Home » કપિલ દેવે ૧૭૫ રન કરેલા? વિડિયોનું પ્રમાણ છે?

કપિલ દેવે ૧૭૫ રન કરેલા? વિડિયોનું પ્રમાણ છે?

by Jaywant Pandya

 

અભિનેતા ગોવિંદા તેમના મુખેથી એક ગીત ગાઈ ગયા છે. અલબત્ત, પડદા પાછળ ગુરુ કિશોરકુમારનો અવાજ હતો. આ ગીત આવું હતું- નામ સે ક્યા લેના, મેરા કામ દેખો યારો…નામ બદલવાની જાણે કે મૌસમ છે. પહેલાં અલ્હાબાદનું પ્રયાગરાજ થયું અને દિવાળીની પૂર્વ સંધ્યાએ ફૈઝાબાદ જિલ્લાનું નામ શ્રી અયોધ્યા કરાયું. રાષ્ટ્રવાદીઓની દિવાળી સુધરી ગઈ. પરંતુ વાંકદેખુઓએ લખ્યું કે ટાંકીમાં પેટ્રોલ-ડીઝલના બદલે નામ ભરી લેવું. અલબત્ત, તેમણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, ભલે મામૂલી તો મામૂલી, પણ અવગણ્યો.

વાંકદેખુ તો વાંક જોવાના જ. નામ નહીં બદલે તો પણ જોશે અને નામ બદલાશે તો પણ જોશે. પરંતુ કેટલાક તટસ્થ લોકો પણ માનતા હોય છે કે નામ બદલવાથી શું થાય? દેશની સળગતી સમસ્યાઓ ઉકલી જવાની?

કોઈ પણ દેશની જનતાને જો તેના ઇતિહાસથી વંચિત રાખી દેવામાં આવે અને જનતાના પૂર્વજો કાયર હતા તેવું ખોટી રીતે સાબિત કરતો ઇતિહાસ થોપી દેવામાં આવે તો તે જનતા માનસિક રીતે માયકાંગલી થઈ જતી હોય છે. એક કથા બહુ જાણીતી છે. એક રાજાએ તેના પ્રધાનને આદેશ આપ્યો કે આ બકરી તારે રાખવાની છે. તે જાડી ન થવી જોઈએ. તેના વજનમાં એક રતિભર પણ વધારો ન થવો જોઈએ. પ્રધાન હોંશિયાર હતો. (તો જ પ્રધાન હોય ને). તેણે બકરીને બરાબર વાઘની સામે બાંધી દીધી. બકરી વાઘને જુએ અને ડરી જાય. ગમે તેટલું ઘાસ નાખવામાં આવે પણ આનંદથી ખાઈ જ ન શકે. બકરીનું વજન ક્યારેય વધ્યું જ નહીં.

મનોવૈજ્ઞાનિકો પણ માને છે કે બાળકોને અતિશય ડરાવવાથી તેઓ ડરપોક બની જાય છે અને પરિણામે તેમનો વિકાસ રૂંધાઈ જાય છે. તેના શિક્ષણ પર પણ તેની અસર પડે છે. ક્રિકેટમાં એક સમય હતો, જ્યારે વૅસ્ટ ઇન્ડિઝના ગેંદબાજોથી ભારતીય બૅટધરો થરથર ધ્રૂજતા હતા. ક્લાઇવ લૉઇડનો મંત્ર હતો, “કાં તો તેમને આઉટ કરો, નહીં તો ઘાયલ કરો.” પરંતુ સુનીલ ગાવસ્કરે અને પછી સચીન તેંડુલકરે બતાવી દીધું કે આ બૉલરોથી ડરવા જેવું નથી. આવો જ એક સમય હતો જ્યારે ભારત પાકિસ્તાન કે ઑસ્ટ્રેલિયા સામે મનોવૈજ્ઞાનિક રીતે પાછું પડી જતું. (પાકિસ્તાન સામે પાછા પડી જવાનાં કારણોમાં ભારતની અંદરનાં બદમાશ તત્ત્વો પણ હતાં.) પરંતુ મોહમ્મદ અઝહરુદ્દીનના કપ્તાન બન્યા પછી લગભગ આ ડર મટી ગયો છે. ઑસ્ટ્રેલિયાના કૉચથી માંડીને તેના બૅટ્સમેન-બૉલરો સિરિઝ શરૂ થાય તે પહેલાં ડબ્લ્યૂડબ્લ્યૂએફના રેસલર જેવા હાકોટા પડકારા કરવા માંડતા. મિડિયામાં નિવેદન આપવા લાગતા કે અમારો ટાર્ગેટ તો ફલાણો બૅટ્સમેન છે. તેને આઉટ કરી દેશું. પરંતુ સચીન તેંડુલકરે શેન વૉર્નની શારજાહમાં ધુલાઈ કરીને શેન વૉર્નની ઊંઘ કાયમ માટે બગાડી નાખી હતી.

કહેવાનો અર્થ એ છે કે વિકાસ બાળકનો હોય, ક્રિકેટનો કે પછી દેશનો, આત્મવિશ્વાસ, ગૌરવ અને તાકાતની અનુભૂતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ દેશમાં સ્વતંત્રતા પછી જો કોઈ વાતની ખામી રહી હોય તો આ ત્રણેય વાતની રહી, કારણકે દેશનો ઇતિહાસ જ ખોટો લખાયો. થોડાં વર્ષો પહેલાં ‘બાબર કા બેટા હુમાયુ’ એવું બાળકને નહાતી વખતે ગોખાવતી આજની જાણીતી અભિનેત્રી હુમા કુરેશીની જાહેરખબર આવતી હતી. આ જાહેરાતની ધૂન ‘દિલ હૈ છોટા સા’ પરથી બનાવેલી હોઈ આ જાહેરખબર અનેક બાળકોને યાદ રહી ગઈ અને તેના લીધે આપણા પર શાસન કરનાર વિદેશી અત્યાચારી, બળાત્કારી અને લુટારા આક્રાંતાઓ અને તેમના કુખ્યાત દીકરાઓના વંશો ગોખાઈ ગયા. પરંતુ આપણને આપણા ઇતિહાસથી વંચિત રખાયા.

તાજેતરમાં દિવાળી નિમિત્તે એક કાર્યક્રમમાં ભાગ લેવાનું થયું. તેમાં પ્રશ્નોત્તરી રાખવામાં આવી. વિદ્વાન લોકો તેમાં હતા. તેમાં પ્રશ્ન પૂછાયો કે છત્રપતિ શિવાજીના પિતાજીનું નામ શું? જવાબ મળ્યો સંભાજી. આ સ્થિતિ વિદ્વાનોની પણ છે તો સામાન્ય જનતાની ક્યાં વાત કરવી? કેટલાકને તો કાળી ચૌદશના સારા દિવસે, જ્યારે નરકાસુરના ત્રાસમાંથી પ્રભુ શ્રી કૃષ્ણએ ૧૬ હજાર સ્ત્રીઓને છોડાવી હતી તે દિવસે, પ્રભુ શ્રી રામની જન્મભૂમિના જિલ્લાને ફૈઝાબાદ નામના નરકમાંથી મુક્તિ મળી અને તેનું નામ શ્રી અયોધ્યા થવાની જાહેરાત થઈ ત્યારે ખબર પડી કે અયોધ્યા જે જિલ્લામાં હતું તે જિલ્લાનું નામ બીજા કોઈ શહેર પરથી હતું? અયોધ્યાને જે નવી મેડિકલ કૉલજ મળવાની છે તેનું નામ દશરથ પરથી રાખવાની પણ જાહેરાત થઈ. ઘણાને તેના પરથી ખબર પડી હશે, લે બોલો, દશરથ તો રામના પિતા હતા. ઑહ માય ગૉડ! આઈ ડિડન્ટ ન્યૂ દશરથા વૉઝ ફાધર ઑફ રામા! (આવાઓને પાછું અંગ્રેજીના વાંધા હોય એટલે ડિડન્ટની સાથે ન્યૂ ચાલતું હોય.)

તમારા ધર્મની કથાઓને જ માયથૉલૉજી (એટલે કે ઉપજાવી કાઢેલી કથા) કહેવાતી હોય તો પછી તમને એમ જ લાગવાનું કે આપણા ધર્મમાં તો બધું ઉપજાવી કાઢેલું છે. ક્રિકેટનું જ ઉદાહરણ આપીએ તો વધુ સમજ પડશે. આપણે ત્યાં સુનીલ ગાવસ્કર, મોહમ્મદ અઝહરુદ્દીન, સચીન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર સેહવાગ, વિરાટ કોહલી અને પૃથ્વી શૉ જેવા અનેકાનેક મહાન બૅટ્સમેનો થઈ ગયા કે અત્યારે રમી રહ્યા છે. સુનીલ ગાવસ્કર ખૂંખાર ફાસ્ટ બૉલરો સામે હૅલ્મેટ પહેર્યા વગર રમતા. અઝહર પણ ઘણી વાર હૅલ્મેટ પહેર્યા વગર રમતા. સચીન તેંડુલકરે બતાવ્યું કે આવીને સેટબેટ થવાની કોઈ જરૂર નથી. શરૂઆતની ઑવરોમાં ઠિચુકઠિચુક રમવાની જરૂર નથી. પહેલા દડાથી જ દે ધના ધન રમી શકાય છે. એ પછી તો વીરેન્દ્ર સેહવાગ, વિરાટ કોહલી અને પૃથ્વી શૉએ આ નિર્ભયપણાના વારસાને આગળ વધાર્યો.

પરંતુ માનો કે આ બધો ઇતિહાસ ભૂંસી દેવામાં આવે અને માત્ર નવી પેઢીને એમ જ શિખવાડવામાં આવે કે ભારતીય ક્રિકેટ ટીમ તો સતત હારતી જ રહેતી હતી. બાંગ્લાદેશ જેવી ટીમ સામે રમવામાં પણ નબળી પડતી હતી. ભારતીય બૅટ્સમેનો તો વૅસ્ટ ઇન્ડિઝના બૉલરોથી થરથર ધ્રૂજતા હતા. પાકિસ્તાનના જાવેદ મિંયાદાદે તો ચેતન શર્માના છેલ્લા બૉલે છગ્ગો ફટકારી મેચ જીતી લીધેલી. પાકિસ્તાન તો ભારત સામે સતત જીતતું રહ્યું. (અને વિશ્વ કપમાં ભારત સામે સળંગ અનેક હારની વાતને કે પાકિસ્તાની અમ્પાયરો દ્વારા અંચઈને, શારજાહમાં મેચફિક્સિંગની વાતને કાઢી નાખવામાં આવે.) અબ્દુલ કાદિર સામે કેમ રમવું તેની ભારતીય બૅટ્સમેનોને ગતાગમ નહોતી પડતી. શેન વૉર્ન તો ભારતીય ક્રિકેટરોના સપનામાં આવતો અને ભારતીય બૅટ્સમેનો તેના દડાને રમવામાં થાપ ખાઈ જતા.

આવું તમને અનેક વર્ષો સુધી, શૈક્ષણિક સંસ્થાઓ, સેમિનારો, પુસ્તકો, મિડિયા, ફિલ્મો, ટેલિવિઝન દ્વારા, અરે! જાહેરખબરો દ્વારા, ઠસાવવામાં આવે અને તે પછી તમને કોઈ ભડવીર સંશોધક કહે કે શું ભારતીય ટીમ બોદી હતી બોદી હતી તેમ કહ્યા કરો છો. જરા સાચો ઇતિહાસ વાંચો. ભારતીય ટીમે તો ભલભલી ટીમોનાં છોતરાં કાઢી નાખેલા. ૧૯૮૩ના વિશ્વ કપમાં ઝિમ્બાબ્વે જેવી ટીમ સામે માત્ર ૧૭ રનમાં ભારતની પાંચ વિકેટ પડી ગયેલી. એવું લાગી રહ્યું હતું કે મેચ બહુબહુ તો અડધા કે એક કલાકમાં પતી જશે. પરંતુ એક ૨૪ વર્ષના છોકરડા, જેના પર થોડા મહિનાઓ પહેલાં જ કપ્તાન તરીકે જવાબદારી આવી હતી, તે કપિલ દેવે વિકેટકીપર સૈયદ કિરમાણીના મજબૂત ટેકાથી, જ્યારે આઠ વિકેટ પડી ચૂકી હતી ત્યારે નિશ્ચિંત થઈને ફટકાબાજી કરી અને ૧૭૫ રન (પેલી જૂની હિન્દી કૉમેન્ટરીની ભાષામાં કહીએ તો) નાબાદ બનાવ્યા.

જો તમારું બ્રેઇન વૉશ કરી દેવામાં આવ્યું હોય તો તમે માનશો જ નહીં, બૉસ, શું ફેંકો છો? પહેલી ઑવરથી ઠિચુકઠિચુક રમનારા શરૂઆતના ધૂરંધર બૅટ્સમેનો ન ચાલ્યા અને નવમી વિકેટની ભાગીદારીમાં આટલા રન થાય? અને કપિલ દેવ તો બૉલર હતો ને? તમે તેને બૅટ્સમેન બનાવી દીધો? તમે તો ઇતિહાસ સાથે ચેડા કરો છો. તમે ઇતિહાસનું ભગવાકરણ કરો છો.

તમે સંશોધકને પડકાર ફેંકશો કે તમે જે કહો છો તેનું પ્રમાણ શું? આજકાલ તો વિડિયો જ પ્રમાણ લેખાય છે. એટલે તમે કહેશો, મને તેનો વિડિયો બતાવો. પરંતુ સંશોધક તેમ નહીં કરી શકે કારણકે આ મેચ જે દિવસે રમાઈ તે ૧૮ જૂન ૧૯૮૩ના દિવસે જ તાકડે બીબીસીના કર્મચારીઓ હડતાળ પર હતા. તેથી તેનો વિડિયો રેકૉર્ડ જ ન થઈ શક્યો!

માનો કે તમે આ વાત સ્વીકારી લો છો પરંતુ ત્યાર બાદ આ સંશોધક તમને આગળ કહે કે તમને ખબર છે? માત્ર ૧૬ વર્ષના નવયુવાન સચીને અબ્દુલ કાદિરને પહેલી જ મેચમાં ધોઈ નાખ્યો હતો? ચાર છગ્ગા ઝુડી નાખ્યા હતા! તો, ખોટો ઇતિહાસ ભણેલા એવા તમે કહેવાના, જાવ, જાવ! ગપ્પા ન મારો. અબ્દુલ કાદિરની તો બૉલિંગ સ્ટાઇલ જ એવી હતી કે ભલભલા ભારતીય બૅટ્સમેનને ચક્કર આવી જતા અને તમે એમ કહો છો કે એક છોકરડા જેવા સચીને તેને પહેલી જ મેચમાં ઝુડી નાખેલો! તો સંશોધક તમને વિડિયો બતાવશે, પરંતુ તમારું મગજ એટલું બ્રેઇન વૉશ થઈ ગયેલું હશે કે તમે કહેશો કે આ વિડિયો તો ફૅક છે, એડિટેડ છે.

થોડી વધુ કલ્પના કરો. ભારતના તમામ સ્ટેડિયમનાં નામ અને ભારતની તમામ ટુર્નામેન્ટનાં નામ ભારતના કોઈ ખેલાડી પરથી નહીં, પરંતુ પાકિસ્તાન, વૅસ્ટ ઇન્ડિઝ, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ વગેરે દેશોના ખેલાડીઓનાં નામ પરથી વર્ષોથી રખાયેલાં છે. તમારી સમક્ષ કહેવામાં આવ્યું છે કે આ લોકો મહાન ક્રિકેટરો હતા. આપણી સંસ્કૃતિ તો ગંગાજમના તહેઝીબ છે. વિદેશનું પણ સારું આપણે સ્વીકારીએ છીએ. પરંતુ બીસીસીઆઈમાં જો કોઈ એવો જાણકાર વ્યક્તિ આવે અને તે આ નામોને બદલીને ભારતના ખેલાડીઓ પરથી કરશે તો તમારી સહજ દલીલ, માનસિક રીતે નબળા હોવાથી, હશે કે નામ બદલવાથી શું ફરક પડશે? ભારતીય ક્રિકેટરોને પૈસા વધુ મળશે? આપણને દર્શક તરીકે પૈસાવસૂલ આનંદ મળશે? ભારતની ટીમ દેશ અને વિદેશ બધે જ જીતવા લાગશે? (સ્ટેચ્યૂ ઑફ યૂનિટી સંદર્ભે પણ આવા જ પ્રશ્નો થઈ રહ્યા છે કે એક પ્રતિમા પાછળ આટલો ધૂમાડો કરવાની શું જરૂર?)

તેની સામે દલીલ એ છે કે ભારતીય ખેલાડીઓનાં નામ પરથી સ્પર્ધાના કે સ્ટેડિયમનાં નામ પડે તો કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન થશે કે આ ખેલાડીના નામ પરથી સ્પર્ધા કે સ્ટેડિયમનું નામ કેમ રાખવામાં આવ્યું? તેણે એવી કેવી મહાન રમત રમી? ત્યારે તેને જાણવા મળશે કે સુનીલ ગાવસ્કર તો દસ હજાર રન ફટકારનાર પહેલા ટેસ્ટ ક્રિકેટર હતા. તેમનો રેકૉર્ડ પણ સચીન તેંડુલકરે જ, એક ભારતીયએ જ તોડ્યો. વિરાટ કોહલી વન-ડેમાં દસ હજાર રન સૌથી ઝડપથી કરનાર વિશ્વનો પહેલો ખેલાડી બન્યો. કપિલ દેવે કપ્તાન તરીકે ભારતને પહેલી વાર વિશ્વ કપ જીતાડેલો. તે વિશ્વનો બીજો બૉલર બન્યા જેણે ૪૦૦ વિકેટ લીધેલી. તેઓ પહેલા ટેસ્ટ ખેલાડી બન્યા જેણે ૪,૦૦૦ કરતાં વધુ રન પણ કર્યા અને ૪૦૦ વિકેટ પણ લીધેલી.

આ હકીકતો જાણવાથી એક ભારતીય તરીકે તમારું શીશ ગર્વથી ઉન્નત થશે. તમને આ ખેલાડીઓની ખૂબી વિશે, તેઓ કઈ રીતે સંઘર્ષમાંથી આગળ આવ્યા તે બધું જાણવાની ઈચ્છા થશે. તમે તેમનામાંથી પ્રેરણા લેશો. જો તમે દર્શક હશો તો પણ તમને થશે કે ભારત ક્રિકેટની બાબતમાં પણ અગ્રેસર છે.

એટલે જ, હવે કોઈ તમને કહે કે નામમાં શું રાખ્યું છે તો સંયમિત રીતે પણ મક્કમતાથી ઉત્તર આપજો, બધું જ.

You may also like

2 comments

કમલેશભાઈ મહેતા 11/11/2018 - 8:09 PM

ક્રિકેટ ના માધ્યમમાંથી તુલના એટલે સરળ અને સાહજીક શૈલી લાગી … આજ સુધી તુલના માટે સચોટ- ધારદાર-માર્મિક-ઉચ્ચ- પ્રભાવિ- વગેરે વગેરે લખવુ પડે …પણ આજે આ નવો શબ્દપ્રયોગ ‘સાહજીક’ તમને આપ્યો સાથે શૈલી બનાવો મતલબ આસમજ આપવા નુ સચોટ માધ્યમ છે…વાચક જલદી + સહજ રીતે સ્વીકારી લેશે …😊 😊

Reply
Jaywant Pandya 12/11/2018 - 11:31 AM

આભાર જી.

Reply

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.