Home » અણ્ણાનું આંદોલન : આગાઝ તો અચ્છા હૈ…

અણ્ણાનું આંદોલન : આગાઝ તો અચ્છા હૈ…

by Jaywant Pandya

(૨૩/૪/૧૧ના ‘અભિયાન’ માં છપાયેલો લેખ)

(લખ્યા તા. ૧૨/૪/૨૦૧૧ )

હજુ ૨ એપ્રિલે મળેલા વિશ્વકપ વિજયના કારણે દેશે દિવાળી જેવી ઉજવણી કરી હતી ત્યાં ૫ એપ્રિલે અચાનક જ ટીવી પર ક્રિકેટના સમાચાર છોડીને અલગ જ પ્રકારની ફ્લેશ થવા લાગી, ૬ એપ્રિલ, ૨૦૧૧નાં સમાચારપત્રોનાં મથાળાં ગાજી ઉઠ્યાં ઃ

– ભ્રષ્ટાચાર સામે અણ્ણા હઝારેનો અનશન જંગ

– લોકપાલ બિલની માગણીના ટેકામાં અણ્ણા હઝારે ઉપવાસ પર

– ઇટ્સ ફાઇટ ટુ ફિનિસ ફોર સિવિલ રાઇટ્સ ઃ હઝારે

– એક્વિટ્સ બિલ કોલ્સ ફોર લોકપાલ એઝ સુપરકોપ, સુપરજજ

– હઝારે ફાસ્ટ ફીડ્સ નેશન્સ ડિમાન્ડ ટૂ ફાઇટ કરપ્શન

– હઝારે કે સાથ ઉતરેં હજારો

–  ૭૨ વર્ષ કી ઉમ્ર મેં ભ્રષ્ટાચાર કે ખિલાફ લડાઈ

જોકે ૫ એપ્રિલે આ સમાચારો ટીવી પર ચમકાવતી વખતે કે અખબારોનાં મથાળાં બાંધતી વખતે તંત્રીઓને કદાચ કલ્પના નહીં હોય કે આ આંદોલન દેશભરમાં કેવી હિલચાલ મચાવી દેશે. સૂતેલી જણાતી પ્રજાને જગાવી દેશે. ફેસબુક, ટિ્વટર સહિતની સોશિયલ નેટવર્કંિગની વેબસાઇટો પર અણ્ણાના સમર્થનમાં સંદેશાઓથી વેબસ્પેસ ભરાઈ જશે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારને હચમચાવી દેનાર આ આંદોલનના કેન્દ્રબિંદુ જેવા જંતરમંતર પર કેવું ઉત્સવનું વાતાવરણ સર્જાશે. આખા દેશમાં જ્યાં પણ શક્ય બને ત્યાં લોકો ઉપવાસ પર ઉતરી જશે. અણ્ણાના સમર્થનમાં લાખો મિસ કોલ અને એસએમએસ થશે.

૧૬ એપ્રિલ, ૨૦૧૧ના ‘અભિયાન’માં વિશ્વકપ વિજયની કવરસ્ટોરીમાં લખ્યું હતું ઃ ટુજી સ્પેક્ટ્રમ, રાષ્ટ્રકુળ રમતો, આદર્શ કોઓપરેટિવ સોસાયટી…વગેરે કૌભાંડોની હારમાળા, ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ ત્રાસવાદી હુમલા, પેલી વાર્તાની રાજકુમારીની જેમ, દિવસે ન વધે એટલી રાત્રે વધે અને રાત્રે ન વધે એટલી દિવસે વધે  તેવી મોંઘવારી, આ બધાની માનસિક અકળામણ અને આર્થિક સંકડામણના કારણે પ્રજામાં ખૂબ બેચેની હતી. એટલી બધી કે કદાચ, ટ્યુનિશિયા, ઈજિપ્ત સહિતના આરબ વિશ્વમાં થયેલી કે થઈ રહેલી ક્રાંતિની આગની જ્વાળા ભારતમાં પણ પ્રસરે તેવી શક્યતા જોવાઈ રહી હતી, પણ ક્રિકેટના મહાકુંભ ગણાતા વિશ્વકપ સ્પર્ધામાં ભારતના વિજયે આ જ્વાળાઓ પર ઠંડુ પાણી ફેરવી દીધું! અને પ્રજામાં નવો ઉલ્લાસ, નવો ઉમંગ અને નવી ઊર્જા ભરી દીધી!

પણ ના. વિશ્વકપ વિજયે જ્વાળાઓ પર ઠંડુ પાણી નહોતું ફેરવ્યું. હા, એ સાચું કે પ્રજામાં નવી ઊર્જા ભરી દીધી અને એ ઊર્જા બહાર આવી આ આંદોલન સ્વરૂપે. ઈજિપ્તની જેમ જ, આટલા આક્રોશ છતાં ક્યાંય કોઈ હિંસા નહીં. નર્યા ગાંધીવાદી માર્ગે આંદોલન થયું. એક અણ્ણા હઝારેએ પહેલ કરી તો (ગણ્યા ગાંઠ્યા ભ્રષ્ટાચારીઓ અને ગેંડા જેવી ચામડીના રાજકારણીઓને બાદ કરતાં) આખો દેશ તેના સમર્થનમાં કૂદી પડ્યો. જેની અણ્ણાને પોતાને પણ નવાઈ લાગે છે પરંતુ સુખદ આશ્ચર્ય છે કે અણ્ણાને ‘હુ કેર્સ?’નો અભિગમ ધરાવતા હોવાનું મનાતા યુવાનોનો મોટા પાયે ટેકો મળ્યો. અરે! શાળાએ જતાં બાળકો પણ અણ્ણાની તરફેણમાં આગળ આવ્યા.

જંતરમંતર પર તો જોવા જેવો માહોલ હતો. વિદ્યાર્થીઓ અને કોલેજિયનો તિરંગો લહેરાવતા હતા. દેશભક્તિનાં ગીતો વાગી રહ્યાં હતાં. ઠેરઠેરથી લોકો સ્વયંભૂ આવી રહ્યા હતા. હસન સિદ્દિકી નામના વસ્ત્રોના એક વ્યાપારી જન્મથી જ અંધ છે. તેઓ લાકડી સાથે ‘વંદેમાતરમ’નો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. એક મુલાકાતમાં સિદ્દિકીએ કહ્યું, ‘હું અંધ છું તો શું થયું. હું સાંભળી શકું છું અને સૂત્રોચ્ચાર કરી શકું છું. હું ભારતીય છું અને ભ્રષ્ટાચાર સામે લડતા કોઈ પણ ભારતીયને હું ટેકો આપીશ.’

આંદોલનમાં હિસ્સો લેવા તો લોકો આવતા જ હતા, પરંતુ આ ચળવળમાં ભાગ લેનારાઓની મદદ માટે અનેક લોકો સ્વયંસેવક બનીને આવ્યા. અણ્ણાના સાથીદાર અને આરટીઆઈ ચળવળકાર અરવિંદ કેજરીવાલ કહે છે, ‘પહેલેથી કંઈ નક્કી નથી થયું. રોજિંદા ધોરણે જ બધું બની રહ્યું છે. અમારી પાસે તો ગણ્યાગાંઠ્યા સ્વયંસેવકો જ હતા. બાકી બધા તો સ્વયંભૂ ઉમટેલા સ્વયંસેવકો છે. અમે રોજ જાહેરાત કરતા હતા અને લોકો તેમાં જોડાતા હતા.’

ઉમટેલી મેદનીને નિયંત્રણમાં રાખવા માનવસાંકળ બનાવવાથી લઈને સ્ટેજ આસપાસની પરિસ્થિતિ સંભાળવી, સમર્થકોને પાણી પૂરું પાડવું, નામો લખવા અને જે લોકો ચળવળમાં જોડાતા હતા તેમની સંપર્ક વિગતો લખવી આ બધા માટે ઘણાએ સામે ચાલીને સેવા પૂરી પાડી. આઈએએસની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા ગુડ્ડુકુમાર, લખનઉથી આવેલા ૩૩ વર્ષીય ત્રિપાઠી જેવા અનેક લોકો હતા જેમણે સ્વયંસેવક તરીકે સેવા આપી. સ્વયંસેવક બનવા પણ લાંબી લાઇન લાગી ગઈ હતી! માત્ર તન અને મનથી જ નહીં, લોકોએ ફાળો આપીને ધનથી પણ આ આંદોલનમાં પોતાનું પ્રદાન આપ્યંુ!

ક્રિકેટરો અને ફિલ્મસિતારાઓ પણ અણ્ણાના સમર્થનમાં આગળ આવ્યા. હજુ તો બે દિવસ પહેલાં વિજયી સિક્સર અને અણનમ ૯૧ રનની કપ્તાનની ઇનિંગ્સ ખેલીને ભારતના ‘હીરો’ બની ગયેલા મહેન્દ્રસિંહ ધોનીએ આ ખરા અર્થમાં ‘નાયક અણ્ણાના સમર્થનમાં કહ્યું : ભારતીય ક્રિકેટ ટીમ કરતાં વધુ સમર્થન અણ્ણાને મળવું જોઈએ. દેશ માટે ચિંતાના મુદ્દાઓ પર, ફિલ્મોદ્યોગમાં અન્ય કલાકારો કરતાં પ્રમાણમાં વધુ સજાગ એવા આમિર ખાને અગાઉ આ જ વાત કહેલી. ૧૯૮૩ની વિશ્વકપ વિજેતા ટીમના કપ્તાન કપિલ દેવે પણ ભ્રષ્ટાચાર વિરોધી કડક કાયદો બનાવવા હિમાયત કરી. ઋત્વિક રોશન, પ્રિયંકા ચોપરા, સોનાક્ષી સિંહા, રઝા મુરાદ, મધુર ભંડારકર, અનુપમ ખેર, શબાના આઝમી, ફરહાન અખ્તર, જશપાલ ભટ્ટી અને સહસ્ત્રાબ્દિ (મિલેનિયમ)ના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચને પણ આ નાયકનું સમર્થન કર્યું. માત્ર ક્રિકેટરો અને ફિલ્મસિતારાઓ જ નહીં, ભારતનું કોર્પોરેટ જગત પણ અણ્ણાને ટેકો આપવા આગળ આવ્યું. બજાજ ઓટોના ચેરમેન રાહુલ બજાજ, ગોદરેજ જૂથના ચેરમેનના અદી ગોદરેજ અને ફિક્કિના ડાયરેક્ટર જનરલ રાજીવકુમાર વગેરેએ ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશને ટેકો જાહેર કર્યો.

‘નો ઇફ નો બટ, ઓન્લી જટ’ એવું જેના માટે કહેવાય તે જાટ સમુદાયે પણ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં ઝુકાવી દીધું. ઢોલ વગાડતા વગાડતા ભ્રષ્ટાચાર વિરોધી ગીતો ગાતા ૧૦૦ થી વધુ જાટ લોકોનો સામૂહિક અવાજ એટલો બુલંદ હતો કે જંતર મંતર પર પ્રવચન કરી રહેલા બાબા રામદેવનો માઇક પરથી રેલાતો અવાજ દબાઈ ગયો હતો. જાટ લોકોના ગીતમાં અન્ય દેશવાસીઓ પણ જોડાઈ ગયા હતા. શબ્દ હતા…

દેશ કે જાટ હૈં, હઝારે કે સાથ હૈં

ભ્રષ્ટાચારીયોં કી ખાટ હૈં…

છેલ્લાં કેટલાંક વર્ષોથી માધ્યમોની ‘નોન ઇશ્યૂ’ને ‘ઈશ્યૂ’ બનાવીને તેને રબરની જેમ ખેંચવા માટે બહુ ટીકા થઈ છે, પરંતુ ૬ એપ્રિલથી માધ્યમોએ યથાર્થ જ આ આંદોલનને સારું કવરેજ આપ્યું. (જોકે ટીકા કરનારાઓએ તેની પણ ટીકા કરી છે.) તેના કારણે પણ કદાચ અણ્ણાને કલ્પનાતીત સમર્થન મળ્યું હોઈ શકે. માધ્યમોએ અણ્ણાને ‘નાયક’ તરીકે યોગ્ય જ ચિત્રિત કર્યા. નહીં તો વિશ્વકપના વિજયના અને ક્રિકેટરોને લગતા સમાચારો અને તે પછી આઈપીએલ ટુર્નામેન્ટના સમાચારોમાં અણ્ણાના આંદોલનના સમાચારો દબાઈ જવાની પૂરી શક્યતા હતી.

૨ એપ્રિલે સંપન્ન ક્રિકેટ વિશ્વકપ અને ૮ એપ્રિલે ચાલુ થયેલા આઈપીએલ વચ્ચેના આ દિવસોમાં લોકોએ બતાવી દીધું કે ક્રિકેટ હોય કે કંઈ પણ હોય, તેનો કેફ તેમને ચડ્યો નથી. ટુજી સ્પેક્ટ્રમ, આદર્શ, રાષ્ટ્રકુળ રમતો વગેરે તાજા કૌભાંડો હોય કે અગાઉના કૌભાંડો, અમને બધું જ યાદ છે. અમે ભૂલ્યા નથી. ભૂલવાના પણ નથી. ‘અભિયાન’ના ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૧ના અંકમાં ‘ક્રાંતિ હવે કેમ નથી થતી?’ લેખમાં લખાયું હતું : ‘…કે પછી કોઈ આગેવાની લે તેની આ દેશને રાહ છે? આગેવાની લે તેવી વ્યક્તિ ક્યાં છે?’

…અને ૫ એપ્રિલે તેનો જવાબ જાણે કે મળી ગયો : અણ્ણા હઝારે!

મહારાષ્ટ્રના એક નાના એવા ગામ રાલેગણ સિદ્ધિના આ અણ્ણા હઝારેનું નામ ૩૦ વટાવી ગયેલા લોકોએ તો સાંભળ્યું હતું, પરંતુ મોબાઇલ, ઇન્ટરનેટ, આઈપોડના સંગાથી ‘જનનેક્સ્ટ’એ સાંભળ્યું નહોતું. ભ્રષ્ટાચાર સામે આ પહેલાં ૯૦ના દાયકામાં ઝુંબેશનો વાયરો ફુંકાયો હતો. ચૂંટણી પંચના માથા ફરેલ વડા ટી. એન. શેષન, મુંબઈના ‘ડિમોલિશન મેન’ તરીકે જાણીતા તથા ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર ગોવિંદ રાઘો ખેરનાર અને અણ્ણા હઝારે…આ બધાએ ભ્રષ્ટાચાર અને અન્યાય સામે પોતપોતાની રીતે ઝંડા ઉપાડેલા. સમય જતાં જતાં શેષન અને ખેરનાર આ મોરચે લગભગ અદ્રશ્ય થઈ ગયાં. ખેરનારના તો વિચાર જ બદલાઈ ગયા છે.

આવામાં અણ્ણાએ પોતાની રીતે મશાલને સળગતી રાખી છે. અણ્ણાનું યોગદાન માત્ર આંદોલનની રીતે જ નથી. તેમનું માન એટલા માટે પણ છે કે તેમણે તેઓ જ્યાં રહે છે તે ગામ  રાજ્યને વિકાસની રીતે ઘણું પ્રદાન કરેલું છે અને આગેવાની પૂરી પાડી છે.  તેમનું માન એટલા માટે છે કે તેમણે ક્યાંય પોતાનો સ્વાર્થ સાધ્યો નથી. તેમનું પોતાનું કુટુંબ જ નથી. માતા ગુજરી ગયાં છે અને બે બહેનો છે તે પરણેલી છે. કિશન બાપટ બાબુરાવ હઝારે કદાચ લોકોને એટલા માટે પણ ખરા અર્થમાં ‘અણ્ણા’ લાગે છે કે તેઓ કોઈ હિંસાત્મક કે કટ્ટરતાની વાતો નથી કરતાં, નર્યા ગાંધીચિંધ્યા માર્ગે ચાલે છે. અણ્ણાને સત્તાનો કોઈ મોહ નથી, તેવું અત્યારે તો દેખાય જ છે અને અત્યાર સુધીનું તેમનું જીવન જોતાં તેમની આ વાત માનવાનું મન પણ થાય છે. તેઓ કોઈ ભાજપ, સામ્યવાદી, સમાજવાદી કે અન્ય કોઈ પણ પક્ષની દોરવણી હેઠળ કામ કરી રહ્યા હોય તેવું જણાતું નથી. તેમણે રાજકારણીઓને આંદોલનથી દૂર રાખ્યા છે. રાષ્ટ્રીય લોક દળના અજિતસિંહ, ઇન્ડિયન નેશનલ લોક દલના ઓમપ્રકાશ ચૌટાલા, ભારતીય જનશક્તિ પાર્ટીનાં ઉમા ભારતી વગેરે નેતાઓ આંદોલનને સમર્થન આપવા આવ્યા તો તેમને પણ સ્ટેજથી દૂર રાખવામાં આવ્યા. આ અંગે હઝારે કહે છે, ‘વિરોધી પક્ષના નેતાઓ મારી સાથે આવીને લાભ ખાટવાનો પ્રયાસ કરે છે અને પરિણામે મારા આંદોલનને રાજકીય રંગ લાગી જાય છે. ભૂતકાળમાં આવું બન્યું હતું. એટલે જ રાજકારણીઓને હું દૂર રાખું છું. તમારે બેસવું હોય તો લોકો વચ્ચે બેસો, પણ મંચ પર નહીં.’ અણ્ણાના આવા વલણના કારણે અત્યાર સુધી તેમની છાપ તટસ્થ વ્યક્તિ તરીકે ઉપસી છે. અલબત્ત, સમય માપી જઈને ભાજપ અને જનતા દળ (યૂ)એ શરૂઆતથી જ તેમના આંદોલનને ટેકો જાહેર કરી દીધો હતો, પરંતુ પ્રજા રાજકીય પક્ષોને સારી રીતે જાણી ગઈ છે. જે ભાજપ કે અન્ય વિરોધી પક્ષોએ કરવું જોઈતું હતું તે અણ્ણા કરી રહ્યા છે અને અણ્ણાએ જેવું આંદોલન શરૂ કર્યું એટલે તેને ટેકો જાહેર કરી દેવો તેનો અર્થ રાજકીય લાભ ખાટવાનો છે કે બીજો કંઈ?

પણ સવાલ એ થાય કે અણ્ણાને એકાએક આ આંદોલન કરવાનું કેમ સૂજ્યું? આ પહેલાં તેઓ ક્યાં હતા? પોતાના ગામને વોટરશેડ ડેવલપમેન્ટ દ્વારા હરિયાળું બનાવવાથી લઈને દારૂની ચૂંગાલમાંથી છોડાવવા સહિત અનેક વિકાસનાં કામો અને ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ તેમણે ચલાવી, મહારાષ્ટ્રમાં આર.ટી.આઈ.નો કાયદો લાવવા ફરજ પાડી જેના પગલે દેશભરમાં આ કાયદો લાગુ પડાયો. આમ અણ્ણા સતત કાર્યરત તો હતા જ અને એવામાં ૩૦ જાન્યુઆરી ને શહીદ દિને તેમણે લોકપાલ ખરડો લાવવા કિરણ બેદી, સ્વામી અગ્નિવેશ અને વકીલ પ્રશાંત ભૂષણ સાથે દિલ્હી ૫૦ શહેરોમાં કૂચ યોજી હતી. ૨૬ ફેબ્રુઆરીએ તેમણે જાહેર કર્યું કે જો વડા પ્રધાન મનમોહનસિંહ લોકપાલ ખરડો ઘડવા માટે નાગરિકોને નહીં સમાવે તો તેઓ ૫ એપ્રિલથી ઉપવાસ પર ઉતરશે. ૩ માર્ચે વડા પ્રધાને પત્ર લખી અણ્ણાને ચર્ચા માટે આમંત્ર્યા. વડા પ્રધાન અને અણ્ણા, કિરણ બેદી, સ્વામી અગ્નિવેશ, પ્રશાંત ભૂષણ અને શાંતિભૂષણ વગેરે વચ્ચે બેઠક થઈ. વડા પ્રધાને ૮ માર્ચે લોકપાલ ખરડા બાબતે એક પેટા સમિતિ રચી જેમાં મંત્રીઓ એ. કે. અન્ટોની, એમ. વીરપ્પા મોઈલી, કપિલ સિબલ અને શરદ પવારનો સમાવેશ કરાયો. આ પેટા સમિતિએ ૨૮ માર્ચે અણ્ણા હઝારે સહિતના લોકો સાથે બેઠક તો કરી પણ તેમાં તારણ નીકળ્યું નહીં. અણ્ણાએ જાહેર કર્યું કે તેઓ ઉપવાસ પર જશે જ. આમ, બે મહિનાથી આખો મામલો ચાલી રહ્યો હતો અને ઉપવાસ પર બેઠા પછી પણ સરકારે ખાસ ગંભીરતાથી તેને લીધું નહોતું. તેમને એમ કે અણ્ણાને મનાવી લેવાશે. ચાર દિવસ સુધી અણ્ણાનું આંદોલન ખેંચાયું. વાટાઘાટો ચાલતી રહી. પણ એક તરફ પાંચ રાજ્યોમાં ચૂંટણી અને બીજી તરફ અણ્ણાને મળેલા કલ્પનાતીત પ્રતિસાદના કારણે અંતે સરકાર ઝૂકી. ચોથા દિવસે અણ્ણાએ જાહેર કર્યું કે તેઓ ૯ એપ્રિલે તેમનો ઉપવાસ તોડશે. સરકારે પેનલ બનાવવા જાહેરાત કરી જેમાં ૫૦ ટકા નાગરિકોનો સમાવેશ કરાશે. નાણા મંત્રી પ્રણવ મુખર્જીની અધ્યક્ષતાવાળી આ પેનલમાં સરકાર તરફથી ગૃહ મંત્રી પી. ચિદમ્બરમ, દૂરસંચાર મંત્રી કપિલ સિબલ, કાયદા મંત્રી વીરપ્પા મોઈલી, જળ સંસાધન મંત્રી સલમાન ખુરશીદ અને નાગરિક સમાજ તરફથી ભૂતપૂર્વ કાયદા મંત્રી શાંતિ ભૂષણ, અણ્ણા હઝારે, સર્વોચ્ચ ન્યાયાલયના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ સંતોષ હેગડે, આર.ટી.આઈ. ચળવળકાર અરવિંદ કેજરીવાલનો સમાવેશ થાય છે.

પેનલ રચાયા પછી પણ વિવાદો તો જાગ્યા જ છે. બાબા રામદેવ, જેમણે હવે યોગમાંથી રાજકારણમાં ઝુકાવ્યું છે, તેમણે આક્ષેપ કર્યો કે પેનલમાં પિતા  પુત્ર શાંતિ ભૂષણ અને પ્રશાંત ભૂષણ બંનેના સમાવેશથી સગાવાદ કરાયો છે. જોકે અણ્ણાએ સ્પષ્ટતા કરી દીધી કે આ બંને પિતા  પુત્રના કાયદાકીય જ્ઞાનના કારણે જ તેમને સમિતિમાં લેવાયા છે. બાબા રામદેવે આ મામલે પીછેહટ કરી લીધી છે. તે પછી કપિલ સિબલે લોકપાલ ખરડો આવી જવાથી દેશનો ઉદ્ધાર નહીં થઈ જાય તે મતલબનું નિવેદન આપતા અણ્ણાએ, ‘તો કપિલ સિબલે પેનલમાંંથી નીકળી જવું જોઈએ’ તેવું સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે. સરકારે ૩૦ જૂન સુધીમાં ખરડાનો મુસદ્દો તૈયાર કરી લેવા જણાવ્યું છે અને અણ્ણાએ પણ સામે પક્ષે કહ્યું છે કે જો ૧૫ ઓગસ્ટ સુધીમાં લોકપાલ ખરડો પસાર નહીં થાય તો તેઓ આંદોલન ફરી શરૂ કરશે.

જ્યારે આંદોલન સમેટી લેવાયું ત્યારે ઘણા લોકોને લાગ્યું કે બહુ સસ્તામાં વાત પતી ગઈ, માત્ર લોકપાલ ખરડા પૂરતું આ આંદોલન સિમિત રાખવા જેવું નહોતું. જોકે અણ્ણાએ જાહેર કર્યું કે આ આંદોલનનો અંત નથી, પ્રારંભ છે. લોકપાલ ખરડા પછી ચૂંટણી પ્રક્રિયામાં સુધારા, ચૂંટાયેલા પ્રતિનિધિને પાછા બોલાવવાનો અધિકાર, બધા જ ઉમેદવારો નાપસંદ હોય તો કોઈ પસંદ નથી તેવી પસંદગી પર મત આપવા સહિતના અનેક મુદ્દે તેઓ લડત આપવા માગે છે.

લોકપાલ ખરડો ઘડતી વખતે કેટલીય રમતો રમાવવાની આશંકા હતી, પણ અણ્ણાએ આ આખી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવાનું સૂચન કરીને જબરો ફટકો માર્યો, પણ કોંગ્રેસે એને ફગાવી દીધી છે. આના પરથી કોંગ્રેસની મેલી મુરાદ સ્પષ્ટ દેખાઈ આવે છે. જે રીતે અત્યારના રાજકારણીઓ વર્તી રહ્યા છે તે જોતાં એવું લાગે કે અંગ્રેજોના સમયમાં જે રીતે આઝાદી મળી ગઈ તે રીતે અત્યારે ભ્રષ્ટાચાર મુક્ત  કાયદાને વળગી રહેતું સુશાસન મળે તેમ નથી. અણ્ણા કરતાં જો બીજા કોઈ વ્યક્તિએ ઉપવાસ કર્યા હોત તો કદાચ આ રાજકારણીઓ તેને ગણકારત પણ નહીં. સ્થાહિત હિત ધરાવતા રાજકારણીઓ, કોર્પોરેટ, અણ્ણાને અને તેમના સાથીઓને તોડવાના પ્રયાસો ભરપૂર કરશે. તેમની વચ્ચે તડા પડાવવા પણ કોશિશો થશે.

અણ્ણાએ પોતે જ કહ્યું છે કે તેમને મારવા માટે કેટલાક લોકોએ સુપારી આપી છે. કોઈકે રૂ. ૩૦ લાખ આપ્યા છે. જે રીતે સર્વોચ્ચ ન્યાયાલય સહિત ન્યાયાલયોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, રાજકારણીઓ અને બ્યુરોક્રસીમાં તો ભ્રષ્ટાચાર છે જ, અરે! કેન્દ્રીય તકેદારી પંચના વડા પોતે જ ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયા હોય, સમગ્ર દેશમાં ભ્રષ્ટાચાર કેન્સરની જેમ રગેરગમાં ફેલાઈ ગયો હોય ત્યારે અણ્ણાની આ ચળવળ કેટલી સફળ રહેશે તે કેવું મુશ્કેલ છે. અત્યારે તો એમ જ કહી શકાય કે,

આગાઝ તો અચ્છા હૈ…

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

PH Bharadia 26/04/2011 - 1:32 PM

જયવંતભાઈ,
ભારતના લોકોને કુંભકર્ણની ઊંઘ ચડી ગઈ છે.
આપણી બધાની સમક્ષ દુનિયાના પટ પર ઈજીપ્ત,ત્યુનીશીયા,
બેહેરીન,યમન અને લીબિયાના દાખલાઓ છે તેની પ્રજા
એકસામટી જાગૃત થઇ ગઈ છે પણ આપણા લોકોની તો
ઊંઘ જ ઉડતી નથી.કાં તો ભારતના લોકો ‘એદી અને આળસુ’
છે કે પછી તેને કઈ કક્ષામાં મુકવું પણ શરમ જનક લાગે છે.
રાજકારણીઓએ ભારતના લોકોની જાણે ”ખસ્સી’ કરી નાખી છે!!
આથી નીચલી કક્ષાના શબ્દો વધુ લખાય તેમ નથી!!
બે લીટી નો આ ઉબાળો છાપવો ના છાપવો તમારી મરજી.
લી. પ્રભુલાલ ભારદિઆ

Reply
અણ્ણાનું આંદોલન : આગાઝ તો અચ્છા હૈ… | | GujaratiLinks.comGujaratiLinks.com 09/05/2011 - 2:36 PM

[…] પ્રકારની ફ્લેશ થવા લાગી, ૬ એપ્રિલ, … Continue reading → Read, Think, […]

Reply

Leave a Comment