spd1950 05/04/2019 - 1:04 PM

બહુ જ સરસ .

Reply

Leave a Comment