Home » ઉપેન્દ્ર ત્રિવેદી: અભિનયની બેડલી અંતે બૂડી ગઈ!

ઉપેન્દ્ર ત્રિવેદી: અભિનયની બેડલી અંતે બૂડી ગઈ!

by Jaywant Pandya

તેમને ટ્રેજેડી કિંગ દિલીપકુમારની ઉપમા અપાય છે, પરંતુ ખરેખર તો તેમને રાજ કપૂરની ઉપમા આપવી વધુ યોગ્ય રહે કારણ તેમના મોટા ભાઈ ભાલચંદ્રભાઈના દીકરા કૌસ્તુભ ત્રિવેદી જાણીતા નાટ્યકર્મી. પોતે તો ‘અભિનય સમ્રાટ’ ખરા જ. નાટક અને ફિલ્મ બંને ક્ષેત્રે ગુજરાતીના કોઈ અભિનેતા તેમની તોલે ન આવી શકે અને નાના ભાઈ અરવિંદ ત્રિવેદીએ તો બીજું કંઈ નહીં ને ‘રામાયણ’ના લંકેશનું પાત્ર જ ભજવ્યું હોત તો પણ અસ્મરણીય બની રહ્યા હોત. પણ બીજી દૃષ્ટિએ વિચાર કરતાં તેમને દક્ષિણના એમ.જી. રામચંદ્રનની ઉપમા આપવાનું પણ મન થાય છે જેઓ માત્ર ફિલ્મોમાં જ સફળ નહોતા પણ રાજકારણી તરીકે પણ સફળ રહ્યા હતા. આપણા આ ગુજરાતી મહાનાયક પણ બે વાર ભીલોડાના ધારાસભ્ય, એક વાર કૉંગ્રેસે ટિકિટ ન આપી તો અપક્ષ ઊભા રહીને પણ જીત્યા અને ૨૦૦૦થી ૨૦૦૨ કે ૨૦૦૩ સુધી વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા. તેઓ રાજ્યકક્ષાના પ્રધાન પણ રહી ચુક્યા હતા. વાત ઉપેન્દ્ર ત્રિવેદીની છે જેમનું ગત ૪ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ મુંબઈમાં ૭૯ વર્ષની વયે નિધન થયું.

પણ દોમ દોમ સાહ્યબી, અત્યંત લોકપ્રિયતા (લોકપ્રિયતા કેવી તેનાં બે જ ઉદાહરણ: ફિલ્મ રાણકદેવી-રાખેંગારનાં શૂટિંગ વખતે ઉપેન્દ્રભાઈ રાખેંગારનાં પાત્રમાં. રાખેંગાર જ્યારે સોમનાથની આરતી ઉતારીને બહાર આવે છે ત્યારે સિદ્ધરાજ જયસિંહ તેને પડકારે છે. ત્યારના સંવાદો બાદ ત્યાં દૂર ઉભેલી અમુક આહિર બહેનોએ ઉપેન્દ્રભાઈના ઓવારણાં લીધા. તેમાં એક વૃદ્ધ માજીને ઉપેન્દ્રભાઈ પગે લાગવા ગયો. તો તેમણે કહ્યું, “અમારે મન તું ઉપેન્દ્ર ત્રિવેદી નહીં, રાખેંગાર જ છો.” બીજું ઉદાહરણ : એક વાર અગાઉથી જાણ કર્યા વગર સુરેન્દ્રનગરમાં તરણેતરના મેળામાં ગયા. ત્યાં એટલી ભીડ ઉમટી પડી કે પોલીસ બોલાવવી પડેલી!), ફિલ્મ અને નાટક સાથે ખૂબ નિકટથી જોડાયેલો પરિવાર, રાજકારણમાં ટોચ સુધીની સફર…આ બધા છતાં ધરતી સાથે જોડાયેલા રહેવું, ધારાસભ્ય તરીકે ન રહ્યા છતાં પોતાના મતવિસ્તારમાં લોકકલ્યાણનાં કામો કરતાં રહેવા, ગુજરાતી ભાષા અને સાહિત્ય સાથે ગર્ભનાળ જેવો સંબંધ સાચવી રાખવો, અને સાથે ઊંચું તત્ત્વચિંતન…આ જેવી તેવી વાત નથી.

એક વાર પોતે ચૂંટણીના ગળાડૂબ કામોમાં હતા તેવા સમયે ભાલચંદ્રભાઈને હાર્ટએટેક આવ્યો. ઉપેન્દ્રભાઈ અને અરવિંદભાઈને તાબડતોબ આવી જવા સંદેશો મળ્યો. બધું છોડીને બંને ભાઈઓ મુંબઈ આવ્યા. મોટા ભાઈને હૉસ્પિટલ પહોંચાડ્યા. ખડેપગે સેવા કરી. ભાલચંદ્રભાઈને પિતા સમાન ગણે. તેમનો બોલ ક્યારેય ઉથાપે નહીં. એટલે જ કહેવું પડે કે ઉપેન્દ્ર ત્રિવેદી ઊંચા ગજાના કલાકાર જ નહોતા પરંતુ મહામૂલા માનવ પણ હતા! પણ આ ઉપેન્દ્રભાઈ જો કોલેજની ફી ભરવા નાટકપ્રવૃત્તિમાં ન જોડાયા હોત, જો સંજય ખાન અને લીના ચંદાવરકરના મતભેદો ન હોત અને તેના કારણે રવીન્દ્ર દવેની હિન્દી ફિલ્મ બની ગઈ હોત તો ગુજરાતી ફિલ્મોને તેના અભિનય સમ્રાટ કદાચ ન મળ્યા હોત!

અભિનય સમ્રાટ તરીકે જાણીતા બનેલા ઉપેન્દ્રભાઈનો જન્મ ૧૪ જુલાઈ, ૧૯૩૭ના રોજ ઇન્દોરમાં થયો. વતન સાબરકાંઠા જિલ્લાના ઈડરનું કુકડિયા ગામ.  ઉજ્જૈનમાં શિક્ષણ લીધું. કોઈકના મતે તેમના વતન કુકડિયામાં પ્રાથમિક શિક્ષણ લીધાની પણ વાત છે. તેમના અને અન્ય ભાઈઓના ચરિત્ર ઘડતરમાં તેમનાં માતા કમળાબાનો મોટો હાથ હતો. ઈડરમાં ઔદિચ્ય પિસ્તાળીસ બ્રાહ્મણ જ્ઞાતિની સંસ્થા લોક ક્રાંતિના ઉપક્રમે યોજાયેલી સ્પર્ધામાં ‘કહ્યાગરો કંથ’ નાટક ભજવ્યું તે સંભવતઃ તેમનં પહેલું નાટક હતું અને તેમાં તેમણે વૃદ્ધની ભૂમિકા ભજવી હતી!  ઉજ્જૈનમાં રામલીલા ભજવાતી તે જોઈને ઘરે આવીને ત્રણેય ભાઈઓ ઘરે રામલીલા કરતા, તેમાં ઉપેન્દ્રભાઈ રામ બનતા અને અરવિંદભાઈ રાવણ! શાળા જીવનથી જ અન્યાય સામે વિરોધ કરતા. એક વાર આચાર્યએ તેમને નેતરની સોટી ફટકારી અને તેમના સમર્થનમાં હડતાળ પડી હતી. આમ, નાટક અને રાજકારણ બંને ક્ષેત્રોના ગુણો નાનપણથી જ હતા.

૧૯૫૫માં મોટા ભાઈએ તેમને મુંબઈ ભણવા બોલાવી લીધા અને સિદ્ધાર્થ કૉલેજ ઑફ કોમર્સમાં ઍડ્મિશન લીધું. પિતાજીને લકવાનો હુમલો આવતાં નાની વયથી જ ઘર ચલાવવાની જવાબદારી ભાઈઓ પર આવી પડી હતી. એટલે કૉલેજની ફી ભરવા નાટ્યજગતમાં પગરણ માંડ્યાં હતાં. ભારતીય વિદ્યા ભવન દ્વારા આયોજિત આંતર કૉલેજ નાટ્ય સ્પર્ધામાં તેમના નાટક ‘ભીતરમાં વહેણ’ને પ્રથમ ઈનામ મળ્યું. તો ૧૯૫૯માં આંતરભાષી નાટ્ય સ્પર્ધામાં પણ તેમણે મેદાન માર્યું અને વિજયપદ્મ જીત્યું. ઝવેરચંદ મેઘાણીની નવલકથા ‘વેવિશાળ’ને તેમણે સફળતાપૂર્વક રજૂ કર્યું અને ‘અભિનય સમ્રાટ’માં અત્યાધુનિક રિવોલ્વિંગ સ્ટેજ સાથે સાત-સાત ભૂમિકા કરી. ઉપેન્દ્રભાઈએ કરેલાં નાટકોમાં ઉલ્લેખનીય ‘મૃચ્છકટિકમ્’, ‘શાહજહાં’, ‘પૂર્ણિમા’, ‘કવિ દયારામ’, ‘મેજર ચંદ્રકાંત’, ‘વેવિશાળ’, ‘પારિજાત’, ‘સંધ્યાકાળે પ્રભાતફેરી’, ‘એક સોનેરી સવારે’, ‘કથા તારી વ્યથા મારી’, ‘રેતીનાં રતન’, અને ‘કંચન કથીર ભયો’નો સમાવેશ થાય છે. ‘રતન ગિયું રોળ’ તેમનું છેલ્લું નાટક બની રહ્યું જેના તેમણે ગત વર્ષના મે-જૂન મહિનામાં રાજકોટ-ભાવનગર ખાતે શો કર્યા હતા. તેમાં તેમનો એકપાત્રીય અભિનય હતો.

જોકે નાટકમાં પેટ ભરાય તેટલી આજીવિકા મળતી નહોતી. એટલે તેમણે નોકરીઓ ક્યાં ક્યાં ન કરી? કારખાનાઓમાં નાઇટશિફ્ટ કરી, લોખંડના કારખાનામાં રિવેટિંગનું કામ કર્યું, ફુગ્ગાની ફૅક્ટરીમાં કામ કર્યું, છત્રી બનાવવાના કારખાનામાં કચરાપેટી પણ ઉઠાવી…ત્યાંથી લઈ આકાશવાણી અને અખંડ આનંદ સામયિકમાં નોકરી કરી. જોકે ‘અભિનય સમ્રાટ’ને સફળતા મળ્યા પછી આકાશવાણીમાં નાટ્ય વિભાગના વડા તરીકેની નોકરી છોડી દીધી.

૧૯૬૦માં ‘કાદુ મકરાણી’થી ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે નાનકડી ભૂમિકા દ્વારા પ્રવેશ કર્યો. જોકે બાદમાં ૧૯૭૩માં આવેલી બીજી આ જ નામની ફિલ્મમાં તેઓ હીરો બન્યા હતા. પણ ખરી સફળતા મળી ૧૯૭૧માં આવેલી ‘જેસલ તોરલ’ ફિલ્મથી. આ ફિલ્મમાં ‘તારી બેડલીને બૂડવા નહીં દઉં’ ગાનાર ગાયિકા દિવાળીબહેન ભીલને વર્ષો બાદ મળ્યા ત્યારે બંનેની આંખો આંસુથી છલકાઈ ગઈ અને ઉપેન્દ્રભાઈએ દિવાળીબહેનને કહ્યું, ‘તારી બેડલીને બૂડવા નહીં દઉં’. ‘જેસલ તોરલ’માં કેટલું મહેનતાણું મળ્યું હશે કલ્પના કરી શકો છો? માત્ર રૂ. ૫૦૦! ફિલ્મે રજત જયંતિ જોઈ એટલે બીજા રૂ. ૫૦૦ આપવામાં આવ્યા હતા! ૩૦ ફિલ્મ પછી આ મહેનતાણું રૂ.૧૦,૦૦૦એ પહોંચ્યું હતું.

૧૯૭૩માં આવેલી ‘રાજા ભરથરી’માં ભરથરી અને પીંગળા બનેલા ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની સફળ જોડી બની અને અંદાજે ૩૬ ફિલ્મોમાં તેણે સાથે કામ કર્યું. ‘રાજા ભરથરી’નો લોકો પર એવો જાદુ હતો કે ‘ભિક્ષા દે ને મૈયા પીંગળા’ ગીત આવતું ત્યારે થિયેટરમાં લોકો ઊભા થઈને દસિયા-વીસયાનો ઘા કરતા. પછી તો ૧૯૮૫ સુધી કાન પર વાળ, કસદાર કેડિયું, ચોળણી ને હાથમાં પાવા હારે ફાટફાટ જુવાની થતા ઘેઘૂર અવાજવાળા ઉપેન્દ્ર ત્રિવેદી અને ચટકદાર ચોળી ને કેડે કંદોરો બાંધતા, લટું કાઢતાં સ્નેહલતાની જોડીએ દર્શકોના દિલ પર રાજ્ય કર્યું. ઉપેન્દ્ર-સ્નેહલતા-રમેશ મહેતા ને સંગીતકાર અવિનાશ વ્યાસ, ગાયક પ્રફુલ દવેની ટીમ બની ગઈ હતી જેના દ્વારા ઉપેન્દ્રભાઈએ એક પછી એક સુપરહિટ ફિલ્મો એવી આપી કે એ સમય ગુજરાતી ફિલ્મોનો સુવર્ણયુગ તરીકે આલેખાય છે અને બીજા શબ્દોમાં તેને ઉપેન્દ્ર ત્રિવેદીનો યુગ પણ કહેવાય છે. તેમણે ‘રાણકદેવી’, ‘હરિશ્ચંદ્ર તારામતી’, ‘હોથલ પદમણી’, ‘શેતલને કાંઠે’, ‘ભાદર તારા વહેતાં પાણી’, ‘રા’નવઘણ’, ‘ચૂંદડીનો રંગ’, ‘માલવપતિ મુંજ’, ‘સંતુ રંગીલી’, ‘વીર માંગડાવાળો’, ‘મનનો માણીગર’, ‘સદેવંત-સાવળિંગા’, ‘સોન કંસારી’, ‘ચૂંદડી ઓઢી તારા નામની’, ‘પાતળી પરમાર’, ‘વેરની વસૂલાત’ (જેમાં તેમની બેવડી ભૂમિકા હતી), ‘ગરવો ગરાસિયો’, ‘જોગીદાસ ખુમાણ’, ‘મચ્છુ તારા વહેતાં પાણી’, ‘સાજણ-સોનલદે’, ‘ચીતડાનો ચોર’, ‘માનવીની ભવાઈ’ અને ‘રેતીના રતન’ જેવી સફળ-યાદગાર ફિલ્મો આપી. ‘માનવીની ભવાઈ’ માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. તેમણે ‘કેટલો સારો મારો વર’ અને ‘માબાપને ભૂલશો નહીં’માં ચરિત્ર ભૂમિકાઓ પણ કરી.

તેમના પર ફિલ્માવાયેલાં કે તેમની ફિલ્મોનાં ગીતો આજે પણ યાદગાર છે અને નવરાત્રિ-લગ્ન જેવા પ્રસંગોએ અચૂક વગાડાય છે. આ ગીતોમાં કેટલાંક: ધૂણી રે ધખાવી (જેસલ તોરલ- ગીત અરવિંદભાઈ ત્રિવેદી પર ફિલ્માવાયું હતું), ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે (રાણકદેવી), તારી માને બજરનું બંધાણ (હોથલ પદમણી), રૂડીને રંગીલી રે વહાલા તારી વાંસળી (શેતલને કાંઠે),  તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે (વીર માંગડાવાળો), જોડિયા પાવા વાગે જુવાન તારા (મનનો માણીગર), તમારા દલડાને વારો મારા રે સમ વારો જી રે (સોન કંસારી), તમે કિયા તે ગામના ગોરી રાજ (સોન કંસારી), ચંદ્ર ઉગ્યો આકાશ (વેરની વસૂલાત), એકલી આ એકવીસ માટે કેમ કરીને રાંધું (વેરની વસૂલાત), ઓલી કુંજલડી લઈ આવી વાત (વેરની વસૂલાત), સવા બશેરનું દાતરડું રે લોલ (ફિલ્મ ?), ‘જુરી મરીએ રે અમે જુરી મરીએ (પાતળી પરમાર), માડી હું તો બાર બાર વર્ષે આવ્યો રે (પાતળી પરમાર), એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી (માલવપતિ મુંજ), મારી સેથી તણો શણગાર ગરવો ગરાસિયો (ગરવો ગરાસિયો), લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે (નવરંગ ચૂંદડી), મારે આંગણિયે તલાવડી છબછબિયાં પાણી (નવરંગ ચૂંદડી), પ્રેમનાં બાણ વાગ્યાં (નવરંગ ચૂંદડી), ઓ રંગ રસિયા (ભાદર તારા વહેતાં પાણી), સોના વાટકડી રે (ભાદર તારા વહેતાં પાણી), કાંકરીના માર્યા કદી ન મરીએ (ભાદર તારા વહેતાં પાણી), કેમ કરીએ રે અમે કેમ કરીએ (ભાદર તારા વહેતાં પાણી), એકે લાલ દરવાજે તંબુ તાણીયા (સંતુ રંગીલી), રાત છે વરસાદ ને મોસમ મસ્ત છે (સંતુ રંગીલી), મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી (સંતુ રંગીલી), બોલો પ ફ બ ભ (સંતુ રંગીલી)…ગીતોની યાદી લાંબી છે.

યથાર્થ રીતે જ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત એવા ઉપેન્દ્રભાઈએ ધર્મ અને નૈતિક મૂલ્યોની કથા કહેતી ફિલ્મો વધારે કરી. તેઓ પોતે પણ માનતા કે ધર્મ એ આપણા દેશનો પ્રાણ છે. ધર્મને તેઓ સંકુચિત અર્થમાં નહોતા લેતા. સંસ્કારમય જીવન જીવવું અને પર્યાવરણની કાળજી કરવી તે ખરો ધર્મ છે. એટલે જ કદાચ મોરારીબાપુએ તેમના માટે ‘કલાજગતની ચેતના’ એવું વિશેષણ વાપર્યું. પોતે વટ ને વચનની ફિલ્મો વધારે કરી તેની ટીકા થતી ત્યારે તેમનો એવો જ વટવાળો જવાબ રહેતો: પાળિયામાં શિલ્પ ન જોવાના હોય, બલિદાન જોવાનાં હોય! ગુજરાતી ભાષા વિશે તેમણે કહેલું : સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી મધુરા વાણી. ગત મે મહિનામાં સુરતમાં ડાયમંડ એસો.ના કાર્યક્રમમાં આવેલા ત્યારે તેમણે કહેલું: વિક્રમાદિત્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય પછી જો કોઈ સક્ષમ નેતાનો ઉદય થયો હોય તો તે નરેન્દ્ર મોદી છે. ઉપેન્દ્રભાઈના પરિવારમાં તેમનાં પત્ની શારદાબહેન અને બે દીકરા આશીષ અને હેમંત છે. આશીષભાઈ નાટ્ય નિર્માણ સાથે સંકળાયેલા છે જ્યારે હેમંતભાઈ સંગીત સાથે.

જો આપણા હાથમાં હોત તો ‘રાજા ભરથરી’ના ‘ભિક્ષા દેને મૈયા’ ગીત પહેલાંના શબ્દો કહેત:

અભિનયના પ્રભુ, પાછા પધારો તો કાળજાની મોજડીયું કરાવીને પહેરાવીશ. તમારી પીંગળા (દર્શકો) તમને પોકારે છે, મહારાજ!

(પ્રસ્તુત લેખ ગુજરાત ગાર્ડિયન દૈનિકની શુક્રવારની પૂર્તિમાં તા.૯/૧/૫ના રોજ છપાયો)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment