Home » ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

by Jaywant Pandya

(ભાગ-૭)

૧૯૬૫ના પાકિસ્તાન સામેના યુદ્ધ પછી ભારતને રાજદ્વારી રીતે (મંત્રણાના ટેબલ પર) જબરદસ્ત નુકસાન થયું હતું. ભારત રણમેદાનમાં તો જીત્યું, પરંતુ તે ન તો પોતાનું ગુમાવેલું કાશ્મીર (જેને પાકિસ્તાન આઝાદ કાશ્મીર કહે છે) પાછું મેળવી શક્યું કે ન તો જીતેલી બે ચોકી મેળવી શક્યું. પરંતુ એક સારી વાત એ બની કે કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સમુદાયનો રસ પ્રમાણમાં ઓછો થયો (જોકે વર્ષોવર્ષ તેઓ કાશ્મીર મુદ્દે મધ્યસ્થી બનવાની વાતો તો કરતા જ રહ્યા).

બીજી તરફ, પાકિસ્તાને અમેરિકા સાથે સૈન્ય જોડાણ કરવાનું મંજૂર કરતાં ભારતના ગૃહ પ્રધાન જી. બી. પંતે ઇ. સ. ૧૯૫૫માં જ જઈને સ્પષ્ટ ઘોષણા કરી દીધી હતી કે ભારત હવે જનમત નહીં કરાવે!  (ભારતની આ આડોડાઈ જ હતી કેમ કે તેણે સંયુક્ત રાષ્ટ્રોમાં આ વાત મંજૂર રાખી હતી પરંતુ પાકિસ્તાન અમેરિકા પડખે ચડી રહ્યું હતું અને ભારતમાં સૈન્ય કાર્યવાહી દ્વારા બચેલા કાશ્મીરને બથાવવા માગતું હતું તેની સામે ભારતે જે કર્યું તે બરાબર જ કર્યું.)

ગયા હપ્તે કહ્યું તેમ, ૮ ડિસેમ્બર ૧૯૬૭ના રોજ શૈખ અબ્દુલ્લાને જેલમાંથી મુક્ત કરાયા, પણ હવે તેમની ચાહના ઘટી હતી. ૧૯૬૭માં રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે નેશનલ કૉન્ફરન્સને પછાડી ૬૧ બેઠક મેળવી વિજય મેળવ્યો હતો. પ્લેબિસાઇટ ફ્રન્ટની ભારત વિરોધી પ્રવૃત્તિ ચાલુ જ હતી. ૧૯૬૮માં શૈખ અબ્દુલ્લાએ પ્લેબિસાઇટ ફ્રન્ટના નેજા હેઠળ રાજ્યના લોકોની સભા યોજી અને એ બતાવવા પ્રયાસ કર્યો કે કાશ્મીર મુદ્દો જીવંત જ છે.

૧૪ જાન્યુઆરી, ૧૯૭૧ના રોજ પ્લેબિસાઇટ ફ્રન્ટ પર કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે પ્રતિબંધ મૂકી દીધો. તે વખતે જવાહરલાલ નહેરુનાં પુત્રી અને નહેરુ કરતાં અનેકગણા મજબૂત ગણાતાં ઈન્દિરા ગાંધી વડાં પ્રધાન બની હતાં.

દરમિયાનમાં જમ્મુ-કાશ્મીરમાં ૧૨ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ મુખ્યપ્રધાન જી. એમ. સાદિકનું અવસાન થયું. તેમના સ્થાને સૈયદ મીર કાસીમ મુખ્યપ્રધાન બન્યા. તેઓ પણ શૈખ અબ્દુલ્લાના કુળના જ હતા. (અરવિંદ કેજરીવાલને ઉપદ્રવી ગૌત્રના કહેવાયા ત્યારે જેમ ઊંધો અર્થ કઢાયો હતો તેમ અહીં ઊંધો અર્થ ન કાઢવો, કુળના એટલે વિચારધારાના) અબ્દુલ્લાએ મહારાજા હરિસિંહ સામે કાશ્મીર છોડો આંદોલન આદર્યું ત્યારે તેમાં કાસીમે ભાગ લીધો હતો અને તેઓ જેલમાં પણ જઈ આવ્યા હતા. ભારતની સ્વતંત્રતા પછી કાશ્મીર માટે અલગ બંધારણ ઘડાયું ત્યારે તેને ઘડવામાં કાસીમની અગ્ર ભૂમિકા હતી. તેમણે રાજ્યમાં કૉંગ્રેસને આગળ લાવી.

સૈયદ મીર કાસીમે આત્મકથા જેવું પુસ્તક ‘માય લાઇફ એન્ડ ટાઇમ્સ’માં લખ્યું છે કે “બંધારણના મુસદ્દાને અંતિમ ઓપ આપવામાં વિલંબકારી પરિબળોમાં કેટલાંક હતાં: શૈખ અબ્દુલ્લા પાગલ જેવા હતા. તેમના કેન્દ્ર સાથે (એટલે કે નહેરુ સાથે) સંબંધો સતત બદલાતા રહેતા. અમારા પણ તેમની સાથે મતભેદો હતા. તેમની ધરપકડ થઈ.” સૈયદ મીર કાસીમ મુજબ, શૈખ અબ્દુલ્લાને બદનામ કરવાનું કાવતરું તેમના પછીના નાયબ વડા પ્રધાન (અગાઉ લખ્યા મુજબ, પહેલાં કાશ્મીરમાં વડા પ્રધાનનો હોદ્દો હતો) બક્ષી ગુલામ મોહમ્મદ કેન્દ્ર સરકાર સાથે મળીને ઘડી રહ્યા હતા. શૈખની ધરપકડ થઈ પછી બક્ષીને જ કાશ્મીરના નવા વડા પ્રધાન (હકીકતે મુખ્યપ્રધાન) બનાવવામાં આવ્યા હતા. કાસીમ લખે છે કે શૈખ અબ્દુલ્લાની ધરપકડના કારણે કાશ્મીરની પ્રજામાં જબરદસ્ત રોષ હતો. બક્ષીનું ઘર પણ હુમલાખોરોના નિશાન પર આવી ગયું હતું.

કાસીમ એક બીજો ચોંકાવનારો ઘટસ્ફોટ એ પણ કરે છે કે શૈખની ધરપકડ નહેરુના ઈશારે નહોતી થઈ, પરંતુ તત્કાલીન ખાદ્ય અને કૃષિ પ્રધાન રફી એહમદ કિડવાઈના ઈશારે થઈ હતી. જ્યારે રાજ્ય આખામાં શૈખની ધરપકડ ઉચિત છે અને ધરપકડ પાછળ કયાં કારણો છે તે સમજાવવાનું કામ બક્ષી કરી રહ્યા હતા ત્યારે અચાનક એક રાત્રે દિલ્હીથી ફોન આવ્યો અને તેમાં કહેવાયું કે શૈખસાહેબ સાથે સમાધાન કરી લો. જોકે નહેરુની ઈચ્છા વગર ત્યારે પાંદડું પણ હલતું હોય તે કલ્પવું અઘરું લાગે છે.

કાસીમ લખે છે કે બક્ષીસાહેબ તો સ્તબ્ધ બની ગયા! પ્રજામાં શૈખની ધરપકડ સામે રોષ પ્રવર્તતો હોય અને બક્ષી તેનાં કારણો પ્રજાને ગળે ઉતારવા પરસેવો પાડી રહ્યા હોય તેવા વખતે આદેશ મળે કે શૈખ સાથે સમાધાન કરી લો તો માણસ આઘાત જ પામી જાય ને. (માનો કે કાસીમનો આ બચાવ સાચો હોય તો પણ એ વડા પ્રધાન કેવા કહેવાય કે તેમના મંત્રી તેમની સંમતિ વગર જ ધરપકડનો આદેશ આપી દે અને તે પણ વડા પ્રધાનને અત્યંત વહાલી એવી વ્યક્તિની ધરપકડ?)

નહેરુને શેખ કેવા વહાલા હતા તેનું ઉદાહરણ આપતા કાસીમ લખે છે કે બક્ષી ગુલામ મોહમ્મદે આર. સી. રૈનાને અંગત સચિવ તરીકે નિમ્યા હતા. નહેરુએ આ વ્યક્તિની નિમણૂકનો વિરોધ કરતો પત્ર લખ્યો હતો. તેમના મત મુજબ, આ રૈના સારી પ્રતિષ્ઠા ધરાવતા નહોતા અને સૌથી વધુ તો, તેઓ શૈખના દુશ્મન હતા! (અત્યારે અરવિંદ કેજરીવાલ વિ. લેફ્ટ. જંગ અને કેન્દ્રનો જંગ ચાલે છે ત્યારે આ બાબત પણ નોંધવા જેવી છે કે નહેરુ અંગત સચિવની નિમણૂકમાં પણ હસ્તક્ષેપ કરતા હતા)

જ્યારે શૈખ સાથે સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા હતા ત્યારે બક્ષીએ સાદિક (તેમના પછીના મુખ્યપ્રધાન) અને કાસીમને સમજાવ્યું કે તમે જો એમ માનતા હો કે શૈખ સુધરી જશે તો તમે ભૂલ કરો છો. એક પત્ર બતાવ્યો. તે શૈખનો હતો. આ પત્ર પાકિસ્તાનના કોઈ ગુલામ રસૂલને મોકલવામાં આવ્યો હતો. તેમાં લખાયું હતું: “અમે બે કાતર અને અન્ય સાધનો ઝાડ કાપવા માટે મોકલી રહ્યા છીએ. આ સાધનો સાથે બગીચામાં સારી કાટછાંટ કરજો.” મતલબ કે, શૈખ તેમના સાથીઓની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા. આ જ પત્ર બાદમાં શૈખ સામે જે કાશ્મીર કોન્સ્પિરસી કેસ (જેના વિશે આપણે ૧૭ મે ૨૦૧૫ના લેખમાં લખી ગયા)માં પુરાવો બન્યો.

સૈયદ મીર કાસીમ લખે છે કે રેડિયો પાકિસ્તાન અને રેડિયો આઝાદ કાશ્મીર પણ કાશ્મીરના લોકોને ભડકાવવામાં ભાગ ભજવી રહ્યો હતો. હઝરતબાલમાંથી વાળ ચોરાઈ ગયો ત્યારે હિંસા ભડકાવવા તેમજ આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ગજવવા માટે આ બંને રેડિયો સ્ટેશનોએ મોટી ભૂમિકા ભજવી હતી. ભારતના હિન્દુ શાસકો સામે જેહાદ છેડવાનું આહવાન પણ કરાયું હતું.  (પાકિસ્તાન સહિત) છ મુસ્લિમ દેશો તેમજ સંયુક્ત રાષ્ટ્રોના હસ્તક્ષેપ માટે વિનંતી કરાઈ રહી હતી. સીબીઆઈ ડિરેક્ટરે કાસીમને વાળની ચોરી અંગે પૂછ્યું ત્યારે જે પાંચ સંકેતો તેમણે આપ્યા હતા તેમાંનો એક હતો કે શૈખે જેલમાં બેઠા આ ચોરી કરાવી છે જેથી તેમને મુક્ત કરવામાં આવે.

શૈખને જ્યારે કાશ્મીર કોન્સિપરસી કેસમાં જેલમાંથી છોડાયા ત્યારે સાદિક અને કાસીમ તેમના નેશનલ કૉન્ફરન્સના સમર્થકો સાથે કૉંગ્રેસમાં ભળી ગયા હતા, કારણકે બક્ષી ગુલામ મોહમ્મદ તેમના સમર્થકો દ્વારા સાદિક અને કાસીમને સતત ઉભડક જીવે રાખી રહ્યા હતા. પરંતુ શૈખે કૉંગ્રેસ માટે બહુ જ મુશ્કેલી પેદા કરી દીધી હતી, ત્યાં સુધી કે કૉંગ્રેસના મુસ્લિમ કાર્યકરો કે તેમના સંબંધીઓનાં મોત થાય તો તેને કબરમાં દફનાવા પણ ન દેવાય. અરે! કાસીમનાં માસીનું મૃત્યુ થયું ત્યારે શૈખના એક સાથી બેગના ભાઈ સાંત્વના આપવા આવ્યા તે પણ શૈખને પસંદ નહોતું પડ્યું. કાસીમ લખે છે કે જો મારી આવી હાલત હોય તો સામાન્ય કાર્યકરોની શું હાલત હશે?

આમ છતાં, જમ્મુ-કાશ્મીરની અને ભારતની જનતાનું દુર્ભાગ્ય જુઓ, શૈખની આટલી બદમાશી છતાં માત્ર નહેરુ જ નહીં, અગાઉના હપ્તામાં લખ્યું તેમ મૃદુલા સારાભાઈ, રામમનોહર લોહિયા, અરે! જયપ્રકાશ નારાયણ પણ ઈચ્છતા હતા કે શૈખનું મહત્ત્વ જળવાઈ રહે. કાસીમે લખ્યું છે કે જેપી તરીકે ઓળખાતા જયપ્રકાશ નારાયણ પણ શૈખથી ભારે મોહિત હતા.

ઉપર કહ્યું તેમ ૧૯૬૮માં શૈખે શ્રીનગરમાં કાશ્મીરના લોકોની સભા બોલાવી હતી અને તેમાં જેપી સહિત બિનકૉંગ્રેસી નેતાઓને બોલાવ્યા હતા. તેનો હેતુ કાશ્મીરના ભારતમાં વિલીનીકરણને નકારવાનો અને જનમતસંગ્રહ અભિયાનને આગળ વધારવાનો હતો! શૈખ પોતે ફરી કાશ્મીરના મુખ્યપ્રધાન બનવા માગતા હતા. જેપી તેમાં હાજર રહ્યા પરંતુ કૉંગ્રેસ, સ્વતંત્ર પક્ષ અને જનસંઘ તેનાથી વેગળા રહ્યા. પ્લેબિસાઇટની ભારત વિરોધી પ્રવૃત્તિઓના કારણે શૈખ અબ્દુલ્લા, અફઝલ બેગ અને જી. એમ. શાહને ૮ જાન્યુઆરી ૧૯૭૧ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી તડીપાર કરાયા અને તે પછી પ્લેબિસાઇટ ફ્રન્ટ પર ૧૨ જાન્યુઆરીએ પ્રતિબંધ મૂકી દેવાયો.

૧૯૭૧ના ડિસેમ્બરમાં પાકિસ્તાનના પૂર્વ ભાગ (હાલના બાંગ્લાદેશ)માં ઉથલપાથલ શરૂ થઈ હતી અને તેના પરિણામે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ યુદ્ધ છેડાયું. આ યુદ્ધ બાદ પાકિસ્તાનના પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો અને ભારતનાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી વચ્ચે સીમલામાં મંત્રણા થઈ. યુદ્ધમાં આપણે સિંધ અને પાકિસ્તાનના પંજાબના દક્ષિણ સહિત ઘણો વિશાળ ભાગ (૧૨ હજાર ચોરસ કિમી) જીત્યો હતો. પાકિસ્તાનના ૯૩ હજાર કેદીઓ આપણા કબજામાં હતા.

પરંતુ તાશ્કંતની જેમ ફરી એક વાર આપણે મંત્રણાના મેજ પર હારી ગયા! આપણા કાશ્મીરનો પાકિસ્તાને ૧૯૪૭માં પચાવી પાડેલો ભાગ પાછો આપવા, આપણા કેદીઓ છોડાવવાની વાત સહિતના મુદ્દે આપણે પાકિસ્તાનને મનાવી ન શક્યા. પી. એન. ધારે ‘ઇન્દિરા ગાંધી: ધ ઇમરજન્સી એન્ડ ઇન્ડિયન ડેમોક્રસી’ પુસ્તકમાં લખ્યું છે કે મંત્રણામાં ભારતીય ટીમની આગેવાની કરી રહેલા ડી. પી. ધાર અચાનક માંદા પડી ગયા અને તેમના સ્થાને પી. એન. હસ્કરે આગેવાની લીધી. તેમણે કાશ્મીર મુદ્દો સંડોવવા આડકતરો પ્રયાસ કર્યો અને સીઝ ફાયરની લાઇન (યુદ્ધવિરામની રેખા)ને લાઇન ઑફ કંટ્રોલ (અંકુશ રેખા) ગણાવવાનો મુદ્દો સામેલ કર્યો જે માટે પાકિસ્તાન (પોતે હારી ગયું હોવા છતાં) તૈયાર નહોતું. ૨ જુલાઈ, ૧૯૭૨ના રોજ મંત્રણા લગભગ પડી ભાંગી જ હતી. પાકિસ્તાનના પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ અગાઉ લાઇન ઑફ કંટ્રોલ ગણવા હા પાડી દીધી હતી જે તેના અધિકારી ફગાવી રહ્યા હતા. પત્રકારો પણ મંત્રણા નિષ્ફળ ગઈ હોવાનું જાહેર કરવા લાગ્યા. ત્યાં ભુટ્ટોએ દાવ ખેલ્યો. તેઓ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીને મળવા ગયા.

અંગત મુલાકાતમાં એવું તે શું જાદુ કર્યું કે ઈન્દિરા ગાંધી તેમની વાત સાથે સંમત થઈ ગયાં! ઈન્દિરાએ બહાર આવીને કહ્યું કે આ જ એક માત્ર શક્ય ઉકેલ છે! આપણા લશ્કરે પોતાના જવાનોને શહીદ કરીને જીતેલા પ્રદેશો બિનશરતી રીતે પાછા આપી દેવાયા!

આપણે સોવિયેત સંઘને આપણું હિતેચ્છુ માનતા રહ્યા અને (આપણાં માધ્યમો, આપણી ફિલ્મોમાં) અમેરિકાને બુરું ચિતરતા રહ્યા, પરંતુ તાશ્કંતમાં સોવિયેતે લુચ્ચાઈ કરી અને ભુટ્ટો- ઈન્દિરા ગાંધીની મંત્રણામાં પણ તેણે પ્રભાવ ઊભો કર્યો. પાકિસ્તાને સેન્ટો (સેન્ટ્રલ ટ્રેટી ઑર્ગેનાઇઝેશન) અને સીએટો (સાઉથ ઇસ્ટ એશિયા ટ્રેટી ઑર્ગેનાઇઝેશન) સાથે સંધિ કરી હતી. ભુટ્ટો એપ્રિલ, ૧૯૭૨માં મોસ્કો જઈને સોવિયેત સંઘ સાથે સોદો કરતા આવ્યા કે પોતે આ સંધિમાંથી નીકળી જશે અને બદલામાં તેણે ભારતને જીતેલા પ્રદેશો પાછા આપી દેવા દબાણ કરવું. તેના પછી તરત ભારતે તેના પ્રતિનિધિઓને મે ૧૯૭૨માં સોવિયેત સંઘ મોકલ્યા હતા. પરંતુ ઈન્દિરા ગાંધી સોવિયેત સંઘની વાત પ્રત્યે બેધ્યાન હોય તેવું દેખાવા માગતા નહોતા. જી. પાર્થસારથીએ ટ્રિબ્યુન ભારતના ‘ધ ટ્રિબ્યુન’ દૈનિકમાં લખેલા લેખ મુજબ, ઈન્દિરા ગાંધી તાશ્કંત મંત્રણાથી સુપેરે પરિચિત હતાં. તે મંત્રણા પછી સોવિયેત સંઘ અને પાકિસ્તાન નજીક આવ્યા હતા અને બંનેએ સૈન્ય સંબંધ શરૂ કર્યા હતા. ગમે તેમ, પણ શાસ્ત્રીની જેમ ઈન્દિરા ગાંધી પણ સોવિયેતના દબાણમાં આવી ગયા હતા.

(ક્રમશઃ)

(મુંબઈ સમાચારની રવિ પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા. ૩૧/૫/૧૫ના રોજ આ લેખ છપાયો).

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯- શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩ કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

You may also like

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.