Home » આફ્રિકા અને એશિયા પર એચઅઠાવનના આક્રમણનો ખતરો

આફ્રિકા અને એશિયા પર એચઅઠાવનના આક્રમણનો ખતરો

by Jaywant Pandya

તાજેતરના એક અભ્યાસ પ્રમાણે, હાલ આફ્રિકા અને એશિયામાં ટાઇફોઇડ તાવનો ખતરો ઊભો થયો છે. આ તાવ એવો છે જેમાં ટાઇફોઇડ માટે અકસીર ગણાતી દવાઓ કામ કરતી નથી. ૧૧ મેએ ‘નેચર જીનેટિક્સ’માં સંશોધકોનો અહેવાલ પ્રકાશિત થયો છે તેમાં આ ચોંકાવનારું તથ્ય બહાર આવ્યું છે. આનો અર્થ એ થયો કે ટાઇફોઇડ સર્જતા બૅક્ટેરિયા હવે ટાઇફોઇડની સારવાર માટે શોધાયેલી દવાને ‘ઘોળીને પી જાય છે’. સ્વાભાવિક છે કે આના પરિણામે સારવારનો ખર્ચ પણ વધશે અને તેનાથી વધુ જટિલતાઓ ઊભી થવા આશંકા છે.

ટાઇફોઇડ સાલ્મોનેલ્લા ટાઇફી નામના અનએરોબિક બૅક્ટેરિયાથી થાય છે. સાલ્મોનેલ્લા સળિયા જેવા આકારના બૅક્ટેરિયાની પ્રજાતિનું નામ છે. આ બૅક્ટેરિયા ઠંડા લોહીવાળા અને હૂંફાળા લોહીવાળા એમ બંને પ્રકારનાં પ્રાણીઓમાં આખા વિશ્વભરમાં જોવા મળે છે. તે પર્યાવરણમાં પણ હોય છે. તેનાથી ટાઇફોઇડ ઉપરાંત પેરાટાઇફોઇડ અને ફૂડ પોઇઝનિંગ પણ થાય છે.

ખાસ કરીને વિકાસશીલ દેશોમાં, ટાઇફોઇડ લોકોના આરોગ્ય માટે મોટો પડકાર છે. અમેરિકાના રોગ નિયંત્રણ અને અટકાવ કેન્દ્રના અંદાજ પ્રમાણે, દર વર્ષે વિશ્વભરમાં ટાઇફોઇડના ૨.૨ કરોડ કેસો થાય છે. પરંતુ આખી દુનિયામાંથી આફ્રિકા અને એશિયા પર ટાઇફોઇડનો વધુ ખતરો ઝળુંબે છે.

સંશોધકોના કહેવા પ્રમાણે, સાલ્મોનેલ્લાનો ક્લોન બન્યો છે જેના પર ટાઇફોઇડની અનેક દવાઓ કોઈ અસર કરતી નથી. આ ક્લોનનું નામ અપાયું છે એચઅઠાવન (H58). આ એચઅઠાવન આફ્રિકા અને એશિયામાં ફરી રહ્યું છે. આફ્રિકામાં સ્થિતિ વધુ ખરાબ છે કારણકે ત્યાં ચેપની સંખ્યા વધી રહી છે. ઉપરાંત સલ્ફોનેમાઇડ પર આધારિત પેનિસિલિન જેવી જૂની એન્ટિબાયોટિકની સામે પ્રતિકાર વધી રહ્યો છે. અગાઉ ન્યાસાલેન્ડ તરીકે જાણીતા અને હવે માલાવી (કે માળવી?) તરીકે જાણીતા આફ્રિકી દેશના બ્લાન્ટાયરથી મળતા સમાચાર ચોંકાવનારા છે. ગયા વર્ષે ત્યાં ટાઇફોઇડના ૭૮૨ કેસ થયા હતા. ૧૯૯૮ અને ૨૦૧૦ વચ્ચે દર વર્ષે ૧૪ જેટલા સરેરાશ કેસ થતા હોય ત્યાં ૭૮૨નો આંકડો ખરેખર ચોંકાવનારો ગણાય. અનેક એન્ટિબાયોટિક્સ સામે પ્રતિકારશક્તિ ધરાવતા ચેપનું પ્રમાણ ૭ ટકાથી વધીને ૯૭ ટકા થયું હતું. એનો અર્થ એ થયો કે મોટા ભાગના કિસ્સાઓમાં એન્ટિબાયોટિક્સથી કોઈ હેતુ સરવાનો નહોતો.

મલાવી વિશ્વના સૌથી ઓછા વિકસિત દેશોમાં આવે છે. ત્યાં અર્થતંત્ર ખેતી આધારિત છે અને મોટા ભાગે ગ્રામીણ વસતિ છે. ત્યાં આરોગ્ય કાળજી અને શિક્ષણને સુધારવામાં સરકાર સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ દેશમાં લોકોનું આયુષ્ય ઓછું છે અને બાળ મૃત્યુ દર પણ ઘણો ઊંચો છે. ત્યાં એઇડ્સ, ટાઇફોઇડ, મેલેરિયા વગેરે રોગોનું પ્રમાણ પણ વધુ છે. સૌથી પહેલો ક્રમ એઇડ્સથી થતાં મોતનો આવે છે અને તે પછી શ્વસનને લગતા રોગોથી થતાં મોતનો આવે છે.

ગત માર્ચના સમાચાર પ્રમાણે, યુગાન્ડાના કંપાલા, વાકિસો, મુકોનો જિલ્લામાં પણ ટાઇફોઇડનો જવર ફેલાયો હતો. ૫ માર્ચ, ૨૦૧૫ની સ્થિતિ પ્રમાણે, કંપાલા શહેરમાં કુલ ૧,૯૪૦ કેસ ટાઇફોઇડના નોંધાયા હતા. સૌથી વધુ ટાઇફોઇડ ૨૦ વર્ષથી માંડીને ૩૯ વર્ષના પુરુષોમાં જોવા મળ્યો હતો. મોટા ભાગના કિસ્સાઓમાં, પુરુષો ધંધા કરતા હતા અથવા શ્રમિકો તરીકે કામ કરતા હતા. ખાણીપીણીનો ધંધો કરતા અને રસોઇયાઓ પણ ચેપનો ભોગ બન્યા હતા.

૧૨ મે, ૨૦૧૫ના હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, મુંબઈના ડૉક્ટરોએ પણ કહ્યું હતું કે ટાઇફોઇડના કિસ્સાઓમાં વધારો થયો છે. આનું કારણ એ હોઈ શકે કે ગરમીના કારણે લોકો રસ્તા પર પાણી અને જ્યૂસ પીતા હોય. અને તે દૂષિત હોય. ગરમીમાં પાણીજન્ય રોગો સામાન્ય છે. આ વાત ભારતના અન્ય શહેરોને પણ લાગુ પડતી હોઈ શકે. ખાસ કરીને આ વર્ષે જૂન પછી લગ્ન અને અન્ય શુભ પ્રસંગોના મુહૂર્ત નથી, તેથી લગ્ન અને અન્ય પ્રસંગોના પ્રમાણમાં પણ વધારો થયો છે તો માત્ર ટાઇફોઇડ જ નહીં, ફૂડ પોઇઝનિંગના કેસોમાં વધારો હોઈ શકે.

એ તો જાણીતી વાત છે કે ટાઇફોઇડ દૂષિત પાણી અથવા ખોરાકથી ફેલાય છે અને તેમાં તાવ આવે, માથું દુખે જેવાં લક્ષણો જોવા મળે. મોટા ભાગે ગરીબ વસતિમાં, ગંદકીભર્યા વાતાવરણમાં અને મળમૂત્રનો નિકાલ બરાબર ન થતો હોય તેવી જગ્યાએ ટાઇફોઇડ થવાની શક્યતા છે. આ ઉપરાંત જેઓ આવી અસ્વચ્છ જગ્યાએ જતા હોય અથવા જેઓ આવા અસ્વચ્છ વાતાવરણવાળા દેશમાં મુસાફરી કરતા હોય તેમને પણ ટાઇફોઇડ થવાની શક્યતા રહેલી છે. આથી જ યુપીએ સરકાર નિર્મળ ભારતના નામે અને મોદી સરકાર સ્વચ્છ ભારતની ઝુંબેશ ચલાવે છે, પરંતુ નાગરિકોમાં જ્યાં સુધી સ્વચ્છતાની સ્વયંશિસ્ત નહીં આવે ત્યાં સુધી બધું નકામું છે.

ટાઇફોઇડની જો યોગ્ય સારવાર યોગ્ય સમયે કરવામાં ન આવે તો ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ પર્ફોરેશન (આંતરડામાં છિદ્રો પડવાં) જેવી જટિલતા થઈ શકે છે અને કેટલાક કિસ્સામાં દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. એક અંદાજ પ્રમાણે, દર વર્ષે ૨ લાખ લોકો ટાઇફોઇડના કારણે મૃત્યુ પામે છે. (અહીં ટાઇફોઇડથી ભયભીત કરવાનો કોઈ હેતુ નથી, માત્ર ચેતવવાનો જ છે.)

આ ચેપનો સ્રોત જાણવા, યુકેના હિન્ક્સટનમાં વેલકમ ટ્રસ્ટ સેન્ગર ઇન્સ્ટિટ્યૂટમાં ચેપના રોગોના વિશેષજ્ઞ વનેસા વોંગના નેતૃત્વમાં એક ટીમે ૨૧ દેશોના ૧,૮૦૦થી વધુ સાલ્મોનેલ્લા ટાઇફીના જીનોમને શ્રેણીબદ્ધ ગોઠવ્યા. તેમાં આ એચઅઠાવન તરીકે જાણીતા સાલ્મોનેલ્લા જવાબદાર જણાયું. સંશોધકોના ૪૭ ટકા નમૂનામાં તે હતું અને તે કેટલીક એન્ટિબાયોટિક સામે પ્રતિકાર ધરાવતું હતું.

એચઅઠાવનના નમૂનાઓ સરખાવવાથી જણાયું કે દક્ષિણ એશિયામાં તો ૨૫-૩૦ વર્ષ પહેલાં એટલે કે ઈ.સ. ૧૯૮૫ આસપાસ તે ઉદ્ભવી ચુક્યું હતું. તે પછી મધ્ય એશિયા અને તે પછી પેસિફિક ટાપુઓ પર તે ફેલાયું. આ બૅક્ટેરિયા અનેક વાર એશિયાથી પૂર્વ આફ્રિકા પહોંચ્યું અને પછી લોકો ધંધા માટે આવતા હોઈને દક્ષિણ આફ્રિકામાં પણ પહોંચ્યું.

આ એચઅઠાવન કેમ ડ્રગ પ્રતિકારશક્તિ ધરાવે છે?

વોંગ અને તેમના સાથીઓએ તારણ કાઢ્યું કે જ્યાં ટાઇફોઇડ સામે જૂની એન્ટિબાયોટિક્સનો વારંવાર ઉપયોગ થતો હતો ત્યાં એચઅઠાવન વધુ જોવા મળે છે. આ પેલા જેવું છે. તમે પિતા તરીકે તમારા બાળકને એક વાર મારો તો કદાચ તમારા મારની અસર થાય, પરંતુ વારંવાર મારો તો તે તેનાથી રીઢું થઈ જાય.

જેતે દેશના લોકોને ખબર હતી કે પોતાના દેશમાં ટાઇફોઇડના જવરનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ આજુબાજુના દેશોમાં પણ તે પ્રસરી રહ્યો છે તેની જાણ નહોતી. આ કડીઓ જોડવાનું કામ કર્યું વોંગ અને તેની ટીમે. ટાઇફોઇડના આટલા બધા પ્રસાર પાછળ જાગૃતિ ન હોવાનું વધુ એક કારણ યુકેની યુનિવર્સિટી ઑફ કોવેન્ટ્રીના માઇક્રોબાયોલોજિસ્ટ માર્ક એટમેન મુજબ એ છે કે ટાઇફોઇડને અન્ય તાવથી અલગ પાડવો મુશ્કેલ છે. ટાઇફોઇડ જ થયો છે તેવું નિદાન કરવા માટે ફિઝિશિયનોએ ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી બૅક્ટેરિયા લેવો પડે અને તેને સંવર્ધિત (કલ્ચર્ડ) કરવો પડે. આ પ્રક્રિયા ઘણા દિવસો માગી લે અને વિકાસશીલ દેશોમાં ઘણી વાર આ શક્ય નથી બનતું.

પરંતુ આ એચઅઠાવન તો ભારે માથાભારે છે! વોંગના કહેવા પ્રમાણે તે માત્ર જૂની એન્ટિબાયોટિક્સ જ નહીં, ફ્લોરોક્વિનોલોન્સ અને એઝિથ્રોમાયસીન જેવી નવી એન્ટિબાયોટિક્સને પણ ગણકારતું નથી! આના પરિણામે, તબીબો પાસે દવાના વિકલ્પો ખૂટી રહ્યા છે. હવે વોંગની ટીમ એચઅઠાવન શા માટે અન્ય સાલ્મોનેલ્લા ટાઇફીથી માથાભારે નીકળ્યું અને શા માટે તે આટલી વ્યાપક રીતે ફેલાઈ રહ્યું છે તે શોધવા માગે છે.

સ્વાભાવિક છે કે આ માહિતી વગર સંશોધકો અને તબીબોને આફ્રિકામાં રોગચાળાનું સ્વરૂપ લઈ લીધેલા ટાઇફોઇડને નાથવામાં નાકે દમ આવી જવાનો છે. ટાઇફોઇડ માટે રસીઓ છે પરંતુ તે ટૂંકા ગાળા માટે જ અસરકારક છે. અને ઘણી વાર તો તે લેવાતી પણ નથી. માત્ર એચઅઠાવન જ નહીં, તે સિવાયના બેક્ટેરિયાના ક્લોન પણ માથાભારે કેમ બન્યાં તે રહસ્ય છે.

વેલકમ ટ્રસ્ટમાં જીનેટિક્સ ગોર્ડન ડૂગન કહે છે કે હવે આની સામે તાત્કાલિક કંઈક પગલાં લેવાની જરૂર છે.

ટાઇફોઇડ થઈ ગયા પછી એચઅઠાવન જેવા બૅક્ટેરિયા સામે નાથવા માટેનો રસ્તો શોધાય ત્યારે ખરો, પરંતુ અત્યારે તો ટાઇફોઇડ ન થાય તે માટે બહારનાં પાણી અને જ્યૂસથી બચવું જોઈએ અને ઘરમાં પણ સ્વચ્છતા જાળવી શુદ્ધ પાણી અને અન્ય પીણાં પીવાનો આગ્રહ રાખવો જ હિતકારી છે.

(ગુજરાત ગાર્ડિયનની શનિવારની સાયન્સ પૂર્તિમાં તા. ૧૬/૫/૧૫ના રોજ આ લેખ છપાયો)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment